You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનથી બે મુસ્લિમ યુવાનોનું અપહરણ કરાયું, હરિયાણામાં સળગાવાયેલા મૃતદેહો મળ્યા, શું છે સમગ્ર મામલો?
- લેેખક, મોહર સિંહ મીણા
- પદ, બીબીસી હિંદી માટે, જયપુરથી
- પ્રકાશિત
હરિયાણા અને ઉત્તર પ્રદેશની બૉર્ડર પર આવેલા રાજસ્થાનના ભરતપુર જિલ્લાનું ઘાટમી ગામ.
આ ગામના બે મુસ્લિમ યુવકોનું અપરણ કરીને 250 કિલોમિટર દૂર હરિયાણાના ભિવાની જિલ્લામાં ગાડી સાથે તેમને જીવતા સળગાવી દેવાનો આરોપ છે.
પરિવારજનોએ આ આરોપ બજરંગદળના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. હરિયાણામાં અલગ-અલગ જગ્યાએ રહેતાં પાંચ યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે મૃતદેહોના પોસ્ટમૉર્ટમ બાદ મૃતદેહોની ઓળખ કરાવીને તેમના પરિવારજનોને સોંપી દીધા છે. શરૂઆતમાં પરિવારજનોએ મૃતદેહો સ્વીકાર્યા ન હતા.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરતપુર રેન્જ આઈજી, એસપી સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કેટલાક કલાકોની સમજાવટ બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.
શું છે સમગ્ર મામલો?
ભરતપુર જિલ્લાના ઘાટમીકા ગામના ઇસ્માઇલે 15 ફેબ્રુઆરીના રોજ પોતાના બે પિતરાઈ ભાઈઓના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ગોપાલગઢ પોલીસમથકમાં દાખલ કરાવી હતી.
પોલીસ ફરિયાદમાં લખ્યું છે, "15 ફેબ્રુઆરીએ સવારે અંદાજે પાંચ વાગ્યે જુનૈદ અને નાસિર પોતાની હરિયાણા નંબરની ગાડીમાં અંગત કામથી બહાર ગયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સવારે નવ વાગ્યે એક દુકાન પર કેટલાક લોકોએ જણાવ્યું કે બે યુવકોને આઠ-દસ લોકોએ ખરાબ રીતે માર માર્યો છે. બંનેને ગંભીર હાલતમાં ગાડીમાં નાખીને લઈ ગયા છે."
ઇસ્માઇલે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું, "જ્યારે મેં ફોન કર્યો તો બંને ભાઈઓના ફોન બંધ હતા. અમે શોધવા ગયા તો કેટલાક લોકોએ જણાવ્યું કે અહીં આ રીતે ઘટના ઘટી અને તેમને ઉઠાવીને લઈ ગયા છે."
ઇસ્માઇલે આગળની વાતચીતમાં કહ્યું, "ત્યાં હાજર લોકોએ અમને જણાવ્યું કે મારનારા અને અપહરણ કરનારા લોકો બજરંગદળના હતા. અમને તેઓના નામ પણ જણાવ્યા."
હરિયાણામાં મળ્યા મૃતદેહો
ભરતપુરમાં ગોપાલગઢ પોલીસસ્ટેશનનથી અંદાજે 250 કિલોમિટર દૂર 16 ફેબ્રુઆરીએ પોલીસને એક સળગેલી ગાડી મળી. જેમાં મૃતદેહો પણ હતા.
હરિયાણામાં બીબીસીના સહયોગી પત્રકાર સત સિંહ પ્રમાણે, "ભિવાની જિલ્લામાં એક ગામના સીમાડે સળગતી ગાડી મળી હતી. ગાડીમાં બે મૃતદેહો પણ હતા, જેને પોલીસે કબજે કરીને તપાસ માટે હૉસ્પિટલ મોકલી દીધા છે."
"સ્થળ પરથી પોલીસની ફૉરેન્સિક ટીમ અને અન્ય અધિકારીઓએ પુરાવા એકત્ર કર્યા હતા."
પોલીસ અધિકારીઓએ સત સિંહને જણાવ્યું,"સ્થાનિક લોકો સવારે જ્યારે જાગ્યા તો તેમણે ગામની બહાર સળગતી હાલતમાં એક ગાડી જોવા મળી. ગ્રામજનોએ આ અંગે સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસને."
આ મામલે લોહારૂના ડીએસપી જગત સિંહ મોરે જણાવ્યું, "આ સમગ્ર મામલાની તપાસ માટે સીઆઈએ, એફએસએલ અને સાયબરની ટૅક્નિકલ ટીમની મદદ લેવાઈ રહી છે. ઘટનાસ્થળ સુધી પહોંચતા તમામ રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. જેથી સત્ય જાણી શકાય."
એવી ચર્ચાઓ છે કે બંને યુવકોનું ગૌ-તસ્કરીની શંકાએ અપહરણ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. પણ ગૌ-તસ્કરીનો પોલીસ ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ નથી.
ગોપાલગઢ પોલીસમથકના પ્રભારી અને આ ઘટનાના તપાસઅધિકારી રામ નરેશે બીબીસીને જણાવ્યું, "મૃતકો પાસેથી કૌઈ ગૌવંશ મળ્યું નથી અને ફરિયાદમાં પણ ગૌ-તસ્કરીનો ઉલ્લેખ નથી. અમે શક્ય તમામ ઍંગલથી આ મામલાની તપાસ કરી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ જાણી શકાશે."
પોલીસ કાર્યવાહી
રામ નરેશે બીબીસીને ફોન પર જણાવ્યું, "બંને મૃતક ઘાટમીકા ગામના રહેવાસી હતા. પરિવારજનોએ ફરિયાદ આપી છે કે અમારા બાળકો સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. ત્યારે જ તેમને ગોપાલગઢ પોલીસમથકના વિસ્તારમાં આવતા પીરુકા ગામમાંથી બજરંગદળના લોકો ઉઠાવીને લઈ ગયા."
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં લખવામાં આવ્યું છે કે મૃતકો પૈકી એક વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે.
આ પ્રશ્નના જવાબમાં રામ નરેશે કહ્યું, "આ લોકો અમારા વિસ્તારના રહેવાસી નહોતા. હજી તપાસ ચાલી રહી છે."
ઘાટમીકા ગામના પહાડી પોલીસસ્ટેશનના પ્રભારી શિવ લહરીએ બીબીસીને જણાવ્યું, "અમારે ત્યાં આ લોકો વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાયેલી નથી."
છ બાળકોના પિતા હતા જુનૈદ
પરિવારજનોએ બીબીસીને જણાવ્યું, "જુનૈદ 35 અને નાસીર 30 વર્ષના હતા. જુનૈદના છ બાળકો હતા અને નાસીરને એક પણ સંતાન ન હતું."
પિતરાઈ ભાઈ ઇસ્માઇલે કહ્યું, "જુનૈદ અને નાસીર ખેતરમાં પણ કામ કરતા હતા અને ક્યારેક ટ્રક પણ ચલાવતા હતા."
ઇસ્માઇલે બીબીસીને કહ્યું, "પોલીસે પોસ્ટમૉર્ટમ બાદ મૃતદેહો અમને આપી દીધા છે. અગાઉ પરિવારે કોઈ આશ્વાસન વગર મૃતદેહો સ્વીકારવાની ના પાડી દીધી હતી."
જોકે, બાદમાં ગોપાલગઢ પોલીસસ્ટેશનના પ્રભારી રામ નરેશે બીબીસીને કહ્યું, "મૃતદેહને દફનાવવા બાબતે સહમતિ બની ગઈ છે. સમાજની પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારમાં મંત્રી ઝાહિદા ખાન પણ પહોંચ્યા હતા. મંત્રીએ કહ્યું કે બંને મૃતકોના પરિવારને એક-એક સરકારી નોકરી અને મૃતકોના પરિવારજનોને 15-15 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે."
રામ નરેશે વધુમાં કહ્યું, "મંત્રી ઝાહિદા ખાને પોતાની તરફથી પાંચ-પાંચ લાખ રુપિયા મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરી છે. સહમતિ થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે બે વાગ્યે જુમ્માની નમાઝ બાદ બંનેના મૃતદેહોને દફનાવવામાં આવશે."
મૃતકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વાત થઈ રહી છે. બીબીસીના આ પ્રશ્નના જવાબમાં ઇસ્માઇલે કહ્યું, "તેઓ બૉલેરો કારમાં હતા. તેમની પાસેથી કશું મળ્યું નથી. તેમની પાસે કંઇક હોત તો પોલીસને મળ્યું હોત. બધા આરોપો ખોટા છે. તેમના પર કોઈ કેસ નોંધાયો ન હતો."
આરોપીઓએ જાહેર કર્યો વીડિયો
પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદ અનુસાર, "અનિલ, શ્રીકાંત, રિંકુ સૈની, લોકેશ સિંઘલા અને મોનુ વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 365 અને 368 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે."
જોકે, હરિયાણામાં સળગતી ગાડીમાંથી બે મૃતદેહો મળ્યા બાદ તપાસની દિશા અને સામે આવતા તથ્યોના આધારે કલમો બદલાઈ પણ શકે છે.
રાજસ્થાનમાં દાખલ ફરિયાદમાં મૃતકોના પિતરાઈ ભાઈ ઇસ્માઇલે તમામ આરોપીઓ બજરંગદળ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે.
આ આરોપો અંગે બજરંગદળ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ બજરંગદળના કોઈ પણ નેતા સાથે વાત થઈ શકી નહોતી.
ફરિયાદમાં નોંધાયેલા આરોપી મોનૂએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પક્ષ મૂક્યો છે. જેમાં તેમણે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે.
કોણ છે મોનૂ?
ફરિયાદમાં સમાવિષ્ટ આરોપી મોનૂ હરિયાણાના માનેસરમાં રહે છે. સોશિયલ મીડિયા પર તે મોનૂ માનેસર નામથી ચર્ચિત છે અને ખુદને બજરંગદળ સાથે જોડાયેલો હોવાનું કહે છે.
આ ઘટનામાં મોનૂનું નામ સામે આવતા તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો નિવેદન જાહેર કરીને આ આરોપોને નિરાધાર ગણાવ્યા છે. વીડિયોમાં તેમણે કહ્યું કે "મારા અને મારી ટીમ પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે."
મોનૂએ હરિયાણા પોલીસને ટેગ કરીને એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે. જેમાં લખ્યું છે, "ગોપાલગઢ પોલીસસ્ટેશન વિસ્તારમાં જે ઘટના બની, હું અને મારા મિત્રો ગુરુગ્રામની એક ખાનગી હૉટલમાં 14થી 15 ફેબ્રુઆરી દરમિયાન ત્યાં રોકાયા હતા. આ ઘટના સાથે અમારે કોઈ લેવાદેવા નથી."
"સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના વિશે જાણ થઈ. ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનામાં જે કોઈ પણ સામેલ હશે તેને છોડવામાં નહીં આવે. હું અને મારી ટીમને આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે પોલીસને સહયોગ આપવા તૈયાર છીએ. પણ ફરિયાદમાં જે નામ આપવામાં આવ્યા છે તે એકદમ નિરાધાર છે."
હરિયાણા અને રાજસ્થાન સાથે જોડાયેલી ઘટનાને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
તેમણે લખ્યું, "ભરતપુરના ઘાટમીકા નિવાસી બે લોકોની હરિયાણામાં હત્યા નિંદનીય છે. બંને રાજ્યોની પોલીસ સંકલન કરીને તપાસ કરી રહી છે. એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. રાજસ્થાન પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો