You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ 2019 : ભારતે આજે શ્રીલંકા સામે જીતવું કેમ જરૂરી છે?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર
- પ્રકાશિત
વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતે વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
એટલે શનિવારે રમાનારી શ્રીલંકા સામેની મૅચ આમ તો તેના માટે ઔપચારિકતા જ છે તેમ છતાં ભારત પાસે તેના મિડલ ઑર્ડરની સમસ્યા દૂર કરવા માટે આ અંતિમ તક છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે અહીંના હેડિંગ્લે ખાતે મૅચ રમાશે જે બપોરે 3.00 કલાકે શરૂ થશે.
આ સાથે શનિવારે જ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સાંજે 6.00 કલાકે માન્ચેસ્ટરમાં સામસામે ટકરાશે.
ઑસ્ટ્રેલિયા માટે પણ આ મૅચ ઔપચારિક છે કેમ કે તેણે પણ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
જોકે, પૉઇન્ટ ટેબલમાં મોખરાનો ક્રમ હાંસલ કરવા માટે બન્ને ટીમને આ મૅચ જીતવી જરૂરી છે.
આમ થશે તો મોખરે રહેનારી ટીમ ચોથા ક્રમની ટીમ સામે રમશે. પહેલા ક્રમે રહેવાનો મનોવૈજ્ઞાનિક લાભ પણ તે ટીમને મળશે.
ભારત શનિવારે શ્રીલંકા સામે જીતે તો તે પહેલા સ્થાને આવી જશે પરંતુ સાથે સાથે એ પણ જોવાનું રહે છે કે સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાનો પરાજય થવો જોઇએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ આ મૅચ ભારત માટે વધુ મહત્ત્વની છે. ભારત મોખરે રહે તો તેને ચોથા ક્રમની ન્યૂઝીલૅન્ડની ટીમ સામે રમવાનું આવશે.
યજમાન ઇંગ્લૅન્ડે એકાદ બે મૅચને બાદ કરતાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તે જોતાં ભારત પણ સેમિફાઇનલમાં યજમાન ઇંગ્લૅન્ડ સામે રમવાનું પસંદ કરશે નહીં.
મિડલ ઑર્ડરની સમસ્યા ભારત માટે ચિંતાજનક છે અને આઠ મૅચ બાદ પણ તેનો ઉકેલ આવ્યો નથી.
તેનો અર્થ એ થયો કે ભારતીય ટીમ મૅનેજમૅન્ટ પ્લાન-એ પર આધારિત રહેશે જે મુજબ તેમના ઓપનર્સ અને મોખરાના બૅટ્સમૅને જ ટીમને સફળતા અપાવી છે.
વાઇસ કૅપ્ટન રોહિત શર્મા 544 રન અને વિક્રમી ચાર સદી સાથે 2019ના વર્લ્ડ કપના બૅટ્સમૅનની યાદીમાં મોખરે છે.
તો કૅપ્ટન વિરાટ કોહલીએ કદાચ તેમની કક્ષાનું પ્રદર્શન કર્યું નથી પરંતુ તેમ છતાં પાંચ અડધી સદી અને 400+ રન સાથે તેઓ બીજા ક્રમે છે.
આ પ્રકારની સ્થિતિમાં ધોની માટે પણ શ્રીલંકા કરતાં વધુ સારો હરીફ હોઈ શકે નહીં જ્યાં તે અંતિમ ઓવર્સમાં મુક્તપણે રમી શકે છે.
રોહિત શર્માએ તો તેમની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર જ શ્રીલંકા સામે નોંધાવ્યો છે.
2014માં તેમણે કોલકાતા ખાતે શ્રીલંકા સામે 264 રન ફટકાર્યા હતા.
વન-ડે ઇતિહાસમાં આથી વધુનો સ્કોર અન્ય કોઈ બૅટ્સમૅન નોંધાવી શક્યો નથી.
ધોનીએ રનરેટ વધારવો પડશે
શ્રીલંકાના ઑફ સ્પિનર ધનંજય ડી સિલ્વાએ આ વર્લ્ડ કપમાં સારી ઇકૉનૉમીથી બૉલિંગ કરી છે.
તેમણે 4.70ની રેટથી બૉલિંગ કરી છે તે જોતાં મિડલ ઓવરમાં ધોનીને બેટિંગની તક મળે તો તેમના માટે પડકારજનક છે.
પરંતુ તેઓ ઝડપી બેટિંગ કરશે તો આગામી મૅચોમાં તેમના આત્મવિશ્વાસમાં ફરક પડી જશે.
ધોનીએ અત્યાર સુધીમાં સ્પિનર સામે ખાસ ઝડપી બેટિંગ કરી નથી.
તેઓ સાત મૅચમાં સ્પિનર સામે 81 બોલમાં 47 રન કરી શક્યા છે જે ધોનીની પ્રતિષ્ઠા કરતાં ઘણા ઓછા છે.
શ્રીલંકાના સુકાની કરુણારત્ને આ સંજોગોમાં ધોનીને અંકુશમાં રાખવા માટે તેના લેફ્ટ આર્મ સ્પિનર મિલિન્દા સિરિવર્દનેને અજમાવી શકે છે.
કૅપ્ટન કોહલી માટે ધોની સૌથી મોટા માર્ગદર્શક છે અને તે બેટિંગમાં ફૉર્મ મેળવી લે તો કોહલી આવતા રવિવારે રમાનારી ફાઇનલ માટે યોજના ઘડી શકે તેમ છે.
લસિથ મલિંગા પર શ્રીલંકાનો આધાર
શ્રીલંકાએ આમ તો સેમિફાઇનલ ગુમાવી દીધી છે પરંતુ અંતિમ મૅચમાં જીતીને તેઓ પોતાના અભિયાનનો યાદગાર અંત લાવવાનો પ્રયાસ કરશે.
આ માટે તેમના હુકમનો એક્કો લસિથ મલિંગા છે.
શ્રીલંકા આ ટૂર્નામેન્ટના પ્રારંભમાં કંગાળ દેખાવ કરી રહ્યું હતું ત્યારે મલિંગાએ જ ખતરનાક બૉલિંગ દ્વારા ટીમની આશા જીવંત રાખી હતી.
આ જ રીતે મલિંગા આ મૅચમાં પણ તરખાટ મચાવી શકે છે.
મલિંગાને ભારત સામે રમવાનો અને આઈપીએલને કારણે ભારતના તમામ બૅટ્સમૅનને પારખી લેવાનો બહોળો અનુભવ છે.
રવીન્દ્ર જાડેજાને તક આપવાની જરૂર
રવીન્દ્ર જાડેજા (અને હવે મયંક અગ્રવાલ) એકમાત્ર એવા ખેલાડી છે જેમને હજી સુધી એકેય તક મળી નથી.
બાકીના તમામ ખેલાડી રમી ચૂક્યા છે. રિષભ પંત અને દિનેશ કાર્તિકને પણ છેલ્લે છેલ્લે તક મળી ગઈ હતી પરંતુ જાડેજા અત્યંત ઉપયોગી ઑલરાઉન્ડર છે.
અન્ય ખેલાડી ઘાયલ થાય ત્યારે જાડેજાને ફિલ્ડિંગમાં મોકલવામાં આવે છે અને તેમણે ક્યારેય કૅપ્ટનને નિરાશ કર્યા નથી.
જાડેજાના આગમનથી ટીમનો મિડલ ઑર્ડર અને બૉલિંગ આક્રમણ બન્ને બૅલેન્સ થઈ શકે તેમ છે.
વર્લ્ડ કપમાં શ્રીલંકાનો હાથ ઉપર રહ્યો છે
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મૅચોમાં ભારતે 56 ટકા મૅચો જીતી છે એટલે કે 158માંથી 90 મૅચમાં તેનો વિજય થયો છે.
પરંતુ વર્લ્ડ કપની વાત આવે તો શ્રીલંકાનો હાથ ઉપર રહ્યો છે.
બન્ને વચ્ચે રમાયેલી આઠ મૅચમાંથી ચારમાં શ્રીલંકાનો વિજય થયો છે જ્યારે ભારતે ત્રણ મૅચ જીતી છે.
1992માં બંને વચ્ચેની મૅચ વરસાદે ધોઈ નાખી હતી.
બન્ને ટીમમાં કયા કયા ખેલાડી?
ભારત : વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, રિશભ પંત, હાર્દિક પંડ્યા, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્રસિંહ ચહલ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, કેદાર જાધવ.
શ્રીલંકા : દિમુથ કરુણારત્ને (કૅપ્ટન), કુશલ મેન્ડીસ, કુશલ પરેરા, લાહિરુ થિરિમાને, એંજેલો મેથ્યુઝ, લસિથ મલિંગા, જીવન મેન્ડીસ, ધનંજય ડી સિલ્વા, કાસુન રજિતા, ઇસુરુ ઉદાના, સુરંગા લકમલ, મિલિન્દા સિરિવર્દને, વાન્ડરસે, થિસિરા પરેરા, અવિષ્કા ફર્નાન્ડો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો