સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં 13 એપ્રિલ સુધી જામીન આપ્યા, 3મેએ આગામી સુનાવણી

રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સુરત કોર્ટ

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

સુરતની સેશન કોર્ટે સોમવારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જામીન 13 એપ્રીલ સુધી વધારી દીધા છે. રાહુલ ગાંધીએ વર્ષ 2019માં એક માનહાનિ કેસમાં દોષિત ગણવા અને બે વર્ષની સજાના વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી.

રાહુલ ગાંધીની લીગ ટીમના એક સભ્યે બીબીસીને આપેલ માહિતી અનુસાર સુરત સેશન્સ કોર્ટમાં 'મોદી અટક' મામલે રાહુલ ગાંધીની કથિત ટિપ્પણી મામલે સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસ કરાયેલ બે વર્ષની સજાને પડકારતી અરજીની આગામી સુનાવણી 13 એપ્રિલે હાથ ધરાશે.

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને વધુ રાહત આપતાં આ મામલામાં જામીન પણ આપી દીધા હતા.

નોંધનીય છે કે ગત 23 માર્ચના રોજ રાહુલ ગાંધીને માનહાનિ મામલે સુરતની એક કોર્ટે બે વર્ષની સજા કર્યા બાદ બીજા જ દિવસે લોકસભા સચિવાલયે તેમનું સંસદસભ્યપદ રદ કરી દીધું હતું.

રાહુલ ગાંધીએ આ મામલે થયેલ સજા પર રોક લગાવવા માટેની દાદ માગતી અરજી કરી હતી.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટમાં સજા અને પડકારવા અરજી કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડરા સહિત અન્ય ઘણા કૉંગ્રેસી નેતાઓ હાજર રહ્યાં હતાં.

નોંધનીય છે કે રાહુલ ગાંધીને સજા થયા બાદ અને તેમનું સંસદસભ્યપદ રદ થયા બાદ કૉંગ્રેસ અને વિપક્ષ કેન્દ્ર સરકાર અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. જ્યારે સામેની બાજુએ ભાજપ આ તમામ કાર્યવાહીને ન્યાયિક ગણાવી, કૉંગ્રેસ પર વળતો પ્રહાર કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ રાહુલ ગાંધીને મળેલી આ સજા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ થઈ ગયું હતું અને તેમને સંસદ સભ્ય તરીકે મળેલો બંગલો પણ ખાલી કરવાની સૂચના મોકલવામાં આવી છે.

જોકે, સુરતની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે તેમની બે વર્ષની સજાની અમલવારી પર 30 દિવસ સુધી સ્ટે આપ્યો હતો જેથી તેમને આ કેસમાં અપીલ કરવાનો સમય મળી રહે.

રાહુલ ગાંધીના ટેકામાં દેશભરમાંથી કૉંગ્રેસના નેતાઓ સુરત પહોંચ્યા છે.

line

સજા અને ચુકાદાને પડકારવા સુરત જવા પર રાજકારણ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Ani

નોંધનીય છે કે રાહુલ ગાંધીને ગત 23 માર્ચના રોજ 2019માં તેમની સામે નોંધાયેલા માનહાનિના કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડી તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.

આ ચુકાદા બાદથી કૉંગ્રેસ અને વિપક્ષ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યાં છે, જ્યારે ભાજપ આ સમગ્ર મામલાને ન્યાયિક ગણાવી રહ્યો છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે સરકાર રાહુલ ગાંધીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રાહુલ ગાંધી ડરવાના નથી.

અશોક ગહેલોત

ઇમેજ સ્રોત, ANI

તેમણે કહ્યું, "સરકારી એજન્સીઓ દબાણમાં છે. સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. જ્યાં ચૂંટણી હોય ત્યાં પહેલા ઈડી પહોંચે છે, પછી મોદીજી અને અમિત શાહ પહોંચે છે. સંસદમાં રાહુલ ગાંધીને બોલવા ન દીધા, તેમને ડરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ડરવાનો નથી."

ગહેલોતે વધુમાં કહ્યું, "આજે પત્રકાર, સાહિત્યકાર અને કલાકારો જેલમાં જઈ રહ્યા છે. આ દેશમાં કઈ દિશામાં જઈ રહ્યો છે. સંવિધાનના લીરેલીરાં ઊડી રહ્યાં છે. રાહુલ ગાંધી યાત્રા કરે અને પોતાનો અનુભવ લોકો સાથે વહેંચે તો તેના માટે દિલ્હી પોલીસ એમના ઘરે પહોંચી ગઈ અને એમને પૂછે કે કહો કે એ મહિલા કોણ હતી, જેણે તમને માહિતી આપી હતી કે તેમની સાથે કોણે દુર્વ્યવહાર કર્યો હતો?"

રાહુલ ગાંધીના ટેકેદારો અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને મહારાષ્ટ્રથી અને વડોદરાથી ગુજરાત પહોંચતા અટકાવવામાં આવ્યા તે મુદ્દે તેમણે કહ્યું કે, "હું પુછવા માંગું છું કે તેઓ શું ઇચ્છે છે. અમારા કાર્યકરોને મહારાષ્ટ્ર, વડોદરાથી સુરત આવતા અટકાવી દીધા. લોકશાહીમાં કૉંગ્રેસ સત્યાગ્રહ કરી રહી છે. સત્તામાં છે એ લોકો પાસે અમે સત્યનો આગ્રહ કરી રહ્યા છીએ. એના માટે તમે ગાડીઓ જપ્ત કરી લીધી. તેમનો વિશ્વાસ લોકશાહીમાં નથી. તેઓ ફાસિસ્ટ પ્રવૃત્તિના લોકો છે."

line

રાહુલ ગાંધી પાસે હવે શું વિકલ્પો છે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દેવાયું છે. લોકસભા સચિવાલયે એક જાહરનામું પ્રસિદ્ધ કરીને રાહુલનું સભ્યપદ રદ કરાયાની જાણકારી આપી.

જાહેરનામામાં જણાવાયું છે કે કેરળની વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીને સજા સંભળાવાયા બાદના દિવસથી એટલે કે 23 માર્ચ, 2020થી અયોગ્ય ઠેરવવામાં આવે છે.

સાંસદપદ રદ કર્યા બાદ રાહુલ ગાંધી સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પણ અપાઈ છે.

રાહુલ ગાંધી પાસે કાયદાકીય કેવા વિકલ્પો છે એ અંગે બીબીસી સંવાદદાતા શુભમ કિશોરે ભૂતપૂર્વ એડિશનલ સૉલિસિટર જનરલ કે. સી. કૌશિક સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી.

કે. સી. કૌશિક કહે છે કે સ્પીકરનું આ પગલું ઉતાવળભર્યું લાગી રહ્યું છે.

તેમણે કહ્યું, "આ મામલો એવો નથી જેમાં સ્પીકર મહોદયે આટલી ઉતાવળ કરવાની જરૂર હતી. તેમણે પોતાનો નિર્ણય એક માસ માટે ટાળી દેવો જોઈતો હતો, કારણ કે જ્યારે કોર્ટે જ પોતાનો નિર્ણય એક મહિના માટે ટાળી દીધો છે, તો ટેકનિકલી સજા મોકૂફ છે. આના પર સ્પીકરે નિર્ણય લેવો એ મારા મતે ન્યાયના સહજ સિદ્ધાંત વિરુદ્ધ છે."

જોકે, ભાજપનું કહેવું છે કે કાયદા પ્રમાણે દોષિત જાહેર કરાયા બાદ સભ્યપદ રદ કરવા માટે સ્પીકર નોટિસ આપે એ જરૂરી હતું.

રાહુલ ગાંધી પાસે એ અધિકાર છે કે તેઓ પોતાનું સભ્યપદ રદ કરવાના સ્પીકરના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

જો હાઇકોર્ટ તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકે, કે તેમની સજા ઘટાડી દે તેમ છતાં તેમનું સભ્યપદ ફરી એકવાર બહાલ નહીં થાય. આના માટે રાહુલ ગાંધીએ ફરી એક વાર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવું પડશે.

કૌશિક પ્રમાણે, "મારું માનવું છે કે સ્પીકર જાતે પોતાના આદેશનો રિવ્યૂ નહીં કરે. તેઓ હાઇકોર્ટ કે બંધારણીય બેન્ચના નિર્ણયની રાહ જોશે."

line

રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે આપેલા નિવેદનનો શું છે વિવાદ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, @INCINDIA

વાયનાડથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ કથિતપણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં નિવેદન આપ્યું હતું.

તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?" ત્યાર બાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.

રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.

રાહુલ ગાંધીની વકીલોની ટીમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ પણ સમુદાયને પોતાના નિવેદનથી નારાજ કરવા માગતા નહોતા.

line

રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદી કોણ છે?

પૂર્ણેશ મોદી

ઇમેજ સ્રોત, FACEBOOK/PURNESHMODI

ઇમેજ કૅપ્શન, પૂર્ણેશ મોદી

પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. બી.કૉમ અને એલએલબીની ડિગ્રી ધરાવતા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ પણ છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયા હતા.

જોકે, ઑગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ 02 સરકારમાં તેમને કોઈ મંત્રીપદું આપવામાં નહોતું આવ્યું.

રાહુલ ગાંધીના મોદી સરનેમ બદનક્ષી કેસની સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીની અટક વિશે પણ પ્રશ્ન ઊઠ્યો હતો.

રાહુલ ગાંધીના તરફથી બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદીની અટક મોદી નહીં પરંતુ ભૂતવાલા છે, આથી જે પ્રકારે તેઓ કહે છે કે રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે તે દલીલ ખોટી છે.

પૂર્ણેશ મોદીના મિત્ર અને રાજકીય ટેકેદાર અશોક ગોહિલ કહે છે, "તેમના વડવાઓ સુરતની ભૂત શેરીમાં રહેતા હતા એટલે તેમના વડવાની અટક ભૂતવાલા હતી. તેમના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમની અટક ભૂતવાલા જ હતી, પરંતુ તેમણે ત્યારબાદ અટક બદલાવીને મોદી કરી."

તેઓ જ્યારે મંત્રી હતા ત્યારે ચોમાસા દરમિયાન રોડ-રસ્તા તૂટી ગયા ત્યારે તેમણે વિવાદિત નિવેદન કર્યાં હતાં કે ચોમાસામાં રસ્તાઓ તૂટી જવા એ સામાન્ય બાબત છે.

તેમણે કહ્યું કે "ડામર અને પાણી વચ્ચે બનતું નથી તેથી રસ્તાઓ તૂટી જાય છે અને મીડિયાએ તેને વધારે પડતું ન ચગાવવું જોઈએ." આ નિવેદન બાદ વિવાદ થયો હતો.

ઉપરાંત વ્યક્તિગત ઍપ બનાવીને પોતાની લોકપ્રિયતા વધારવાની કોશિશ કરતા હોવાના આરોપો પણ લાગ્યા.

line

કયા-કયા લોકપ્રતિનિધિઓ અયોગ્ય સાબિત ઠર્યાં?

લાલુ પ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી પહેલા અયોગ્ય સાબિત થનારા લોકપ્રતિનિધિ હતા કૉંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના ધારાસભ્ય પપ્પુ કાલાણી. 2013માં હત્યાના કેસમાં તેઓ દોષિત સાબિત ઠર્યા હતા.

એ પછી જેડીયુના ધારાસભ્ય જગદીશ શર્માને ચારાકાંડમાં સજા થતા તેમનું સંસદપદ છીનવાઈ ગયું હતું.

આરજેડીના સાંસદ લાલુપ્રસાદ યાદવ પણ ચારાકાંડમાં દોષિત થતા તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

  • ભાજપમાંથી ચૂંટાયેલા મધ્ય પ્રદેશમાં ધારાસભ્ય આશા રાણી
  • ઝારખંડના ધારાસભ્ય ઇનોઝ એક્કા
  • શિવસેનાના બબનરાવ ધોલપે
  • તામિલનાડુની ડીએમકે પાર્ટીના ટીએમ સેલ્વાગણપતિ
  • ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્ય સુરેશ હલવંકર

સૌથી ચર્ચિત કેસ હતો તામિલનાડુનાં મુખ્ય મંત્રી જયલલિતાનો. તેમનું ધારાસભ્યપદ જ્યાં સુધી કર્ણાટક હાઇકોર્ટે જ્યાં સુધી ટ્રાયલ કોર્ટના ચુકાદાને બદલ્યો નહીં, ત્યાં સુધી જતું રહ્યું હતું.

ચુકાદો બદલાયા બાદ તેઓ ફરી વખત મુખ્ય મંત્રી બન્યાં હતાં. જોકે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો એ દરમિયાન તેમનું મૃત્યુ થતાં કેસ બંધ કરી દેવાયો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન