ઉદ્ધવ ઠાકરેએ ગુજરાત વિધાનસભામાં એક મહિનાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કેમ કરી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરને સાકીનાકા બળાત્કાર મામલે વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર બોલાવવા સૂચન કર્યું હતું.

રાજ્યપાલના આ પત્રનો જવાબ આપતાં મુખ્ય મંત્રીએ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ થતાં અત્યાચારો ગણાવ્યા છે અને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે એક મહિનાનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.

મંગળવારે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પત્ર લખ્યો અને મહિલાઓની સુરક્ષા પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને સૂચન કરવાની સલાહ આપી.

પોતાના પત્રમાં ઠાકરેએ લખ્યું, "સાકીનાકાની ઘટના બાદ આપે મહિલાઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી. અમે પણ ચિંતિત છીએ, પણ આ મુદ્દો માત્ર સાકીનાકા પૂરતો મર્યાદિત નથી. એ રાષ્ટ્રવ્યાપી છે."

"પીડિતાઓ તમારી તરફ મીટ માંડીને બેઠી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દેશમાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો અંગે સંસદનું ચાર દિવસનું વિશેષ સત્ર બોલાવવા લખો. ત્યાં સાકીનાકાની ઘટનાની પણ ચર્ચા કરો."

ગુજરાત વિશે ઠાકરેએ શું કહ્યું?

તેમણે એવું પણ કહ્યું કે આ ઘટનાએ રાજ્ય, દેશ અને સમગ્ર સમાજને કાળી ટીલી લગાડી છે.

તેમણે ઉમેર્યું "રાજ્ય સરકાર આ મામલે કડક પગલાં ભરી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે આ મામલે ચર્ચા થવી જોઈએ."

પત્રમાં તેમણે દાવો કર્યો કે ભાજપશાસિત ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 14,229 મહિલાઓ ગુમ થઈ છે.

તેમણે લખ્યું, "ગુજરાત પોલીસનો રિપોર્ટ જણાવે છે કે દરરોજ ઓછામાં ઓછી 14 મહિલા બળાત્કાર કે જાતીય હુમલાનો ભોગ બને છે. આ આંકને પગલે ગુજરાતને તો એક મહિના સુધીનું લાબું સત્ર બોલાવવું જોઈએ."

તેમણે લખ્યું, "ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને જોડિયા ભાઈઓ છે. ગુજરાત સાથે અમારો લાગણીનો સંબંધ છે."

"ગત સમયમાં અમદાવાદમાંથી 2908 મહિલા ગુમ થઈ છે. વર્ષ 2015થી મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો ચરમ પર છે."

"મહેસાણા, રાજકોટ, વડોદરા, અમદાવાદ ગ્રામ્ય, છોટા ઉદેપુર, સુરત ગ્રામ્ય, જામનગર, પાટણ જેવા વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનામાં વધારો થયો છે."

રશિયન જાસૂસ લિત્વિનેન્કોના મૃત્યુ માટે રશિયા જવાબદાર- યુરોપિયન કોર્ટ

યુરોપની કોર્ટે કહ્યું છે કે પોલોનિયમ ઝેરને કારણે લંડનમાં મૃત્યુ પામનાર રશિયન જાસૂસ એલેક્ઝેન્ડર લિત્વિનેન્કોના મોત માટે રશિયા જવાબદાર છે.

લિત્વિનેન્કો એફએસબીના પૂર્વ અધિકારી હતા અને તેઓ પુતિનના અગ્રણી ટીકાકારોમાં સામેલ હતા.

વર્ષ 2006માં એલેક્ઝેન્ડર લિત્વિનેન્કોને લંડનમાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા.

એ ઝેર રેડિયોઍક્ટિવ પદાર્થ પોલોનિયમ હતું. બ્રિટને લિત્વિનેન્કોને શરણ આપ્યું હતું અને રશિયામાં તેમને ગદ્દાર ઠેરવવામાં આવતા હતા.

બ્રિટનમાં પણ આની આધિકારિક તપાસ થઈ અને તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંભવિત છે કે લિત્વિનેન્કોની હત્યાને પુતિન અને એફએસબીના તત્કાલીન પ્રમુખ નિકોલાઈ પાત્રુશેવે મંજૂરી આપી હતી.

રશિયાએ આ આરોપોને ફગાવી દીધા અને નેશનલ હીરોનો દરજ્જો ધરાવતા સાંસદ આંદ્રેઈ લુગોવોઈને લિત્વિનેન્કોની હત્યાના પ્રમુખ સંદિગ્ધ ઠેરવ્યા.

એલેક્ઝેન્ડર લિત્વિનેન્કોએ એફએસબી પર એક ખુફિયા જૂથ ચલાવવાનો આરોપ મૂક્યો હતો જેનું કામ દુશ્મનોની હત્યા કરવાનું હતું.

યુરોપિયન કોર્ટે કહ્યું કે અદાલતને પહેલી નજરમાં જાણવા મળ્યું કે "લિત્વિનેન્કોને ઝેર આપવામાં બે રશિયન એજન્ટ લુગોવૉઈ અને કોવતુન સામેલ હતા."

અદાલતે કહ્યું કે રશિયન સરકાર દ્વારા આ આરોપોને ફગાવવામાં ન આવ્યા, જે ઇશારો કરે છે કે તેઓ જ આના માટે જવાબદાર છે.

લુગોવૉઈ અને કોવતુન નામના બંને રશિયન એજન્ટ આ ઘટનામાં સામેલ થવાનો ઇનકાર કરતા રહ્યા છે.

ઇમેઇલમાં એક ચૂકને કારણે અઢીસો જેટલા અફઘાન દુભાષિયાના જીવ પર જોખમ

અફઘાનિસ્તાનમાં યુકે માટે કામ કરી ચૂકેલા અઢીસો જેટલા દુભાષિયાની વિગતો ઇમેઇલ ઉપર શેર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સંરક્ષણ સચિવ બૅન વાલેસ દ્વારા આ મુદ્દે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

બીબીસી ન્યૂઝના ફિલ કૅમ્પ, લુસી મેનિંગ અને એડ કેમ્પબેલના અહેવાલ અનુસાર સંરક્ષણ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલમાં બ્રિટનમાં સ્થાયી થવા માગતા અફઘાનીઓને ભૂલથી કૉપી કરવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં છૂપાઈ રહેલા અથવા તો અન્ય દેશોમાં નીકળી જવામાં સફળ રહેલા લોકોને આ ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા.

આ ઇમેઇલમાં દુભાષિયા તરીકે કામ કરી ચૂકેલા લોકોના પ્રોફાઇલ પિકચર અને સંપર્કની વિગતો પણ છે. આ ઇમેઇલમાં અસલામત હોય તો હાલનું સ્થળ ન છોડવા તથા તેમને બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસ થઈ રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયને આ ચૂક અંગે માલૂમ થતાં તેમણે ત્રીસ મિનિટ પછી બીજો મેઇલ મોકલ્યો હતો, જેમાં 'અગાઉનો મેઇલ ડિલીટ કરવા' તથા 'નવું ઇમેઇલ ઍડ્રેસ' તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા આ મુદ્દે ચૂકનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને માફી માગી છે, સાથે જ આવી ભૂલ ફરીથી નહીં થાય તેવી ખાતરી ઉચ્ચારી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો