You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉફી દિવસમાં કયા સમયે પીવાથી હાર્ટઍટેકનું જોખમ ઘટી જાય?
- લેેખક, હફ્સા ખલીલ
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
એક અભ્યાસ થયો કે દિવસના કયા સમયે કૉફી પીવાથી બીમાર પડવાનું જોખમ ઘટી જાય છે. આ અધ્યયનમાં આખો દિવસ કૉફી પીનારા લોકોની સરખામણીએ સવારે કૉફી પીનારા લોકોમાં હાર્ટ ઍટેકથી મૃત્યુનું જોખમ ઓછું જોવા મળ્યું.
સાથે જ, દિવસમાં મોડા કૉફી પીનારાઓની સરખામણીમાં સવારે કૉફી પીનારાઓમાં મૃત્યુનું જોખમ ઓછું જોવા મળ્યું. જોકે, આ અભ્યાસમાં એ સાબિત નથી થઈ શક્યું કે તેનું એકમાત્ર કારણ કૉફી જ છે.
ટ્યૂલેન યુનિવર્સિટી ઓબેસિટી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને આ અધ્યયનના મુખ્ય સંશોધક ડૉ. લૂ ચીએ કહ્યું, "જોકે, અધ્યયન એ નથી દર્શાવતું કે સવારે કૉફી પીવાથી જોખમ ઓછું કેમ થઈ જાય છે."
તેમના અનુસાર, તેની એક વ્યાખ્યા એ થઈ શકે કે, દિવસે મોડા કૉફી પીવાથી વ્યક્તિની સતત ચાલુ રહેતી આંતરિક શારીરિક પ્રક્રિયા અવરોધાઈ શકે છે.
આ અભ્યાસ યૂરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયો છે.
ડૉ. ચીએ કહ્યું કે, તેમનાં તારણો બાકીના લોકો માટે પણ સાચાં માનવાં જોઈએ કે નહીં, એની તપાસ કરવા માટે આગળ વધુ અધ્યયન કરવાની જરૂર છે. અન્ય વસ્તીજૂથોમાં પણ તપાસી શકાય છે.
તેમણે કહ્યું કે, "કૉફી પીવાના સમયને બદલાવાની સંભવિત અસરને સમજવા માટે આપણે ક્લિનિકલ ટ્રાયલ કરવાની જરૂર છે."
તેમણે સમજાવતાં કહ્યું, "અભ્યાસમાં આપણને એ જાણવા નથી મળતું કે સવારે કૉફી પીવાથી હૃદયસંબંધિત બીમારીઓથી મૃત્યુનું જોખમ ઘટી કેમ જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ચીએ કહ્યું કે, "તેની એક સંભવિત વ્યાખ્યા એ પણ છે કે, બપોરે અથવા સાંજે કૉફી પીવાથી સર્કેડિયન [આપણા શરીરમાં શારીરિક, માનસિક અને વ્યાવહારિક પરિવર્તનોના 24 કલાકનું ચક્ર] અને મેલાટોનિન જેવા હૉર્મોનના સ્તરને અસર થઈ શકે છે. તેનાથી સોજો અને રક્તચાપ (બ્લડ પ્રેશર) જેવી હૃદય સાથે સંકળાયેલી બીમારીઓનું જોખમ કારકોમાં પરિવર્તિત થાય છે."
ન્યૂ ઑર્લિન્સમાં ટ્યૂલેન યુનિવર્સિટીના સંશોધકોએ 40,725 વયસ્કો પર અભ્યાસ કર્યો, જેમણે 1999થી 2018 દરમિયાન અમેરિકામાં નૅશનલ હેલ્થ ઍન્ડ ન્યૂટ્રિશન ઍક્ઝામિનેશન સર્વેમાં ભાગ લીધો હતો.
તેમને તેમની રોજિંદી ખાનપાનની વસ્તુઓ વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં શું તેઓ કૉફી પીએ છે, ક્યારે અને કેટલીક કૉફી પીએ છે, તે સવાલ મુખ્ય હતો.
ડૉ. ચીએ જણાવ્યું કે "કૅફીનની આપણા શરીર પર પડનારી અસરોને ધ્યાનમાં રાખીને અમે એ જોવા માગતા હતા કે દિવસના જે સમયે તમે કૉફી પીઓ છો તેનો હૃદયના આરોગ્ય પર કશો પ્રભાવ પડે છે કે કેમ.
જોકે, અગાઉના સંશોધનમાં જોવા મળ્યું હતું કે, મધ્યમ માત્રામાં કૉફી પીવી સ્વાસ્થ્ય માટે લાભકારક થઈ શકે છે, પરંતુ ડૉ. ચીએ કહ્યું કે, તેમનો અભ્યાસ 'કૉફી પીવાના સમય અને તેની સ્વાસ્થ્ય પર અસર ચકાસનારો પ્રથમ અભ્યાસ' છે.
અધ્યયન અનુસાર, તેમાં ભાગ લેનારા 36 % લોકો સવારે કૉફી પીતા હતા અને 14 % લોકો સવારના બદલે દિવસમાં ગમે ત્યારે કૉફી પીતા હતા.
ડૉ. ચી અને તેમની ટીમે લગભગ એક દાયકા સુધી ભાગ લેનારાઓ ઉપર નજર રાખી. તે દરમિયાન ભાગ લેનારાઓના માહિતી રેકૉર્ડ અને મૃત્યુનાં કારણોની નોંધ કરી.
લગભગ દસ વર્ષ પછી તે પૈકી 4,295 લોકોનાં મૃત્યુ થયાં, જેમાં 1,268 મૃત્યુ હૃદય સાથે સંકળાયેલી બીમારીઓને કારણે થયાં હતાં.
સંશોધકોને જોવા મળ્યું કે, કૉફી ન પીનારા લોકોની તુલનામાં સવારે કૉફી પીનારા લોકોના મૃત્યુની આશંકા 16 % ઓછી હતી અને હાર્ટ ઍટેકથી મૃત્યુની આશંકા 31 % ઓછી હતી.
તેમને એ પણ જોવા મળ્યું કે, કૉફી ન પીનારાઓની તુલનાએ આખો દિવસ કૉફી પીનારા લોકો માટે મૃત્યુના જોખમમાં કશો ઘટાડો નથી થયો.
તેમણે શોધપત્રમાં લખ્યું છે, "દિવસે મોડેથી કૉફી પીવાની સરખામણીએ સવારે કૉફી પીવી તે મૃત્યુના ઓછા જોખમ સાથે વધારે મજબૂતી સાથે જોડાયેલું હોઈ શકે છે."
સંશોધકોએ કહ્યું કે, કૉફીનું વધારે પડતું સેવન મૃત્યુના ઓછા જોખમ સાથે સંકળાયેલું છે, પરંતુ, માત્ર એવા લોકોમાં જેઓ સવારે કૉફી પીએ છે.
લંડનમાં રૉયલ બ્રૉમ્પટન ઍન્ડ હેફીલ્ડ હૉસ્પિટલના પ્રોફેસર થૉમસ એફ લશરે અભ્યાસ પરના પોતાના સંપાદકીયમાં લખ્યું છે, "દિવસનો સમય શા માટે મહત્ત્વનો છે? સામાન્ય રીતે સવારના સમયે, જ્યારે આપણે જાગીએ છીએ અને પથારીમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે, એવી પ્રવૃત્તિઓ વધારે થતી હોય છે જેમાં શરીર ઍલર્ટ રહે છે. આ અસર દિવસ દરમિયાન ઓછી થઈ જાય છે અને ઊંઘ દરમિયાન તે પોતાના નિમ્નતમ સ્તરે પહોંચી જાય છે."
પ્રોફેસર લશર અનુસાર, સંશોધકોએ જે સૂચનો કર્યાં છે તે પ્રમાણે, એવી 'શક્યતા' છે કે દિવસના અંતે કૉફી પીવાથી આપણા શરીરની આંતરિક ઘડિયાળ એવા સમયે બાધિત થઈ શકે છે જ્યારે આપણે આરામ કરવો જોઈએ.
તેમણે સમજાવ્યું, "આખો દિવસ કૉફી પીનારા ઘણા લોકો અનિયમિત ઊંઘથી પીડિત છે."
તેમણે કહ્યું, "આ સંદર્ભમાં, એ રસપ્રદ છે કે કૉફી મસ્તિષ્કમાં ઊંઘ લાવનારા મેલાટોનિનને દબાવે છે."
અભ્યાસમાં એવું પણ સૂચન કરાયું છે કે, કૉફી પીનારા જે લોકોએ સવારે કૉફી પીધી હતી, તેમનામાં ચા અને કૅફીનયુક્ત સોડા લેવાની સંભાવના વધારે હતી. પરંતુ, એવા લોકોએ આખો દિવસ કૉફી પીનારાઓની સરખામણીમાં ઓછી કૉફી (કૅફીનયુક્ત અને ડિકૅફીનેટેડ કૉફી) લીધી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન