એમેઝોન આગ : અભિનેતા લિઓનાર્દો કૅપ્રિયો 50 લાખ ડૉલર આપશે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ટાઇટેનિક ફિલ્મ માટે જાણીતા અભિનેતા લિઓનાર્દો દી કૅપ્રિયોના પર્યાવરણ સંગઠન 'અર્થ ઍલાયન્સ'એ એમેઝોનનાં જંગલોમાં આગ બાદ 50 લાખ અમેરિકન ડૉલરનું ફંડ આપવાની જાહેરાત કરી છે.

એમેઝોનનાં જંગલનાં સંરક્ષણ માટે કાર્યરત સ્થાનિક સમૂહો અને સમુદાયોને આ ફંડ આપવામાં આવશે.

પર્યાવરણ સંલગ્ન મુદ્દાઓ પર કાર્યરત સંગઠન અર્થ ઍલાયન્સની શરૂઆત કૅપ્રિયો અને અન્ય બે વ્યક્તિઓએ મળીને કરી હતી.

પર્યાવરણ અને વન્ય જીવોનું રક્ષણ એ આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ છે.

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શનિવારે કૅપ્રિયોએ લખ્યું હતું, "એમેઝોનની સ્થિતિ અંગે હું ચિંતિત છું. આ ઘટના આબોહવા, જૈવવિવિધતા અને સ્થાનિક લોકોની સુખાકારીની નાજુક સ્થિતિનો ચિતાર આપે છે."

એમેઝોનનાં વર્ષાવનોમાં ભીષણ આગ લાગી છે અને આ ઑક્સિજન માટે જંગલોની દુનિયાનો મુખ્ય સ્રોત મનાય છે.

કેમ કે ધરતીને 20% ઑક્સિજન બ્રાઝિલનાં વર્ષાવનોમાંથી મળે છે. છેલ્લા દાયકાની આ સૌથી ભીષણ આગ છે.

અન્ય એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કૅપ્રિયોએ લખ્યું છે, "પૃથ્વીનાં ફેફસાં આગથી લપેટાયેલાં છે."

અભિનેતા સાથે ઍન્વાયરૅન્ટલિસ્ટ

44 વર્ષીય કૅપ્રિયો અમેરિકન અભિનેતા અને નિર્માતા તરીકે જાણીતા છે, સાથે-સાથે તેઓ ઍન્વાયરૅન્ટલિસ્ટ પણ છે.

ટાઇટેનિક ફિલ્મના કારણે કૅપ્રિયો વધારે લોકપ્રિય થયા હતા.

1997માં ટાઇટેનિક ફિલ્મની લોકપ્રિયતા બાદ વર્ષ 1998માં તેમણે પર્યાવરણ ક્ષેત્રે જાગૃકતા ફેલાવવાના ઉદ્દેશ સાથે 'લિઓનાર્દો દી કૅપ્રિયો ફાઉન્ડેશન' નામથી એનજીઓ (નૉન-પ્રોફિસ ઑર્ગેનાઇઝેશન) શરૂ કર્યું હતું.

કૅપ્રિયોએ પર્યાવરણ સંલગ્ન વિષય પર 'વૉટર પ્લૅનેટ' અને 'ગ્લોબલ વૉર્મિંગ' નામની બે ડૉક્યુમૅન્ટરી ફિલ્મો બનાવી હતી, આ પ્રોજેક્ટમાં 40 દેશો તેમની સાથે હતા.

કૅપ્રિયોને ફિલ્મ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા માટે પણ ઍવૉર્ડ મળ્યો છે.

2001માં તેમને માર્ટિન લિટન ઍન્વાયરમૅન્ટ ઍવૉર્ડ અને 2003માં ઍન્વાયરમૅન્ટલ લીડરશિપ ઍવૉર્ડ મળ્યા છે.

ગુજરાત સહિત દક્ષિણ તથા મધ્ય ભારતનાં રાજ્યોમાં આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ચેન્નાઈમાં પાણીની પરિસ્થિતિ એટલી દુષ્કર થઈ હતી કે આઈટી કંપનીઓએ પાણીની અછતને લીધે કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું હતું.

ચેન્નાઈમાં પાણીની અછત અંગે પણ કૅપ્રિયોએ 26 જૂને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી અને ચેન્નાઈની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ વર્ષે આગની ઘટનાઓમાં વધારો

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ રિસર્ચ ઇન બ્રાઝિલનું કહેવું છે કે એમેઝોનનાં જંગલમાં આ વર્ષે 72 હજારથી વધારે આગની ઘટના ઘટી છે. ગયા વર્ષે આ આંકડો 40 હજાર હતો.

સરકારી આંકડા પ્રમાણે, આ વર્ષના શરૂઆતના આઠ મહિનામાં બ્રાઝિલનાં જંગલોમાં આગની 75 હજાર ઘટનાઓ ઘટી છે.

વર્ષ 2013 બાદ આ એક રેકર્ડ સ્તર છે. વર્ષ 2018માં આગની કુલ 39,759 ઘટનાઓ ઘટી હતી.

જુલાઈથી ઑક્ટોબર વચ્ચે સૂકા વાતાવરણમાં બ્રાઝિલનાં જંગલોમાં આગની ઘટનાઓ સામાન્ય બાબત છે.

અહીં પ્રાકૃતિક કારણોસર આગ લાગે છે, સાથે જ કઠિયારા પણ આગ લગાવે છે.

પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોના પર્યાવરણ વિરોધી નિવેદનો બાદ જંગલ સાફ કરવાની ગતિવિધિઓમાં વધારો થયો છે.

આગ મામલે આખી દુનિયામાં પ્રદર્શન

ફિનલૅન્ડના નાણામંત્રીએ કહ્યું છે કે યુરોપિયન યુનિયને બ્રાઝિલમાંથી થતી બીફની આયાત પર પ્રતિબંધ લગાવવા વિશે વિચારવું જોઈએ.

આ સમયે ફિનલૅન્ડ યુરોપિયન યુનિયનના પરિષદના અધ્યક્ષ છે અને આ ભૂમિકા દર છ મહિના બાદ સભ્ય દેશને મળે છે.

આ તરફ પર્યાવરણ સંગઠનોએ આગ સામે લડવાની માગ કરતા શુક્રવારના રોજ બ્રાઝિલના ઘણા શહેરોમાં પણ વિરોધ કર્યા હતા.

આ સાથે લંડન, બર્લિન, મુંબઈ અને પેરિસમાં બ્રાઝિલ દુતાવાસ બહાર પણ ઘણા લોકોએ પ્રદર્શન કર્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો