T20 વર્લ્ડકપ : ભારત પાકિસ્તાનની મૅચમાં મેદાન પર રોમાંચ હતો ત્યારે સ્ટેડિયમમાં શું થયું?

    • લેેખક, મેથ્યુ હેન્રી
    • પદ, બીબીસી સ્પૉર્ટ, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી
  • પ્રકાશિત

એ કામ વિરાટ કોહલીએ જ કરવાનું હતું.

ક્રિકેટજગતના સૌથી મોટા સ્ટાર, ક્રિકેટના સૌથી મોટા મંચ પર, મહાનતાથી છલકાતી તેમની કારકિર્દીમાં પણ મોખરાનું સ્થાન પામે એવી જબરજસ્ત ઇનિંગ રવિવારે રમ્યા હતા.

ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની મૅચ બીજી મૅચો જેવી નથી હોતી. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 90, 293 પ્રેક્ષકોની હાજરીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચ અભૂતપૂર્વ હતી અને આ મૅચના તોલે આવે એવી બહુ ઓછી મૅચો જગતમાં રમાઈ હશે.

વિશાળ સ્ટેડિયમમાં લાઈટ્સ હેઠળ વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપમાં ભારતને ચાર વિકેટથી ઝળહળતો, અસાધારણ વિજય અપાવ્યો હતો.

મૅચ શરૂ થયાના કલાકો પહેલાં બ્લ્યુ અને ગ્રીન વસ્ત્રોમાં સજ્જ ક્રિકેટચાહકો મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગોઠવાઈ ગયા હતા. એ પૈકીના કેટલાક તો એક વર્ષથી ઓછી વયનાં બાળકોને પોતાના ખભા પર બેસાડીને આવ્યા હતા.

આ મૅચ બન્ને દેશો માટે કેટલી મહત્ત્વની છે એ કદાચ તેઓ નહીં જાણતા હોય, પરંતુ ટૂંક સમયમાં જાણવાના હતા.

આ મૅચની તમામ ટિકિટો પાંચ જ મિનિટમાં વેચાઈ ગઈ હતી. રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ત્યારે અંદર હતા તે ભાગ્યશાળી લોકોએ એવું શાનદાર, દિલચસ્પ વાતાવરણ સર્જ્યું હતું કે 421 ઇન્ટરનેશનલ મૅચો રમવાનો અનુભવ ધરાવતા ભારતીય કૅપ્ટન રોહિત શર્મા પણ પોતાની આંખમાં આવતાં આંસુઓને ખાળી શક્યા ન હતા.

મૅચનો પહેલો બૉલ ફેંકાતાની સાથે જ વાતાવરણ તેના ચરમ પર પહોંચ્યું હતું અને એ પછીના દરેક બૉલે, દરેક વિકેટ પર, દરેક ચોગ્ગા-છગ્ગા પર સ્ટેડિયમ ગૂંજતું રહ્યું હતું.

મેલબર્નમાં ઐતિહાસિક મૅચ

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં 145 વર્ષ પહેલાં સૌપ્રથમ ટેસ્ટ મૅચ રમાઈ પછી તેના ઇતિહાસમાં આવી મૅચ ક્યારેય રમાઈ નથી.

ક્રિકેટમાં એકમેકના કટ્ટર પ્રતિસ્પર્ધી આ બન્ને દેશો વચ્ચે ગયા સપ્તાહે જોરદાર જીભાજોડી થઈ હતી. મેદાન બહાર અનેક મતભેદ ધરાવતા અનેક લોકો, તેઓ જેને ઉત્કટતાથી ચાહે છે એ ગેમ નિહાળવા એકઠા થયા હતા. પરિણામે અનપેક્ષિત લાગણીઓનો ધોધ વહ્યો હતો.

તેથી વિરાટ કોહલી બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષે, એ તેજના ધોધમાં મહાલે તેમાં નવાઈ ન હતી, પરંતુ એ મોહિનીનું મૂલ્ય તેઓ બરાબર જાણે છે.

પાકિસ્તાની ટીમના કૅપ્ટન અને ચમત્કારિક તાવીજ જેવા બાબર આઝમને 23 વર્ષના ડાબોડી બૉલર અર્શદીપસિંહે પહેલા જ બૉલમાં સપડાવીને એલબીડબલ્યુ આઉટ કર્યા એ સાથે ભારત માટે શરૂઆત સારી થઈ હતી.

તેના પ્રતિભાવરૂપે પ્રેક્ષકોએ કાન ફાટી જાય તેવી હરખની ગર્જના કરી હતી. એવું અનેક વાર થવાનું હતું.

પાસું પલટાયું અને ભારતીય ટીમના ટોચના બૅટરોની વિકેટો એક પછી એક પડવા લાગી એટલે પાકિસ્તાનના ઝંડા લહેરાવા લાગ્યા હતા.

એ પછી કોહલીનું આગમન થયું હતું. આંખો આંજી નાખતા પ્રકાશ વચ્ચે તેજસ્વી યોદ્ધાની માફક મેદાનમાં ઊતરેલા કોહલી અવરોધોને હટાવતા અને વીજળીની ગતિએ આગળ વધતા રહ્યા હતા.

તેમની શરૂઆત ધીમી હતી. મૅચનો બોજ તેમના ખભા પર હતો. તેઓ તેમના પહેલા 20 બૉલમાં માત્ર 11 જ રન કરી શક્યા હતા.

તેમની આ રમતશૈલી સામે તાજેતરમાં અનેક વખત સવાલ કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર સુધીના છેલ્લાં ત્રણ વર્ષમાં કોહલી એકેય સદી ન ફટકારી શક્યા ત્યારે કેટલાકે એવું પણ કહ્યું હતું કે કોહલી ભારતની 20-20 ટીમમાં સ્થાન મેળવવાને લાયક રહ્યા નથી.

આધુનિક સમયમાં આવી પરિસ્થિતિમાં આક્રમણ કરવાનું હોય છે, રન રેટને અંકુશમાં રાખવાનો હોય છે, પરંતુ કોહલી લક્ષ્યાંકનો પીછો કરવામાં ઉસ્તાદ છે.

તેઓ આ વખતે પણ પોતાની રીતે આગળ વધ્યા હતા. તેમણે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને પછી સમય મળ્યો એટલે પ્રતિસ્પર્ધી બૉલર્સ પર તૂટી પડ્યા હતા.

બાજી ભારતીય ટીમના હાથમાંથી સરકતી જણાઈ ત્યારે તેમને ફરી રેન્જમાં તાણી લાવવાનું કોહલીએ સુનિશ્ચિત કર્યું હતું.

તેમના એક પછી એક સ્ટ્રોક્સ સાથે તેમનું બૅટ તેમની ભુજાઓના વિસ્તાર જેવું લાગવા માંડ્યું હતું. તેમાં સરળતાભરી ચમક હતી.

'વિરાટને સલામ'

પરિસ્થિતિ વિકટ બની ત્યારે કોહલીએ તેમનો ખરો રંગ દેખાડ્યો હતો.

આઠ બૉલમાં 28 રન કરવા જરૂરી હતા ત્યારે કોહલીએ બૅક-ફૂટ ડ્રાઈવ ફટકારીને બૉલ હેરિસ રઉફના માથા પર બાઉન્ડરીની બહાર મોકલી આપ્યો હતો. આવી સાહસભરી સિક્સર ફટકારવાનો વિચાર કોઈ મહાન ખેલાડી જ કરી શકે.

એ ઓવરમાં કોહલીએ બે સિક્સર ફટકારી હતી અને કોહલીની તાકાત વધવાની સાથે પાકિસ્તાન થરથર કાંપવા લાગ્યું હતું.

ભારત મૅચ જીતી ગયું ત્યારે તેઓ જમીન પર બેસી ગયા હતા અને ધરતીમાં મુક્કા માર્યા હતા. એવી જ લાગણી તેમના કૅપ્ટનના હૃદયમાં ઊભરી આવી હતી.

રોહિત શર્માએ કહ્યું હતું કે "વિરાટને સલામ. તેની આજની ઈનિંગ્ઝ ભારત માટેની તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્ઝ છે."

રોહિતે ઉમેર્યું હતું કે "અમે જે પરિસ્થિતિમાં હતા અને તેમાંથી બહાર આવીને વિજય મેળવ્યો એ ભારતની ઉત્તમોતમ ઈનિંગ્ઝ પૈકીની એક જ હોય."

આ ઈનિંગ્ઝ પોતાની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્ઝ હોવાનું વિરાટે પોતે પણ સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે આ તો ઑસ્ટ્રેલિયાને 2016માં મોહાલીમાં T20 વર્લ્ડકપમાં આપેલી હાર વખતની ઈનિંગ્ઝ કરતાં પણ ઉત્તમ છે.

એ દિવસે વિરાટે 51 બૉલમાં 82 રન ફટકાર્યા હતા, જ્યારે ગઈ કાલે તેમણે 53 બૉલમાં 82 રન ફટકાર્યા હતા અને અણનમ રહ્યા હતા.

વિરાટે કહ્યું હતું કે "શું થયું, કેવી રીતે થયું તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. મેં મારી જાતમાં ભરોસો રાખ્યો હતો અને છેલ્લે સુધી ટકી રહેવાનું નક્કી કર્યું હતું. પ્રામાણિકતાપૂર્વક કહું છું કે હું નિઃશબ્દ થઈ ગયો છું."

"તે અશક્ય જણાતું હતું."

વિરાટ કોહલી જેવા સુપરસ્ટાર માટે કશું અશક્ય હોતું નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો