You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઈપીએસ અધિકારી સતીશ વર્માને બરતરફ કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે - પ્રેસ રિવ્યૂ
ઇશરત જહાં કેસની તપાસ કરનારા આઈપીએસ અધિકારી સતીશ વર્માને નિવૃત્તિના એક મહિના પહેલાં જ બરતરફ કરવાનો આદેશ કરાતાં તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને બરતરફ કરવાના આદેશ પર સ્ટે આપ્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, સુપ્રીમ કોર્ટે આઈપીએસ ઑફિસર સતીશ વર્માને બરતરફ કરવાના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે મૂક્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સતીશ વર્માની નિવૃત્તિના એક મહિના પહેલાં જ તેમને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને અગાઉ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારનો નિર્ણય માન્ય રાખતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી દરમિયાન બરતરફ કરવાના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે મૂક્યો હતો.
સતીશ વર્માએ 2004માં અમદાવાદ પાસે થયેલ ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસની તપાસ કરી હતી અને તે નકલી ઍન્કાઉન્ટર હોવાનું ઍફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું હતું.
આ સિવાય તેમણે 90ના દાયકામાં પોરબંદરમાં કુખ્યાત ગૅંગ લીડર સામે બાથ ભીડી હતી.
2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમનું ટ્રાન્સફર શિલૉંગ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાં પણ તેમણે તત્કાલીન કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજીજુ અને અન્ય ચાર લોકો પર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં 450 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો આરોપ લગાવતો રિપોર્ટ તૈયાર કર્યો હતો.
બાઇડનના મતે દેશમાંથી કોરોના ખતમ, છતાં અમેરિકામાં રોજ 400નાં મૃત્યુ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દેશમાંથી કોરોના મહામારી ખતમ થયાની જાહેરાત કરી દીધી છે. જોકે બીજી તરફ કોરોનાને લીધે થનારાં મોત હજુ પણ વધી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાઇડને કહ્યું કે "આપણે હજુ પણ મુશ્કેલીમાં છીએ", પરંતુ સ્થિતિ ઝડપથી સુધરી રહી છે.
ગત અઠવાડિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું હતું કે "કોરોના મહામારીનો અંત હવે નજરે આવી રહ્યો છે."
અત્યાર સુધીમાં કોરોના વાઇરસને લીધે 10 લાખથી વધુ અમેરિકનોનાં મોત થયાં છે.
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, રોજનાં સરેરાશ 400થી વધુ મોત થઈ રહ્યાં છે. ગત અઠવાડિયે 3000થી વધુ લોકોનાં કોરોનાને લીધે મોત થયાં હતાં.
અમેરિકામાં 65 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે.
અમેરિકાના શીર્ષ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉક્ટર ઍન્થની ફાઉચીએ સોમવારે કહ્યું કે સ્થિતિ સુધરી રહી છે, પણ રોજ થતા મોતનો દર 'ઘણો વધારે' છે.
જાપાનમાં 90 લાખ લોકો રાહતશિબિરોમાં રહેવા મજબૂર
જાપાન અત્યાર સુધીના સૌથી મોટા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે.
તોફાનનું જોખમ જોતા 90 લાખ લોકોને તેમનાં ઘર ખાલી કરવા માટે કહેવાયું છે.
નાનમડોલ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 90 લોકોને ઇજાને પહોંચી છે.
આ વાવાઝોડાએ રવિવારે સવારે દક્ષિણના સૌથી દક્ષિણી ટાપુ ક્યુશુ પર દસ્તક દીધી હતી.
હવામાનશાસ્ત્રીઓના મતે આ વાવાઝોડું આગામી થોડા દિવસોમાં જાપાનના મુખ્ય ટાપુ હોન્શુ પાસેથી પસાર થશે. વાવાઝોડાના ભયને જોતાં હજારો લોકોએ રવિવારની રાત ઈમરજન્સી રાહતશિબિરોમાં વિતાવી હતી.
અહીં લગભગ સાડા ત્રણ લાખ ઘરમાં અંધારું છે.
આ તોફાનના કારણે જાપાનમાં ભારે પૂર અને ભૂસ્ખલનનો પણ ખતરો છે.
નાનમડોલના કારણે પવનની ગતિ 234 કિમી પ્રતિકલાકની ઝડપે પહોંચી છે અને કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 400 મિમી સુધી વરસાદની આગાહી કરાઈ છે.
સોનિયા ગાંધી સાથે થરૂરની મુલાકાત બાદ અટકળો
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પાર્ટીના અધ્યક્ષપદ માટે ચૂંટણી લડી શકે છે.
એનડીટીવી ઇન્ડિયાએ સૂત્રોને ટાંકીને લખ્યું કે તેમને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી પણ આ અંગે લીલી ઝંડી મળી ગઈ છે.
એવા પણ સમાચાર છે કે શશિ થરૂરની સામે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત રેસમાં હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અશોક ગેહલોત 25 ઑક્ટોબરે દિલ્હી જશે અને બીજા દિવસે ઉમેદવારી નોંધાવશે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા શશિ થરૂરે પાર્ટીમાં સુધારાની એક અરજીને પોતાનું સમર્થન આપ્યા બાદ અધ્યક્ષ સોનિયા સાથે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા અહેવાલો આવી રહ્યા છે કે તેઓ અધ્યક્ષપદની ચૂંટણી લડી શકે છે.
જોકે થરૂરે આ વાતનો ઇનકાર કર્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો