બીબીસીએ કહ્યું કે એ દરેક સવાલ જે સીધો પૂછવામાં આવશે, એનો યોગ્ય જવાબ અપાશે

બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

આવકવેરા વિભાગે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે 'એક પ્રમુખ આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીનાં કાર્યાલયો'માં સર્વે બાદ કરની ચુકવણીમાં અનિયમિતતા જોવા મળી છે.

કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ કામ કરનારા 'સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સીસ' દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં બીબીસીનું નામ ક્યાંય લખવામાં આવ્યું નથી.

બીબીસીએ કહ્યું છે કે કોઈ પણ આધિકારિક સંદેશનો યોગ્ય જવાબ આપવામાં આવશે જે એને આવકવેરા વિભાગ દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થશે. આ પહેલાં બીબીસીએ કહ્યું હતું કે તપાસમાં પૂરેપૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે.

આવકવેરા વિભાગના આ દાવાને કેન્દ્રીય પત્રસૂચના કાર્યાલય પીઆઈબીએ જાહેર કર્યો છે. આ નિવેદન અંગે માનવામાં આવે છે કે એ બીબીસીમાં થયેલી તપાસ અંગેનું છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ ત્રણ દિવસ સુધી બીબીસીની દિલ્હી અને મુંબઈસ્થિત ઑફિસોમાં દસ્તાવેજોની તપાસ કરી હતી અને બીબીસીના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી હતી.

આ દરમિયાન કેટલાય કલાકો સુધી બીબીસીના પત્રકારોને કામ કરવા ન દેવાયા. કેટલાય પત્રકારો સાથે આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓએ ગેરવર્તન પણ કર્યું.

પત્રકારોનાં કમ્પ્યુટરોની ચકાસણી કરવામાં આવી અને તેમના ફોન મુકાવી દેવાયા તથા તેમની પાસેથી તેમની કામ કરવાની રીતની જાણકારી લેવામાં આવી. આ સાથે જ દિલ્હી કાર્લાયલમાં કામ કરી રહેલા પત્રકારોને આ સર્વે અંગે કંઈ પણ લખતાં અટકાવાયા.

સિનિયર એડિટરો દ્વારા સતત કહેવાયા બાદ જ્યારે કામ કરવા દેવાયા ત્યારે પણ હિંદી અને અંગ્રેજીના પત્રકારોને ઘણા સમય સુધી કામ કરતા અટકાવાયા. આ બન્ને ભાષાના પત્રકારો જ્યારે પ્રસારણના સમયની નજીક પહોંચી ગયા હતા ત્યારે જ એમને કામ કરવાની મંજૂરી અપાઈ.

આવકવેરા વિભાગની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી.ભારતમાં વિપક્ષી દળોના નેતાઓએ આ કાર્યવાહીને 'પ્રેસની સ્વતંત્રતા પર હુમલો' ગણાવ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન