રશિયામાં દાયકાની સૌથી મોટી ખાણ દુર્ઘટના : 52 લોકોનાં મોત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

રશિયામાં છેલ્લા એક દાયકામાં નોંધાયેલી સૌથી મોટી ખાણ દુર્ઘટનામાં લગભગ 52 લોકોનાં મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.

આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે વૅન્ટિલેશન માટે તૈયાર કરવામાં આવેલી પાઇપલાઇનમાં કોલસાની ડમરીઓએ આગ પકડી લીધી હતી. આગના ધુમાડાથી ગૂંગળાઇને 11 કામદારોના મોત નિપજ્યા હતા.

સાંજ સુધીમાં, ગુમ થયેલા સંખ્યાબંધ કામદારો સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલા બચાવકર્તાઓ પણ ખાણમાં પ્રવેશ્યા બાદ ગૂંગળામણનો ભોગ બન્યા હતા.

રાહત કાર્ય સાથે સંકળાયેલા એક સ્ત્રોતે સમાાચાર એજન્સીને જણાવ્યું કે, "કોઈ જીવિત બચ્યું નથી."

રાજધાની મૉસ્કોથી 3500 કિલોમીટર દૂર આવેલ કૅમૅરોવો પ્રાંતમાં આવેલી લિસ્તવ્યાઝ્ન્યા ખાણમાં દુર્ઘટના ઘટી છે. સ્થાનિક સમય પ્રમાણે સવારે 8:35 કલાકે બનેલી આ ઘટનાને પગલે ખાણમાંથી 285 જેટલા લોકો તાત્કાલિક ધોરણે બહાર નીકળી ગયા હતા.

સત્તાધીશોનું કહેવું છે કે, હાલમાં 49 ઈજાગ્રસ્ત કામદારોને સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક સ્મોક પોઇઝનિંગથી પીડાઇ રહ્યા છે અને 4 જેટલા લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે.

સંખ્યાબંધ કામદારો આગ લાગવાના શરૂઆતી તબક્કા દરમિયાન બહાર નીકળી શક્યા ન હતા. સમય જતા ખાણમાં મિથેન વાયુનું પ્રમાણ વધતા બ્લાસ્ટ થવાની આશંકા સાથે તેમના બચાવ માટે શરૂ કરાયેલું રેસ્ક્યૂ ઑપરેશન પણ સ્થગિત કરવામાં આવ્યું હતું.

એક રેસ્ક્યૂ ટીમ પરત બહાર આવવામાં નિષ્ફળ રહી

બચાવકાર્ય માટે ખાણમાં ગયેલી એક રેસ્ક્યૂ ટીમ પરત બહાર આવવામાં નિષ્ફળ રહી હતી. બાદમાં આ ટીમના 3 સભ્યોના મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો હતો.

જ્યારબાદ ગુરૂવારે મોડીસાંજ સુધીમાં સંખ્યાબંધ સૂત્રોએ રશિયન ન્યૂઝ એજન્સીઝને ખાણમાં ફસાયેલ એક પણ વ્યક્તિ જીવિત ન હોવાની શક્યતા દર્શાવીને કુલ 6 બચાવકર્તાઓ સહિત 50થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જણાવ્યું હતું.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, સુરક્ષા સંસાધનોમાં કથિત ખામીને પગલે ખાણના ડાયરેક્ટર સહિત કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પ્રથમ વખત નથી જ્યારે રશિયામાં કોલસાની ખાણમાં કોઈ દુર્ઘટના ઘટી હોય, ત્યાં આ પ્રકારના હાદસા સામાન્ય છે. સ્થાનિક મીડિયાના પ્રમાણે, આ અગાઉ 2004માં મિથેન ગૅસના કારણે થયેલા ધડાકાથી 13 લોકોના મોત થયા હતા. જ્યારબાદની આ બીજી ગંભીર દુર્ઘટના છે.

રશિયન અહેવાલો પ્રમાણે, વર્ષ 2016માં સત્તાધીશોએ દેશની કુલ 58 કોલસાની ખાણોમાં સુરક્ષા સંસાધનોની સમીક્ષા કરી હતી. જે પૈકીની 34 ટકા ખાણો અસુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. તે સમયે લિસ્તવ્યાઝ્ન્યા ખાણનું નામ તેમાં સામેલ ન હતું.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ ઘટનાને મોટી કરૂણાંતિકા ગણાવતા કહ્યું હતું કે, "તેમને આશા હતી કે તેઓ વધુમાં વધુ લોકોને બચાવી શકશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો