કોરોનાની રસીના બે અબજ ડોઝનું ઉત્પાદન કરાયું પણ એ બધા ગયા ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પાબ્લો ઉચાવ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
કોરોના વાઇરસ મહામારી સમગ્ર વિશ્વને ખેદાનમેદાન કરનારી સાબિત થઈ છે. પરંતુ આટલા ઓછા સમયમાં આપણે કોરોના વૅક્સિનના બે અબજ ડોઝ બનાવી રહ્યા છીએ અને આ સંક્રમણને રોકવાની લડાઈમાં મહત્ત્વપૂર્ણ સોપાન સાબિત થશે.
સારા સમાચાર એ છે કે એક અનુમાન પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં સમગ્ર વિશ્વમાં 5.8 અબજ પુખ્ત વયના લોકોના રસીકરણ માટે વૅક્સિનના ડોઝ ઉપલબ્ધ થઈ જશે.
ખરાબ સમાચાર એ છે કે વૅક્સિનનું ઉત્પાદન ભૌગોલિક સ્વરૂપે કેન્દ્રીકૃત છે. સાથે જ કેટલાક દેશ તેનો સંગ્રહ કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં બધા સુધી વૅક્સિન પહોંચાડવાના વિચારને ફટકો પડ્યો છે. ચાલો વિશ્વમાં વૅક્સિનની ઉપલબ્ધતાથી પ્રભાવિત કરનારાં કેટલાંક કારકો પર એક નજર નાખીએ -
ડ્યૂક્સ ગ્લોબલ હેલ્થ ઇનૉવેશન સેન્ટર (GHIC) પ્રમાણે, આ વર્ષે 12 અબજ કરતાં વધુ ડોઝનું ઉત્પાદન થઈ શકે છે.
વૅક્સિનના ઉત્પાદન અને પુરવઠા પર દેખરેખ રાખનારી ઍનાલિટિક્સ ફર્મ ઍરફિનિટીના અનુમાન પ્રમાણે, વર્ષ 2021માં 11.1 અબજ કરતાં વધુ વૅક્સિનના ડોઝનું ઉત્પાદન થઈ શકે છે.
ઍરફિનિટી પ્રમાણે, પાંચ વર્ષ અને તેના કરતાં વધુ ઉંમરની 75 ટકા વૈશ્વિક વસતિને રસી મૂકવા માટે 10.82 અબજ ડોઝ પર્યાપ્ત હશે.
ડ્યૂક્સ ગ્લોબલ હેલ્થ ઇનૉવેશન સેન્ટરનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર એન્ડિયા ટેલરે બીબીસીને જણાવ્યું, "મહામારીએ બતાવી દીધું છે કે સમગ્ર દુનિયામાં વૅક્સિનનું ઉત્પાદન સમાનપણે નથી થઈ શક્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૅક્સિન ઉત્પાદનની જગ્યા ઘણી મહત્ત્વપૂર્ણ મનાય છે. મોટા ભાગની વૅક્સિનનું ઉત્પાદન અમેરિકા અને યુરોપમાં થઈ રહ્યું છે. આ દેશોને વૅક્સિનની ડોઝ પહેલા મળી રહ્યા છે કારણ કે ત્યાં વૅક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે.
આ દેશો નિકાસ પર પ્રતિબંધ લગાવવા જેવી રીતોનો ઉપયોગ કરીને એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે વૈશ્વિક બજાર કરતાં પહેલાં તેમના નાગરિકોને વૅક્સિન મળે.

પુરવઠા ચેઇન સાથે સંકળાયેલા પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
વૅક્સિનના ઉત્પાદનમાં વધુ એક મોટો પડકાર છે, સપ્લાય ચેઇન. વૅક્સિનમાં લાગતા કાચા માલના પુરવઠાથી માંડીને તકનીક અને વિશેષજ્ઞતા સુધી, દેશો વચ્ચે પુરવઠા નેટવર્ક સારી સ્થિતિમાં નથી. જેથી, ઘણી જગ્યાએ જ્યાં નવા ડોઝ બનવાના હતા, ત્યાં ઉત્પાદન ઠપ પડી ચુક્યું છે.
આ અડચણો વૅક્સિન ઉત્પાદનને ઘણા પ્રકારે પ્રભાવિત કરી રહી છે.
ઍરફિનિટીના અનુમાન પ્રમાણે, આ વર્ષે વૈશ્વિક પુરવઠામાં ત્રણ વૅક્સિનનું પ્રભુત્વ જળવાઈ રહેશે - ફાઇઝર/બાયૉએનટેક (2.47 અબજ ડોઝ), ઑક્સફર્ડ/એસ્ટ્રઝેનેકા (1.96 અબજ ડોઝ) અને સિનોવૅક (1.35 અબજ ડોઝ).
અત્યાર સુધી, ફાઇઝર અને સિનોવૅક ઉત્પાદનના શરૂઆતના લક્ષ્યને પૂરું કરવામાં સફળ રહી છે. જોકે, એસ્ટ્રાઝેનેકા વૅક્સિને આ વર્ષે વૅક્સિનના ત્રણ અબજ ડોઝ બનાવવાની યોજના બનાવી હતી.
આ લક્ષ્યને પૂરું કરવા માટે કંપની અલગ-અલગ જગ્યાએ વૅક્સિનનું ઉત્પાદન કરી રહેલા ભાગીદારો પર નિર્ભર હતી. તેના માટે વૅક્સિન બનાવવાની તકનીક અને વિશેષજ્ઞતાના હસ્તાંતરણની પણ જરૂર પડે છે.
ટેલર કહે છે, "એસ્ટ્રાઝેનેકાને આ મુદ્દાના ઉપાય મેળવવામાં ઘણો વખત લાગ્યો છે. મને લાગે છે કે વૈશ્વિક ભાગીદારો અને તકનીકના હસ્તાંતરણ પર ઉત્પાદન વધારવા વિશે વિચારી રહેલી અન્ય કંપનીઓ સાથે પણ આવું જ થઈ રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં વૅક્સિનના ઉત્પાદનમાં મોડું થઈ રહ્યું છે. તેનાથી ઊલટું, ફાઇઝર અને સિનોવૅક પોતાના સ્તરે જ ઉત્પાદન કરી રહી છે."

વૅક્સિનનો સંગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં વૅક્સિનના વિતરણને પ્રભાવિત કરનાર અન્ય એક મહત્ત્વપૂર્ણ કારક છે - વૅક્સિનની નિકાસ પર પ્રતિબંધ. ઍરફિનિટિના સિનિયર ઍનાલિસ્ટ મેટ લિનલેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, આ સમસ્યાઓના કારણે વિકાસશીલ દેશોમાં સંક્રમણનો ખતરો વધી ગયો છે.
ફાઇઝર સૌથી વધારે વૅક્સિન ડોઝ બનાવી રહી છે પરંતુ તે વૅક્સિન એ ધનિક દેશો સુધી પહોંચી રહી છે જેઓ તે ખરીદી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકાનું ઉત્પાદન યુરોપ અને ભારતમાં થઈ રહ્યું છે અને તેનું વિતરણ પણ ત્યાં સુધી જ સીમિત છે.
ઍરફિનિટી પ્રમાણે, માત્ર ચીન જ મોટા પાયે વૅક્સિનનું ઉત્પાદન કરી રહ્યું છે અને અત્યાર સુધી 26.3 કરોડ ડોઝ વિદેશમાં મોકલી ચુક્યું છે. ચીને સંયુક્ત રાષ્ટ્રની વૅક્સિનવિતરણની યોજના કોવૅક્સ કરતાં પણ વધુ વૅક્સિન અન્ય દેશો સુધી પહોંચાડી છે.
નિશ્ચિતપણે ચીનનો વૅક્સિનના વિતરણ મામલે દબદબો છે. લિનલે કહે છે કે રશિયાએ વાયદા તો ઘણા કર્યા પરંતુ કંઈ નક્કર ન કરી શક્યું.

કોઈ કટોકટી સમયની યોજના નહીં

ઇમેજ સ્રોત, Getty Images
ઍરફિનિટી અનુસાર 17મે સુધી રશિયાની સ્પુતનિક વીના 4.2 કરોડ ડોઝનું ઉત્પાદન થયું છે, જેમાંથી 1.3 કરોડ ડોઝની નિકાસ કરાઈ છે. સ્પુતનિક વી વૅક્સિન સાથે પણ તકનીક હસ્તાંતરણ જેવી સમસ્યાઓ છે.
રશિયાએ શરૂઆતમાં વૈશ્વિક સ્તરે 18 ઉત્પાદનકેન્દ્રને લઈને સમજૂતી કરી હતી પરંતુ રશિયાથી બહાર સ્પુતનિક વીનું ઉત્પાદન માત્ર કઝાખસ્તાનમાં થઈ રહ્યું છે.
ભારતમાં પણ ઑગસ્ટથી સ્પુતનિક વીના ઉત્પાદનની જાહેરાત કરાઈ છે. તેના ઉત્પાદનનું લક્ષ્ય 85 કરોડ ડોઝ છે.
મોટા ભાગના વિકાસશીલ દેશ ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બની રહેલી એસ્ટ્રાઝેનેકા વૅક્સિન તરફ મીટ માંડીને બેઠા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે વિશ્વની 60 ટકા વૅક્સિનનું ઉત્પાદન કરે છે. પરંતુ ભારતમાં આ વર્ષે કોવિડ-19ની જીવલેણ લહેર આવી તો વૅક્સિનની નિકાસ પર પાબંદી લગાઈ દેવાઈ. તેનું પરિણામ એ થયું કે ગરીબ દેશોને વૅક્સિનનો પુરવઠો મળતો અટકી ગયો.
ટેલર કહે છે કે ભારત પર વધુ નિર્ભરતાના કારણે વૈશ્વિક પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
તેઓ કહે છે કે, "ભારતમાં આવેલી કોરોનાની બીજી લહેરથી બધી યોજનાઓ પડી ભાંગી અને તેનો કોઈ વિકલ્પ નથી. વિશ્વમાં બીજી કોઈ સીરમ ઇન્સ્ટિટ્યૂટ નથી જે સંકટની ઘડીમાં તેની જગ્યા લઈ શકે. આના કારણે ગરીબ દેશો અને સમગ્ર વિશ્વમાં વૅક્સિનના સંતુલિત વિતરણને લઈને સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર પણ અસર થઈ છે."
કોવૅક્સ હેઠળ વર્ષ 2021ના અંત સુધી લગભગ બે અબજ ડોઝના વિતરણનું લક્ષ્ય છે. આ અભિયાનમાં સામેલ દેશોની 20 ટકા વસતિ સુધી વૅક્સિન પહોંચાડવાની યોજના હતી. યુનિસેફ પ્રમાણે કોવૅક્સ હેઠળ 125 દેશોને 7.2 કરોડ વૅક્સિનના ડોઝ જ પહોંચાડી શકાયા છે.

વૅક્સિનની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images
'વૅક્સિન ડિપ્લોમેસી' અને વૅક્સિનને લઈને એકતાની વાત છતાં ઘણા દેશો એવા છે જે વૅક્સિન વિદેશ નથી મોકલી રહ્યા. ઍરફિનિટીનું અનુમાન છે કે જો પુરવઠાના લક્ષ્યનું પાલન કરાય તો વર્ષ 2021ના અંત સુધી સમગ્ર વિશ્વમાં 2.6 અબજ વધુ ડોઝ હશે.
2021માં કોવૅક્સે જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેના કરતાં તે ઘણું વધારે છે. યુરોપિયન સંઘ અને પાંચ અન્ય દેશ- અમેરિકા, જાપાન, બ્રિટન, બ્રાઝિલ અને કૅનેડામાં 90 ટકા સરપ્લસ વૅક્સિન હશે.
લિનલેનું કહેવું છે કે આ સરપ્લસ ડોઝ સંયુક્ત રાષ્ટ્રના અભિયાન કોવૅક્સને આપવામા આવે તો તેનાથી વિશ્વના દરેક દેશના અત્યંત જરૂરિયાતવાળા લોકોની સુરક્ષા થઈ શકે છે.
જોકે, તેમનું કહેવું છે કે આગળ શું થશે તે વિશે કંઈ પણ કહી ન શકાય કારણ કે ઘણા ધનિક દેશો પોતાની આબાદીને બૂસ્ટર શૉટ આપવાનું વિચારી રહ્યા છે. ઘણા દેશો પોતાને ત્યાં બાળકોને પણ વૅક્સિન મૂકવાની યોજના ઘડી રહ્યા છે.
યુનિસેફમાં પુરવઠાવિભાગના રસીકરણકેન્દ્રના પ્રબંધક એન. ઑટોસેને બીબીસીને ઈ-મેઇલ થકી જણાવ્યું કે જે દેશ પોતાની વસતિના રસીકરણમાં ઘણા આગળ છે તેઓ બીજા દેશો સાથે વૅક્સિનને લઈને દ્વિપક્ષીય સમજૂતી કરી રહ્યા છે.
વૅક્સિનના પુરવઠા માટે જેટલા ઑર્ડર આપવામાં આવ્યા છે, તે પૈકી 54 ટકા ધનિક દેશોમાંથી મળ્યા છે. પરંતુ આ દેશોમાં વિશ્વની કુલ આબાદીના 19 ટકા લોકો જ રહે છે. ઑટોસેનનું કહેવું છે કે ધનિક દેશોને તાત્કાલિક વૅક્સિનના પુરવઠામાં સંતુલન લાવવા માટે પોતાની વૅક્સિનના વધારાના ડોઝ ગરીબ દેશોને આપવા જોઈએ. ગરીબ દેશો વૅક્સિન મૂકવાની રેસમાં પાછળ રહેતા જઈ રહ્યા છે.
અમેરિકાએ એસ્ટ્રાઝેનેકા વૅક્સિનના છ કરોડ ડોઝ શૅર કરવાની જાહેરાત કરી છે. જોકે હજુ સુધી અમેરિકામાં તેના ઉપયોગની મંજૂરી નથી મળી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કહ્યું છે કે અમેરિકામાં જે વૅક્સિનોને મંજૂરી મળી છે, તેના પણ બે કરોડ ડોઝ અન્ય દેશોને આપવામાં આવશે.
ફ્રાન્સે કહ્યું છે કે જૂનના અંત સુધી કોવૅક્સ અભિયાનને વૅક્સિનના પાંચ લાખ ડોઝ આપશે. ઑટોસેન કહે છે કે, "વૅક્સિનની શોધ, ઉત્પાદન અને વિતરણની ગતિ ઐતિહાસિક છે. આપણી સામે સૌથી મોટો પડકાર વૅક્સિનના પુરવઠાને લઈને છે."
વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સૅક્ટરનું નેતૃત્વ કરનારા લોકો ઓછા અને મધ્યમ આવકવાળા દેશોમાં વૅક્સિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની વાત કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ નક્કર વિકલ્પ નથી બની શક્યો. ઑટોસેન કહે છે કે મહામારીના ચક્રને રોકવા માટે સીમિત વૅક્સિન પુરવઠાના વિતરણમાં સંતુલન જાળવવાની જરૂર છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















