અમેરિકા-ચીન ટ્રેડવૉર : વીગર મુસ્લિમો પર દમનને મામલે અમેરિકાએ ચીનની 28 કંપનીઓને બ્લૅકલિસ્ટ કરી

ઇમેજ સ્રોત, AFP/Getty
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં વસતા વીગર મુસ્લિમોના શોષણમાં કથિત રીતે સામેલ હોવાના આરોપસર અમેરિકાએ ચીનની 28 સંસ્થાને બ્લેકલિસ્ટમાં કરી છે.
આ પ્રતિબંધના કારણે હવે આ સંસ્થાઓ એવી સંસ્થાઓની યાદીમાં સામેલ થઈ ચૂકી છે, જેઓ વૉશિંગટનની પરવાનગી વગર અમેરિકન કંપનીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો માલ ખરીદી નથી શકતી.
અમેરિકા દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલી આ 28 સંસ્થામાં ચીનની સરકારી એજન્સીઓ અને ટૅક્નૉલૉજી કંપનીઓ પણ સામેલ છે.
જોકે અમેરિકા આ પહેલાં પણ ચીનની સંસ્થાઓ પર પ્રતિબંધ લાદી ચૂક્યું છે.
મે મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ટેલિકૉમ્યુનિકૅશન જાયન્ટ ખ્વાવે પર પણ સુરક્ષાના કારણસર પ્રતિબંધ લાદી દેવાયો હતો.
અમેરિકાના કૉમર્સ ડિપાર્ટમેન્ટની ફાઈલમાં જણાવાયું છે કે, "આ તમામ સંસ્થાઓ માનવાધિકારના ઉલ્લંઘન અને શોષણમાં સામેલ છે."
માનવાધિકારો માટે કામ કરતાં સંગઠનો દ્વારા જણાવાયું હતું કે ચીન ડિટેન્શન કૅમ્પમાં રખાયેલા મોટા ભાગના વીગર મુસ્લિમોનું દમન કરી રહ્યું છે. ચીન આ કૅમ્પને ઉગ્રવાદનો સામનો કરવા માટે બનાવાયેલા "વૉકેશનલ ટ્રેનિંગ સેન્ટર" ગણાવે છે.

અમેરિકાએ કોના પર નિશાન સાધ્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના કૉમર્સ ડિપાર્ટમેન્ટે પોતાના આ નિર્ણય વિશે જણાવતાં કહ્યું હતું, "આ તમામ 28 સંસ્થાઓ ચીન દ્વારા કરાઈ રહેલા વીગર, કઝાખ અને અન્ય મુસ્લિમ લઘુમતી લોકોના દમનમાં સામેલ છે."
"તેમજ આ સંસ્થાઓ તેમના ડિટેન્શન અને તેમની પર નજર રાખવા માટે હાઇ-ટૅક્નૉલૉજી સર્વેલન્સ વગેરે જેવાં ચીનનાં સરકારી કાર્યોમાં પણ સામેલ છે."
આ 28 સંસ્થામાં અન્ય નાની 19 સરકારી સંસ્થા સાથે શિનજિયાંગ પ્રાંતનો પબ્લિક સિક્યૉરિટી બ્યૂરો પણ સામેલ છે.
તેમજ ફેશિયલ રેકગ્નિશન ટૅક્નૉલૉજી વિકસાવવા માટે જાણીતી હિકવિઝન, દહુઆ ટૅકનૉલૉજી અને મેગવી ટૅક્નૉલૉજી જેવી આઠ વ્યાવસાયિક સંસ્થાઓ પણ સામેલ છે. જે પૈકી હિકવિઝન વિશ્વના સૌથી મોટા સર્વેલન્સ ઇક્વિપમૅન્ટના ઉત્પાદકોમાંથી એક છે.
નોંધનીય છે કે હાલ અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે.
આ પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે આ અઠવાડિયાના અંતમાં વૉશિંગટન ખાતે મુલાકાત યોજાવાની છે.

ચીનના ટૅકનૉલૉજી જાયન્ટ છે નિશાન પર

ઇમેજ સ્રોત, AFP
બીબીસી એશિયા બિઝનેસ સંવાદદાતા કરિશ્મા વસવાનીનું વિશ્લેષણ
અમેરિકાના આ પગલાથી ચીનની ટૅક્નૉલૉજી ક્ષેત્રની મહત્ત્વાકાંક્ષાઓને ટૂંકા ગાળા માટે જરૂર ફટકો પડશે.
અમેરિકાએ ચીન જે ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય જુએ છે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં અગ્રેસર કંપનીઓ પર નિશાન સાધ્યું છે.
જોકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍલ્ગોરિધમને ટ્રેઇન કરવા માટે વપરાતી પ્રોસેસર ચિપના બજારમાં અમેરિકન કંપનીઓ- ઇન્ટેલ અને એન્વિડિઆ વગેરેનું પ્રભુત્વ છે.
જેમજેમ અમેરિકા ચીનની કંપનીઓ પર દબાણ વધારશે. તેમતેમ ચીનની કંપનીઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધતી જશે એવું બની શકે.
આ સિવાય અમેરિકા દ્વારા વિકસાવાયેલ ટૅક્નૉલોજીના વિકલ્પો શોધવાની દિશામાં ચીન આગળ વધી રહ્યું છે.
આમ જેમજેમ અમેરિકા અને ચીનનું વેપારયુદ્ધ વધુ આક્રમક બનતું જાય છે તેમતેમ તે માત્ર વેપારયુદ્ધ મટીને ટૅક્નૉલૉજી માટેનું યુદ્ધ બનતું જઈ રહ્યું છે. તેથી હવે ગ્રાહકોએ સમગ્ર ચાઇનીઝ કે સમગ્ર અમેરિકન વસ્તુમાંથી કોઈ એકને પસંદ કરવી પડશે.

શિનજિયાંગમાં શું પરિસ્થિતિ છે?
ચીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં શિનજિયાંગ પ્રાંતમાં સિક્યૉરિટી ઑપરેશન શરૂ કર્યું હતું.
માનવાધિકાર સંગઠનો અને યુ.એન.એ જણાવ્યું હતું કે ચીન મોટાંમોટાં ડિટેન્શન કૅમ્પોમાં 10 લાખ કરતાં વધારે સંખ્યામાં વીગર અને અન્ય લઘુમતી સમુદાયના લોકોને રાખ્યા છે. જ્યાં તેમના પર ઇસ્લામ ધર્મને ત્યાગી દેવા, માત્ર ચાઇનીઝ ભાષા જ બોલવા તેમજ ચીનની સામ્યવાદી સરકાર પ્રત્યે વફાદાર રહેવા દબાણ કરવામાં આવે છે.
જોકે ચીન આ ડિટેન્શન સેન્ટરોને ઉગ્રવાદનો સામનો કરવા માટે તેમજ અટકાયતીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે બનાવાયેલા "વૉકેશનલ ટ્રેનિંગ સેન્ટર" ગણાવાય છે.
અમેરિકા સહિત ઘણા અન્ય દેશો પણ ચીન દ્વારા શિનજિયાંગમાં લેવાયેલા આ પગલાની નિંદા કરી ચૂક્યા છે.
ગયા અઠવાડિયે વેટિકન સિટીમાં યોજાયેલી એક પત્રકારપરિષદમાં અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પિઓએ ચીન પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, "ચીન ઇચ્છે છે કે તેના નાગરિકો ભગવાનમાં નહીં ત્યાંની સરકારમાં શ્રદ્ધા રાખે."

વીગર મુસ્લિમ કોણ છે?

ઇમેજ સ્રોત, AFP
વીગર મુસ્લિમો મૂળ તુર્કીના મુસલમાનો છે. શિનજિયાંગની કુલ વસતીના 45 ટકા જેટલી વસતી વીગર મુસ્લિમોની છે. જ્યારે 40 ટકા હાન ચીની લોકો છે.
ચીનના પ્રશ્ચિમ પ્રાંત શિનજિયાંગમાં ચીની વહીવટીતંત્ર અને તેના સ્થાનિક વીગર આદિવાસી સમુદાય વચ્ચે વર્ષોથી સંઘર્ષનો એક લાંબો ઇતિહાસ ચાલ્યો આવે છે.
વીગર મુસલમાન કોમ છે અને સાંસ્કૃતિક અને આદિવાસી સ્વરૂપમાં આ કોમ તેમને પોતાને મધ્ય એશિયાઈ રાષ્ટ્રોની બહુ નજીકના ગણાવે છે.
સદીઓથી આ વિસ્તારનું અર્થતંત્ર કૃષિ અને વ્યાપાર કેન્દ્રિત છે. શિનજિયાંગ પ્રાંતમાં ખશગાર જેવા શહેરો પ્રસિદ્ધ સિલ્ક રૂટના જાણીતા અને સંપન્ન કેન્દ્રો છે.
વીસમી સદીની શરૂઆતમાં શિનજિયાંગ પ્રાંતના વીગર મુસલમાનોએ પોતાને ટૂંકા સમય માટે મુક્ત ઘોષિત કર્યા હતા. પરંતુ સામ્યવાદી ચીની સતાધિકારીઓએ આ વિસ્તારને ૧૯૪૯માં સંપૂર્ણપણે નિયંત્રણમાં લઇ લીધો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























