એનડીએના સીપી રાધાકૃષ્ણનનો વિજય, ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયા

ઇમેજ સ્રોત, X/CPRGUV
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો છે.
સીપી રાધાકૃષ્ણનનો 152 મતની સરસાઈથી વિજય થયો છે.
રાજ્યસભાના જનરલ સેક્રેટરી અને આ ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર પી.સી. મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં વિજેતાનું એલાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, "સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. આથી સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે."
આ સાથે જ દેશને જગદીપ ધનખડ પછી નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે.
એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયાના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી વચ્ચે આ મુકાબલો હતો.
મોટા ભાગના સાંસદોએ મતદાન કર્યું
આ ચૂંટણીમાં વડા પ્રધાન મોદી, નીતિન ગડકરી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું.
આંકડાઓનુ ગણિત જોતાં એનડીએની જીતની સંભાવના વધુ દેખાઈ રહી હતી તેમ છતાં વિપક્ષી ગઠબંધનને આશા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તરફથી તમામ 315 સાંસદોએ મતદાન કર્યું છે અને 100 ટકા સાંસદોએ મતદાન કર્યું છે.
સૌની નજર આંધ્રપ્રદેશના પક્ષો વાયએસઆર કૉંગ્રેસ, ટીડીપી અને ભારત રાષ્ટ્ર સમિતિ પર ટકેલી હતી,કારણ કે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર આંધ્રપ્રદેશથી છે.
શિરોમણી અકાલી દળ, ભારત રાષ્ટ્ર સમિતિ અને નવીન પટનાયકની બીજેડીએ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે તેઓ એનડીએ કે ઇન્ડિયા બંનેમાંથી કોઈના ઉમેદવારને મત નહીં આપે.
કેમ યોજાઈ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી?
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તારીખ 21 જુલાઈના રોજ મોડી રાત્રે અચાનક ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે આ ચૂંટણી થઈ રહી છે.
74 વર્ષીય ધનખડે ઑગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. એમનો કાર્યકાળ 10 ઑગસ્ટ, 2027 સુધીનો હતો.
આ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. બીજી તરફ, NDA ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનને નામાંકિત કર્યા છે. આ બંને ઉમેદવારોનો વિશેષ પરિચય જોઈએ.
વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી કોણ છે?

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીનો જન્મ આઠમી જુલાઈ, 1946ના રોજ થયો હતો. તેઓ એલએલબી થયા છે. એક વકીલ તરીકે તેઓ આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલ સાથે 27મી ડિસેમ્બર, 1971થી જોડાયેલા રહ્યા હતા.
તેમણે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રૅક્ટીસ કરી હતી.
1980-90ની વચ્ચે તેમણે હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું.
વર્ષ 1990માં બી. સુદર્શન રેડ્ડીએ કેન્દ્ર સરકાર માટે છ મહિના સુધી ઍડિશનલ સ્ટૅન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ કામ કર્યું.
તેઓ ઉસ્માનિયા યુનિવર્સિટીના કાયદાકીય સલાહકાર અને વકીલ પણ રહી ચૂક્યા છે.
2જી મે, 1995થી તેઓ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં સ્થાયી જજ નિયુક્ત થયા હતા. વર્ષ 2005માં તેઓ ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.
ત્યાર બાદ વર્ષ 2007માં તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા અને વર્ષ 2011માં તેઓ નિવૃત્ત થયા.
એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંદ્રપુરમ પોનુસામી (સીપી) રાધાકૃષ્ણન ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા છે અને લાંબા સમય સુધી સંગઠનમાં સક્રિય રહ્યા છે.
તેઓ બે વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને પાર્ટીના તામિલનાડુ એકમના અધ્યક્ષ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
સીપી રાધાકૃષ્ણને દક્ષિણ ભારતમાં ભાજપના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ તામિલનાડુના કોયમ્બતૂરથી બે વખત લોકસભામાં ચૂંટાયા હતા.
તેઓ અહીં 1998 અને 1999માં જીત્યા હતા. ત્યાર બાદ, 2004, 2014 અને 2019માં સતત ત્રણ વખત કોયમ્બતૂરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઝારખંડના રાજ્યપાલ તરીકે રહીને તેમને તેલંગણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો.
પછી જુલાઈ 2024માં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા હતા.
રાધાકૃષ્ણને તેમના રાજકીય જીવનની શરૂઆત વિદ્યાર્થી આંદોલનથી કરી હતી.
2007માં જ્યારે તેઓ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે તેમણે રાજ્યમાં 93 દિવસની 19,000 કિલોમીટર લાંબી 'રથયાત્રા' યોજી હતી.
આ યાત્રા દરમિયાન તેમણે મુખ્યત્વે નદીઓ જોડવાની યોજના, આતંકવાદ, સમાન નાગરિક સંહિતા, અસ્પૃશ્યતા અને નશાનાં દુષ્પરિણામ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
એ પછી પણ તેમણે ડૅમ અને નદીઓના મુદ્દે 280 કિલોમીટર અને 230 કિલોમીટર લાંબી બે યાત્રા યોજી હતી.
20 ઑક્ટોબર, 1957ના રોજ તામિલનાડુના તિરુપ્પુરમાં જન્મેલા સીપી રાધાકૃષ્ણને બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને તેઓ 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણી સમિતિના સભ્ય બન્યા હતા.
1996માં તેમને તામિલનાડુમાં ભાજપના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ કોયમ્બતૂરથી લોકસભાના સાંસદ બન્યા હતા.
સાંસદ તરીકે તેઓ સંસદીય સ્થાયી સમિતિ (કાપડ મંત્રાલય)ના અધ્યક્ષ પણ રહ્યા. ઉપરાંત, સીપી રાધાકૃષ્ણન સ્ટોક ઍક્સચેન્જ કૌભાંડની તપાસ માટે રચાયેલી વિશેષ સંસદીય સમિતિના સભ્ય પણ રહ્યા.
2004માં સીપી રાધાકૃષ્ણને સંસદીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી.
તેઓ તાઇવાન જનાર પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા. 2016માં તેમને કોચીસ્થિત કોયર બોર્ડના અધ્યક્ષ બનાવાયા, જ્યાં તેમણે ચાર વર્ષ સુધી કામ કર્યું.
તેમના નેતૃત્વમાં ભારતમાંથી નાળિયેરના રેસાની નિકાસ રૂપિયા 2532 કરોડના રેકૉર્ડ સ્તરે પહોંચી હતી.
2020થી 2022 સુધી સીપી રાધાકૃષ્ણન ભાજપના કેરળ પ્રભારી રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન એક ખાસ રીતે થાય છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહેવામાં આવે છે.
આમાં, મતદાતાએ ફક્ત એક જ મત આપવાનો હોય છે પરંતુ તેણે પોતાની પસંદગીના આધારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.
તે મતપત્ર પર હાજર ઉમેદવારોમાં તેમની પહેલી પસંદગીને 1, બીજી પસંદગીને 2 અને આવી જ રીતે આગળને પ્રાથમિકતા આપે છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણના અનુચ્છેદ 66 મુજબ, સંસદનાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના સભ્યોનો બનેલો ઇલેક્ટોરલ કૉલેજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટે છે.
ઉપરાષ્ટ્રપતિ માટેના ઇલેક્ટોરલ કૉલેજમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ચૂંટાયેલા સાંસદો સાથે ધારાસભ્યો પણ મતદાન કરે છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરી શકે છે.
ખાસ વાત એ છે કે બંને ગૃહો માટે નામાંકિત સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતાં નથી પરંતુ તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















