You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ : સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું, સેમિફાઇનલનો જંગ રસપ્રદ
બૉલર્સના તરખાટ બાદ હશીમ અમલા અને ફાફ ડુ પ્લેસિસની મક્કમ બૅટિંગની મદદથી સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું છે.
આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં શુક્રવારે શ્રીલંકાને નવ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ આશ્વાસન વિજય હાંસલ કર્યો હતો.
આ સાથે સાઉથ આફ્રિકાના ભાવિ પર તો ફરક પડ્યો ન હતો પરંતુ શ્રીલંકાની કામગીરી કપરી બની ગઈ છે.
શ્રીલંકાએ હવે બાકીની બૅ મૅચ જીતવી તો ફરજિયાત બની છે પરંતુ સાથે સાથે અન્ય ટીમોનો પરાજય થાય તેવી પણ આશા રાખવાની છે. આમ શ્રીલંકા લગભગ આઉટ થઈ ગયું છે.
આફ્રિકાના બૉલર્સનો તરખાટ
સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને હરીફ ટીમને બૅટિંગ આપવાનો યોગ્ય નિર્ણય લીધો હતો. જે તેના બૉલર્સે યથાર્થ ઠેરવી દીધો હતો.
શ્રીલંકા 50 ઓવર પૂરી થાય તે અગાઉ 203 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું જ્યારે સાઉથ આફ્રિકાએ 12.4 ઓવર બાકી રાખીને માત્ર એક વિકેટ ગુમાવીને મૅચ જીતી લીધી હતી.
આ મૅચમાં શ્રીલંકા પાસેથી ઘણી આશા રખાતી હતી. શ્રીલંકન ટીમે જે રીતે ઇંગ્લૅન્ડ સામે રોમાંચક મૅચ રમીને વિજય હાંસલ કર્યો હતો તે જોતાં તેઓ ટુર્નામેન્ટમાં આગળ ધપવા માટેનું દાવેદાર બની ગયું હતું.
જોકે, સાઉથ આફ્રિકા સામેની રમતમાં એવો ચમકારો જોવા મળ્યો ન હતો. 204 રનના સામાન્ય લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકાએ સંગીન રમત દાખવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાઉથ આફ્રિકાની શાનદાર બૅટિંગ
ઓપનર ક્વિન્ટન ડી કોક તો પાંચમી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા પરંતુ હશીમ અમલા અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટીમને વિજયના માર્ગે આસાનીથી લાવી દીધી હતી.
બંનેએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત તેમણે શ્રીલંકન બૉલર્સનો આસાનીથી સામનો કરીને કોઈ ચમત્કારની આશા રહેવા દીધી ન હતી.
હશીમ અમલાએ 105 બૉલની ઇનિંગ્સમાં અણનમ 80 રન ફટકાર્યા હતા જેમાં પાંચ બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો.
જ્યારે પ્લેસિસે પણ પરિસ્થિતિને અનુરૂપ બૅટિંગ કરીને અણનમ 96 રન ફટકાર્યા હતા.
આમ તેઓ માત્ર ચાર રન માટે સદી ચૂકી ગયા હતા. તેમણે 103 બૉલની ઇનિંગ્સમાં એક સિક્સર અને દસ બાઉન્ડ્રી ફટકારી હતી.
શ્રીલંકા તમામ બાજુ નિષ્ફળ
અગાઉ શ્રીલંકાની બૅટિંગ નિરાશાજનક રહી હતી. તેમની રમત પરથી લાગતું ન હતું કે તેઓ વર્લ્ડ કપમાં આગેકૂચ કરવાનો ઇરાદો ધરાવે છે.
કેપ્ટન દિમુથ કરુણારત્ને તો પહેલા બૉલે જ આઉટ થઈ ગયા હતા.
જ્યારે કુશલ પરેરા અને અવિષ્કા ફર્નાન્ડોએ 30-30 રન ફટકાર્યા હતા જે અંતે ટીમનો સર્વોચ્ચ સ્કોર બની રહ્યો હતો.
કુશલ મેન્ડીસે 23 અને ધનંજય ડી સિલ્વાએ 41 બૉલમાં 24 રન ફટકાર્યા હતા.
સાઉથ આફ્રિકાના તમામ બૉલર્સે પ્રભાવશાળી બૉલિંગ કરી હતી. ડ્વેઇન પ્રિટોરિયસ અને ક્રિસ મોરીસ સામે શ્રીલંકન બૅટ્સમૅન ડઘાઈ ગયા હતા.
બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી તો કેગિસો રબાડાને બે વિકેટ મળી હતી.
આ મૅચના વિજયથી સાઉથ આફ્રિકન ટીમના ભાવિ પર કોઈ ફરક પડવાનો નથી.
તેમની બાકી રહેલી મૅચો માત્ર ઔપચારિકતા છે પરંતુ શ્રીલંકા પર માઠી અસર પડી શકે છે.
હવે બાકીની ટીમો તેમની તમામ મૅચ હારી જાય તો જ શ્રીલંકા માટે તક રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો