You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, ગુજરાતમાં કયા જિલ્લામાં અતિભારે વરસાદ શરૂ થશે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આવતા અઠવાડિયે ગુજરાતમાં વરસાદ શરૂ રહે તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં આવતી કાલે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતાં એ લૉ-પ્રેશર એરિયા બની રહ્યો છે.
વિવિધ હવામાન મૉડલોએ કરેલી આગાહી અનુસાર, આ લૉ-પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધી શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.
હવામાન વિભાગ અનુસાર 29 ઑગસ્ટ સુધી ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ શરૂ રહે તેવી આગાહી છે.
તેના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે.
કયા વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના સાબરકાંઠા, નવસારી, વલસાડ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીના વિસ્તારોમાં આજે 24 ઑગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આ સિવાય અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી અને જૂનાગઢમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયાં સ્થળોએ મધ્યમ કરતાં થોડો ભારે વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં પણ આ જ પ્રકારની આગાહી છે.
મોટાં ભાગનાં સ્થળોએ વીજળી સાથે 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે
બંગાળની ખાડી પર બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને તેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે.
25 ઑગસ્ટના રોજ ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 ઑગસ્ટના રોજ પણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
આ બંને દિવસે ગુજરાતના બાકીના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તથા પવનની ગતિ પણ 30થી 40 કિમીની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની હાલની સ્થિતિ
છેલ્લા આંકડાઓ અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 76 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 79 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનની સરેરાશનો 74 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 72 ટકા, સૌરાષ્ટ્રમાં 76 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 79 ટકા વરસાદ પડી ગયો છે.
ગુજરાતનાં જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 ડૅમમાં સરેરાશ 66 ટકા પાણી છે, પરંતુ ડૅમ છલકાયા નથી. મધ્ય ગુજરાતના 17માંથી ચાર ડૅમ છલકાયા છે અને તેમાં 83 ટકા સરેરાશ પાણી ભરાયું છે.
દક્ષિણ ગુજરાતના 13માંથી 9 ડૅમ છલકાયા છે અને 76 ટકા સરેરાશ પાણીનું સ્તર છે. કચ્છના 20માંથી ચાર ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 57 ટકા કરતાં વધારે પાણી છે.
સૌરાષ્ટ્રના 141 ડૅમમાંથી 38 ડૅમ છલકાઈ ગયા છે અને તેમાં 73 ટકા પાણી છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ અત્યાર સુધીમાં 80 ટકા ભરાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન