You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્યકુમારે પોતાને જ મૂરખ બનાવીને ભારતને જીત કેવી રીતે અપાવી?
- લેેખક, વિધાંશુકુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી માટે
- પ્રકાશિત
ગુયાનામાં મંગળવારે રમાયેલ ત્રીજી ટી-20 મૅચમાં સૂર્યકુમાર યાદવે જોરદાર ઇનિંગ રમીને વર્લ્ડકપ માટેની તેમની દાવેદારીને વધુ મજબૂત કરી છે.
નિર્ધારિત 20 ઓવરોમાં વેસ્ટ ઇન્ડીઝે બનાવેલ 159 રનના જવાબમાં ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
મૅચના હીરો સૂર્યકુમાર યાદવે 44 બૉલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેમનો સાથ તિલક વર્માએ આપ્યો હતો અને તેમણે 37 બૉલમાં અણનમ 49 રન બનાવ્યા હતા.
સામાન્ય રીતે તો સૂર્યકુમાર યાદવ દરેક ઇનિંગમાં આશ્ચર્ય પમાડે તેવા શૉટ્સ જ રમે છે પરંતુ આ મૅચમાં તો તેમણે પ્રેક્ષકોને અચંબામાં જ મૂકી દીધા હતા.
ઈનિંગની શરૂઆતમાં જ તેમણે સ્પિનર અકીલ હુસૈનના બૉલને સ્વીપ કરવાનું નક્કી કર્યું અને ઘૂંટણ પર બેસીને શૉટ ફટકારવાનું નક્કી કર્યું.
પરંતુ સ્પિનર અકીલ તેમનો ઈરાદો સમજી ગયો અને તેમણે ઑફ-સ્ટમ્પની બહાર શૉર્ટ લૅન્થ બૉલ ફેંક્યો. પરંતુ સૂર્યાએ છેલ્લી ક્ષણે તેનો શૉટ બદલ્યો અને ઘૂંટણ જમીન પર જ ટેકવેલો રાખીને તે જ સ્ટાઇલમાં તેમણે બૉલને પૉઇન્ટ પર ફટકાર્યો.
વધુ રન પડ્યા બાદ અકીલ હુસૈને જ્યારે સ્ટમ્પલાઇન પર બૉલ ફેંકવાનો શરૂ કર્યો તો સૂર્યાએ તેને વિકેટની બંને બાજુ ફટકારવાનું શરૂ કર્યું.
સ્પિનરોની લય તોડ્યા પછી સૂર્યાએ ફાસ્ટ બૉલરોને પણ હંફાવ્યા હતા. તેમણે રૉમારિયો શેફર્ડના એક ધીમા ફેંકેલા બૉલ પર એક સ્કૂપ શૉટ ફટકાર્યો જે બાઉન્ડરીની બહાર પહોંચ્યો પણ એ શૉટ ફટકારીને સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર જ પડી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉમેન્ટરી બૉક્સમાં ઈયાન બિશપે આ જોઈને વેસ્ટ ઇન્ડીઝના કલાત્મક શૉટ્સ રમતાં બૅટ્સમૅન રોહન કન્હાઈને યાદ કર્યા હતા. એ જ રોહન કન્હાઈ કે જેની પાછળ સુનીલ ગાવસ્કર પણ પાગલ હતા અને પોતાના પુત્રનું નામ પણ તેમના પરથી જ રાખ્યું હતું - રોહન ગાવસ્કર.
આમ, સૂર્યકુમાર યાદવ કોઈને રિકી પૉન્ટિંગની યાદ અપાવે છે તો કોઈને કન્હાઈ કે વિવિયન રિચર્ડ્સની, પરંતુ આ ઈનિંગ પછી સૂર્યકુમાર યાદવે એવી વાત કહી જે આ રમત વિશેની તેમની વિચારસરણી દર્શાવે છે.
પાવર-પ્લે સુધી સંભાળીને રમવું
મૅચ બાદ તિલક વર્માએ કહ્યું કે ઈનિંગ દરમિયાન સૂર્યાએ કાંડા પર એક રિસ્ટબૅન્ડ બાંધ્યો હતો, જેના પર લખેલું હતું કે પાવર-પ્લે સુધી ધ્યાનથી રમવાનું છે.
તેમણે સૂર્યાને પૂછ્યું કે આ રીતે લખ્યા પછી પણ તમે પહેલાં બૉલથી જ શા માટે શૉટ્સ ફટકારવાનું શરૂ કર્યું?
સૂર્યાએ જવાબ આપ્યો, “ક્યારેક તમારે તમારી જાતને છેતરવી પડે છે. આજે મેં મારી જાતને મૂર્ખ બનાવી છે. હું એ વિચારીને આવ્યો હતો કે હું શરૂઆતમાં ધીમું રમીશ, પરંતુ શરૂઆતમાં શૉટ લાગ્યા, તેથી મેં વિચાર્યું કે ચાલો હવે આ રીતે જ રમીએ અને ટીમની જરૂર અનુસાર રમીએ.”
હકીકતમાં સૂર્યા પોતાની છેલ્લી બે ઇનિંગ્સથી ખુશ નહોતા, તેથી આ ઇનિંગમાં સાવચેતીથી રમવા માગતા હતા. પરંતુ મૅચમાં તેમણે વિપરીત કર્યું અને એક મોટી ઇનિંગ રમી.
એવું ન હતું કે એ પીચ પર રમવું સહેલું હતું. અહીં કેટલાક બૉલ ધીમા આવતા હતા, તો કેટલાક ઝડપથી ઉછળીને આવી રહ્યા હતા. બીજા છેડે બેટિંગ કરી રહેલા તિલક વર્માએ કહ્યું કે આખી ઈનિંગ દરમિયાન તે વિચારતો રહ્યો હતો કે સૂર્યાને આવા શૉટ ક્યાંથી સૂઝે છે.
ટી-20માં તેની આ ઇનિંગનાં વખાણ થયાં હતાં. તો મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં વન-ડેમાં તેમના ખરાબ પ્રદર્શનની ટીકા પણ કરવામાં આવી હતી.
વન-ડે શ્રેણીમાં સૂર્યાએ ત્રણ ઇનિંગ્સમાં 19, 24 અને 35 રન બનાવ્યા હતા.
વન-ડેમાં તેમના ખરાબ રેકૉર્ડ અંગે તેમણે કહ્યું કે, “મારો વન-ડેમાં રેકૉર્ડ ખરાબ છે અને આ વાત સ્વીકારવામાં મને કોઈ શરમ નથી. રોહિત અને રાહુલે મને કહ્યું છે કે હું આ ફૉર્મેટમાં વધુ રમ્યો નથી અને મારે તેના વિશે વિચારવાની જરૂર છે. તેઓ ઇચ્છે છે કે હું ટી-20માં 45-50 બૉલ તો જરૂરથી રમું. અને હવે મારે આ જવાબદારીને મારા માટે અનોખી તક બનાવવાની છે.”
સૂર્યાના ટી-20 અને વન-ડે રેકૉર્ડ બિલકુલ મેળ ખાતા નથી અને સૂર્યા પણ માને છે કે તેમણે તેના પર કામ કરવાની જરૂર છે.
ટી-20માં સૂર્યાના ગજબ રેકૉર્ડ્સ
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મૅચમાં સૂર્યકુમાર યાદવે વધુ એક મોટો રેકૉર્ડ બનાવ્યો છે.
તેમણે ટી-20ની 49મી ઇનિંગમાં 100 છગ્ગા પૂરા કર્યા છે અને સૌથી ઝડપી 100 છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં વેસ્ટ ઇન્ડીઝના ઍવિન લુઈસ પછી બીજા ક્રમે આવી ગયા છે. લુઈસે 42મી ઈનિંગમાં જ પોતાની 100 સિક્સ પૂરી કરી હતી.
સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 51 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચો રમી છે જેમાં તેમણે 49 ઈનિંગ્સમાં 45.64ની એવરેજથી 1780 રન બનાવ્યા છે.
આ 49 ઈનિંગ્સમાં તેમણે 14 અડધી સદી અને 2 સદી ફટકારી છે. આનો અર્થ એ પણ છે કે ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં દરેક ત્રીજી મૅચમાં તેઓ અડધી સદી અથવા તો સદી ફટકારે છે. જે એક વિશેષ રેકૉર્ડ છે.
આંતરરાષ્ટ્રીય ટી-20માં 45ની સરેરાશ હોય તેની ગણના ઉચ્ચ કક્ષાના ખેલાડીમાં થાય છે.
બીજી તરફ જો તમે ટી-20 ડૉમેસ્ટિક ટુર્નામૅન્ટ એટલે કે આઇપીએલ પર નજર નાખો તો તમને ખબર પડશે કે 139 મૅચમાં તેમણે 32.17ની સરેરાશથી 3249 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 21 અડધી સદી અને એક સદી ફટકારી છે.
વન-ડેમાં મુશ્કેલી
જ્યારે સૂર્યકુમાર યાદવનું નામ આંતરરાષ્ટ્રીય ટી-20 અને આઇપીએલની ટીમોમાં સૌથી પહેલા લેવામાં આવે છે, ત્યારે તેઓ વન-ડે અને ટેસ્ટ મૅચમાં પોતાની પ્રતિભા દેખાડી શક્યા નથી.
તેમણે માત્ર એક ટેસ્ટ મૅચમાં 8 રન બનાવ્યા, જ્યારે 26 વન-ડેની 24 ઈનિંગ્સમાં તેમણે 24.33ની સરેરાશથી 511 રન બનાવ્યા છે જેમાં 2 અડધી સદી સામેલ છે.
તેમની વન-ડે ટીમમાં આવન-જાવન શરૂ છે પરંતુ ભારતીય ટીમને આગામી વર્લ્ડકપ ટીમમાં મિડલ ઑર્ડરમાં જે તાકાતની જરૂર છે તે સૂર્યા પૂરી કરી શકે છે.
જ્યારે ટી-20માં બૅટ્સમૅન પાસે પહેલા બૉલથી જ ફટકો મારવાનું લાઇસન્સ હોય છે ત્યારે વન-ડેમાં ઈનિંગને સતત રન બનાવીને આગળ ધપાવવાની જરૂર હોય છે.
અહીં શરૂઆત ધીમી પણ હોઈ શકે છે અને પછી મૅચની સ્થિતિને ધ્યાનમાં લઈને ઝડપથી પણ રમી શકાય છે.
સૂર્યા આ પ્રક્રિયામાં અટવાયેલા છે અને વન-ડેમાં તેમની ઈનિંગને યોગ્ય રીતે આગળ વધારી શકતા નથી. વન-ડેમાં તેઓ સારી શરૂઆત પછી વિકેટ ગુમાવી દે છે તે બીજી મોટી સમસ્યા છે.
જો તમે વન-ડેમાં સારી શરૂઆત કરો છો તો તમારી પાસેથી ટોચના ક્રમના બૅટ્સમૅન તરીકે લાંબો સમય રમવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેમાં સૂર્યકુમાર હજી સુધી સફળ થઈ શક્યા નથી.
વર્લ્ડકપની ટીમમાં સૂર્યકુમારની જરૂર
પસંદગીકારો જાણે છે કે સૂર્યકુમાર યાદવમાં પ્રતિભા ઓછી છે એવું નથી પરંતુ તેમણે માત્ર વન-ડેનાં ફૉર્મેટ પ્રમાણે બેટિંગ સુધારવાની છે.
ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરવાની હોય તો સૂર્યાને સામાન્ય રીતે 25 ઓવર પછી બેટિંગ કરવાની તક મળી શકે છે.
આવી સ્થિતિમાં તેમણે શરૂઆતમાં સાવચેતીપૂર્વક રમવાની જરૂર છે અને છેલ્લી સ્લૉગ ઓવરોમાં ટી-20 શૈલીમાં રમી શકે છે.
સૂર્યા એક પરિપક્વ ખેલાડી છે અને દબાણની સ્થિતિમાં શાનદાર રમી શકે છે, તેથી જ ટીમમાં તેમની જરૂરિયાત વધી જાય છે.
પરંતુ ભારતીય વન-ડે ટીમમાં સૂર્યાનું સ્થાન નિશ્ચિત ગણી શકાય તેમ નથી.
આ ફૉર્મેટમાં તેમના સરેરાશ ફૉર્મ પર કેટલાક નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે જો શ્રેયસ અય્યર ફિટ થઈ જશે તો સૂર્યાને ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ થઈ શકે છે.
થોડા મહિના પહેલા ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે વન-ડેમાં તેનું ખરાબ ફૉર્મ હોવા છતાં તેને પસંદ કરવો જોઈએ, કારણ કે સૂર્યકુમાર યાદવમાં મૅચ જીતાડવાની ક્ષમતા છે.
સ્વાભાવિક છે કે સૂર્યકુમાર યાદવ પર વન-ડે ટીમમાં જગ્યા બનાવવાનું દબાણ વધી ગયું છે. અને સારી વાત એ છે કે તેમણે પોતાની આ નબળાઈ પણ સ્વીકારી લીધી છે.
જો તે વન-ડેની બેટિંગમાં જવાબદારીપૂર્વક લાંબી ઈનિંગ રમવાનું શરૂ કરે તો ટી-20નો આ નંબર વન બૅટ્સમૅન વન-ડેમાં પણ રાજ કરશે તેમાં કોઈ શંકા નથી.