માર્સ ક્લૉઝ એપ્રોચ: પૃથ્વી પરથી નરી આંખે દેખાશે મંગળ ગ્રહ, કેટલું હશે અંતર?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

નાસાએ આપેલી જાણકારી મુજબ છ ઑક્ટોબરે મંગળ ગ્રહ પૃથ્વીથી એટલો નજીક હશે કે એને નરી આંખે જોઈ શકાશે.

નાસાનું કહેવું છે કે મંગળ ગ્રહ અને પૃથ્વીના નજીક આવવાની ખગોળીય ઘટના દર બે વર્ષે (અંદાજે 26 મહિને) એક વાર બને છે. આવી ઘટના ફરી ડિસેમ્બર 2022 સુધી નથી બનવાની.

જોકે, નજીક આવવા છતાં મંગળ ગ્રહ પૃથ્વીથી 38.6 મિલિયન માઇલ દૂર હશે.

2003માં મંગળ ગ્રહ પૃથ્વીથી 34.8 મિલિયન માઇલના અંતરે પહોંચ્યો હતો જે 59,619 વર્ષમાં સૌથી નજીકનું અંતર હતું. હવે 2287 સુધી તે પૃથ્વીની એટલો નજીક જોવા નહીં મળે.

આ ખગોળીય ઘટનાને માર્સ ક્લૉઝ એપ્રોચ કહેવામાં આવે છે. જ્યારે પણ માર્સ ક્લૉઝ એપ્રોચની ઘટના બને છે ત્યારે એવી અફવા ફેલાવવામાં આવે છે કે મંગળ ગ્રહ રાતે ચંદ્ર જેવો મોટો દેખાશે પણ એ વાત સાચી નથી.

તમે એને ટેલિસ્કોપની મદદથી સારી રીતે જોઈ શકો છો. જો તમે બહેતર રીતે જોવા માગતા હો તો નજીકના ખગોળીય કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

આ ઘટના દર બે વર્ષે બનતી હોવાથી જ મંગળ પર જનારા મિશનને બે વર્ષના અંતરાલ પર લૉન્ચ કરવામાં આવે છે.

2020નું નાસાનું મંગળ ગ્રહ મિશન 2021માં લૅન્ડ કરશે એવી આશા રાખવામાં આવી રહી. આ મિશન 30 જુલાઈ 2020ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ માર્સ ક્લૉઝ એપ્રોચની ઘટના 31 જુલાઈ 2018માં બની હતી. મે 2018માં નાસાએ મંગળ ગ્રહ મિશન લૉન્ચ કર્યું હતું.

ખગોળવિદોએ કેટલીક સાબિતીઓને આધારે શુક્ર ગ્રહ પર જીવનના સંકેત મળ્યાનો દાવો કરેલો છે.

પૃથ્વી અને મંગળ વચ્ચે અંતરમાં બદલાવ

પૃથ્વી અને મંગળ વચ્ચે અંતરમાં આ પરિવર્તન ગ્રહની અંડાકાર કક્ષાને કારણે થાય છે. અન્ય ગ્રહોના ગુરૂત્વાકર્ષણને કારણે ગ્રહોની ભ્રમણકક્ષામાં સતત નાના-મોટા પરિવર્તન થતાં રહે છે.

ખાસ કરીને મંગળ ગ્રહ જેમાં પરિક્રમા કરે છે એ ગુરૂનું ગુરૂત્વાકર્ષણ બળ એને પ્રભાવિત કરે છે.

મંગળ ગ્રહને લાલ ગ્રહના નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેની સપાટી પર આર્યન ઓક્સાઇડ મોટા પ્રમાણમાં છે.

મંગળ ગ્રહ સૌરમંડળનો બીજા ક્રમનો સૌથી નાનો ગ્રહ છે. પૃથ્વીની જેમ જ મંગળ પર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે જે બરફથી ઢંકાયેલા છે. ત્યાં તામમાન -140 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

મંગળ ગ્રહ પર ઉચ્ચતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય છે. મંગળ ગ્રહ 25 કલાકથી થોડા વધારે સમયનો દિવસ હોય છે પંરતુ ત્યાં વર્ષ પૃથ્વી કરતા બે ગણું લાંબુ હોય છે કેમ કે મંગળને સૂર્યની પરિક્રમા કરવામાં 687 દિવસ લાગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો