You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બળપૂર્વકના ધર્માંતરણ પર ગુજરાત સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, કાયદાની માગનું સમર્થન કર્યું
ગુજરાત સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર 'બળપૂર્વકના ધર્માંતરણ'ને રોકવાના કેન્દ્ર સરકારના વલણ સાથે સંમત છે, કેન્દ્ર સરકાર 'બળપૂર્વક ઘર્માંતરણ' પર નિયંત્રણ મૂકવા માટે રાષ્ટ્રીય કાયદો લાવવા માગે છે. ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા 28 પાનાના આ સોગંદનામાં કહેવામાં આવ્યું છે કે, ''એવું નોંધવામાં આવ્યું છે કે ધર્મની સ્વતંત્રતાના અધિકારમાં એક ખાસ ધર્મમાં અન્ય લોકોને લાવવાનો મૂળભૂત અધિકાર સામેલ નથી. આ કથિત અધિકારમાં એક વ્યક્તિને છેતરપિંડી, ઠગાઈ, જબરદસ્તી, ફોસલાવીને કે અન્ય પ્રકારે ધર્માંતરણ કરાવવાનો અધિકાર સામેલ નથી."
ગુજરાત સરકારે સોગંદનામાં કહ્યું છે કે " બંધારણની કલમ 25માં આવતા શબ્દના અર્થ અને હેતુ પર વિધાનસભામાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને આ શબ્દને સામેલ કરવા પર વિધાનસભાએ ત્યારે મહોર મારી હતી જ્યારે એ સ્પષ્ટતા કરવામાં આવી કે કલમ 25 હેઠળ મૂળભૂત અધિકારમાં ધર્માંતરણનો અધિકાર સામેલ નથી."
ગુજરાત સરકારે કહ્યું કે " 2003માં પસાર કરાયેલા અને 2021માં મજૂબત કરાયેલા આ કાયદામાં એક ધર્મ છોડીને બીજા ધર્મનો અંગીકાર કરવાની પ્રક્રિયા એ વાસ્તવિક, સ્વૈચ્છિક અને સત્યનિષ્ઠ હોવી જોઈએ અને સાથે જ તે બળપૂર્વક, ફોસલાવીને કે પછી છેતરપિંડીથી ન કરેલી હોવી જોઈએ."
રાજ્ય સરકારે કહ્યું કે," ધર્મના પાલનની આઝાદીના અધિકારમાં અન્ય ધર્માના લોકોનું એક ખાસ ધર્મમાં ધર્માંતરણનો મૂળભૂત અધિકાર સામેલ નથી. જોકે હાઈકોર્ટે 2003ના કાયદાના સેક્શન પાંચના સંચાલન પર સ્ટે મૂક્યો હતો, આનાથી વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં સ્વેચ્છાથી ધર્માંતરણ કરવાનો રસ્તો ખૂલે છે."
" સાથે જ, પેહલાંથી પરવાનગી લેવાની પ્રક્રિયાથી બળપૂર્વક ધર્માંતરણને દૂર કરશે અને અને અંત: કરણની સ્વતંત્રતા જેની બધા નાગરિકોને ગૅરન્ટી મળી છે તેની પણ રક્ષા કરે છે."
'શહેરી વિસ્તારોના મતદારો વોટિંગ કરે, શહેરોમાં મતદાન ટકાવારી ઓછી' - મુખ્ય ચૂંટણી અધિકારી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બર યોજાશે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી પ્રભાતે શહેરી વિસ્તારોમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી કારણ કે શહેરી વિસ્તારોમાં મતદાન ટકાવારી ઓછી છે.
તેમણે કહ્યું, "ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો છે, 61 રાજકીય પક્ષો, 26,409 મતદાનમથક, એક લાખથી વધારે ચૂંટણી કર્મીઓ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચમી ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કા માટેના ચૂંટણીપ્રચારનાં પડઘમ શાંત થઈ ગયાં છે.
ઉમર ખાલિદને દિલ્હી રમખાણોના કેસમાં નિર્દોષ જાહેર કરાયા, પરંતુ હજુ જેલમાં કેમ રહેશે?
દિલ્હીની કડકડડુમા કોર્ટે ફેબ્રુઆરી 2020માં થયેલાં દિલ્હીનાં રમખાણોના એક કેસમાં ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા છે.
ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા આંદોલન દરમિયાન રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
તે દરમિયાન દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં કોમી રમખાણો થયાં હતાં, જેમાં 53 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 40 મુસલમાન અને 13 હિન્દુ હતા.
કોર્ટે જણાવ્યા અનુસાર, રમખાણોમાં તેમની સંડોવણી માટે બન્ને વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા ન હતા, તેથી આ કેસમાં બન્નેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
જોકે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી હજુ પણ યુએપીએ હેઠળ જેલમાં બંધ છે અને કોર્ટના આ નિર્ણય છતાં તેઓ હજુ જેલમાં જ રહેશે.
બન્નેની યુએપીએ એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમો અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડના કેટલાક દોષિતોની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં 2002ના ગોધરાકાંડના કેસના કેટલાક દોષિતોની જામીન અરજીઓનો વિરોધ કર્યો છે. ગુજરાત સરકારનું કહેવું છે કે "તેઓ માત્ર પથ્થરમારો કરનારાઓ નહોતા અને તેમના કૃત્યને કારણે લોકોને સળગતા કોચમાંથી બહાર નીકળવામાં અડચણોનો સામનો કરવો પડ્યો હતો."
27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસના એસ-6 કોચમાં લાગેલી આગમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આ મામલો શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બૅન્ચ સમક્ષ રજૂ કરાયો હતો.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દરેક દોષિતની ભૂમિકા સ્પષ્ટ કરવા અંગે પૂછતાં નોંધ્યું હતું કે "જેઓ પથ્થરમારો કરવાના દોષી છે તેમના જામીન પર વિચાર કરી શકાય કારણ કે તેમણે જેલમાં 17-18 વર્ષ વિતાવી દીધાં છે."
સૉલિસિટર જનરલ તુષાર મેહતા રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં રજૂ થયા હતા, તેમણે કહ્યું હતું કે "દોષિતોએ ટ્રેન પર પથ્થર વરસાવ્યા જેને કારણે લોકો સળગતા કોચમાંથી બચીને ભાગી ન શક્યા."
તેમણે બૅન્ચને કહ્યું,"આ માત્ર પથ્થરમારાનો કેસ નથી,".
મેહતાએ બૅન્ચે કહ્યું કે "દોષિતોએ ગુજરાત હાઈકોર્ટના 2017 ઑક્ટોબરના એક નિર્ણય જેમાં કોર્ટે તેમને દોષી ઠેરવતા ચુકાદાને બરકરાર રાખ્યો હતો, તેની સામે જે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે તેને સુનાવણી માટે લિસ્ટ કરી શકાય."
તેમણે બૅન્ચને કહ્યું કે "તેઓ દોષિતોની વ્યક્તિગત ભૂમિકાને તપાસશે અને બૅન્ચને જાણ કરશે."
હવે આ મામલે 15 ડિસેમ્બરના આગળ સુનાવણી થશે.
ઑક્ટોબર 2017ના ચુકાદામાં, હાઈકોર્ટે ગોધરાકાંડમાં 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી નાખી હતી.
હાઈકોર્ટે આ કેસમાં 20 અન્ય દોષિતોને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને બહાલ રાખી હતી.
11 નવેમ્બરના સુપ્રીમ કોર્ટે એક દોષિતને આપવામાં આવેલા વચગાળા જામીનની મુદ્દત 31 માર્ચ, 2023 સુધી લંબાવી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે 13મી મેના, ઉચ્ચતમ અદાલતે તેમને છ મહિના માટે વચગાળાના જામીન એ આધારે આપ્યા હતા કે તેમનાં પત્નીને આખરી સ્ટેજનું કૅન્સર છે અને તેમનાં પુત્રી વિકલાંગ છે.
નવેમ્બર 11ના ઑર્ડરમાં બૅન્ચે કહ્યું હતું કે "આ પરિસ્થિતિને જોતાં જે હજુ લંબાઈ રહી છે, અમે એ જ શરતો સાથે વચગાળાના જામીન 31 માર્ચ, 2023 સુધી લંબાવીએ છીએ. "
ગુજરાત વિધાનસભા ચૂંટણી : પરેશ રાવલે બંગાળીઓ વિશેના નિવેદન સામે બંગાળમાં પોલીસ ફરિયાદ
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષના પ્રચારમાં આપેલા નિવેદનના કારણે વિવાદ થયો છે. એનડીટીવીના અહેવાલ અનુસાર અભિનેતાએ પોતાના ભાષણમાં ‘બંગાળીઓ’ સામે કરેલા વિવાદિત નિવેદનને કારણે તેમની સામે પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, માર્ક્સવાદી (સીપીઆઈ-એમ)ના ભૂતપૂર્વ સંસદસભ્ય મોહમ્મદ સલિમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ રાવલે ગૅસ સિલિન્ડરના વધી ગયેલી કિંમતો વિશે કહ્યુંહતું કે, ગૅસનો સિલિન્ડર મોંઘો છે, તે સસ્તો થશે. લોકોને રોજગારી પણ મળી જશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે. જેવું દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારે તમે ગૅસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકવશો?
સલિમે કોલકાતાના તાલતાલા પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદને એફઆઈઆર તરીકે ગણીને પરેશ રાવલ સામે પગલાં લેવાની માંગણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાવલની ટિપ્પણીથી બંગાળીઓની છબી ખરાબ ચિત્રિત થઈ શકે છે.
પોલીસને લખેલા પોતાના પત્રમાં સલિમે જણાવ્યું છે કે, “બંગાળીઓ મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળની બહાર રહે છે. મને આશંકા છે કે પરેશ રાવલે કરેલી આ દ્વેષપૂર્ણ ટિપ્પણીથી ઘણાને (બંગાળીઓને) નિશાન બનાવવામાં આવી શકે છે.”
પરેશ રાવલના આ નિવેદન બાદ બંગાળી સમુદાય અને સોશિયલ મીડિયા પર વિવાદ થઈ ગયો હતો. આ વિવાદને ટાળવા માટે તેમણે ટ્વિટર પર માફી માંગી હતી. તેમણે પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા કરતા ટ્વીટમાં જણાવ્યું હતું કે, “અહીં માછલી મુદ્દો છે જ નહીં, કારણકે ગુજરાતીઓ માછલી રાંધે પણ છે અને ખાય પણ છે. પરંતુ હું સ્પષ્ટતા કરવા માગું છું કે બંગાળીથી મારો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા હતો. છતાં જો મેં તમારી ભાવનાઓને અને સંવેદનાઓને ઠેસ પહોંચાડી છે, તો હું માફી માગું છું.”