You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વાયુ વાવાઝોડું : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ વાયુ વાવાઝોડું ઓમાન તરફ વળ્યું, આગામી 24 કલાક અસર કાયમ

લાઇવ કવરેજ

  1. અસરગ્રસ્તોને મદદરૂપ થવા અપીલ

    જામનગરના કલેક્ટરે ટ્વીટ કરીને જામનગરનાં સાંસદ, ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી તેમજ બિનસરકારી સંસ્થાઓ સાથે બેઠક યોજી હોવાની જાણકારી આપી. જામનગરના કલેક્ટરે ટ્વીટને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે પણ અપીલ કરી છે.

  2. મહારાષ્ટ્રમાં પણ અસર

    હવામાન ખાતાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "આગામી ચાર કલાક દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લાના છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળી ત્રાટકી શકે છે."

  3. બનતા પ્રયાસ કરી છૂટાશે : ગુજરાત પોલીસ

    ગુજરાત પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે વાવાઝોડાને પગલે લોકસુરક્ષાનાં બનતાં પગલાં ભરવામાં આવશે.

    આ ઉપરાંત રાજ્યના દરિયાકિનારાના નજીકના વિસ્તારોનાં ગામડાંમાંથી લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હોવાની જાણકારી પણ ગુજરાત પોલીસે આપી.

  4. ગુજરાતમાં અત્યાર સુધી 1 લાખ કરતાં વધુ લોકોને આ રીતે બચાવ્યા

  5. બ્રેકિંગ, વાવાઝોડું વેરાવળથી 280 કિલોમિટર દૂર, 165 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

    વાવાઝોડું ગુજરાત તરફ વધારે નજીક આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમિટર દૂર છે.

    જ્યારે પોરબંદરના દરિયાકિનારાથી આ વાવાઝોડું 360 કિલોમિટર દૂર છે.

    હાલ મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચેના દરિયાકિનારે ગુરુવારે બપોર બાદ ત્રાટકશે.

    વાવાઝોડાની તીવ્રતા વધી છે અને તે હવે અતિ તીવ્ર સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે.

    જ્યારે વાયુ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 155થી 165 કિલોમિટરની હશે.

  6. વાવાઝોડાને જોતાં રાજ્યમાં લાખો ફૂડ પૅકેટ્સ તૈયાર કરાયાં

  7. દ્વારકામાં દરિયામાં નહાતા લોકોને બહાર કઢાયા

    ગુજરાતમાં દ્વારકા ખાતે જે લોકો દરિયામાં હતા તેમને એનડીઆરએફની ટીમે ત્યાંથી સલામત સ્થળે ખસેડ્યા છે.

    આ ઉપરાંત દ્વારકાના રૂપેણ બંદરેથી પણ લોકોને ખસેડવામાં આવ્યા છે.

    દરિયાકાંઠાના ગામોમાં જે લોકો કાચા ઘરમાં રહે છે તેમને પ્રથમ ખસેડવામાં આવ્યા છે.

    મોરબી પાસે નવલખી બંદરેથી પણ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં છે.

    વાવાઝોડું હજી અરબ સાગરમાં જ છે પરંતુ તે ગુરુવારે સવારે ગુજરાતના કિનારે પહોંચશે.

  8. અનેક વિસ્તારોમાં ઝડપી પવન, દરિયો તોફાની

    ગુજરાતમાં વાવાઝોડાં પહેલાં દરિયાકિનારે પવનની ગતિ વધવા લાગી છે. કોડીનાર, સોમનાથ, દીવ, પોરબંદર વગેરે જગ્યાએ છુટોછવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.

    સોમનાથ અને દ્વારકામાં દરિયો વધારે તોફાની બની રહ્યો છે, અહીં ઊંચા ઊછળતાં દરિયાનાં મોજાં જોઈ શકાય છે.

    હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડામાં પવનની ગતિ કલાકના 155 કિલોમિટર સુધીની હોઈ શકે છે.

  9. આ રીતે આપવામાં આવે છે વાવાઝોડાંનાં નામ

  10. ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું

    હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે અરબ સાગરમાં રહેલું વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે 13 જૂન એટલે કે ગુરુવારના રોજ સવારે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે.

    હાલ આ વાવાઝોડું વેરાવળના દરિયાકિનારાથી 320 કિલોમિટર દૂર છે. આ વાવાઝોડું ગુજરાતના પોરબંદર, દીવ અને વેરાવળ તરફ આગળ વધશે.

    વાવાઝોડાની ઝડપના મામલે આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે પવનની ગતિ 145થી 155 કિમી/કલાકની હશે. આ ગતિ વધીને કલાકના 170 કિમી સુધી પણ પહોંચી શકે છે.

  11. નરેન્દ્ર મોદી ગુજરાતના સતત સંપર્કમાં

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવાઝોડા અંગે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ વાયુ વાવાઝોડા પર સતત નજર રાખી રહી છે.

    મોદીએ કહ્યું છે કે તેઓ પણ સતત રાજ્ય સરકારોના સંપર્કમાં છે. એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ શક્ય તમામ મદદ માટે સતત કામ કરી રહી છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે જે લોકો વાયુ વાવાઝોડાથી પ્રભાવિત થવાના છે તેમના કલ્યાણ માટે તેઓ પ્રાર્થના કરું છું.

  12. રાહુલ ગાંધીએ મદદ માટે અપીલ કરી

    રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડા મામલે ટ્વિટ કર્યું છે અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને મદદ કરવા માટે કહ્યું છે.

    તેમણે ટ્વીટમાં લખ્યું, "ચક્રવાત વાયુ ગુજરાતના કિનારે પહોંચવાનું છે, હું ગુજરાતના તમામ કૉંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ આના રસ્તામાં આવનારા તમામ વિસ્તારોમાં મદદ માટે તૈયાર રહે."

    "હું ચક્રવાતમાં પ્રભાવિત થનારા વિસ્તારોના લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું."

  13. 'વાયુ' વાવાઝોડાને લાઇવ ટ્રેક કરવું શક્ય નથી

    સ્કાયમેટ વેધરના એક અહેવાલ પ્રમાણે ગુજરાત પર આવી રહેલા વાવાઝોડાને દર મિનિટે ટ્રેક કરવું સંભવ નથી.

    આ પહેલાં ઓડિશામાં આવેલા ફોની વાવાઝોડાને દર મિનિટે ટ્રેક કરવામાં આવતું હતું.

    ઓડિશામાં આવેલા વાવાઝોડાને સાયક્લોન ડિટેક્શન રડાર(CDR) દ્વારા ટ્રેક કરવામાં આવતું હતું.

    પૂર્વના દરિયાકિનારે આવાં રડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચેન્નઈ, મચ્છલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ અને કોલકત્તામાં આવાં રડાર આવેલાં છે.

    ઉપરાંત ગોપાલપુર અને પરાદીપ પર પણ આવાં રડાર છે. જોકે, પશ્ચિમના દરિયાકિનારે એટલે કે ગુજરાત તરફ મુંબઈથી આગળ નીકળ્યા બાદ વાવાઝોડાને ટ્રેક કરવું મુશ્કેલ છે.

    ભૂજમાં રડાર આવેલું છે પરંતુ તેનાથી વાવાઝોડાને સતત ટ્રેક કરી શકાતું નથી.

    જોકે, સેટેલાઇટ દ્વારા વાવાઝોડાને ટ્રેક કરી શકાય છે, પરંતુ તે ધીમી પ્રક્રિયા હોવાને કારણે રિયલ ટાઇમ ટ્રેક કરવું મુશ્કેલ છે.

  14. વાવાઝોડાની સાથે ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાની સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

    વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થવાની છે, ત્યારે આ જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

    પોરબંદર, દીવ, અમરેલી, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના દરિયાકિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

    ઝડપી પવનના કારણે દરિયામાં ઊંચા મોજાં ઊછળવાની પણ શક્યતા છે.

  15. બ્રેકિંગ, 170 કિલોમિટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, મધરાત્રે ત્રાટકશે વાવાઝોડું

    હવામાન વિભાગ તરફથી મળતી તાજેતરની માહિતી પ્રમાણે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ તે મુંબઈના દરિયાકિનારાથી 290 કિલોમિટર દૂર છે.

    વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 145થી 155 કિલોમિટરની હશે. જોકે, આ ગતિ વધીને 170 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ગુરુવારે સવારે ત્રાટકશે.

    જોકે, મધરાતથી જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવા લાગશે અને પવનની ગતિને જોતાં અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ બંધ કરી દેવામાં આવશે.

  16. અત્યાર સુધી કુલ 1,20,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અત્યાર સુધી કુલ 1,20,000 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. કુલ ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

    વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું છે કે વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનનું કાર્યાલય પણ સતત સંપર્કમાં રહીને મદદ કરી રહ્યું છે.

    સમગ્ર રાજ્યમાં લોકોની મદદ માટે 47 ટીમોને તહેનાત કરવામાં આવશે. ઉપરાંત આર્મી અને વાયુસેના પણ આ મામલે મદદ કરી રહી છે.

    જ્યાં અસર થવાની છે ત્યાં બસો બંધ કરી દેવાની છે અને અમુક જગ્યાએ ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે.

    વાવાઝોડું શરૂ થતાની સાથે જ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી બંધ કરી દેવામાં આવશે.

    રાજ્યમાં ભારે વરસાદ પડશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સમસ્યા સર્જાવાની શક્યતા છે.

    ગુજરાતના બંદરો પરની તમામ ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી છે અને તમામ માછીમારો દરિયામાંથી પરત આવી ગયા છે.

    વાવાઝોડાને જોતાં ગુજરાતના અન્ય જિલ્લાઓને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે.

  17. વાવાઝોડાના પવનની ઝડપ અને લોકોને ખસેડવા વચ્ચે જંગ : રૂપાણી

    વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી.

    તેમણે કહ્યું, "વાવાઝોડના પવનની ઝડપ અને લોકોને ખસેડવાની ઝડપ વચ્ચેનો આ જંગ છે."

    "ચિંતાનો વિષય એ છે કે મધ્યરાત્રીએ વાવાઝોડું ત્રાટકવાનું છે, વાવાઝોડું આવતા વીજળી પણ જતી રહેશે. જેથી હેરાન ના થવું પડે એટલા માટે લોકો તંત્રને સહકાર આપે."

    "પહેલાં એવું નક્કી કર્યું હતું કે કાચા મકાનોમાં રહેતા લોકોને ખસેડવા પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડાની તીવ્રતાને જોતાં દરિયાકાંઠાના ગામોના તમામ લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે."

    "લોકોને મારી વિનંતી છે કે આપણી સફળતા ત્યારે જ ગણાશે જ્યારે કોઈની જાનહાનિ ના થાય એટલે સહકાર આપે."

    "સરકાર અને સેવાભાવી સંસ્થાઓ ખાવાપીવાની તમામ તૈયારીઓ કરી રહી છે."

  18. ઘર ન છોડવા ના માગતા લોકોને તંત્ર સમજાવી રહ્યું છે

    જામનગર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

    આ જિલ્લામાં જોખમી સ્થળે રહેતા લોકોને સ્થાનિક તંત્ર દ્વારા ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

    એવા પણ અહેવાલો છે કે લોકો પોતાનાં ઘર છોડવા માગતા નથી પરંતુ કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ લોકોને વાવાઝોડાના ખતરા વિશે સમજાવી રહ્યા છે.

    જામનગર અને દેવભૂમિ દ્વારકામાં અનેક લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

    ગુજરાતમાં કુલ 60 લાખ લોકો આ વાવાઝોડાને કારણે પ્રભાવિત થશે.

    હાલ વાવાઝોડું વેરાવળના દરિયાકિનારાથી 340 કિલોમિટર જેટલું દૂર છે. જે ગુરુવારે સવારે દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

  19. ગુજરાતમાં વધારાની NDRFની 12 ટીમોને ઉતારાઈ

    ગુજરાત અને દીવ પર તોળાઈ રહેલા વાયુ નામના વાવાઝોડાના ખતરાને જોતાં રાજ્યમાં વધારાની NDRFની 12 ટીમોને ઉતારવામાં આવી છે.

    આઈએનએસ રાજાલી અને પટનામાં રહેલી એનડીઆરએફની ટીમોને વિમાન મારફતે ગુજરાત લાવવામાં આવી હતી.

    જે વાવાઝોડાં પહેલાં અને બાદમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદરૂપ થશે.

  20. કંડલા બંદરને બંધ કરી દેવાયું

    વાયુ વાવાઝોડું ગુરુવારે સવારે ગુજરાતના દરિયાકિનારે પહોંચે તે પહેલાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

    ગુજરાતનાં મોટા બંદરોમાંનું એક કંડલા બંદર બંધ કરી દેવામાં આવ્યું છે.

    બંદરની આસપાસ રહેતા લોકોને NDRFની ટીમ સલામત સ્થળે લઈ જઈ રહી છે.

    1998માં કંડલામાં આવેલા ભંયકર વાવાઝોડાએ તારાજી સર્જી હતી. જે કચ્છ સહિત ગુજરાતના લોકો હજી પણ ભૂલી શક્યાં નથી.