You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ટ્રૅક્ટર રેલી : હિંસા કરનારા સામે કાર્યવાહીનું પોલીસનું એલાન, ખેડૂત સંગઠનોએ કહ્યું- આંદોલન ચાલુ રહેશે

દિલ્હીમાં આયોજિત ખેડૂતોની 'ટ્રૅક્ટર પરેડ'માં ઠેરઠેર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ખેડૂતો દિલ્હીના ITO સુધી પહોંચ્યા

    સમાચાર એજન્સી એએનાઈ દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોઝમાં જોઈ શકાય છે કે ટ્રૅક્ટર રેલી લઈને ગાઝીપુર સરહદથી પ્રવેશેલા ખેડૂતો દિલ્હીના મુખ્ય વિસ્તારો પૈકી એક ITO ખાતે પહોંચી ગયા છે.

  2. ગાઝીપુર સરહદથી પ્રવેશેલા ખેડૂતો પર ટિયરગૅસ શેલ છોડાયા

    ગાઝીપુર સરહદથી ખેડૂતો બૅરિકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા, પોલીસ દ્વારા ટિયરગૅસના શેલ્સ છોડવામાં આવ્યા હતા.

    સમાચાર એજન્સી દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડૂતોની આ રેલી પ્રગતિ મેદાન સુધી પહોંચી ગઈ છે.

  3. બ્રેકિંગ, નાંગલોઈમાં પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

    નાંગલોઈથી બીબીસીના સહયોગી સમીરાત્મજ મિશ્ર જણાવે છે કે એકાદ કલાકથી ખેડૂતો આગળ વધવા માટે રાહ જોતા હતા.

    ખેડૂતોએ નિર્ધારિત રૂટ સિવાયના માર્ગ પર આગળ વધવાના પ્રયાસ કર્યા છે.

    ખેડૂતોએ રસ્તાની બાજુ પરની રેલિંગ તોડી દીધી છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ અહીં પણ જોવા મળી રહી છે.

  4. ટ્રૅક્ટર રેલી : હિંસા કરનારા સામે કાર્યવાહીનું પોલીસનું એલાન, ખેડૂત સંગઠનોએ કહ્યું- આંદોલન ચાલુ રહેશે

  5. ગાઝીપુર સરહદેથી આવેલા ખેડૂતો પ્રગતિ મેદાન પહોંચ્યા

    સમાચાર એજન્સી એએનઆઈ જણાવે છે કે ગાઝીપુર સરહદથી બૅરિકેડ્સ તોડીને પ્રવેશેલા ખેડૂતો દિલ્હીના પ્રગતિ મેદાન વિસ્તાર સુઝી પહોંચી ગયા છે.

    ખેડૂતોને પોલીસે રોકવાના પ્રયાસ કર્યા હતા, જોકે ખેડૂતો બૅરિકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા.

  6. ટીકરી સરહદેથી નીકળેલી રેલીને અટકાવાઈ

    ટીકરી સરહદેથી નીકળેલી ટ્રૅક્ટર માર્ચને નાંગલોઈમાં રોકી દેવામાં આવી છે.

    બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા જણાવે છે કે અંદાજે 25 કિલોમિટર સુધી ચાલેલી કૂચને નાંગલોઈ-નઝફગઢ પાસે રોકી દેવાઈ છે.

    સિંઘુ બૉર્ડર પર ઘર્ષણના સમાચાર આવ્યા બાદ માર્ચને રોકી દેવાઈ છે.

  7. ટ્રૅક્ટર રેલીમાં ભાગ લેવા આવેલા ગુજરાતીઓ શું કહે છે?

    ગુજરાતથી ખેડૂતો અને કર્મશીલો 100 ટ્રૅક્ટર લઈને રેલીમાં જોડાયા છે. તેઓ શું કહે છે?

  8. બ્રેકિંગ, ગાઝીપુર સરહદેથી દિલ્હીમાં પ્રવેશતાં ખેડૂતો પર ટિયરગૅસ શેલ છોડાયા

    ગાઝીપુર સરહદેથી દિલ્હી તરફ પ્રવેશી રહેલા ખેડૂતો પર ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા છે.

    દિલ્હી-નોએડા અને દિલ્હી-ગાઝિયાબાદના રસ્તા પર અક્ષરધામ પાસે પોલીસે ટિયરગૅસ છોડ્યા હોવાની તસવીરો આવી રહી છે.

    અહીં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત છે.

  9. શાહજહાં-ખેડા સરહદથી LIVE

  10. બૅરિકેડ્સ તોડતાં ખેડૂતો પર પોલીસે ટિયરગૅસ છોડ્યા

    સિંઘુ બૉર્ડર નજીક સંજય ગાંધી ટ્રાન્સપૉર્ટ નગર ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

    જે બાદ પોલીસે ખેડૂતો પર ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા.

    સમાચાર એજન્સી એએનઆઈએ વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં ઠેર-ઠેર ટિયરગૅસના ધુમાડા જોઈ શકાય છે.

  11. બ્રેકિંગ,

    સિંઘુ બૉર્ડર પાસે સંજય ગાંધી ટ્રાન્સપૉર્ટ નગર પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતાં પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા હતા.

    કેટલાક ખેડૂતો પોલીસનાં વાહનો અને વૉટર કૅનન પર ચઢી ગયા હતા.

  12. બ્રેકિંગ, ખેડૂતો ટ્રાન્સપોર્ટ નગર પાસે બૅરિકેડ્સ તોડી દિલ્હીમાં પ્રવેશ્યા

    સિંઘુ બૉર્ડર પાસે ટ્રાન્સપોર્ટ નગર ખાતે હાજર બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડા જણાવે છે કે ખેડૂતોએ ત્યાં પોલીસના બૅરિકેડ્સ તોડ્યા છે અને દિલ્હીમાં પ્રવેશી રહ્યા છે.

    અહીં પોલીસ અને અન્ય દળો ટિયરગૅસ અને બંદોબસ્ત માટેનાં અન્ય સાધનોથી સજ્જ છે.

  13. ખેડૂતોના મનની વાત સાંભળો - યોગેન્દ્ર યાદવ

    સ્વરાજ ઇંડિયાના પ્રમુખ અને ખેડૂત આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકી એક યોગન્દ્ર યાદવે બીબીસી સંવાદદાતા સોનલ પઢિયાર સાથે વાત કરતાં જણાવ્યું કે ખેડૂતો સિદ્ધાંતને લઈને સમજૂતી નહીં કરે.

    યોગેન્દ્ર યાદવે આગામી યોજના જણાવતાં કહ્યું, "ગણતંત્રનો અર્થ છે કે ગણ ઉપર અને તંત્ર નીચે, 72 વર્ષોમાં તંત્ર ઉપર થઈ ગયું છે અને ગણ નીચે છે."

    "આજે અમે ટ્રૅક્ટર રેલીના માધ્યમથી ગણની પ્રતિષ્ઠા કરવા માગીએ છે, ખેડૂતોનો અવાજ સંભળાવવા માગીએ છીએ."

    "લોકોને મન કી બાત સંભળાવાય છે, આજે અમે ઇચ્છીએ છીએ કે ખેડૂતોના મનની વાત સાંભળે"

  14. દિલ્હી-ટીકરી સરહદને જોડતો માર્ગ બે કલાકથી બંધ

    દિલ્હીને ટીકરી સરહદતી જોડતો માર્ગ છેલ્લા બે કલાકથી બંધ કરી દેવામાં આવ્યો છે.

    પોલીસે જેસીબી ગોઠવીને રસ્તો રોકી રાખ્યો છે.

    બીબીસીના સહયોગી સમીરાત્મજ મિશ્ર જણાવે છે કે નાંગલોઈ ચોક પર મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળો હાજર છે. અહીંથી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી પસાર થશે.

  15. ટીકરી બૉર્ડર પર કેવો છે માહોલ?

    ટીકરી બૉર્ડરેથી બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા જણાવે છે કે અડધા કલાક પહેલાં જ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી રવાના થઈ હતી.

    તેઓ જણાવે છે કે પરેડમાં સામેલ લોકો શાંતિપૂર્ણ ઢબે ટ્રૅક્ટર રેલી કાઢતાં દેખાઈ રહ્યા છે.

    રસ્તાની એક તરફ ટ્રૅક્ટર્સ ચાલી રહ્યા છે અને સાથે ખેડૂતો પગપાળા આગળ વધી રહ્યા છે. રેલી દરમિયાન દેશભક્તિના ગીતો વાગી રહ્યાં છે.

  16. પ્રજાસત્તાકદિનની રાજપથથી પરેડ, જુઓ LIVE

  17. રાજપથ પહેલાં નરેન્દ્ર મોદીએ વૉર મૅમોરિયલની મુલાકાત લીધી

    પ્રજાસત્તાકદિનની રાજપથ ખાતે આયોજિત પરેડમાં હાજરી આપતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વૉર મૅમોરિયલ ખાતે પહોંચ્યા હતા અને જીવ ગુમાવનાર જવાનોને અંજલિ અર્પી હતી.

  18. ટ્રૅક્ટર રેલીમાં સૌથી આગળ શહીદોની વેદી રહેશે

    શાહજહાં-ખેડા સરહદ પર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અન્ય રાજ્યોના ખેડૂતો હાજર છે.

    ત્યાં ઉપસ્થિત બીબીસી ગુજરાતી સંવાદદાતા સોનલ પઢિયાર જણાવે છે કે ટ્રૅક્ટર રેલી 10.26 વાગ્યે ધ્વજવંદન બાદ શરૂ થશે.

    આ રેલીમાં શહીદોની વેદી સૌથી આગળ રહેશે.

  19. ટીકરી સરહદથી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ

    ટીકરી સરહદથી કૃષિકાનૂનના વિરોધમાં ખેડૂતોએ ટ્રૅક્ટર રેલી શરૂ કરી છે.

    પોલીસ દ્વારા અહીં બૅરિકેડ્સ લગાવવામાં આવ્યાં હતાં, જેને તોડીને ખેડૂતોએ રેલી શરૂ કરી દીધી છે.

  20. બ્રેકિંગ, ટીકરી બૉર્ડર પર પોલીસ બૅરિકેડ તોડાયા

    સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ટીકરી બૉર્ડનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.

    અહેવાલ પ્રમાણે ખેડૂતોએ દિલ્હી-હરિયાણાની ટીકરી સરહદે પોલીસના બૅરિકેડ્સ તોડવાના પ્રયાસ કર્યા છે.