#INDvsNZ : આજે સેમિફાઇનલ મુકાબલો રમાવાની શક્યતા કેટલી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

મંગળવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ સેમિફાઇનલ મૅચ વરસાદના કારણે અધવચ્ચેથી રોકવી પડી હતી.

જેથી વર્લ્ડ કપમાં ક્રિકેટના નિયમ પ્રમાણે જો હવામાન સાથ આપે તો તે અધૂરો મુકાબલો બીજે દિવસે રમાડવામાં આવે છે, જેથી કાલનો મુકાબલો આજે રમાશે.

પ્રશ્ન એ છે કે ભારત અને ન્યૂઝીલૅન્ડ જ્યાં પોતાની સેમિફાઇનલ રમી રહ્યા છે તે માન્ચેસ્ટરમાં આજે વરસાદની શક્યતા કેટલી છે?

બ્રિટનના સમયાનુસાર મૅચ બુધવારે સવારે 10.30 વાગ્યે (ભારત સમયાનુસાર બપોરે 3 કલાકે) શરૂ થશે.

બ્રિટનના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની મૅચ દરમિયાન માન્ચેસ્ટરમાં વાદળો છવાયેલાં રહેશે અને સમયાંતરે હળવો વરસાદ પડવાની આગાહી છે.

પરંતુ સારી વાત એ છે કે કાલની સરખામણીએ આજે હવામાન સારું રહેશે.

બીબીસી વેધર રિપૉર્ટ પ્રમાણે મંગળવારની રાતે વાદળો છવાયેલાં રહેશે અને બુધવારે સવારે અને બપોરે હળવા વરસાદની શક્યતા જણાઈ રહી છે.

મૅચમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે છે પરંતુ મંગળવારની સરખામણીએ હવામાન થોડું ગરમ રહેશે અને તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

જો વરસાદના કારણે મેચ રદ થાય તો?

જો વરસાદને કારણે મૅચ હવે રદ થઈ જાય તો ભારત બેટિંગ કર્યા વગર ફાઇનલમાં પહોંચી જશે.

કેમ કે, લીગ રાઉન્ડમાં ભારતના ન્યૂઝીલૅન્ડથી વધારે પૉઇન્ટ હતા.

ભારત 15 પૉઇન્ટ સાથે યાદીમાં પ્રથમ ક્રમે અને ન્યૂઝીલૅન્ડ 11 પૉઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે.

વરસાદને કારણે ફાઇનલ ધોવાઈ જાય તો?

ઇંગ્લૅન્ડમાં આ વખતે વરસાદ વિલન બન્યો છે અને વર્લ્ડ કપની કેટલીક લીગ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે.

ભારત અને ન્યૂઝીલૅન્ડની જ લીગ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જેથી બંનેને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.

હવે સવાલ એ છે કે જો વર્લ્ડ કપના ફાઇનલમાં જ વરસાદ પડે અને મૅચ ધોવાઈ જાય તો શું થાય?

આવા સંજોગોમાં આઈસીસીના નિયમ મુજબ ફાઇનલમાં પહોંચેલી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો