You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : ટ્રમ્પ યોજશે 'મોટી પત્રકારપરિષદ'

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થવા પર છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. કેટલાંક શહેરોમાં ટ્રમ્પ સામે તો કેટલાંકમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા પ્રદર્શન-તોડફોડ

    અમેરિકાનાં કેટલાંક રાજ્યોનાં શહેરોમાં મતગણતરીની તીવ્ર સ્પર્ધા અને તણાવને પગલે પ્રદર્શનકારીઓ ભેગા થવા લાગ્યા છે.

    પોર્ટલૅન્ડ, ઑરિગોનમાં દરેક મતની ગણતરીની માગ સાથે ટ્રમ્પવિરોધી દેખાવોના સંકેતોને પગલે નેશનલ ગાર્ડને સક્રિય કરી દેવાયા છે.

    પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે દુકાનોમાં તોડફોડ થઈ છે અને તોફાનવિરોધી પોલીસને બોલાવાઈ છે.

    દરમિયાન મિનેપોલીસમાં પોલીસે 200 પ્રદર્શનકારીની અટકાયત પણ કરી છે. યુએસ મીડિયા અનુસાર તેઓ ટ્રમ્પ સામે વિરોધ કરી રહ્યા હતા.

    વળી ન્યૂ યૉર્ક, ફિલાડેલ્ફિયા અને શિકાગોમાં પણ આવી જ ઘટનાઓ જોવા મળી છે.

    તો વળી ડેટ્રોઇટમાં ટ્રમ્પના સમર્થકોએ પ્રદર્શન કર્યાં છે. જેમાં પણ તોડફોડના રિપોર્ટ્સ છે.

  2. ટ્રમ્પના વિજય માટે પ્રાર્થના શરૂ કરી

    ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવે એ માટે ટ્રમ્પનાં આધ્યાત્મિક સલાહકારે પ્રાર્થના શરૂ કરી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પનાં આધ્યાત્મિક સલાહકાર પૌલા વ્હાઇટ-સેઇને ટ્રમ્પ ફરીથી ચૂંટાઈ એ માટે પ્રાર્થનાનું આયોજન કર્યું.

    તેઓ પ્રાર્થનામાં કહી રહ્યા છે, "ટ્રમ્પના વિજય વચ્ચે આવી રહેલી બૂરાઈઓ દૂર થાય અને ટ્રમ્પ જીતી જાય."

    આ ક્લિપ સોશિયલ મીડિયા પર પણ ઘણી વાઇરલ થઈ રહી છે.

  3. મતગણતરી ચાલુ રહશે, રોકીશું નહીં – પેન્સિલ્વેનિયાના ગવર્નર

    પેન્સિલ્વેનિયાના ગવર્નર ટોમ વૂલ્ફે કહ્યું કે મતગણતરી ચાલુ રહેશે.

    ડોનાલ્ડ ટ્રમ્પના કૅમ્પેને મતગણતરી રોકવા માટે પ્રયાસ આદર્યા છે છતાં તેમણે કહ્યું કે મતગણતરી ચાલુ જ રહેશે.

    ટ્રમ્પના કૅમ્પેનનો આરોપ છે કે ડેમૉક્રેટ્સ પેન્સિલ્વેનિયામાં પરિણામ હાઇજેક કરવાની કોશિશ કરી રહ્યા છે.

    ડેપ્યૂટી કૅમ્પેન મૅનેજર જસ્ટિન ક્લાર્કે કહ્યું કે રિપબ્લિકનના મત સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. જોકે ગેરરીતિ કે છેતરપિંડીના કોઈ રિપોર્ટ નથી નોંધાયા.

    ડેમૉક્રેટ પક્ષના સભ્ય એવા ગવર્નર વૂલ્ફે કહ્યું, "લોકશાહી ઢબની પ્રક્રિયાને અવરોધવી એ દુખદ છે. હું દરેક પેન્સિલ્વેનિયાના મતને સુરક્ષિત કરવા આખર સુધી લડાઈ લડીશ. દરેક મતની ગણતરી થાય એ માટે હું મારી તમામ શક્તિ લગાવી દઈશ."

  4. નેવાડામાં તણાવ

    નેવાડામાં તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. આથી તણાવ પણ ચરમસીમા પર છે.

    ક્લાર્ક કાઉન્ટીમાં પત્રકારપરિષદમાં એક પ્રદર્શનકારીએ કૅમેરાની સામે કૂદીને 'બાઇડનનો ગુનાહિત પરિવાર ચૂંટણી પરિણામમાં ગોટાળા કરી રહ્યો છે અને મીડિયા તેને છુપાવી રહ્યું છે' સૂત્ર ઉચ્ચાર્યુ હતું. નેવાડાનું આ સૌથી મોટું શહેર છે.

    રાજ્યના અધિકારીઓએ કહ્યું કે બુધવારે પરિણામો પૂર્ણ નહીં થાય. પરંતુ ગુરુવારે સવાર સુધી મતગણતરી ચાલુ રહેશે.

    આ ચાવીરૂપ રાજ્યે તાજેતરનાં વર્ષોમાં ડેમૉક્રેટિક તરફી વલણ રાખ્યું છે પરંતુ વર્ષ 2000 અને 2004માં રિપબ્લિકન જ્યોર્જ ડબ્લ્યુ બુશને મત આપ્યા હતા.

  5. રાષ્ટ્રપતિ કોઈ પણ બને અમેરિકા સાથે સંબંધો સારા રહેશે : ભારત

    ભારના વિદેશ સચિવ હર્ષ વી. શ્રૃંગલાએ કહ્યું કે અમેરિકાની ચૂંટણીનાં પરિણામ ભલે કંઈ પણ આવે, તેની અસર ભારતના અમેરિકા સાથેના સંબંધો પર નહીં થાય.

    'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત અહેવાલ મુજબ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રૃંગલાએ કહ્યું કે રાષ્ટ્રપતિપદ માટે ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડન પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ 'ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક રીતે મજબૂત સંબંધોનું સમર્થન કરે છે.'

    તેમણે કહ્યું ટ્રમ્પ હોય કે બાઇડન આ મામલે બંનેના વિચારો સરખા જ છે.

    તેમણે ઉમેર્યું કે સત્તા બદલાવાથી પરસ્પર સંબંધોમાં કોઈ અસર નહીં પડે. બંને દેશો વચ્ચેના સંબંધો હજુ મજબૂત થશે.

  6. અમેરિકા ચૂંટણી : હજુ સુધી પરિણામ કેમ આવ્યું?

    અમેરિકામાં ચૂંટણીપ્રક્રિયા પૂરી થઈ ગઈ, પરંતુ આપણે ધાર્યું હતું તે મુજબ જ હજુ કોઈ વિજેતા જાહેર થયું નથી.

    અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન ઘણા સમય પહેલાં પૂર્ણ થઈ ગયું, પરંતુ વ્હાઇટ હાઉસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચેની રેસમાં કોણ જીત્યું તેનો નિર્ણય હજુ થયો નથી. શા માટે?

    ચૂંટણીની રાતે આપણને કદાચ પરિણામો નહીં મળે તેવી શક્યતા પહેલેથી હતી.

    કોરોના વાઈરસના કારણે કરોડો અમેરિકનો પોસ્ટ દ્વારા મતદાન કરી રહ્યા છે.

    એનો અર્થ એવો થયો કે તમામ મતની ગણતરીમાં વિલંબ થાય તેવી શક્યતા રહેલી હતી.

    આ વખતે કોરોના વાઇરસના રોગચાળાના કારણે વધુ મતદારોએ પોસ્ટ દ્વારા વહેલું અથવા રૂબરૂ મતદાન કર્યું છે.

    પોસ્ટલ મતની ગણતરીમાં સામાન્ય રીતે વધારે સમય લાગે છે, કારણ કે તેમાં ચકાસણી વધુ રાખવી પડે છે. જેમ કે મતદારોની સહી અને સરનામાંની ચકાસણીમાં પણ સમય લાગે છે.

  7. જ્યોર્જિયામાં શું છે સ્થિતિ?

    જ્યોર્જિયામાં ખૂબ જ તીવ્ર સ્પર્ધા જામી છે. અધિકારીઓ અનુસાર અહીં 2 લાખ મતની ગણતરી હજુ પણ બાકી છે. અહીં ટ્રમ્પ 38,996 મતોથી આગળ છે.

    નૉર્થ કૅરોલિના, વિસ્કોન્સિન, નેવાડા અને પેન્સિલ્વેનિયામાં મતગણતરી ચાલુ છે.

    નૉર્થ કૅરોલિના – ટ્રમ્પ 76,737થી આગળ, અધિકારીઓએ કહ્યું 13મી નવેમ્બર સુધી કદાચ પરિણામ નહીં આવી શકે.

    વિસ્કોન્સિન – બાઇડન 20,510 મતોથી આગળ, 99 ટકા બૅલેટની ગણતરી થઈ ચૂકી છે.

    નેવાડા – 85 ટકા મતગણતરી થઈ ગઈ, બાઇડન 7467 મતોથી આગળ.

    પેન્સિલ્વેનિયા – ટ્રમ્પ 1 લાખ 87 હજાર મતોથી આગળ, સંખ્યાબંધ પોસ્ટલ વોત ગણવાના બાકી છે, જે ખાસ કરીને ડેમૉક્રેટિક વિસ્તારના છે.

  8. જો બાઇડન અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડે તો શું થાય?

    અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. આ સ્થિતિમાં અમેરિકાની ચૂંટણી અંગે અનેક સવાલો પુછાઈ રહ્યા છે. જો ટાઈ પડે તો શું થાય?

    કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ વાંચો અહીં.Link

  9. અમારી પાસે પૂરતા મત, અમે જીતીશું – જો બાઇડન

    જો બાઇડને કહ્યું છે કે તેમનું માનવું છે કે તેમણે વ્હાઇટ હાઉસ પહોંચવા જરૂરી મતો મેળવી લીધા છે. જોકે તેમણે જીતનો દાવો કરવાનું ટાળ્યું હતું.

    બીબીસીએ કરેલા આકલન પ્રમાણે જો બાઇડને મિશિગન રાજ્યમાં વિજય મેળવી લીધો છે, જ્યારે અમેરિકી મીડિયાની આગાહી મુજબ તેમણે વિસ્કૉન્સિન પણ જીતી લીધું છે. પરંતુ પેન્સિલ્વેનિયામાં પરિણામો સ્પષ્ટ નથી થયાં. જોકે બાઇડનનું કહેવું છે કે અહીંના પરિણામ માટે તેઓ હકારાત્મક છે.

    દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ કૅમ્પેને મિશિગન, પેન્સિલ્વેનિયા અને જ્યોર્જિયામાં મતગણતરી મામલે કોર્ટમાં કેસ કરી દીધા છે.

  10. હાલની સ્થિતિ શું છે? જો બાઇડન – 243, ટ્રમ્પ - 213

    હાલ હજુ પણ મતગણતરી ચાલુ છે. એડિસન રૉયટર્સ/બીબીસી અનુસાર ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન 243 ઇલેક્ટોરલ કૉલેજના ડેલિગેટ્સ સાથે આગળ ચાલી રહ્યા છે.

    જ્યારે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 213 ઇલેક્ટોરલ કૉલેજ ડેલિગેટ્સ છે. અત્રે નોંધવું કે જીત માટે 270 ઇલેક્ટોરલ કૉલેજના ડેલિગેટ્સ (મતો)ની જરૂર છે.

    50માંથી 41 રાજ્યોનાં પરિમાણો જાહેર થઈ ગયાં છે. જ્યારે નેવાડા, એરિઝોના, વિસ્કૉન્સિન, જ્યોર્જિયા, નૉર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા, અલાસ્કા રાજ્યોમાં રસાકસી છે. જેમાં કેટલાકમાં બાઇડન આગળ છે તો કેટલાકમાં ટ્રમ્પ આગળ છે.

    દરમિયાન મિશિગન રાજ્યમાં જીત મળી હોવાનો જો બાઇડને દાવો કર્યો છે.

    પરંતુ અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જો બાઇડન અને ટ્રમ્પ બંનેએ વિજયી બનવાનો દાવો ગતરોજ કર્યો હતો. જોકે છતાં મતગણતરીઓ ચાલુ હોઈ હજુ સુધી સ્પષ્ટ પરિણામો નથી આવ્યાં. વધુ પરિણામો સંપૂર્ણ મતગણતરી બાદ જાહેર થશે.

  11. પેન્સિલ્વેનિયા : ટ્રમ્પના કૅમ્પેન અધિકારીઓ મતગણતરી અટકાવવા કોર્ટમાં જશે?

    ડોનાલ્ડ ટ્રમ્પના કૅમ્પેન અધિકારીઓએ કહ્યું છે કે પેન્સિલ્વેનિયામાં મતગણતરી અટકાવવા માટે તેઓ કોર્ટમાં જશે. તેમણે ડેમૉક્રેટ્સ પર મતગણનામાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો છે.

    વળી આ અધિકારીઓએ રાજ્યમાં સત્તાવાર રીતે ચૂંટણી કરાવનારા જવાબદાર અધિકારીઓની પણ ટીકા કરી છે.

    અત્રે નોંધનીય છે કે અગાઉ ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં મતદાન ખૂબ જ સારી રીતે થયું છે.

    ટ્ર્મ્પના કૅમ્પેન અધિકારી જસ્ટિન ક્લાર્કે ડેમૉક્રેટિક પાર્ટીના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચૂંટણીના નિરીક્ષકોને ફરજ પાડી કે તેઓ એ જગ્યાથી 25 ફૂટ દૂર રહે જ્યાં મતગણતરી ચાલી રહી છે. આથી તેમના ઑબ્ઝર્વરને કામ કરવામાં મુશ્કેલી પડી થઈ છે.

    વળી બાયપાર્ટિસન પૉલિસી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર મેથ્યૂ વીલે બીબીસીને જણાવ્યું કે તેમને પેન્સિલ્વેનિયાનો વિવાદ કોર્ટમાં જશે એ મામલે સૌથી વધુ ચિંતા છે.

    તેમણે કહ્યું કે ચૂંટણીની નિર્ધારિત તારીખ પછી આવેલા મતને ગણતરીમાં લેવા જોઈએ કે નહીં એ વિશે સુપ્રીમ કોર્ટ પહેલાથી જ રિપબ્લિકન પાર્ટીના મામલામાં વિચારણા કરી રહી છે.

    તેઓ કહે છે, "મને લાગે છે કે પોસ્ટલ બૅલેટ, જે ચૂંટણીના દિવસે જ નાખવામાં આવ્યા છે અને શુક્રવાર પહેલા ચૂંટણી અધિકારીઓ સુધી ન પહોંચ્યા હતા, તેને ફગાવી દેવામાં આવશે."

  12. અમેરિકાની ચૂંટણી અંગેના બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અમેરિકાની ચૂંટણીને લગતી તમામ અપડેટ્સ અને તેને સંબંધિત બહુવિધ દૃષ્ટિકોણ અમે આપને અહીં આપતા રહીશું.