You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંદીલ બલોચના હત્યાકેસમાં તેમના ભાઈ વસીમને આજીવન કેદની સજા
પાકિસ્તાનનાં સોશિયલ મીડિયા સ્ટાર કંદીલ બલોચની હત્યા મામલે કોર્ટે તેમના ભાઈ વસીમને આજીવન કેદની સજા ફટકારી છે.
કોર્ટે આ કેસમાં તેમના ભાઈ આરિફને 'વૉન્ટેડ' જાહેર કર્યા હતા અને અન્ય એક આરોપી મુફ્તી કવિને મુક્ત કરી દેવાયા છે.
ચુકાદો આવ્યા બાદ મુફ્તી કવીએ બીબીસી ઉર્દૂને કહ્યું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો.
પોતાના બેબાક અંદાજ માટે જાણીતાં પાકિસ્તાની સોશિયલ મીડિયા સેલિબ્રિટી કંદીલ બલોચની જુલાઈ 2016માં હત્યા કરાઈ હતી.
15 જુલાઈ, 2016ના રોજ સમાચાર મળ્યા કે કંદીલ બલોચની હત્યા તેમના જ સગા ભાઈએ કરી હતી.
મોડી રાત્રે ધરપકડ કરાયા બાદ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમના ભાઈ વસીમે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કંદીલના કારણે તેમના પરિવારનું અપમાન થઈ રહ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કંદીલની હત્યા ગળું દબાવીને કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંદીલના ભાઈએ કહ્યું કે સોશિયલ મીડિયા પર કંદીલના જે વીડિયો આવતા હતા, એ કારણે લોકો મહેણાં મારતાં હતાં અને આ મહેણાં તેમનાથી સહન ન થયાં.
કોણ હતાં કંદીલ બલોચ?
કંદીલ પંજાબના એક નાના ગામનાં વતની હતાં. વર્ષ 2013માં તેમણે સોશિયલ મીડિયા પર પોતાનાં વીડિયો અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.
થોડા સમયમાં જ કંદીલ પાકિસ્તાનના મુસ્લિમ સમાજમાં રૂઢિવાદી લોકોની વચ્ચે ચર્ચિત અને વિવાદાસ્પદ ચહેરો બની ગયાં હતાં.
તેમને પાકિસ્તાનનાં કિમ કર્દાશિયન તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં.
જોકે, ઘણા લોકો કંદીલના સમર્થક પણ હતા. તે લોકો સમજતા હતા કે કંદીલ સમાજની રૂઢિઓને તોડી શકે છે.
તેમના સમર્થકોએ ઘણી વખત તેમને ચેતવણી પણ આપી હતી કે તેમની હત્યા થઈ શકે છે.
કંદીલ બલોચ અને સેલ્ફીનો વિવાદ
અબ્દુલ કવિ પાકિસ્તાનના જાણીતા ધાર્મિક વિદ્વાન છે. તેમના સંબંધ ઘણા રાજનેતાઓ સાથે પણ છે.
તેઓ પાકિસ્તાન સરકારની 'મૂન સાઇટિંગ' કમિટી એટલે કે રોયતે હિલાલ કમિટીના સભ્ય હતા.
આ કમિટી ચંદ્રને જોઈને ઇસ્લામિક તહેવારોની તારીખો નક્કી કરે છે.
મુફ્તીને ઘણા ટીવી કાર્યક્રમોમાં ચર્ચા માટે પણ બોલાવવામાં આવતા હતા.
જૂન 2016માં પણ આ જ પ્રકારના એક કાર્યક્રમમાં મુફ્તી કવિ અને કંદીલ હાજર હતાં. કંદીલ એ ચર્ચામાં વીડિયો લિંકના માધ્યમથી જોડાયાં હતાં.
એ કાર્યક્રમમાં તેમની એક ઑનલાઇન પોસ્ટના મામલે ચર્ચા ચાલી રહી હતી.
ચર્ચા દરમિયાન જ મુફ્તીએ કંદીલને કરાચીમાં મળવાનું નિમંત્રણ આપ્યું હતું.
થોડાં અઠવાડિયાં બાદ કંદીલે મુફ્તી સાથે 20 જૂનના રોજ મુલાકાત કરી અને તેમની સાથે લીધેલી ઘણી સેલ્ફી પણ ફેસબુક પર પોસ્ટ કરી હતી.
બાદમાં આ પોસ્ટો એટલી વાઇરલ થઈ હતી કે મુફ્તીએ પણ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાક્રમ રમઝાન મહિનામાં સર્જાયો હતો.
પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો આખો દિવસ ઉપવાસ કરે છે. લોકો બીજી મહિલાઓ તરફ ઊંચે નજરે જોતા નથી.
આ વિવાદ બાદ મુફ્તીને મૂન સાઈટિંગ કમિટીમાંથી બરતરફ કરી દેવાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો