ટી 20 વર્લ્ડ કપ : સાઉથ આફ્રિકા સામે હસારંગાની હૅટ્રિક પણ શ્રીલંકાનું નસીબ બદલી શકી નહીં

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે લગભગ તમામ મૅચો ઓછા સ્કોરવાળી બની રહી છે.

આ સંજોગોમાં કોઈ ટીમ સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટ મેળવે તો તેની જીતવાની તકો વધી જતી હોય છે પણ આ પ્રકારનું પ્રદર્શન પણ શ્રીલંકાના નસીબનો દરવાજો ખોલી શક્યું નહીં.

દક્ષિણ આફ્રિકા સતત ત્રણ વિકેટો ગુમાવવા છતાં મૅચ જીતવામાં સફળ રહ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકા સતત ત્રણ વિકેટો ગુમાવવા છતાં મૅચ જીતવામાં સફળ રહ્યું

શનિવારે શારજાહ ખાતે રમાયેલી ગ્રૂપ-1ની લીગ મૅચમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકાનો ચાર વિકેટે પરાજય થયો અને આ સાથે શ્રીલંકન ટીમ આ વર્લ્ડ કપમાંથી લગભગ આઉટ થઈ ગઈ હતી.

શ્રીલંકાએ માત્ર 142 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકા ત્રણ વિકેટે 96 અને ચાર વિકેટે 112 રનના સ્કોરે મજબૂત સ્થિતિમાં હતું તે વિજય તરફ આસાનીથી આગળ ધપી રહ્યું હતું તેવામાં સ્પિનર વાણીન્દુ હસારંગાએ હૅટટ્રિક લીધી અને મૅચનું પાસું પલટાઈ જવાની તકો પેદા કરી. મૅચ અચાનક જ રોમાંચક બની ગઈ.

વર્તમાન સાઉથ આફ્રિકન ટીમમાં ત્રણ મહત્ત્વના બૅટ્સમૅન છે અને તે પૈકીના બે એટલે એડિયન માર્કરામ અને ટેમ્બા બાવુમા. આ બંને સહિત પ્રિટોરિયસ એમ ત્રણ બૅટ્સમૅનને હસારંગાએ ઉપરાઉપરી બૉલમાં આઉટ કરી દીધા.

જોકે તેમણે એક જ ઓવરમાં હૅટ્રિક લીધી ન હતી પરંતુ 15મી ઓવરના છેલ્લા બૉલે માર્કરામને બોલ્ડ કર્યા બાદ તેઓ 18મી ઓવરમાં ફરીથી બૉલિંગમાં આવ્યા હતા.

આ ગાળામાં સાઉથ આફ્રિકાએ વધુ 16 રન ઉમેરીને ટાર્ગેટની નજીક સરકવાનો પ્રયાસ કર્યો હતો.

18મી ઓવરના પહેલા બૉલે હસારંગા ફરીથી ત્રાટક્યા અને બાવુમાને આઉટ કરી દીધા. સાઉથ આફ્રિકન કૅપ્ટન 46 રન ફટકારી ચૂક્યા હતા અને ટીમની નાવ આસાનીથી પાર કરાવી શકે તેમ હતા પણ હસારંગાએ તેમને પેવેલિયનમાં મોકલી દીધા.

ત્યાર પછીના બૉલે તેમણે નવોદિત પ્રિટોરિયસને પણ આઉટ કરી દીધા.

line

હૅટટ્રિક વિકેટ છતાં ન જીતી શક્યું શ્રીલંકા

હસારંગાની હૅટટ્રિક ગઈ એળે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હસારંગાની હૅટ્રિક ગઈ એળે?

ટી20 ક્રિકેટમાં શ્રીલંકા માટે હૅટ્રિક લેનારા તેઓ ચોથા બૉલર બન્યા જ્યારે શ્રીલંકા માટે કુલ પાંચ હૅટ્રિક નોંધાઈ છે કેમ કે લસિત મલિંગાએ બે વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. હસારંગાની હૅટ્રિક પરથી 2007માં મલિંગાએ લીધેલી હૅટ્રિક યાદ આવી જાય છે કેમ કે એ વખતે પણ વર્લ્ડ કપ જ હતો પરંતુ વન-ડે વર્લ્ડ કપ હતો અને ટીમ સાઉથ આફ્રિકાની જ હતી જ્યારે મલિંગાએ ચાર બૉલમાં ચાર વિકેટ ખેરવી હતી.

વૅસ્ટ ઇન્ડીઝના પ્રોવિડન્સ ખાતે રમાયેલી એ મૅચમાં 212 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે 206 રન કરી દીધા હતા. આમ તેઓને માત્ર છ રનની જરૂર હતી અને મલિંગાએ સળંગ ત્રણ વિકેટ ખેરવી હતી.

હકીકતમાં તેમણે ચાર બૉલમાં ચાર બૅટ્સમૅનને આઉટ કર્યા હતા. સાઉથ આફ્રિકા મુશ્કેલીમાં પડી ગયું હતું પણ તેમ છતાં શ્રીલંકા મૅચ જીતી શક્યું ન હતું.

આ વખતે શ્રીલંકા પાસે વળતા પ્રહારની તક હતી પણ અંતે ડેવિડ મિલરનો અનુભવ કામ લાગી ગયો અને ટીમ જીતી ગઈ.

જોકે એ અગાઉ ટીમના વિજયનો પાયો અન્ય સ્પિનર તબરેઝ શામ્સીએ રચી દીધો હતો. શ્રીલંકાની બૅટિંગ દરમિયાન શામ્સીએ રાદાપાક્સા, અવિષ્કા ફર્નાન્ડો અને હસારંગા જેવા ત્રણ આક્રમક બૅટ્સમૅનને સસ્તામાં આઉટ કરી દીધા હતા.

શામ્સીએ ત્રણ બૉલમાં તો નહીં પરંતુ ઉપરાઉપરી ત્રણ ઓવરમાં વિકેટો ખેરવી હતી જેને કારણે શ્રીલંકાની તકલીફમાં વધારો થયો હતો. જોકે ઑપનર પાથુન નિસાન્કાએ શ્રીલંકાના અડધોઅડધ રન ફટકારી દીધા હતા.

ટીમના કુલ 142 રનના સ્કોરમાંથી 72 રન તો તેમણે એકલાએ ફટકાર્યા હતા.

line

વર્લ્ડ કપમાં બૉલર્સનું વર્ચસ્વ કાયમ રાખી ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને પછાડ્યું

જૉની બેરસ્ટો

ઇમેજ સ્રોત, Alex Davidson/Getty

ઇમેજ કૅપ્શન, જૉની બેરસ્ટો

વર્તમાન ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે બૉલર્સનો પ્રભાવ લગભગ દરેક મૅચમાં જોવા મળ્યો છે. ભારત સામેની મૅચમાં પાકિસ્તાની ઑપનરો 152 રનનો સ્કોર વિના વિકેટે વટાવ્યો તે ઇનિંગ્સને બાદ કરતાં લગભગ તમામ મૅચમાં તમામ ઇનિંગ્સમાં બૉલર જ હાવી રહ્યા છે.

શનિવારે રમાયેલી બીજી મૅચ પણ તેમાંથી બાકાત ન હતી.

આ વખતે ઇંગ્લૅન્ડના બૉલરોનો વારો હતો. ક્રિસ જૉર્ડન, ક્રિસ વોક્સ અને ટાઇમલ મિલ્સે મળીને ધરખમ ગણાતી ઑસ્ટ્રેલિયન ટીમની હાલત નાજુક કરી નાખી હતી. આ મૅચમાં કોઈ એકાદ ખેલાડીનું પ્રભુત્વ રહ્યું ન હતું પરંતુ ત્રણ-ત્રણ બૉલર કાંગારું ટીમને ભારે પડી ગયા હતા.

મૅચની બીજી, ત્રીજી અને ચોથી ઓવરમાં ઇંગ્લૅન્ડના ક્રિસ વોક્સ અને જોર્ડને જે બૉલિંગ કરી હતી તેનાથી જ મૅચનું પરિણામ નક્કી થઈ ગયું હતું કેમ કે આ ત્રણ ઓવરમાં ઑસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ગ્લેન મૅક્સવેલ જેવા ધરખમ બૅટ્સમૅનની વિકેટો ગુમાવી હતી.

આટલું પૂરતું ન હોય તેમ આદિલ રાશીદે ત્યાર પછી સાતમી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસ (00) ને આઉટ કરી દીધા અને ઑસ્ટ્રેલિયાનાં વળતાં પાણી થયાં.

કૅપ્ટન એરોન ફિંચે અડીખમ બૅટિંગ કરીને 44 રન ફટકાર્યા તો ઍશ્ટન એગર અને મિચેલ સ્ટાર્કે છેલ્લી ઓવરોમાં થોડો ચમકારો દાખવ્યો પરંતુ 125 રનનો સ્કોર ઇંગ્લૅન્ડ જેવી ટીમ સામે ડિફેન્ડ કરવા યોગ્ય પણ ન હતો.

ઇંગ્લૅન્ડ માટે ક્રિસ જોર્ડને ત્રણ વિકેટ ખેરવી હતી તો ક્રિસ વોક્સ અને ટાઇમલ મિલ્સે બે બે વિકેટ લીધી હતી.

126 રનના ટાર્ગેટ સામે રમતાં ઇંગ્લૅન્ડ માટે બટલરે આક્રમક બૅટિંગ કરીને પાંચ સિક્સર સાથે 71 રન ફટકાર્યા હતા. આ સાથે ઇંગ્લૅન્ડે છ પૉઇન્ટ સાથે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ લગભગ નિશ્ચિત કરી દીધો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો