સંસદમાં પીએમ: "મોદી પર ભરોસો અખબારોના સમાચારથી નથી બન્યો…"

ઇમેજ સ્રોત, LOKSABHA TV
વિરોધ પક્ષ દ્વારા સંસદમાં થયેલા અદાણી ગ્રૂપ સાથે સાઠગાંઠના આક્ષેપો અને હિંડનબર્ગના રિપોર્ટની તપાસ સંબંધે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું.
સંસદમાં વિરોધપક્ષની સંયુક્ત સંસદીય સમિતિની માંગ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. વડા પ્રધાનનું ભાષણ દોઢ કલાક ચાલ્યું હતું. જોકે વડા પ્રધાનના ભાષણમાં અદાણીના નામનો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો.
વડા પ્રધાને પોતાના ભાષણમાં હાસ્યકવિ કાકા હાથરસ, હિંદી કવિ દુષ્યંતકુમાર અને વિવિધ સાહિત્યના શેર અને રમૂજી ટુચકા આવરી લઈને વિપક્ષે કરેલા આક્ષેપો સામે કટાક્ષમય નિવેદનો આપ્યા.
વડ પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું, "આ સરકાર મજબૂરીમાં સુધારા નથી કરતી, મજબૂત માન્યતા સાથે સુધારા કરે છે."
તેમણે કહ્યું, "યુપીએના દસ વર્ષના શાસનમાં દેશમાં ચોતરફ આતંકવાદ, અને અસુરક્ષિતતાનું વાતાવરણ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને કોઈ ગંભીરતાથી નહોતું લઈ રહ્યું. જ્યારે હવે દેશનું સામર્થ્ય સામે આવી રહ્યું છે. દરેક અવસરને મુસીબતમાં ફેરવી નાખવાની બાબતો યુપીએની ઓળખ બની."
વડા પ્રધાને વધુમાં કહ્યું, "દેશ જ્યારે ટેકનૉલૉજીનો જમાનો હતો, ત્યારે તેઓ ટૂજીમાં ફસાયેલા રહ્યા, વર્ષ 2010માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે ભારતના યુવાનોની પ્રતિભાને દેખાડવાના એ મોકાને સીડબ્લ્યૂજી ગોટાળામાં ખોઈ નાખ્યો. "

90,000 સ્ટાર્ટઅપ

ઇમેજ સ્રોત, LOKSABHA TV
વડા પ્રધાને સંસદમાં કરેલા ભાષણના અંશો આ પ્રમાણે છે:
સહુએ પોતાની રુચિ, પ્રકૃતિ અનુસાર પોતાની વાતો રજૂ કરી. તેનાથી કોની કેટલી સમજ છે અને કોનો કેવો ઈરાદો છે એ પણ ખબર પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જી20ની અધ્યક્ષતા 140 કરોડ દેશવાસીઓ માટે ગર્વની વાત છે, પરંતુ એમાય કેટલાક લોકોને દુઃખ થઈ રહ્યું છે.
આજે સમગ્ર દુનિયા ભારત તરફ આશાભરી નજરે જોઈ રહી છે તેનું કારણ છે ભારતમાં વધેલી સ્થિરતા, ભારતમાં ઊભી થયેલી નવી સંભાવનાઓ.
ભારતમાં 2-3 દાયકા અસ્થિરતાના રહ્યા છે. આજે ભારતમાં સ્થિર સરકાર પણ છે અને નિર્ણાયક સરકાર પણ છે અને તે રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવા સમર્થ છે.
દેશને સમયની માગ અનુસાર જે જોઈએ એ આપતા રહીશું.
કોરોનાકાળમાં ભારતમાં રસી તૈયાર થઈ. ભારતે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું અને કરોડો નાગરિકોને મફત રસીકરણ કર્યું.
150થી વધું દેશોને જ્યાં જરૂર હતી ત્યાં દવા પહોંચાડી અને જ્યાં જરૂર હતી ત્યાં રસી પહોંચાડી. આજે એ દેશો ભારતનું ગૌરવગાન કરે છે.
ભારતના ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચારેતરફ વાહીવાહી થઈ રહી છે.
આજે ભારત સપ્લાય ચેનની કમીની પૂર્તિ માટેની તાકાત સાથે આગળ વધી રહ્યો છે.
મેન્યુફેક્ચરિંગ હબ રૂપે ઉભરી રહ્યો છે. દુનિયા ભારતની સમૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિ જોઈ રહી છે. નિરાશામાં ડુબેલા કેટલાક લોકો આ દેશની પ્રગતિને સ્વિકારી નથી શકતા.
છેલ્લા 9 વર્ષમાં ભારતમાં 90,000 સ્ટાર્ટઅપ્સ થયા અને આજે સ્ટાર્ટઅપની દુનિયામાં આપણે ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ. આ સ્ટાર્ટઅપ ભારતના યુવા સામર્થ્યની ઓળખ બની રહ્યા છે.
કોરોનાના વિકટ કાળખંડમાં 108 યૂનિકોમ બન્યા. એક યુનિકોમની વેલ્યૂ 6-7 હજાર કરોડથી વધુની હોય છે.
આજે ભારત મોબાઈલ ઉત્પાદમાં દુનિયામાં બીજા નંબરે, ઘરેલું વિમાન વપરાશમાં ત્રીજા નંબરે, ઉર્જા ઉપભોગમાં ત્રીજા નંબરે, રિન્યૂએબલ ઉર્જામાં ચોથા નંબરે છે.
હાયર એજ્યુએક્શનમાં એનરોલ્મેન્ટની સંખ્યા 4 કરોડથી વધુ થઈ છે.

- છેલ્લા 9 વર્ષમાં ભારતમાં 90,000 સ્ટાર્ટઅપ્સ થયા અને આજે સ્ટાર્ટઅપની દુનિયામાં આપણે ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ. આ સ્ટાર્ટઅપ ભારતના યુવા સામર્થ્યની ઓળખ બની રહ્યા છે
- કોરોનાના વિકટ કાળખંડમાં 108 યૂનિકોમ બન્યા, એક યુનિકોમની વેલ્યૂ 6-7 હજાર કરોડથી વધુની હોય છે
- આજે ભારત મોબાઈલ ઉત્પાદમાં દુનિયામાં બીજા નંબરે, ઘરેલું વિમાન વપરાશમાં ત્રીજા નંબરે, ઉર્જા ઉપભોગમાં ત્રીજા નંબરે, રિન્યૂએબલ ઉર્જામાં ચોથા નંબરે છે
- હાયર એજ્યુએક્શનમાં એનરોલ્મેન્ટની સંખ્યા 4 કરોડથી વધુ થઈ છે
- ભારત લોકતંત્રની જનની છે અને આલોચના લોકતંત્રની મજબૂતી માટે, તેના સંવર્ધન માટેનો શુદ્ધિયજ્ઞ છે. પણ દુર્ભાગ્યવશ 9 વર્ષ આલોચનાને આરોપોમાં ખપાવી દીધા
- સંસદમાં ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સીઓ વિશે ઘણું બોલવામાં આવ્યું. આ લોકોએ ઈડીનો ધન્યવાદ કરવો જોઈએ કે ઈડીને કારણે આ લોકો એક મંચ પર આવ્યા
- તાજેતરના વર્ષમાં હાર્વર્ડમાં એક અભ્યાસ થઈ ચૂક્યો છે. "ધ રાઈઝ ઍન્ડ ડિક્લાઈનેશન ઑફ કૉંગ્રેસ પાર્ટી" નામે સ્ટડી થઈ ચૂક્યો છે
- મોદી પર ભરોરો અખબારોના સમાચારથી નથી બન્યો, ટીવી પર ચમકતા ચહેરાથી નથી બન્યો, પળપળ દેશ માટે ખપાવી દીધી છે


જૈસી જીસકી ભાવના વૈસા દિખે સીન

ઇમેજ સ્રોત, LOKSABHA TV
દેશમાં દરેક ક્ષેત્રમાં આશા છે. આ તકે વડા પ્રધાને એક શેર ટાંક્યો હતો. તેમણે કહ્યું, કાકા હાથરશીએ મજેદાર વાત કરી હતી,
"આગા પીછા દેખકર ક્યો હોતે ગમગીન,
જૈસી જીસકી ભાવના વૈસા દિખે સીન"
આખરે આ નિરાશા પાછળ અંતરમનમાં પડેલી ચીજ જવાબદાર છે. યુપીએ શાસનના 10 વર્ષમાં મોંઘવારી બે આંકડામાં રહી હતી.
બેરોજગારીને અનુસંધાને વડા પ્રધાને એક રમુજી વાત પણ કહી,
"એકવાર જંગલમાં બે યુવક વાઘનો શિકાર કરવા ગયા. ગાડીમાંથી બંદૂક ઉતારીને ટહેલતા હતા. એટલામાં વાઘ દેખાયો. તો તેમણે બંદૂકનું લાયસન્સ દેખાડ્યું. આ લોકોએ પણ બેરોજગારી દૂર કરવા માટે કાનૂન બનાવી દીધો."
યુપીએના 10 વર્ષ દરમિયાન ભારતમાં આતંકવાદી હુમલાઓ થતા રહ્યા. હિંસા જ હિંસા વ્યાપેલી હતી. 10 વર્ષ સુધી દેશના નિર્દોષ લોકોનું લોહી વહેતું રહ્યું.
એ 10 વર્ષમાં ભારતનો અવાજ વૈશ્વિક મંચ પર એટલી કમજોર હતી કે દુનિયા સાંભળવા પણ તૈયાર નહોતી. એમની નિરાશાનું કારણ આ પણ છે. હવે 2030નો દાયકો ભારતનો છે.
ભારત લોકતંત્રની જનની છે અને આલોચના લોકતંત્રની મજબૂતી માટે, તેના સંવર્ધન માટે શુદ્ધિયજ્ઞ છે. પણ દુર્ભાગ્યવશ 9 વર્ષ આલોચનાને આરોપોમાં ખપાવી દીધા.
ભ્રષ્ટાચારની તપાસ થઈ રહી હોય તો તપાસ સંસ્થાઓ પર ગાળો દો. સેના પરાક્રમ કરે તો સેનાને ગાળી દો. ક્યારેક દેશની આર્થિક પ્રગતિની ચર્ચા કરે તો આર્થિક સંસ્થાનોને ગાળો દો. અમે 9 વર્ષ આ જોયું છે.
સંસદમાં ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સીઓ વિશે ઘણું બોલવામાં આવ્યું. આ લોકોએ ઈડીનો ધન્યવાદ કરવો જોઈએ કે ઈડીને કારણે આ લોકો એક મંચ પર આવ્યા.

"ધ રાઈઝ ઍન્ડ ડિક્લાઈનેશન ઑફ કૉંગ્રેસ પાર્ટી"

ઇમેજ સ્રોત, LOKSABHA TV
વડા પ્રધાને કહ્યું, "અહીં કેટલાકને હાર્વર્ડ સ્ટડીનો બહુ ક્રેઝ છે. કેટલાકે કહ્યું હતું કે ભારતની બરબાદી પર હાર્વર્ડમાં કેસ સ્ટડી થઈ છે. ગઈકાલે ફરી હાર્વર્ડ સ્ટડીની વાત થઈ.
તાજેતરના વર્ષમાં હાર્વર્ડમાં એક અભ્યાસ થઈ ચૂક્યો છે. "ધ રાઈઝ ઍન્ડ ડિક્લાઈનેશન ઑફ કૉંગ્રેસ પાર્ટી" નામે સ્ટડી થઈ ચૂક્યો છે."
તેમણે હિંદીન કવિ દુષ્યંત કુમારની પંક્તિ ટાંકતાં કહ્યું, "આવા લોકો માટે કવિ દુષ્યંતકુમારે કહ્યું છે, "તુમ્હારે પાંવ કે નીચે કોઈ જમીન નહીં, કમાલ યહ હૈ કી ફિર ભી તુમ્હે યકીન નહીં."
જમીન સાથે જોડાયેલી વ્યવસ્થા લોકોની અંદર શું ચાલી રહ્યું છે તેનું ચિંતન કરે છે અને પોતાની દિશા પણ એ પ્રમાણે બદલે છે."
તેમણે પોતાના પર ભારતની જનતાએ મૂકેલા ભરોસા વિશે ગર્વભર્યા સ્વરે કહ્યું, "મોદી પર ભરોસો અખબારોના સમાચારથી નથી બન્યો, ટીવી પર ચમકતા ચહેરાથી નથી બન્યો, પળપળ દેશ માટે ખપાવી દીધી છે.
દેશવાસીઓનો મોદી પર ભરોસો છે એ આ લોકોની સમજની બહાર છે."
તેમણે ક્હ્યું, "કેટલાક લોકો પોતાના માટે પોતાના પરિવાર માટે જીવી રહ્યા છે. મોદી 140 કરોડ દેશવાસીઓ માટે જીવે છે અને તેમનો આશિર્વાદ મારૂં સૌથી મોટું સુરક્ષાકવચ છે."
2014 પહેલા 1 જીબી ડેટાની કિંમત 250 રૂપિયા હતી, આજે 1 જીબી ડેડાની કિંમત 10 રૂપિયા છે.
આજે જનઔષધિ કેન્દ્રોને કારણે મધ્યમવર્ગીય પરિવારોના વર્ષે 20,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.
70 વર્ષમાં 70 ઍરપોર્ટ અને છેલ્લા 9 વર્ષમાં 70 ઍરપોર્ટ બન્યા છે. આજે ભારત ડિફેન્સ એક્સપોર્ટ કરવા લાગ્યો છે.
મેં 4-5 દશક પરિવ્રાજક તરીકે વિતાવ્યા છે. ભારતના સામાન્ય માનવીમાં સકારાત્મકતા છે. નકારાત્મકતાને સહન કરી લેશે, સ્વિકારશે નહીં.
ક્યારેક અહીં(સત્તામાં) બેસતા હતાં તેઓ ત્યાં જઈને (વિપક્ષમાં) પણ ફેઇલ થયા છે.

અદાણી કેસ પર રાહુલ ગાંધીના આરોપો લોકસભાના રેકૉર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા: જયરામ રમેશ

ઇમેજ સ્રોત, SOPA IMAGES,GETTY
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે મંગળવારે લોકસભામાં મોદી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે અદાણી કેસ પર રાહુલ ગાંધીના આરોપોને લોકસભાના રેકૉર્ડમાંથી હટાવી દીધા છે.
તેમણે સરકાર પર લોકસભામાં લોકશાહીના 'અંતિમ સંસ્કાર' કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે.
કૉંગ્રેસના સંદેશાવ્યવહાર બાબતોના પ્રભારી મહાસચિવ દ.રામ રમેશે આ અંગે એક ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું, "વડા પ્રધાન સંબંધિત અદાણી મહામેગાસ્કૅમ પર રાહુલ ગાંધીની ટિપ્પણીને હટાવવાની સાથે જ લોકસભામાં લોકશાહીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ઓમ શાંતિ.''
આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે વર્તમાન કેન્દ્ર સરકારે અદાણી જૂથને સરકારી સંસાધનોથી તેમનો બિઝનેસ વધારવામાં મદદ કરી છે.
તેમણે કહ્યું હતું કે આ દેશની વિદેશ નીતિ નથી, અદાણીજીનો વેપાર વધારવાની વિદેશ નીતિ છે. રાહુલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારના દબાણ હેઠળ અદાણી જૂથને હજારો કરોડની સરકારી લૉન આપવામાં આવી હતી, જેના કારણે જૂથનો બિઝનેસ આગળ વધ્યો હતો.
જો કે, જ્યારે તેઓ આ આરોપો લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. નિશિકાંત ઠાકુર, રવિશંકર પ્રસાદ, અર્જુન રામ મેઘવાલ જેવા સાંસદોએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી સંસદમાં પીએમ મોદી પર કોઈપણ પુરાવા વિના ગંભીર આરોપો લગાવી રહ્યા છે.

નિવેદન હટાવતા મામલો ગરમાયો

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના અન્ય નેતાઓએ જયરામ રમેશના દાવાને પુનરોચ્ચાર કર્યો છે કે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો અંગે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આક્ષેપોને લોકસભાના રેકૉર્ડમાંથી હટાવી દેવા જોઈએ. કેટલાક પત્રકારોએ પણ આવો જ દાવો કર્યો છે.
કૉંગ્રેસ નેતા અને રાજ્યસભા ટીવીના પૂર્વ સીઈઓ ગુરદીપસિંહ સપ્પલે પણ પોતાના ટ્વીટમાં આ દાવો કર્યો છે. તેમણે લખ્યું, "રાહુલ ગાંધી દ્વારા અદાણી સાથેના પીએમ મોદીના સંબંધો અને તેમની મુલાકાતો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લોકસભા સ્પીકરે રેકૉર્ડમાંથી હટાવી દીધા છે."
બીજી તરફ, કેરળ કૉંગ્રેસે ટ્વીટ કર્યું કે, "જો પીએમ-અદાણી ગઠબંધન પર રાહુલ ગાંધીના નિવેદનને હટાવી દેવામાં આવ્યું હોય તો તે સરકારનો દોષ, તેમનો ગભરાટ અને કાયરતાનો વધુ એક પુરાવો છે. આ સ્વીકારી શકાય નહીં અને તે અલોકતાંત્રિક છે. મોદી-અદાણી કેસ પુરાવા સાથે પબ્લિક ડોમેનમાં છે. જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી અમે આ મામલો ઉઠાવતા રહીશું."
પત્રકાર અને રાજકીય વિશ્લેષક નિખિલ વાગલેએ પણ એક ન્યૂઝ વેબસાઈટના સમાચારને ટ્વીટ કરીને દાવો કર્યો છે કે પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લોકસભાના રેકૉર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
તે જ સમયે, આ વેબસાઇટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તે નિયમ હેઠળ કર્યું છે જેમાં સંસદમાં લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરવાના હોય છે.
આ વેબસાઈટનો દાવો છે કે રાહુલ ગાંધીએ પોતાના આરોપોની તરફેણમાં કોઈ પુરાવા આપ્યા નથી.
બીજી તરફ લોકસભામાં બુધવારે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ગાંધીએ પીએમ મોદી પર 'પાયાવિહોણા, લાપરવાહીવાળા આરોપો' લગાવ્યા હતા.
જોકે વડા પ્રધાને તેમના ભાષણમાં અદાણીનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નહોતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























