નૅન્સી ક્રૅમ્પટન બ્રોફી : 'પતિની હત્યા કેવી રીતે કરવી' લેખ લખનાર મહિલાએ જ પતિની હત્યા કેવી રીતે કરી?
આ એક એવાં મહિલાની કહાણી છે જેમણે મર્ડર પર જ લેખ લખ્યો હતો અને મર્ડર માટે જ તેમને જેલની સજા થઈ છે.

ઇમેજ સ્રોત, MULTNOMAH COUNTY SHERIFF'S OFFICE
અમેરિકાના ઑરેગનમાં એક અદાલતે 'હાઉ ટૂ મર્ડર યૉર હસબન્ડ' નામનો લેખ લખનાર લેખિકા નૅન્સી ક્રૅમ્પટન બ્રોફીને તેમના પતિને ગોળી મારવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે.
71 વર્ષનાં નૅન્સી ક્રૅમ્પટન બ્રોફીને ગયા મહિને સેકંડ ડિગ્રી મર્ડર કેસમાં દોષિત જાહેર કરાયાં હતાં.
કેસની સુનાવણીમાં હાજર જ્યૂરીનું માનવું હતું કે ક્રૅમ્પટન બ્રોફીએ 2018માં પોતાના પતિને જીવન વીમાની 1.5 મિલિયન ડૉલરની રકમ મેળવવા માટે તેમને ગોળી મારી દીધી હતી.
પોતાના પતિને ગોળી મારતા પહેલાં નૅન્સી ક્રૅમ્પટન બ્રોફી રોમાન્સ અને સસ્પેન્સથી ભરેલી નવલકથાઓ લખવા માટે જાણીતાં હતાં. તેમની નવલકથાઓમાં 'ધ રૉંગ હસબન્ડ' અને 'ધ રૉંગ લવર'નો સમાવેશ થાય છે.
તેમના પતિ ડેનિયલ બ્રોફી એક શેફ અને ઑરેગન કલિનરી ઇન્સ્ટિટ્યૂટમાં એક પ્રતિષ્ઠિત શિક્ષક હતા.

'જો હત્યાથી મને મુક્તિ મળતી હોય તો હું જેલમાં રહેવા નથી માગતી'

ઇમેજ સ્રોત, DANIEL BROPHY/LINKEDIN
26 વર્ષ પહેલાં બંનેનાં લગ્ન થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેનિયલ બ્રોફીને 2018ના જૂન મહિનામાં ઑરોગન કલિનરી ઇન્સ્ટિટ્યૂટના કિચનમાં બે ગોળીઓ મારવામાં આવી હતી.
જોકે, આ મર્ડર કેસની આટલી ચર્ચા થઈ રહી છે તેની પાછળ કારણ છે આ મર્ડર થયું તેનાં વર્ષો પહેલાં નૅન્સી ક્રૅમ્પ્ટન બ્રોફીએ લખેલો એક લેખ જેનું શીર્ષક 'હાઉ ટુ કિલ યૉર હસબન્ડ' એટલે કે 'તમારા પતિની હત્યા કેવી રીતે કરી શકો' હતું.
"મર્ડર વિશે એક વાત જે હું જાણું છું એ છે કે જ્યારે આપણને એક હદ સુધી ધકેલવામાં આવે તો એ (કરવાની ક્ષમતા) આપણા બધામાં હોય છે." આ વાત તેમણે પોતાની એક પોસ્ટમાં લખી હતી જેને હવે ડિલીટ કરી દેવામાં આવી છે.
તેમણે પોતાના લખાણમાં મર્ડર કરવાની અનેક રીતો જેમાં ગન અને ચાકુથી લઈને વિષ અને હિટમૅન (મર્ડર કરનાર)ની ચર્ચા કરી હતી. પરંતુ પોતાના લખાણમાં તેમણે આ બધાનો ઉલ્લેખ કરતાં પહેલાં લખ્યું કે કોઈની "ખરેખર હત્યા કરવી તેમના મરી જવાની ઇચ્છા કરવા કરતાં અઘરું છે"
તેમણે લખ્યું હતું: "જો હત્યાથી મને મુક્તિ મળતી હોય તો હું જેલમાં રહેવા નથી માગતી".
જજે આ કેસમાં ક્રૅમ્પટનના લેખને પુરાવા તરીકે મંજૂર કર્યો હતો કારણ કે તે વર્ષો પહેલાં લેખનના એક સેમિનાર માટે લખાયો હતો.
જોકે સરકારી વકીલોને આ લેખમાં જે લખાયું છે તેની ગુનો પુરવાર કરવા માટે જરૂર નહોતી.

સર્વેલન્સ ફૂટેજે ભાંડો ફોડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સરકારી વકીલોએ નૅન્સી ક્રૅમ્પટન બ્રોફી પાસે મર્ડર પાછળનો હેતુ અને હત્યા કરવાના સાધન હોવાનું સફળતાપૂર્વક પુરવાર કર્યું હતું. સરકારી વકીલોએ સાબિત કર્યું હતું કે બ્રોફી દંપતી આર્થિક મુશ્કેલીઓમાં હતું અને નૅન્સી ક્રૅમ્પટનને ડેનિયલના મૃત્યુ પછી વીમાની ભારેભરકમ રકમ મળવાની હતી.
કોર્ટમાં બતાવવામાં આવેલા સર્વેલન્સ ફૂટેજમાં નૅન્સી ક્રૅમ્પટન બ્રોફીને મર્ડર વખત ઇન્સ્ટિટ્યૂટમાંથી આવતાં અને જતાં જોઈ શકાય છે.
જોકે પોલીસને ક્યારેય હત્યામાં વપરાયેલું હથિયાર નથી મળ્યું પરંતુ કોર્ટમાં એ દર્શાવવામાં આવ્યું કે ક્રૅમ્પટન બ્રોફીએ હત્યા માટે વપરાયેલી ગનના મૉડલની બંદૂક ખરીદી હતી.
પોતાના બચાવમાં લેખિકાએ કહ્યું કે બ્રોફીનું મૃત્યુ થયું એ સવારની કોઈ વાત તેમને યાદ નથી. જોકે તેઓ એ વાતથી ઇનકાર ન કરી શક્યાં કે તેઓ ત્યારે ઇન્સ્ટિટ્યૂટની આસપાસ ગાડીમાં ફરી રહ્યાં હતાં.
12 સભ્યોની જ્યુરીએ બે દિવસ બાદ તેમને દોષી જાહેર કર્યાં હતાં.
તેમની આજીવન કારાવાસની સજા સોમવારથી શરૂ થવા જઈ રહી છે. જેમાં 25 વર્ષ બાદ પૅરોલ મળવાની શક્યતા છે. તેમના વકીલોનું કહેવું છે કે તેઓ અપીલ કરશે.
મૃતક શૅફના પરિવારજનોએ આ ચુકાદા બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
બ્રોફીના અગાઉના લગ્નમાં જન્મેલા પુત્ર નેથેનિયલ સ્ટીલવૉટરે કહ્યું, "તમે જૂઠ્ઠું બોલ્યાં, ચોરી કરી અને એ જ માણસને છેતર્યો જે તમારો સૌથી મોટો ચાહક હતો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























