ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી : એનડીએના ઉમેદવાર સરળતાથી જીતશે કે 'ખેલ' થશે?

- લેેખક, આનંદ મણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આ માટે મતદાન 9 સપ્ટેમ્બરે યોજાશે અને સાથે એ જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તારીખ 21 જુલાઈના રોજ મોડી રાત્રે અચાનક ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે આ ચૂંટણી થઈ રહી છે.
74 વર્ષીય ધનખડે ઑગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. એમનો કાર્યકાળ 10 ઑગસ્ટ, 2027 સુધીનો હતો.
આ ચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમાએ છે. સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચાઓ સામાન્ય છે અને બંને ગઠબંધન 'ડિનર પૉલિટિક્સ'માં વ્યસ્ત છે.
રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી કહે છે કે, ''ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સામાન્ય રીતે બહું બોરિંગ હોય છે પરંતુ આ વખતેની વાત થોડી જુદી છે.''
જો ક્રોસ વોટિંગ થાય તો?
નીરજા ચૌધરી આ ચૂંટણીનું મૂલ્યાંકન સરકારની મજબૂતી, સંઘ અને સરકાર વચ્ચેના સંકલન અને નેતૃત્વનાં પરિમાણોના આધારે કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમે આ ચૂંટણીને રોચક બનાવી છે. પછી ભલે તે ધનખડનું રાજીનામું આપવાની રીત હોય કે રાજીવ પ્રતાપ રૂડીએ કૉન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવપદ પર વિજય મેળવ્યો હોય."
તેઓ કહે છે કે, "રૂડીએ એક નાના ક્લબની ચૂંટણી 100થી વધુ મતોથી જીતી હતી. તે પણ ત્યારે જ્યારે અમિત શાહ અને જેપી નડ્ડા સંજીવ બાલિયાનને ટેકો આપી રહ્યા હતા. આ ચૂંટણીમાં, સોનિયા ગાંધીને ટેકો આપવાની સાથે, શું ભાજપના સાંસદોએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું? આ પણ એક પ્રશ્ન છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે NDA ઉમેદવાર માટે જીતનો કોઈ ખતરો નથી, પરંતુ જો થોડું પણ ક્રોસ-વોટિંગ થાય છે, તો ગઠબંધન અને સરકારની તાકાત પર પ્રશ્નો ઊભા થશે.
નીરજા ચૌધરી કહે છે, "જો ગઠબંધન નિર્ધારિત સંખ્યા કરતાં વધુ મત મેળવવામાં સફળ થશે, તો તે નેતૃત્વ, તાકાત અને સંગઠનાત્મક શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરશે."
કોના પક્ષમાં નંબર?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીને અલગ દૃષ્ટિકોણથી જુએ છે. તેઓ કહે છે કે, "જ્યાં સુધી નંબર ગેમની વાત છે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એનડીએનો આ બાબતે મજબૂત છે.''
તેઓ કહે છે, ''આમાં એ જોવાનું છે કે ક્યું ગઠબંધન પોતાની નિર્ધારિત સંખ્યા કરતાં વધારે મતદાન કરાવી શકે છે. કુલ 782 વોટોમાંથી 48 વોટ એવા છે કે જે એનડીએના પણ નથી કે ઇન્ડિયા ગઠબંધનના પણ નથી''
''એનડીએ ગઠબંધનની રણનીતિની વાત કરીએ તો સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આ ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે બધાં દળો સાથે વાત કરી છે. વોટ મળે કે ન મળે એ અલગ વાત છે''
તેઓ એ જણાવે છે કે એનડીએ પાસે ચૂંટણીમાં જીત માટે જરૂરી 391 વોટથી 31 વોટ વધારે છે. ઇન્ડિયા ગઠબંધન પાસે 312 વોટ છે. એનડીએની જીત માટે કોઈ શંકા નથી.
વિજય ત્રિવેદી જણાવે છે, ''બીજી વાત એ પણ ધ્યાન ખેંચી રહી છે કે આ ચૂંટણીમાં ભાજપ અને આરએસસએસ વચ્ચે સારો સમન્વય છે. આ જ કારણે આરએસએસના એક સ્વંયસેવકને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે''
વિજય ત્રિવેદી કહે છે કે આ ચૂંટણી એક રીતે વધુ રસપ્રદ બની છે. એટલે કે, ઓડિશાના મુખ્ય પ્રાદેશિક પક્ષ બીજેડી (BJD) એ હજુ સુધી પોતાનાં પત્તાં ખોલ્યાં નથી.
જોકે હાલમાં આ પક્ષ રાજ્યમાં ચાલી રહેલી ભાજપ સરકારના વિરોધમાં છે, પરંતુ તે એક સમયે ભાજપનો સાથી પક્ષ હતો.
વિજય ત્રિવેદી કહે છે, "ડીએમકે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે, પરંતુ રાધાકૃષ્ણન તમિલનાડુથી આવે છે. આવી સ્થિતિમાં, સ્ટાલિન, જેમની પાર્ટી પાસે 32 મત છે, તેમને ટેકો આપી શકે છે. જો તેઓ આમ નહીં કરે, તો ભાજપ તેનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરશે."
આગામી વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો જીતી હતી. તે જ સમયે, NDA ગઠબંધનનો ભાગ રહેલા AIADMK ને 66 બેઠકો મળી હતી.
દરમિયાન, વરિષ્ઠ પત્રકાર વિનીતા યાદવ કહે છે કે આ વખતે મામલો ખૂબ જ રસપ્રદ છે અને ચૂંટણી એટલી સરળ નથી જેટલી દેખાય છે.
તેઓ કહે છે, "દક્ષિણ વિરુદ્ધ દક્ષિણની સ્પર્ધાએ સાંસદોને તેમની ઇચ્છા મુજબ મતદાન કરવાની શક્યતા વધારી દીધી છે."
ચૂંટણી દરમિયાન વ્હીપ કેમ જાહેર કરવામાં આવતો નથી?
રાજકીય વિશ્લેષક અનંત મિશ્રા કહે છે કે દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એવી છે જે પક્ષના પ્રતીકો પર લડવામાં આવતી નથી, તેથી કોઈ પણ પક્ષ વ્હીપ જાહેર કરતું નથી.
તેઓ સમજાવે છે, "આની અસર એ છે કે ગૃહનો સભ્ય પોતાની ઇચ્છા મુજબ કોઈ પણને મત આપી શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સ્વતંત્ર ઉમેદવારો તરીકે ચૂંટણી લડતા જોવા મળે છે."
"આ ચૂંટણીમાં પાર્ટી વ્હીપ લાગુ ન થવાને કારણે, કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર 1969માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા અને ઇન્દિરા ગાંધીના સમર્થનથી, વી.વી. ગિરી ચૂંટણી જીતી ગયા અને રાષ્ટ્રપતિ બન્યા."
વરિષ્ઠ પત્રકાર મીના શર્મા કહે છે, ''ઇન્ડિયા ગઠબંધન આ ચૂંટણીને દક્ષિણ વિરુદ્ધ દક્ષિણ બનાવી રહ્યું છે પરંતુ દક્ષિણના પક્ષો તરફથી સમર્થન મેળવવામાં તે નિષ્ફળ જણાય છે. આંધ્રપ્રદેશમાં, શાસક અને વિપક્ષ બંને પક્ષો NDA ઉમેદવારના સમર્થનમાં છે. આવી સ્થિતિમાં, ઇન્ડિયા ગઠબંધન વ્યૂહાત્મક રીતે મજબૂત હોય તેવું લાગતું નથી."
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ટેકો આપવાની જાહેરાત કરી છે.
ઓવૈસીએ એક્સ પર લખ્યું , "તેલંગાણાના સીએમઓએ મારી સાથે વાત કરી અને વિનંતી કરી કે અમે ઉપરાષ્ટ્રપતિપદ માટે જસ્ટિસ સુદર્શન રેડ્ડીને સમર્થન આપીએ. AIMIM જસ્ટિસ રેડ્ડીને સમર્થન આપશે, જે અમારા સાથી હૈદરાબાદના અને આદરણીય કાયદાશાસ્ત્રી છે."
ભારતના ઉપરાષ્ટ્રપતિની જવાબદારીઓ શું છે?

ઇમેજ સ્રોત, ANI
દેશના બંધારણમાં ભારતના ઉપરાષ્ટ્રપતિને બેવડી ભૂમિકા સોંપવામાં આવી છે. પહેલી ભૂમિકા એ છે કે તેઓ કારોબારી વિભાગના બીજા વડા છે અને બીજી ભૂમિકા એ છે કે તેઓ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના અધ્યક્ષ છે.
બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિએ કેટલીક અન્ય ભૂમિકાઓ પણ નિભાવવાની હોય છે. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય, તો આ જવાબદારી ઉપરાષ્ટ્રપતિએ નિભાવવી પડે છે કારણ કે રાષ્ટ્રના વડાનું પદ ખાલી રાખી શકાતું નથી.
પદક્રમના આધાર પર જોઈએ તો, ઉપરાષ્ટ્રપતિનું પદ રાષ્ટ્રપતિની નીચે અને વડા પ્રધાનની ઉપર છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણના અનુચ્છેદ 66 મુજબ, સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના સભ્યોનો બનેલો ઇલેક્ટોરલ કૉલેજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટે છે.
ઉપરાષ્ટ્રપતિ માટેના ઇલેક્ટોરલ કૉલેજમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ચૂંટાયેલા સાંસદો સાથે ધારાસભ્યો પણ મતદાન કરે છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરી શકે છે.
ખાસ વાત એ છે કે બંને ગૃહો માટે નામાંકિત સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી પરંતુ તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા દિવસની અંદર થવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ 63 થી 71 અને ઉપરાષ્ટ્રપતિ (ચૂંટણી) નિયમો, 1974 હેઠળ થાય છે.
બંધારણના અનુચ્છેદ 68 ની કલમ 2 મુજબ, ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામું અથવા દૂર કરવાથી અથવા અન્ય કોઈપણ કારણોસર ખાલી પડેલી જગ્યા ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજવાની જોગવાઈ છે.
ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થયાના અથવા રાજીનામાના 60 દિવસની અંદર ચૂંટણી યોજવી જરૂરી છે.
આ માટે, ચૂંટણીપંચ એક ચૂંટણી અધિકારીની નિમણૂક કરે છે જે મુખ્યત્વે કોઈ એક ગૃહના મહાસચિવ હોય છે.
ચૂંટણી અધિકારી ચૂંટણી અંગે પબ્લિક નોટ જાહેર કરે છે અને ઉમેદવારો પાસેથી નામાંકન મંગાવે છે.
ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી લડવા માટે, ઉમેદવાર પાસે 20 પ્રસ્તાવકો અને ઓછામાં ઓછા 20 અન્ય સમર્થકો હોવા આવશ્યક છે.
પ્રસ્તાવક અને સમર્થક ફક્ત રાજ્યસભા અને લોકસભાના સભ્યો જ હોઈ શકે છે. ઉમેદવારે 15,000 રૂપિયા પણ જમા કરાવવા પડે છે.
આ પછી, ચૂંટણીઅધિકારી ઉમેદવારી પત્રોની તપાસ કરે છે અને લાયક ઉમેદવારોના નામ બેલેટમાં સામેલ કરવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત

ઇમેજ સ્રોત, X@CPRGuv
ભારતના ઉપરાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા કે કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્ય નથી હોતા.
જો સંસદના કોઈ પણ ગૃહના અથવા રાજ્યના વિધાનસભાના કોઈ પણ ગૃહના સભ્ય ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો ઉપરાષ્ટ્રપતિપદ સંભાળતાની સાથે જ તે ગૃહની બેઠક ખાલી થઈ જાય છે.
ઉપરાષ્ટ્રપતિ બનવા માટે, વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, 35 વર્ષથી ઓછી ઉંમરની ન હોવી જોઈએ અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે યોગ્યતાના માપદંડો પૂર્ણ કરતી હોવી જોઈએ.
જો કોઈ વ્યક્તિ ભારત સરકાર અથવા કોઈ પણ રાજ્ય સરકાર હેઠળ કોઈ નફાકારક પદ ધરાવે છે, તો તે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે લાયક રહેશે નહીં.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન એક ખાસ રીતે થાય છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહેવામાં આવે છે.
આમાં, મતદાતાએ ફક્ત એક જ મત આપવાનો હોય છે પરંતુ તેણે પોતાની પસંદગીના આધારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.
તે મતપત્ર પર હાજર ઉમેદવારોમાં તેમની પહેલી પસંદગીને 1, બીજી પસંદગીને 2 અને આવી જ રીતે આગળને પ્રાથમિકતા આપે છે.
ઉપરાષ્ટ્રપતિને પદ પરથી કેવી રીતે દૂર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં, ઉપરાષ્ટ્રપતિ એ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે.
તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પરંતુ કાર્યકાળ પૂરો થયા પછી પણ, તેઓ નવા ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળે ત્યાં સુધી પદ પર રહી શકે છે.
બંધારણ મુજબ, રાષ્ટ્રપતિનું મૃત્યુ, રાજીનામું, અથવા દૂર થવાના કારણે અથવા અન્ય કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ત્યારથી લઈને રાષ્ટ્રપતિની શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી ન થાય ( છ મહીનામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવી જોઈએ) ત્યાં સુધી રાષ્ટ્રપતિ તરીકે કામગીરી કરે છે.
જ્યારે રાષ્ટ્રપતિની ગેરહાજરી હોય અથવા તો માંદગી અથવા અન્ય કોઈ કારણોસર પોતાની ફરજો બજાવી શકતા નથી, ત્યારે ઉપરાષ્ટ્રપતિ આ જવાબદારીઓ સંભાળે છે.
આ સમયગાળા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિની બધી સત્તાઓ અને વિશેષાધિકારો મળે છે.
ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અને પદ પરથી હટાવવા સંબંધિત નિયમો ભારતીય બંધારણના અનુચ્છેદ 67માં વિગતવાર સમજાવવામાં આવ્યા છે.
આ હેઠળ, રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતી દ્વારા પસાર કરાયેલા અને લોકસભા દ્વારા સંમત થયેલા ઠરાવ દ્વારા ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. જો કે દરખાસ્ત રજૂ કરવા અંગે 14 દિવસ અગાઉ નોટિસ આપવાની રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























