સિદ્ધારમૈયા બીજી વખત બન્યા કર્ણાટકના CM, શિવકુમાર બન્યા ઉપમુખ્ય મંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે ડી. કે. શિવકુમાર ઉપમુખ્ય મંત્રી તરીકે અને અન્ય આઠ કૅબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોત તમામ મંત્રીઓને પદ અને ગોપનિયતાની શપથ લેવડાવ્યા હતા.
સિદ્ધારમૈયાએ પોતાની કૅબિનેટમાં સામેલ થનારાં આઠ નામોની યાદી રાજ્યપાલને મોકલી દીધી હતી. રાજ્યપાલને મોકલાતા પહેલાં કૉંગ્રેસે આ નામોને મંજૂરી આપી હતી.
સિદ્ધારમૈયાનો શપથગ્રહણ સમારોહ શનિવારે બપોરે સાડા બાર વાગ્યે બૅંગ્લુરૂના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વિપક્ષી પાર્ટીઓના નેતા પણ હાજર રહ્યા. જોકે, મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓના જમાવડાથી 2024ની ચૂંટણી માટે ગઠબંધનનો માર્ગ ખૂલશે કે માત્ર વિપક્ષ માટે એક ફોટો-ઑપ બનીને રહેશે, એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

કોણ છે સિદ્ધારમૈયાની કૅબિનેટના મંત્રીઓ?
ઑલ ઇન્ડિયા રેડિયોએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે સિદ્ધારમૈયાએ જે નામ રાજ્યપાલને મોકલ્યાં છે તેમાં જી. પરમેશ્વર, કે. એચ. મુનિયપ્પા, કે. જે. જ્યૉર્જ, એમ. બી. પાટીલ, સતીષ જારકિહોલી, પ્રિયાંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બી. ઝેડ ઝમીર અહમદ ખાનનો સમાવેશ થાય છે.
આ નામોની પસંદગીમાં કર્ણાટકનાં તમામ સામાજિક અને રાજકીય સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં લિંગાયત, અનુસૂચિત જનજાતિ, ઊંચી જાતિઓ અને અલ્પસંખ્યક સમુદાયના પ્રતિનિધિત્વનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સિદ્ધારમૈયાના 'અહિંદા સમીકરણ'નું ધ્યાન રાખીને તેમાં અલ્પસંખ્યક, ઓબીસી, અનુસૂચિત જાતિ-જનજાતિની સાથેસાથે ઊંચી જાતિઓ-લિંગાયત અને વોક્કાલિગા સમુદાયને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જી. પરમેશ્વર અનુસૂચિત જાતિના દક્ષિણ ભાગના છે. જ્યારે કે. એચ. મુનિયપ્પા અનુસૂચિત જાતિના ઉત્તર ભાગમાંથી આવે છે. જ્યારે કે. જે. જ્યૉર્જ ઈસાઈ સમુદાયના છે.
આ સિવાયના મંત્રીઓની પસંદગીમાં પણ તમામ જાતીય અને સામાજિક સમીકરણોનું ચીવટતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે.

રૅકોર્ડ બનાવનારા મુખ્ય મંત્રી
આ પહેલાં વર્ષ 2013થી 2018 દરમિયાન સીએમ રહી ચૂકેલા સિદ્ધારમૈયા કર્ણાટકમાં મુખ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળનારા બીજા મુખ્ય મંત્રી હતા. તેમના પહેલાં દેવરાજ અર્સે (1972-1978) પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય સિદ્ધારમૈયાના નામે સતત 13 વખત બજેટ રજૂ કરવાનો પણ રૅકોર્ડ છે.
સતત 10 વખત બજેટ રજૂ કરનારા પૂર્વ વડા પ્રધાન અને કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂકેલા મોરારજી દેસાઈનો નંબર પણ તેમના પછી જ આવે છે.

મોઢે આંકડા યાદ રાખવાના માહેર

ઇમેજ સ્રોત, K. VENKATESH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1985માં જ્યારે સિદ્ધારમૈયા જનતા પાર્ટીની રામકૃષ્ણ હેગડે સરકારમાં પશુપાલન મંત્રી હતા, ત્યારે તેમના ભારે અવાજ અને મોઢે આંકડા યાદ રાખવાની કળાએ અધિકારીઓને ચોંકાવી દીધા હતા.
એક પૂર્વ વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે "અમને જલદી જ અંદાજ આવી ગયો હતો કે આંકડા અને બજેટની જરૂરિયાતો પર તેમની પકડ મજબૂત હતી. સરખામણી કરવામાં સિદ્ધારમૈયાની મહારતે ઘણા વરિષ્ઠ અધિકારીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા."
સિદ્ધારમૈયાની અર્થતંત્ર તેમજ નાણાં અંગેની જાણકારીને સૌ કોઈ માનતા હતા, જ્યારે અગાઉની વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તેઓ રાજ્યના બજેટ પર ભાષણ આપતા હતા, તો સત્તાધારી ભાજપના તમામ ધારાસભ્યો સદનમાં હાજર રહેતા હતા. જાણે કે પાર્ટીએ વ્હિપ જાહેર કર્યો હોય.
એક રિટાયર્ડ અધિકારીએ કહ્યું, "પ્રશાસન પર સિદ્ધારમૈયાની પકડ ઘણી મજબૂત છે અને તેઓ જે રીતે ફાઇલો વાંચે છે તે પણ મજબૂત છે. જો તેમને લાગે કે કોઈ અધિકારીનું સૂચન યોગ્ય છે તો તેના વિશે ખુલીને વાત કરે છે. તેઓ રાજકીય થાપણોનું ખૂબ ધ્યાન રાખે છે. ઘણી વખત તેઓ અધિકારીઓને કહેતા હતા કે કૅબિનેટમાં તેઓ અધિકારી વિરુદ્ધ અલગ વલણ અપનાવશે, પરંતુ અધિકારીને તેનું ખરાબ ન લાગવું જોઈએ."
ગ્રામ્ય વિસ્તારમાં સારી પકડ

ઇમેજ સ્રોત, K.VENKATESH
પ્રોફૅસર એમ. ડી. નંજુન્દાસસ્વામીએ સિદ્ધારમૈયા પર સૌથી ઊંડી અસર કરી છે. મૈસૂર લૉ કૉલેજમાં સિદ્ધારમૈયાના જ્યારે કાયદાનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને ભણાવતા હતા.
પ્રોફૅસર નંજુન્દાસસ્વામીએ જ કર્ણાટક રાજ્ય રાયત સંઘ (ખેડૂતોનું સંગઠન)ની રચના કરી હતી.
સિદ્ધારમૈયાના મિત્ર અને રિટાયર્ડ અધિકારી કે. અર્કેશ કહે છે, "અમે દર શનિવારે સાંજે મિટિંગ કરતા હતા, જેમાં દરેક વ્યક્તિ સામાજિક મુદ્દા પર વાત કરવા અને ચર્ચા કરવા માટે મુક્ત હતી. ત્યારે અમે ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ વિશે જાણ્યું. સમાનતાની ભાવના, વાણી સ્વતંત્રતા અને બંધારણ વિશેની અમારી સમજ પણ એ બેઠકોમાં જ રચાઈ હતી."
તેઓ આગળ કહે છે, "આ બેઠકોએ સિદ્ધારમૈયાને તાલુકા વિકાસ બૉર્ડની ચૂંટણી લડવા અને જીતવાની હિંમત આપી. તમને એક રહસ્ય કહું? તેઓ પત્તાની રમતમાં માહેર હતા. તેઓ રમીની એક પણ રમત હારતા નહોતા."

રાજનૈતિક દાવપેચ

ઇમેજ સ્રોત, ANI
રાજકારણમાં સિદ્ધારમૈયાને 'ચતુર અને માપી-તોલીને ચાલનારા નેતા' માનવામાં આવે છે.
કુરુબા (કે પછી ગડરિયા) સમુદાયના સિદ્ધારમૈયાએ પછાત વર્ગોમાં પોતાનો આધાર 'અહિંદા' (AHINDA એટલે કે અલ્પસંખ્યક, ઓબીસી અને દલિત) મંચ દ્વારા ઊભો કર્યો. જેથી તેઓ પોતાના જૂના ગુરુ એચ. ડી. દેવગૈડાની પાર્ટી જનતા દળ (સૅક્યુલર)થી અલગ થઈ શકે.
2013માં કૉંગ્રેસને જીત અપાવ્યા બાદ સિદ્ધારમૈયાએ જે પહેલું પગલું ભર્યું, એ હતું 'દરેક વ્યક્તિને દર મહિને પાંચ કિલો ચોખા આપવાનું.' બાદમાં તેને વધારીને સાત કિલો કરી દેવામાં આવ્યા હતા.
તેમની કલ્યાણકારી યોજનાઓનો ખર્ચ 4410 કરોડ રૂપિયા હતો. જેમાં દૂધઉત્પાદકોને સબસિડી, દલિતો તેમજ આદિવાસીઓ અને અલ્પસંખ્યકોને એક વખત કરમાફી અને ગરીબોના જૂનાં વીજબિલ માફ કરવાનું સામેલ હતું.
જોકે, મુખ્ય મંત્રી તરીકે તેમણે કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓ પ્રત્યે જે વલણ અપનાવ્યું, તેણે તેમના વિરુદ્ધમાં માહોલ ઊભો કર્યો હતો.
2018માં તેમનો સૌથી વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો. તેમણે લિંગાયતોની માગ અનુસાર તેમને અલગ ધર્મનો દરજ્જો આપવા માટેની જાહેરાત તો કરી, પરંતુ લોકોને એ ન સમજાવી શક્યા કે તેનાથી લિંગાયત સમુદાયને શું ફાયદો થશે.
તેથી ભાજપને એ પ્રચાર કરવાની તક મળી ગઈ કે સિદ્ધારમૈયા લિંગાયત સમુદાયને વહેંચે છે.
























