You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ચૂંટણીપરિણામ : 'મહિલાઓ ભાજપની જીતની સારથિ બની છે' - વડા પ્રધાન મોદી

પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો હવે થોડા કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. હાલમાં વલણો અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુરમાં ભાજપ સરકાર બનતી જણાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, આ મહિલા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રીને આપી રહ્યા છે ટક્કર

    ઉત્તર પ્રદેશ ચૂંટણીપરિણામનાં વલણોમાં અત્યારે સિરાથુ બેઠક પરથી રાજ્યના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય પાછળ ચાલી રહ્યા છે.

    આ બેઠક પર હાલ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડૉ. પલ્લવી પટેલ આગળ ચાલી રહ્યાં છે.

    બપોરે 12 વાગ્યા સુધીમાં ડૉ. પલ્લવી પટેલને કૂલ 10,626 મત મળ્યા હતા. જ્યારે કેશવપ્રસાદ મૌર્યને 8,482 મત મળ્યા છે.

    અત્યાર સુધીની ગણતરી અનુસાર કેશવપ્રસાદ મૌર્યને 40.64 ટકા મત મળ્યા છે. જ્યારે ડૉ. પલ્લવી પટેલ 50.92 ટકા મત સાથે આગળ ચાલી રહ્યાં છે.

    આ બેઠક પરથી કૉંગ્રેસનાં ઉમેદવાર સીમા દેવીને માત્ર 62 મત મળ્યા છે. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુનસાબ અલી 814 મત સાથે ત્રીજા નંબરે છે.

  2. બ્રેકિંગ, ઉત્તર પ્રદેશમાં ભાજપ 250ને પાર, સમાજવાદી પાર્ટીએ 100નો આંક વટાવ્યો

    મતગણતરી શરૂ થયે લગભગ ચાર કલાકનો સમય થયો છે અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકોમાંથી 395 બેઠકો પર પરિણામોનું વલણ સામે આવ્યું છે.

    આ વલણમાં ભાજપ 256 બેઠકો પર આગળ છે. જ્યારે સમાજવાદી પાર્ટી 105 બેઠકો પર આગળ છે.

    જ્યારે કૉંગ્રેસ માત્ર ત્રણ બેઠકો પર આગળ હોવાનું સામે આવ્યું છે.

    ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીની પળેપળની અપડેટ માટે અહીં ક્લિક કરો.

  3. પરિણામના વલણને લઇને મનીષ સિસોદિયાએ કહ્યું, “પંજાબે કેજરીવાલના ગવર્નન્સ મૉડલને તક આપી”

    પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જબરદસ્ત પ્રદર્શન વચ્ચે દિલ્હીના ઉપમુખ્ય મંત્રી અને પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે સમગ્ર દેશમાં કેજરીવાલ ગવર્નન્સ મૉડલ સ્થાપિત થઈ ગયું છે.

    સિસોદિયાએ કહ્યું, “પંજાબના લોકોએ કેજરીવાલ મૉડલ ઑફ ગવર્નન્સને એક તક આપી છે. આજે સમગ્ર દેશમાં એ લોકો સ્પષ્ટપણે વિચારે છે કે જો કેજરીવાલ હશે તો ઈમાનદારીથી વેપાર, રોજગાર, શિક્ષા, સ્વાસ્થ્ય સેવા મળી શકે છે.”

    મનીષ સિસોદિયાના કહેવા પ્રમાણે બાબા સાહેબ, ભગત સિંહનું સપનું આજે પૂર્ણ થયું છે. આ રસ્તો હવે ધીરે ધીરે સમગ્ર દેશમાં જશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જ નહીં આમ આદમી (સામાન્ય લોકો)ની પણ જીત થઈ છે.

    પંજાબ વિધાનસભાની ચૂંટણીપરિણામમાં આમ આદમી પાર્ટી 89 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કૉંગ્રેસ 14 બેઠકો પર આગળ છે.

  4. ઉત્તર પ્રદેશ: ઉપ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય પાછળ

    ભાજપના દિગ્ગજ નેતા અને ઉપ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય પોતાની બેઠક સિરાથુ પર પાછળ ચાલી રહ્યા છે.

    સિરાથુ બેઠક પરથી સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર ડૉક્ટર પલ્લવી પટેલ આગળ ચાલી રહ્યાં છે.

    ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામના વલણમાં ભાજપ બહુમતના આંકડાને પાર કરી ચૂક્યો છે.

  5. સમાજવાદી પાર્ટીએ મતગણતરી દરમિયાન કાર્યકર્તાઓને કરી અપીલ

    સમાજવાદી પાર્ટીએ મતગણતરી દરમિયાન પોતાના કાર્યકર્તાઓને બૂથ પર અડગ રહેવાની અપીલ કરી છે.

    સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કર્યું કે, "તમામ સમાજવાદીઓ અને સહયોગી દળના કાર્યકર્તાઓને અપીલ છે કે ટીવી પર દર્શાવવામાં આવતાં વલણો પર ધ્યાન ન આપીને પોતાના બૂથ પર અડગ રહો. અંતમાં લોકતંત્ર જીતશે અને પરિણામ ગઠબંધનના પક્ષમાં હશે."

    ઉત્તર પ્રદેશના પરિણામોના વલણમાં ભાજપ બહુમતનો આંકડો પાર કરી ચૂકી છે.

  6. વિધાનસભાની ચૂંટણીમાં સ્ટ્રૉંગ રૂમથી લઈને કાઉન્ટિંગ સૅન્ટર સુધી, કઈ રીતે થાય છે મતગણતરી?

  7. બ્રેકિંગ, પંજાબ: મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ અને અમરિંદર પણ મુશકેલીમાં...

    પંજાબમાં ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી લડી રહેલા પંજાબના મુખ્ય મંત્રી ચરણજીત સિંહ ચન્ની પાછળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. પટિયાલાથી પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ પણ પાછળ ચાલી રહ્યા છે. ધૂરીથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ભગવંત માન આગળ ચાલી રહ્યા છે.

  8. બ્રેકિંગ, ઉત્તર પ્રદેશ: પરિણામના વલણમાં ભાજપે કર્યો બહુમતનો આંકડો પાર

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામના વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે.

    અઢી કલાકની મતગણતરી બાદ હવે રાજ્યમાં ભાજપ 209 બેઠકો પર આગળ છે. સમાજવાદી પાર્ટીને 101 સીટ પર લીડ મળી છે.

    જ્યારે કૉંગ્રેસ ચાર અને બહુજન સમાજવાદી પાર્ટી પાંચ બેઠક પર આગળ છે.

    402 બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુમત માટે 202 બેઠકો પર જીત જરૂરી છે.

  9. FB Live : પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોમાં અત્યાર સુધી શું સ્થિતિ રહી છે અને મોટાભાગનાં રાજ્યોમાં ભાજપના પ્રદર્શનની ગુજરાતની ચૂંટણી પર શું અસર પડશે? બીબીસી સંવાદદાતા સમીના શેખ અને બીબીસી ગુજરાતીના ઍડિટર મેહુલ મકવાણાની વાતચીત

  10. પંજાબ ચૂંટણીના વલણ પર આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું, “સામાન્ય લોકો જાગી ચૂક્યા છે”

    પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણમાં આમ આદમી પાર્ટીને મળી રહેલી લીડથી પાર્ટીના નેતાઓ ખુશ જોવા મળી રહ્યા છે.

    આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે "પંજાબમાં પાર્ટીને મળી રહેલી જીતથી સાબિત થઈ રહ્યું છે કે સામાન્ય જનતા જાગી ચૂકી છે. અમારી પાર્ટી કૉંગ્રેસનું નેચરલ રિપ્લેસમેન્ટ છે."

    "અમે વધુ એક રાજ્યમાં સત્તામાં આવી રહ્યા છીએ એ નહીં, મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે એક વિકલ્પ તરીકે અમે આગળ વધી રહ્યા છીએ."

  11. ચૂંટણી પરિણામ પહેલાં મણિપુરના મુખ્ય મંત્રીએ શું કહ્યું?

    મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહે કહ્યું કે ભાજપ પૂર્ણ બહુમત સાથે રાજ્યમાં સરકાર બનાવશે.

    મતગણતરીના દિવસે મુખ્ય મંત્રી બિરેનસિંહે કહ્યું, “મેં પ્રભુને પ્રાર્થના કરી છે કે વીતેલાં પાંચ વર્ષની જેમ આવનારાં પાંચ વર્ષ પણ શાંતિ અને વિકાસની સાથે પસાર થાય અને રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવે.”

    મણિપુરના પ્રારંભિક વલણમાં અત્યાર સુધી ભાજપ સાત બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસ બે બેઠકો પર આગળ છે. મણિપુરમાં અપક્ષના ઉમેદવારો પણ છ બેઠક પર આગળ છે.

  12. બ્રેકિંગ, ઉત્તર પ્રદેશ: 10 વાગ્યા સુધીના વલણમાં ભાજપ 150 બેઠકો પર આગળ

    ઉત્તર પ્રદેશમાં સવારે 10 વાગ્યા સુધીનાં વલણોમાં ભારતીય જનતા પાર્ટી અને તેમની સહયોગી પાર્ટીઓ 154 બેઠકો પર આગળ ચાલી રહી છે.

    જ્યારે તેમની સૌથી મોટી પ્રતિદ્વંદી સમાજવાદી પાર્ટી 57 બેઠકો પર આગળ વધી રહી છે.

    બહુજન સમાજવાદી પાર્ટી ચાર બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસને છ બેઠકો પર લીડ મળી છે.

    ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની ચૂંટણીની પળેપળની અપડેટ માટે અહીં ક્લિક કરો.

  13. ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં પરિણામોના પ્રારંભિક વલણને લઈને વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી સાથે વાતચીત

    ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં શરૂઆતી વલણ સામે આવ્યાં છે જેમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. પરિણામોનાં વલણ અંગે બીબીસી સંવાદદાતાRoxy Gagdekar Chharaની વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી સાથે લખનૌમાં ખાસ વાતચીત

  14. બ્રેકિંગ, પાંચ રાજ્યોનું ચૂંટણીપરિણામ: જાણો શું કહે છે ચૂંટણીપંચના આંકડા

    ઉત્તર પ્રદેશમાં સવારે સાડા નવ વાગ્યા સુધીમાં કૂલ 82 બેઠકો પર મતગણતરીનાં વલણો સામે આવ્યા છે. જે પૈકી ભાજપ 48 બેઠકો પર, 24 બેઠકો પર સમાજવાદી પાર્ટી, ચાર બેઠકો પર અપના દલ, બે બેઠકો પર કૉંગ્રેસ અને એક બેઠક પર રાષ્ટ્રીય લોકદળ આગળ છે.

    જ્યારે પંજાબમાં 81 બેઠકો પૈકી 64 બેઠકો પર આમ આદમી પાર્ટી, આઠ બેઠકો પર કૉંગ્રેસ, બે બેઠક પર ભાજપ, પાંચ બેઠક પર શિરોમણી અકાલી દળ અને આઠ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે.

    ઉત્તરાખંડમાં કૂલ 16 બેઠકો પૈકી 10 બેઠકો પર ભાજપ અને છ બેઠકો પર કૉંગ્રેસ આગળ હોવાનું સામે આવ્યું છે.

    ગોવામાં કૂલ 19 બેઠકો પૈકી ભાજપ 11 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ ત્રણ અને અપક્ષ બે બેઠક પર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી એક બેઠક પર આગળ છે.

    મણિપુરમાંથી અત્યાર સુધી 11 બેઠકો પર વલણો સામે આવ્યાં છે. આ 11 બેઠકોમાંથી છ બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે કૉંગ્રેસ બે બેઠક પર અને જનતા દળ તેમજ બે સ્થાનિક પાર્ટીઓ એક-એક બેઠક પર આગળ છે.

  15. પરિણામોની શું અસર થઈ શકે?

    પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની અસર જે-તે રાજ્યના મુખ્ય મંત્રીપદના ઉમેદવારો તથા ચૂંટણીજંગમાં ઝંપલાવનારા કૅન્ડિડેટ પર તો થશે જ સાથે-સાથે તેનાં દૂરગામી રાજકીય પરિણામો હશે. યુપીમાં વિજય-પરાજય મોદી-યોગીની શાખ પર અસર કરશે.

    પંજાબ-ઉત્તરાખંડ-ગોવાનાં ચૂંટણીપરિણામો રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે, પાર્ટીમાંથી તેમના નેતૃત્વની સામે કદાચ પડકાર ઊભા ન થાય તો પણ ભાજપના વિકલ્પ તરીકે કૉંગ્રેસ પર સવાલ ઊઠશે.

    પંજાબમાં આપનો વિજય થાય તો ત્રીજા મોરચામાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું કદ વધશે.

    આ સિવાય નવા ચૂંટાયેલા ધારાસભ્યો આગામી છ મહિના દરમિયાન રાજ્યસભાની લગભગ લગભગ 70 જેટલી બેઠકોની ચૂંટણી દરમિયાન ઉપલાગૃહમાં પોત-પોતાની પાર્ટીના પ્રતિનિધિત્વને અસર પહોંચાડશે.

    નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને તેમણે ચૂંટેલા રાજ્યસભાના સંસદસભ્યો આગામી રાષ્ટ્રપતિપદની ચૂટણી દરમિયાન ભાજપ (કે એનડીએ)ના ઉમેદવારની હારજીતને નહીં તો કમ સે કમ માર્જિનને તો અસર કરશે જ.

    પંજાબની ચૂંટણીમાં પરિવર્તન કૅપ્ટન અમરિંદરસિંહ અને તેમની પાર્ટીનું રાજકીય ભાવિ નક્કી કરશે તો ગોવાનાં પરિણામોના આધારે મમતા બેનરજીની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ નિર્ધારિત થશે.

  16. ઉત્તર પ્રદેશમાં ભાજપ તો પંજાબમાં આમ આદમી પાર્ટી આગળ

    શરૂઆતી ટ્રૅન્ડમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ 30 બેઠકો પર આગળ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સમાજવાદી પાર્ટી 10 બેઠકો પર આગળ છે.

    પંજાબમાં આમ આદમી પાર્ટી આઠ બેઠકો પર આગળ હોવાનું જાણવા મળ્યું છે.

    સવારે નવ વાગ્યા બાદ ભાજપ એક બેઠક પર આગળ હોવાનું સામે આવ્યું છે.

    તમામ પાંચ રાજ્યોનાં ચૂંટણીપરિણામોની પળેપળની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

  17. મતગણતરી દરમિયાન અખિલેશ યાદવે કહ્યું, “સમય આવી ગયો છે ‘નિર્ણયો’નો”

    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ ચૂંટણીની મતગણતરી શરૂ થયા બાદ એક ટ્વીટ કર્યું છે.

    તેમણે લખ્યું છે, “હિંમતની પરીક્ષા બાકી છે, સમય આવી ગયો છે ‘નિર્ણયો’નો.”

    તેઓ આગળ લખે છે, “મતગણતરીકેન્દ્રો પર દિવસ-રાત સતર્ક અને સાવચેત રૂપથી સક્રિય રહેનારા સમાજવાદી પાર્ટી ગઠબંધનના દરેક કાર્યકર્તા, સમર્થક, નેતાઓ, પદાધિકારીઓ અને હિતેચ્છુઓને હૃદયથી ધન્યવાદ. ‘લોકતંત્રના સૈનિકો’ જીતનું પ્રમાણપત્ર લઈને જ પાછા ફરે.”

  18. ઈવીએમ સાથે છેડછાડના આરોપો અંગે બોલ્યા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા

    સમાજવાદી પાર્ટી દ્વારા ઈવીએમ મશીનો સાથે ચેડા થવાના આરોપો બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે ઈવીએમ સાથે ચેડા કરવા શક્ય નથી. કારણ કે કેન્દ્રીય ચૂંટણીપંચ હંમેશાં પારદર્શિતાનું પાલન કરે છે.

    સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં સુશીલ ચંદ્રાએ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણીઅધિકારીએ વારાણસીના જિલ્લા મૅજિસ્ટ્રેટને સસ્પેન્ડ કરી દીધા છે, કારણ કે તેમણે નિયમોનું પાલન કર્યું નથી. ઈવીએમને ટ્રેનિગં માટે લઈ જવાનું હોય તો પણ રાજકીય પક્ષોને જાણ કરવાની હોય છે.

    મુખ્ય ચૂંટણીઅધિકારીએ કહ્યું કે ઈવીએમ સાથે ચેડા કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી અને એ વર્ષ 2004થી ઉપયોગમાં લેવાય છે.

    ઉલ્લેખનીય છે કે વારાણસીમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ઈવીએમ મશીન સાથે ચેડા થયા હોવાના આરોપ લગાવ્યો છે.

  19. ગોવા : મતગણતરી પહેલાં મંદિરે પહોંચ્યા મુખ્ય મંત્રી સાવંત

    ગોવાની 40 વિધાનસભા બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત શ્રીદત્તા મંદિર પર પહોંચ્યા.

  20. બ્રેકિંગ, યુપી સહિત પાંચ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ

    ઉત્તર પ્રદેશ સમેત પાંચ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    યુપીમાં 403 વિધાનસભાની બેઠકોનાં પરિણામ આજે આવશે. ઍક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભરી રહ્યો હોવાનો દાવો કરાયો છે.

    મતગણતરી દરમિયાન સૌથી પહેલા પોસ્ટલ બૅલેટની ગણતરી કરવામાં આવશે.