બાઇડન-હૅરિસે ટ્રમ્પ પર પ્રહાર કરતાં કહ્યું, 'અમેરિકાને ચીંથરે હાલ કરી નાખ્યું'

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પક્ષ તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાદર જૉ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હૅરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરતાં કહ્યું કે તેઓ એક અયોગ્ય નેતા છે, જેમણે અમેરિકાને 'ચીંથરે હાલ' કરી દીધું છે.
મંગળવારે ડેમૉક્રિટક પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનાવાયાં બાદ પછીના જ દિવસે કમલા હૅરિસે જૉ બાઇડન સાથે સંયુક્ત ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો.
બન્નેએ ચૂંટણીપ્રચાર બાઇડનના ગૃહ રાજ્ય ડૅલવેયરની એક હાઈસ્કૂલમાંથી શરૂ કર્યો.
ત્રણ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં બાઇડનનો મુકાબલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે.
કૅલિફોર્નિયાનાં સાંસદ કમલા હૅરિસ પ્રથમ કાળાં અને દક્ષિણ એશિયન મૂળનાં અમેરિકન મહિલા છે, જે આ પદ માટે ચૂંટણી લડી રહ્યાં છે.
કોરોનાની મહામારીને પગલે આ કાર્યક્રમમાં સામાન્ય લોકોને આવવાની મંજૂરી નહોતી અપાઈ. માત્ર કેટલાક પત્રકારોને બોલાવાયા હતા અને તેમને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હતું.
બાઇડન અને હૅરિસ બન્ને કાળા રંગના માસ્ક પહેરીને સ્ટેજ પર પહોંચ્યાં હતાં.
બાઇડને કહ્યું, "આ નવેમ્બરમાં આપણે જે ચૂંટણી યોજી રહ્યા છીએ તે બહુ લાંબા સમય સુધી અમેરિકાના ભવિષ્યનો નિર્ણય લેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાઇડને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કમલા હૅરિસ પર હુમલો શરૂ કર્યો છે અને તેઓ તેમના અંગે ભારે ઘૃણાસ્પદ વાતો કરે છે.
તેમણે ઉમેર્યું, "આ કોઈ ચોંકાવનારી વાત નથી. કેમ કે ટ્રમ્પેને ફરિયાદ કરવી સૌથી સારી રીતે આવડે છે, અમેરિકન ઇતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કરતાં વધુ સારી રીતે."

ઇમેજ સ્રોત, EPA
બાઇડને ઉમેર્યું, "શું આપમાંથી કોઈ પણ એ જાણીને ચોંક્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને એક મજબૂત મહિલાથી મુશ્કેલી થઈ રહી છે, કે કોઈ પણ મજબૂત મહિલાથી?"
બાઇડને કોરોના મહામારી, જળવાયુપરિવર્તન, બેરોજગારીના મુદ્દે ટ્રમ્પના 'વિભાજનકારી વંશીય રાજકારણ' પર ભારે પ્રહારો કર્યા.
હૅરિસે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું, "અમેરિકા માટે આ બહુ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. આપણે લોકો જે પણ વસ્તુની ચિંતા કરીએ છીએ, અર્થતંત્ર, આરોગ્ય, બાળકો, દેશમાં આપણે કઈ રીતે રહીએ છીએ, એ તમામ દાવ પર છે."
હૅરિસે આગળ ઉમેર્યું, "અમેરિકા નેતૃત્વ માટે બૂમો પાડી રહ્યું છે પણ આપણા રાષ્ટ્રપતિને પોતાની ચિંતા વધારે કરે છે, એ લોકોની સરખામણીએ, જેમણે તેમને રાષ્ટ્રપતિ ચૂંટ્યા હતા."
તેમણે એવું પણ કહ્યું કે બરાક ઓબામા અને જૉ બાઇડન થકી ઇતિહાસમાં સૌથી વધારે વિકસતું અર્થતંત્ર મળ્યું હતું પણ ટ્રમ્પે એને જમીન પર લાવી દીધું.

કોણ છે કમલા હૅરિસ

ઇમેજ સ્રોત, Getty Images
55 વર્ષનાં કમલા હૅરિસ ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાંથી બહાર થઈ ગયાં હતાં.
તેમનો જન્મ કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં થયો હતો. તેમનાં માતાપિતા પ્રવાસી હતાં.
તેમનાં માતાનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેમના પિતાનો જન્મ જમાઇકામાં થયો હતો.
તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો, જે અશ્વેત કૉલેજ અને યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.
કમલા કહે છે કે તેઓ પોતાની ઓળખને લઈને હંમેશાંથી સંતુષ્ટ હતાં અને પોતાને માત્ર એક અમેરિકન તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.
2019માં તેમણે 'વૉશિંગટન પોસ્ટ'ને કહ્યું હતું કે નેતાઓને માત્ર તેમના રંગ અને પૃષ્ઠભૂમિને કારણે કોઈ ખાસ ખાંચામાં ન ફિટ કરવા જોઈએ.
તેમણે કહ્યું હતું, "હું જે છું એ છું. હું તેનાથી ખુશ છું. તમારે જોવાનું છે કે તમારે શું કરવું છે પરંતુ હું આનાથી બહુ ખુશ છું. "
હાવર્ડ પછી કમલાએ કૅલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી અને પછી વકીલાત શરૂ કરી હતી.
ત્યાર પછી અમેરિકાના સૌથી મોટા રાજ્ય કૅલિફોર્નિયાનાં અટૉર્ની જનરલ બન્યાં. આ પદ પર પહોંચનારાં તેઓ પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન-અમેરિકન પણ હતાં.
કમલા હૅરિસ બે વખત અટૉર્ની જનરલ રહ્યાં અને પછી 2017માં તેઓ સાંસદ બન્યાં. આ પદ સુધી પહોંચનારાં તેઓ બીજાં અશ્વેત મહિલા હતાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















