'આખી જિંદગીની કમાણી ફક્ત પાંચ જ મિનિટમાં ગુમાવી દીધી'
- લેેખક, જુલિયા ગ્રાંચી
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
"સવારના સાડા ચાર વાગ્યા હતા. વરસાદના અવાજથી હું અચાનક જાગી ગઈ. હું, મારી માતા અને પુત્રી ભેગા મળીને ઘરમાંથી પાણી કાઢી રહ્યાં હતાં પણ ધસમસતા પ્રવાહથી અમને ખ્યાલ આવી ગયો કે હવે સમય નથી. મારી પાસે માત્ર બાળકો અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો લઈને ભાગી શકું તેટલો જ સમય હતો. માત્ર પાંચ મિનિટમાં ઘરની છત સુધી પાણી પહોંચી ગયું."

ઇમેજ સ્રોત, FAUSTO FILHO/CASA AMARELA SOCIAL INSTITUTE
આ શબ્દો છે 39 વર્ષીય લુઆના હોઝેનાં. તેઓ સાઉ પાઉલોમાં આવેલા રૅસિફ પ્રાંતના મૉન્ટેઇરો વિસ્તારનાં રહેવાસી છે.
લુઆનાએ ઘર છોડવામાં ઉતાવળ રાખી, તેથી તેઓ અને તેમનાં ત્રણ બાળકો બચી ગયાં.
તેમનું પરિવાર એવા સેંકડો પરિવારોમાંનું એક છે, જે ભયાવહ વરસાદ અને ભૂસ્ખનના કારણે બરબાદ થઈ ગયું છે. રૅસિફમાં છેલ્લા 24 કલાકમાં જ આ પરિસ્થિતિના કારણે 30 લોકો મૃત્યુ પામ્યાં છે. ગત બુધવારે થયેલા પાંચ મૃત્યુ સાથે અત્યાર સુધીમાં કુલ 35 લોકો મૃત્યુ પામ્યાં છે.
તંત્ર પ્રમાણે લુઆના અને તેમના પરિવારની જેમ આસપાસના વિસ્તારના 700 લોકો ઘરવિહોણાં થયાં છે. 'જી10 ફેવાલેસ' નામનાં એનજીઓ સાથે સંકળાયેલા ધ કાસા અમરેલા સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઘરવિહોણાં લોકોની મદદ માટે કૅમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
ઘરમાં ભરાયેલા પાણીના કારણે લુઆનાનાં ઘરમાંથી તમામ ફર્નિચર, કપડાં અને સામાન તણાઈ ગયો છે. તેઓ કહે છે, "મારી જિંદગીમાં મેં જેટલું ભેગું કર્યું હતું એ બધું ગુમાવી દીધું છે. હવે અમને નથી ખબર કે અમે શું કરીશું. હું ડિપ્રેશનમાં છું અને પરિસ્થિતિ જરાય સારી નથી."
તેઓ પરિવાર સાથે હવે સિલ્વા જાર્ડિમ સ્કૂલમાં આશરો મેળવવાનું વિચારી રહ્યાં છે. આ સ્કૂલ તંત્ર દ્વારા પૂરના કારણે નિરાશ્રિત લોકો માટે ફાળવવામાં આવેલી જગ્યાઓમાંની એક છે.
જોકે, લુઆના પોતાનું ઘર છોડીને જવા માગતા નથી. તેમને ડર છે કે જો તેઓ ત્યાંથી જશે તો કોઈક અતિક્રમણ કરી લેશે. લુઆના કહે છે, "અમને ખ્યાલ છે કે તેઓ ખુલ્લા ઘરોમાં પ્રવેશી રહ્યાં છે. તેથી અમે કંઈ પણ ખાધાપીધા વગર અહીં દૂરથી નજર રાખી રહ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સ્વાસ્થ્ય માટે પણ જોખમરૂપ

ઇમેજ સ્રોત, FAUSTO FILHO/CASA AMARELA SOCIAL INSTITUTE
આગામી કેટલાક સમય માટે અતિભારે વરસાદની આગાહી વચ્ચે પૂરથી તારાજી સર્જાવાની સાથેસાથે પ્રાંતના લોકોનાં સ્વાસ્થ્ય પર પણ તેની વિપરિત અસર પડી શકે છે.
રિયો ડે જાનેરોની ફૅડરલ યુનિવર્સિટીના સંશોધક કાર્મૅન ફ્રૉએસે ફેબ્રુઆરી 2022માં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ વરસાદ અને ભૂસ્ખલનની પ્રાંતમાં સૌથી વધુ અસર સૅનેટાઇઝેશનને થશે.
પરિણામે લોકોનાં ઘરમાં આવતું પાણી કાટમાળ, સુએઝ અથવા તો બંને દ્વારા પ્રદૂષિત થયેલું હશે. જેમાં પહેલેથી જીવલેણ જીવાણુઓની હાજરી હોવાની પ્રબળ શક્યતા છે. સૌથી મોટું જોખમ છે ઉંદરના મૂત્રમાં હાજર જીવાણુઓથી થતી બીમારી 'લૅપ્ટોસ્પાઇરોસિસ.'
આ ઉપરાંત શરીર પર ઘા ધરાવતા લોકો જો આ પાણીના સંપર્કમાં આવે તો તેમના ઘામાં ઇન્ફૅક્શનની શક્યતા વધી જાય છે. આવા પ્રદૂષિત પાણીથી લોકોમાં ડાયૅરિયા, ટાઇફૉઇડ અને કમળો થવાની પણ શક્યતા રહેલી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















