You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઈટાલિયાની સુરતમાં 'ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ટિપ્પણી'ના કેસમાં ધરપકડ, જામીન પર છુટકારો
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને 'આપ' ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ વિભાગે ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા છે. એટલે તેઓ જામીન પર મુક્ત થયા છે.
બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં ક્રાઇમબ્રાન્ચના અધિકારી જે. એન. ઝાલાએ કહ્યું, "ગોપાલ ઈટાલિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પણ જામીન મળી ગયા છે. કેસ વિશે ટૂંકમાં વિગત એમ છે કે, ગત વર્ષે નવમા મહિનામાં તેમણે મંત્રી હર્ષ સંઘવી અને સાસંદ સી. આર. પાટીલ વિશે ટીકા-ટિપ્પણી કરી હતી. જેના સંદર્ભે આઈપીસી 500 હેઠળની ફરિયાદ નોંધાઈ હતી. તેમને બોલાવી પૂછપરછ કરાઈ છે. અને ધરપકડ થઈ હતી. પણ પછી તેમને જામીન મળ્યા છે. ટૂંક સમયમાં પ્રેસ બ્રિફિંગ કરી દેવામાં આવશે."
જામીન પર છૂટ્યા બાદ આ વિશે પત્રકારોને સંબોધતા આપના નેતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું, "જૂની ફરિયાદ મુદ્દે મને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. એમનું કહેવું છે કે સી. આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામેની મારી ટિપ્પણીથી ભાજપના કાર્યકર્તાની લાગણી દુભાઈ છે. એટલે કાર્યકર્તાએ ફરિયાદ કરી હતી. કાયદાકીય આ વાતમાં કંઈ છે નહીં પણ મનોબળ તોડી પાડવા અને ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય એટલે આ પરેશાની કરવામાં આવી રહી છે."
સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પત્રકારોને સંબોધ્યા હતા.
આ કેસ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ રિલિઝમાં જણાવ્યું કે, "વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આ મામલો છે."
સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુમાં જણાવ્યું છે કે,"ગયા વર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણીઅભિયાનના ભાષણોમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ભાજપના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ માટે અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દોનો પ્રયોગ કરવા અંગે તે સમયે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો."
"આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. તેમની સામે આઈપીસીની કલમ 469, 500, 501(1)B, 504 મુજબ ગુનો નોંધાયો છે."
આ અંગે નોંધાયેલ એફઆઈઆર અનુસાર,"ગોપાલ ઈટાલિયાએ ભાજપના નેતા સી. આર. પાટીલ માટે 'બુટલેગર' અને ગૃહમંત્રી હર્ષ સંઘવી માટે 'ડ્રગ્સ સંઘવી' શબ્દ વાપર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરાયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બાદમાં ગોપાલ ઈટાલિયાને જામીન મળી ગયા હતા.
સુદાનમાં ફરી હિંસા, અત્યાર સુધીમાં 100 લોકોનાં મૃત્યુ, 1100 ઈજાગ્રસ્ત
આફ્રિકા દેશ સુદાનમાં સૈન્ય અને અર્ધસૈનિક દળો વચ્ચે ફરી એકવાર ભીષણ હિંસા ફાટી નીકળી છે અને આખો દેશ હચમચી ગયો છે. હાલ મળી રહેલી જાણકારી અનુસાર સંઘર્ષ હાલ દેશમાં અલગઅલગ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે.
ડૉક્ટરોના એક સંગઠન અનુસાર, આ સંઘર્ષમાં અત્યાર સુધી 100 લોકોનાં મૃત્યુ થયાં છે અને અન્ય એક અનુમાન અનુસાર ઘાયલોની સંખ્યા 1100ની નજીક પહોંચી ગઈ છે.
ડૉક્ટરોનું કહેવું છે કે ખાર્તુમની હૉસ્પિટલોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને સંઘર્ષને લીધે સ્વાસ્થ્યકર્મીઓ ઈજાગ્રસ્તો સુધી પહોંચી નથી રહ્યા.
બન્ને પક્ષો સુદાનની રાજધાની ખાર્તુમના અલગઅલગ વિસ્તારો પર નિયંત્રણ સ્થાપિત કરવાનો દાવો કરી રહ્યા છે.
ખાર્તુમના સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું છે કે સતત થઈ રહેલા ગોળીબાર અને વિસ્ફોટોનના અવાજો પગલે તેઓ ડરેલા છે.
અહીનાં સ્થાનિક હુદાએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું, "અમે ડરેલા છીએ. વિસ્ફોટોના અવાજો અને ધ્રૂજી રહેલાં મકાનોને લીધે 24 કલાકથી ઊંઘ્યાં નથી. હવે પાણી, ખોરાક અને મારા ડાયાબિટીઝથી પીડિત પિતાની દવાઓ ખતમ થઈ જવાની ચિંતા છે."
ખાર્તુમમાં રહેતા ખુલૂદ ખૈરે બીબીસીને જણાવ્યું, "તમામ સ્થાનિક રહેવાસીઓને આગ્રહ કરાયો છે કે તેઓ ઘરમાં જ રહે અને એમ છતાં પણ તેઓ સુરક્ષિત નથી."
મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં લૂ લાગવાને કારણે 11 લોકોનાં મોત
શનિવારે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પીઢ સંગીતકાર અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં લૂ લાગવાને કારણે 11 લોકો મૃત્યુ પામ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર હતા.
નવી મુંબઈના ખારઘરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નવી મુંબઈમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયો હતો. જેના કારણે કેટલાક લોકોને હીટસ્ટ્રોક થયો હતો.
હીટસ્ટ્રોકથી પીડિત લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 11નાં સારવાર દરમિયાન મોત થયા હતા. 24 લોકોને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે કામોઠેની એમજીએમ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે તબીબો સાથે પણ ચર્ચા કરી સારવાર અંગે પૂછપરછ કરી હતી.
શિંદેએ કહ્યું હતું કે, "હું આ સભ્યોને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપશે અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સભ્યોનો મેડિકલ ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે એક ટ્વીટમાં કહ્યું છે કે, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદાયક છે કે આજે સવારે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હાજરી આપનારા કેટલાક સભ્યોનું હીટસ્ટ્રોકના કારણે મૃત્યુ થયું હતું."
તેઓએ વધુમાં કહ્યું હતું કે, "હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સહભાગી છીએ."
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે ઉપરાંત NCP નેતા અજિત પવાર પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો