IPL 2020: શુભમન ગીલે KKRને કઈ રીતે એકતરફો વિજય અપાવ્યો?

શુભમન ગીલ

ઇમેજ સ્રોત, BCCI/IPL

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનનો પ્રારંભ તો જોરદાર રહ્યો હતો અને બીજી જ મૅચ ટાઈ પડી હતી અને ત્યાર બાદ રમતમાં ઓટ આવી ગઈ હતી કારણ કે પાછલી બે મૅચ સાવ નિરસ બની હતી.

તેવી જ એક મૅચ શનિવારે રમાઈ. જોકે શુક્રવારની મૅચ અને આ મૅચમાં ફરક એટલો જ હતો કે આ મૅચને નિરસ નહીં પરંતુ એકતરફી કહી શકાય.

શુભમન ગીલે શનિવારે શાનદાર બૅટિંગ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટે વિજય અપાવ્યો હતો.

આ સિઝનમાં કોલકાતાનો આ પ્રથમ વિજય હતો તો સનરાઇઝર્સ માટે આ સળંગ બીજો પરાજય હતો.

line

હૈદરાબાદનું પ્રદર્શન રહ્યું નિરાશાજનક

Manish Pandey

ઇમેજ સ્રોત, Getty Images

IPLની 13મી સિઝનની આ ટી20 ક્રિકેટ મૅચ અન્ય મૅચો કરતાં અલગ એટલા માટે પણ રહી કેમ કે સાત મૅચ બાદ પહેલી વાર કોઈ કૅપ્ટને ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદના સુકાની ડેવિડ વૉર્નરને આ નિર્ણય ફળ્યો ન હતો કેમ કે 20 ઓવરને અંતે તેઓ ચાર વિકેટે 142 રનનો સામાન્ય સ્કોર કરી શક્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આ સ્કોર આસાન રહ્યો હતો અને તેમણે માત્ર ત્રણ વિકેટના ભોગે 18 ઓવરમાં જ આ ટાર્ગેટ વટાવી દીધો હતો. બીજી તરફ હૈદરાબાદ તરફથી પણ ખાસ લડત જોવા મળી ન હતી.

મેચ જીતવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સને સાવ સામાન્ય કહી શકાય તેવો 143 રનનો ટારગેટ મળ્યો હતો. શુભમન ગીલ અને સુનીલ નારાયણે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો પરંતુ ખલીલ અહેમદે બીજી જ ઓવરમાં નારાયણ શૂન્ય પર આઉટ કરી દેતાં મેચ રસાકસીભરી બની રહે તેવી શક્યતા લાગતી હતી પરંતુ ગીલે આમ થવા દીધું ન હતું.

ભારતીય અંડર-19 ટીમના શુભમન ગીલે 62 બોલમાં બે સિક્સર અને પાંચ બાઉન્ડ્રી સાથે 70 રન ફટકાર્યા હતા.

સાતમી ઓવરમાં કૅપ્ટન દિનેશ કાર્તિક શૂન્ય પર આઉટ થયા ત્યાં સુધી મૅચ રસપ્રદ લાગતી હતી પરંતુ ગીલ અને મોર્ગને આવી તમામ શક્યતાઓ પર પણ પાણી ફેરવી દીધું હતું.

બંનેએ 11.4 ઓવરમાં 92 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં મૉર્ગનનું યોગદાન 29 બોલમાં 42 રનનું રહ્યું હતું. જેમાં બે સિક્સર અને ત્રણ બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો.

line

રણનીતિ લાગી કામ

ગીલ

ઇમેજ સ્રોત, BCCI/IPL

શુભમન ગીલને ભારતીય ક્રિકેટનું ભાવિ માનવામાં આવે છે. છેલ્લે સાઉથ આફ્રિકન ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે તેમને સિનિયર સાથે અનુભવ મળે તે હેતૂથી પસંદ કરવામાં આવ્યા હતા. હવે એ જ ગીલ કોલકાતા નાઇટ રાઈડર્સના આધારભૂત બૅટ્સમેન બની ગયા છે.

તેઓ એકલા હાથે ટીમને સફળતા અપાવવા માટે સક્ષમ બની ગયા છે. ગીલે ખાસ ઊંચા શૉટ ફટકાર્યા નહોતા અથવા તો તેમણે એવી બૅટિંગ કરી નહોતી કે જેનાથી તેની વિકેટ જોખમમાં આવી જાય. તેને બદલે તેમણે ગ્રાઉન્ડ શોટ રમવાનું પસંદ કર્યું હતું.

મૅચ બાદ ગીલે જણાવ્યું હતું કે, "બૉલ ખાસ સ્પિન થતો ન હતો તેવા સંજોગોમાં ગ્રાઉન્ડ શૉટ રમવા આસાન હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી મેં પાવર હિટિંગની પ્રૅક્ટિસ કરી છે અને અમારી ટીમને જીતવા માટે તે મહત્ત્વની બાબત છે."

ગીલની સામેના છેડે ઑઇન મૉર્ગન જેવા સક્ષમ અને અનુભવી બૅટ્સમૅન રમી રહ્યા હતા, તેનો લાભ આ યુવાનને ચોક્કસ મળ્યો હશે. જોકે, ગીલે જણાવ્યું હતું કે, "અમે ખાસ લાંબી વાતચીત કરતા નહોતા પરંતુ મોટા ભાગે તો બૉલરને જ કંઈ કરવા માટે મજબૂર કરતા હતા. અમે દરેક બૉલને તેના મેરીટ મુજબ રમવાનું નક્કી કર્યું હતું જેનો અંતે લાભ થયો હતો."

line

કોલકાતાના બૉલરોએ કરી કમાલ

KKR બૅટ્સમૅન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, KKR બૅટ્સમૅન

અગાઉ હૈદરાબાદ માટે મનીષ પાંડેએ 51 અને કૅપ્ટન ડેવિડ વોર્નરે 36 રન ફટકાર્યા હતા. ડૅવિડ વૉર્નર અને જૉની બૅરસ્ટો પાસેથી ઘણી અપેક્ષા રખાતી હતી.

બંનેએ અગાઉની મૅચોમાં પણ સારો દેખાવ કર્યો હતો.

જોકે બેરસ્ટો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પૅટ કમિન્સના બૉલે તેને અમ્પાયરે કૉટબિહાઇન્ડ આપી દીધો હતો પરંતુ રિવ્યૂમાં બૅરસ્ટો સાચા પડ્યા હતા. આમ છતાં તેને ખાસ લાભ થયો ન હતો કેમ કે ત્યાર પછીના જ બૉલે કમિન્સે તેમને બૉલ્ડ કરી દીધા હતા.

વૉર્નર અને મનીષ પાંડેએ સ્કોર 59 સુધી પહોંચાડ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં દસ ઓવર થઈ ગઈ હતી. આમ હૈદરાબાદ તેની રન રેટ જાળવવામાં નિષ્ફળ રહ્યું હતું.

પાંડે તેના 51 રન માટે 38 બૉલ રમ્યા હતા અને તેમણે બે સિક્સર પણ ફટકારી હતી પરંતુ તેઓ ટીમને જરૂરી એવી ગતિ પ્રદાન કરી શક્યા નહોતા.

આવી જ રીતે રિદ્ધિમાન સહાએ અંત ભાગમાં ઝડપ દાખવી હતી પરંતુ 31 બૉલમાં 30 રન વર્તમાન ટી20 ક્રિકેટમાં ધીમા કહેવાય કેમ કે તેઓ અંતિમ ઓવરોમાં રમી રહ્યા હતા.

કોલકાતાના બૉલર્સને પણ આ માટે શ્રેય આપવો જોઈએ કેમ કે તેમણે કરકસરયુક્ત બૉલિંગ કરી હતી. પેટ કમિન્સે ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

https://youtu.be/a8VuCjsFZmE