You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાની યુનિવર્સિટીમાં 'વિદ્યાર્થી'એ કરેલા ગોળીબારમાં છ લોકોનાં મોત, હુમલાખોર જખમી
રશિયામાં પર્મ શહેરની એક યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના ઘટી છે અને તેમાં કમસે કમ છ લોકો મૃત્યુ પામ્યાં છે. અધિકારિયો અનુસાર આ ઘટનામાં 20 જેટલા લોકોને ઈજા થઈ છે.
ગોળીબાર કરનાર એ જ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને એની ધરપકડ કરવામાં આવી ત્યારે તે પણ ઘાયલ થયો છે.
પર્મ સ્ટેટ યુનિવર્સિટી રશિયાની રાજધાની મૉસ્કોથી 1,300 કિલોમિટર દૂર પૂર્વમાં આવેલી છે.
બીબીસી સંવાદદાતા અનુસાર સવારે 11 વાગે (સ્થાનિક સમય મુજબ) એક હથિયારધારી વ્યક્તિ યુનિવર્સિટી કૅમ્પસમાં દાખલ થઈ અને તેણે ગોળીબાર શરૂ કરી દીધો.
હુમલાને પગલે અમુક વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઇમારતમાં જ સંતાઈ ગયા.
ઘટનાસ્થળેથી મોબાઇલથી ઉતારવામાં આવેલી વીડિયોમાં અમુક લોકો બારીમાંથી બહાર કૂદતાં પણ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે રશિયામાં રવિવારે ગેરરીતિના અનેક આરોપો વચ્ચે સંસદીય ચૂંટણીમાં પુતિનની પાર્ટી બહુમત મેળવી રહી છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીએ જ કર્યો ગોળીબાર
પોલીસે કહ્યું કે હુમલો કરનાર વ્યક્તિને ઈજાગ્રસ્ત કરીને તેની અટકાયત કરવામાં આવી હતી, અને તે વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક પ્રોફેસરે બીબીસને જણાવ્યું કે, "વિદ્યાર્થીઓ ભયને કારણે ઇમારતમાંથી કૂદી રહ્યા હતા."
તેમણે જણાવ્યું કે, "એક વિદ્યાર્થીએ મને કહ્યું કે ગોળીબાર થઈ રહ્યો છે. મેં ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો, લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હું મારા વિદ્યાર્થીઓ પાસે અન્ય ઇમારતમાં ગયો અને ત્યાં પણ ગોળી ચાલવાનો અવાજ આવતો હતો."
અન્ય વિદ્યાર્થીઓ હથિયારધારી વ્યક્તિથી બચવા માટે ક્લાસરૂમમાં સંતાઈ ગયા હતા.
રૉયટર્સ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, "ક્લાસરૂમમાં 60 લોકો હતો. અમે દરવાજો બંધ કર્યો અને ખુરશીઓ મૂકીને બૅરિકેડિંગ કર્યું હતું."
રશિયન ટીવી પર ઇમારતમાંથી કૂદતા વિદ્યાર્થીઓને જોઈ શકાય છે.
હથિયારધારી વ્યક્તિ એકલી જ હતી અને તેનો હુમલો કરવા પાછળ કોઈ રાજનૈતિક કે ધાર્મિક ઇરાદો નહોતો એવું કહેવાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે કહ્યું હતું કે તે નફરતથી પ્રેરિત થઈને લોકોને નુકસાન પહોંચાડવા માગતો હતો.
રૉયટર્સ ન્યૂઝ એજન્સી મુજબ, "તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે હું બહુ લાંબા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો, વર્ષોથી મારા મનમાં આ ચાલી રહ્યું હતું અને મને લાગ્યું કે સમય આવી ગયો છે કે જ્યારે હું એ કામ પૂરું કરું જેનું હું સપનું જોતો હતો."
રશિયાની ઇન્વેસ્ટિગેટિવ કમિટી અનુસાર હથિયારધારી વ્યક્તિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.
પર્મ યુનિવર્સિટીએ સોશિયલ મીડિયામાં મેસેજ પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને ઇમારતની અંદર જ રહેવાની વિનંતી કરી છે.
આની પહેલાં મધ્ય રશિયામાં સ્થિત કઝાન શહેરમાં એક 19 વર્ષીય વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો જેમાં નવ લોકોનો ભોગ લેવાયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો