ગુજરાતમાં હજુ પાંચ દિવસ વરસાદ પડશે, કયા જિલ્લામાં ઍલર્ટ જાહેર કરાયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદનો જે રાઉન્ડ ચાલે છે તેમાં રાજ્યના મોટા ભાગના તાલુકા આવરી લેવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ છે જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને દ્વારકા અને જામનગર એવા જિલ્લા છે જ્યાં અતિભારે વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, સુરત, વડોદરા, વલસાડ, છોટા ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં પણ કેટલાક સ્થળે અતિભારે વરસાદ પડ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકના વરસાદના ડેટા પ્રમાણે છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સૌથી વધારે ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં 3.90 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઇંચ, વ્યારામાં 3.54 ઇંચ વરસાદ થયો છે. ડભોઈ, દાંતા, રાધનપુર, ખેડબ્રહ્મા, વાલોદ, ભીલોડા તાલુકામાં પણ ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા એક દિવસમાં રાજ્યના 26 જિલ્લામાં એક ઇંચ અથવા વધારે વરસાદ નોંધાયો છે.

વરસાદની કઈ સિસ્ટમ કામ કરે છે?

હવામાન વિભાગના ડેટા પ્રમાણે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં 24 ઑગસ્ટથી એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે. તેના કારણે એક અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સ્થિત છે. આગામી ચોવીસ કલાકમાં તે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધશે અને ત્યાર પછી નબળું પડવાની શક્યતા છે.

મધ્ય પ્રદેશ અને પસોડના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. આ ઉપરાંત બિકાનેર, જયપુર, ગ્વાલિયર, પ્રયાગરાજથી લઈને પુરુલિયા, દીઘા અને બંગાળની ખાડી સુધી એક મૉન્સુન ટ્રફની રચના થઈ છે.

બંગાળની ખાડી અને ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર આગામી 48 કલાકમાં એક ફ્રેશ લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે જે આ વિસ્તારમાં ભારે વરસાદ લાવી શકે છે.

ગુજરાતમાં હવે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 25 ઑગસ્ટ, સોમવારે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અને સૌરાષ્ટ્ર - કચ્છના મોરબી જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યના બાકીના ભાગોમાં પણ સોમવારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

મંગળવારે પણ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

મંગળવારે પાટણ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં યલો એલર્ટ છે અને આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

બુધવાર, 27 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ અને સુરત જિલ્લા માટે ઓરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

ગુરુવારે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટ અપાયું છે.

બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે.

આગામી શુક્રવાર અને શનિવારે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, દ્વારકા, કચ્છ, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં હાલ કેટલો વરસાદ પડ્યો છે?

ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવતા રવિવારથી સાબરમતી નદીમાં પુષ્કળ પાણી વહી રહ્યું છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર સાબરમતી નદી બે કિનારે વહી રહી છે.

ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ડૅમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં કડાણા ડૅમમાંથી રવિવારે 72 હજાર ક્યુસેક કરતા વધારે પાણી છોડવામાં આવતા વણાકબોરી ડૅમ ઓવરફ્લો થયો હતો. મહી નદીમાં 60 હજાર અને સાબરમતીમાં 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજકોટના જસદણ તાલુકાનો માલગઢ ડૅમ 90 ટકા ભરાઈ ગયો છે. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડીયાર ડૅમ 70 ટકા કરતા વધારે ભરાયો છે.

રવિવારે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડ્યો હતો જેની સાથે પવન પણ ફૂંકાતો હતો.

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ

હાલમાં ગુજરાતના ડૅમોમાં સરેરાશ પાણીનું સ્તર 80 ટકા સુધી પહોંચી ગયું છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ 83 ટકા કરતા વધુ છલકાયો છે જ્યારે મધ્ય ગુજરાતના ચાર ડેમ, સાઉથ ગુજરાતના નવ, કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રના 44 ડૅમ છલકાયા છે.

સાઉથ ગુજરાતનાં જળાશયોમાં 77 ટકા કરતાં વધારે પાણી છે જ્યારે મધ્ય ગુજરાતના ડૅમોમાં 90 ટકા પાણી અને સૌરાષ્ટ્રના ડૅમોમાં 76 ટકા કરતા વધારે પાણીનો સંગ્રહ થયેલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન