દક્ષિણ કોરિયામાં હૅલોવિન વખતે નાસભાગ, 50 કરતાં વધુ વ્યક્તિ ઈજાગ્રસ્ત - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના પાટનગર સોલમાં નાસભાગમાં ઘાયલ થયા બાદ લગભગ 50 વધુ લોકોની સારવાર ચાલી રહી છે.
જણાવાઈ રહ્યું છે કે અનેક લોકોને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે યોંગસાન-ગુના ઇતેવોનમાં આપત્તિ પ્રબંધન ટીમને તરત જ તહેનાત કરવાના આદેશ આપ્યા છે.
સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઇતેવોનમાં જમીન પર આડા પડેલા લોકોને સીપીઆર ટ્રીટમૅન્ટ અપાઈ રહી છે.
ઘટના શનિવારે બની હતી. અહીં સાંકડી ગલીઓમાં હૅલોવિન (તહેવાર) દરમિયાન ભારે નાસભાગ થઈ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ પહેલાં સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો સાંજે હૅલોવિન દરમિયાન નાસભાગની આશંકા વ્યક્ત કરાઈ હતી. અમુક લોકો પ્રમાણે ભીડના કારણે ઇતેવોન વિસ્તાર અસુરક્ષિત લાગી રહ્યું છે.

ગુજરાતમાં 'આપ'ના મુખ્ય મંત્રીના ઉમેદવાર કેવી રીતે પસંદ થશે?

ઇમેજ સ્રોત, Twitter/ANI
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીનાં અઠવાડિયાં પહેલાં પોતાની પાર્ટીની સરકાર બનાવવાનો દાવો કરતા 'તમારા મુખ્ય મંત્રી પસંદ કરો' અભિયાન શરૂ કરી દીધું છે.
કેજરીવાલે શનિવારે સુરતમાં કહ્યું, "જે અમારા મુખ્ય મંત્રીના ઉમેદવાર હશે તે ગુજરાતના આગામી મુખ્ય મંત્રી હશે. તો આજે અમે જનતાને પૂછીએ છીએ કે તમે જ કહો કે કોને તમારો સીએમ બનાવવો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું, "આ નંબર અને ઈમેલ પર 3 નવેમ્બરના સાંજના 5 વાગ્યા સુધી તમારો અભિપ્રાય મોકલી શકો છો. પરિણામો 4 નવેમ્બરે જાહેર કરવામાં આવશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અરવિંદ કેજરીવાલે જનતાનો મત જાણવા માટે એક મોબાઇલ નંબર બહાર પાડ્યો છે. એ નંબર પર એસએમએસ કે વૉટ્સઍપ મૅસેજ અથવા વૉઇસ મૅસેજ દ્વારા પોતાની પસંદગી જણાવી શકાશે.
પાર્ટીએ પંજાબની ચૂંટણીમાં પણ આવુ જ કર્યું હતું. પંજાબમાં ચલાવવામાં આવેલા આવા અભિયાન બાદ જ ભગવંત માનનું નામ સામે આવ્યું હતું.
કેજરીવાલે દાવો કર્યો છે કે ગુજરાતના લોકો મોંઘવારી અને બેરોજગારીથી ગળે આવી ગયા છે. એટલે તેઓ પરિવર્તન ઇચ્છે છે.
તેમણે ભાજપ પર વારંવાર મુખ્ય મંત્રી બદલવા માટે પ્રહારો કરતા કહ્યું કે તેમના સીએમ દિલ્હીથી નક્કી થાય છે, જ્યારે લોકશાહીમાં નિર્ણય પ્રજા કરે છે.
તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટીમાં અમે પ્રજાને પૂછીને નક્કી કરીએ છીએ તેઓ કોને મુખ્ય મંત્રી બનાવવા માગે છે.

વંદે ભારત ટ્રેન ફરી પશુ સાથે અથડાઈ

ઇમેજ સ્રોત, Javid Khan
ભારતની સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતને વલસાડ નજીક અકસ્માત નડ્યાના અહેવાલ છે. વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રેનને નુકસાન પણ થયું છે.
પશુ અથડાતા ટ્રેનના એન્જિનના નીચેના ભાગે નુકસાન થયું હોવાના અહેવાલ છે. વંદે ભારત ટ્રેન નંબર 20901 મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત થતાં ટ્રેન 25 મિનિટ ઊભી રહી હતી.
આ જ મહિનામાં 6 અને 7 ઑક્ટોબરે ઉપરાઉપરી બે વખત વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. જ્યારે 8 ઑક્ટોબરે મુંબઈ જઈ રહેલી આ ટ્રેનનો આણંદ નજીક અકસ્માત સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે જેને 'વંદે ભારત એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે તે ટેકનિકલ વિશેષતાઓનાં કારણે પ્રતિકલાક 160 કિલોમિટરની મહત્તમ ઝડપે દોડી શકે છે.
આ ટ્રેનને સ્વદેશી સેમી હાઈ-સ્પીડ ટ્રેન ગણાવવામાં આવી રહી છે.

પૂરગ્રસ્ત ખેડૂતોને ગુજરાત સરકાર આપશે 630 કરોડની સહાય, કોને મળશે આ મદદ?

ઇમેજ સ્રોત, Twitter/bhupendraptel
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ગુજરાત સરકારે શુક્રવારે આ ચોમાસા દરમિયાન પાકનું નુકસાન વેઠનારા ખેડૂતો માટે 630 કરોડ રૂપિયાની વિશેષ સહાયની જાહેરાત કરી હતી.
ધ હિન્દુ અનુસાર, આ સહાય જેમને ચોમાસામાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું, તેવા 14 જિલ્લાનાં 2,554 ગામોના લગભગ આઠ લાખ ખેડૂતોને આપવામાં આવશે.
નુકસાનની આકારણીના સર્વેક્ષણ બાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડાનો સમાવેશ કરાયો છે.
આ વર્ષે ગુજરાતમાં સિઝનનો વાર્ષિક વરસાદ 100%થી વધુ નોંધાયો છે અને કેટલાક જિલ્લાઓમાં 150%થી વધુ વરસાદ નોંધાયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
શુક્રવારે જાહેર કરાયેલા પૅકેજ મુજબ, જે ખેડૂતોને ઓછામાં ઓછું 33% નુકસાન થયું હોય તેઓ પ્રતિ હેક્ટર 6,800 રૂપિયાની સહાય વધુમાં વધુ બે હેક્ટર માટે મેળવી શકશે.
કેળાના વાવેતરના નુકસાનનું વળતર બે હેક્ટરની મર્યાદા સાથે પ્રતિ હેક્ટરે 30,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.
વળતર સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસડીઆરએફ) અને રાજ્યના બજેટમાંથી આપવામાં આવશે.
વળતરનો દાવો કરવા માટે, અસરગ્રસ્ત ખેડૂતોએ તેમના ગામોમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર જઈ જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે ઑનલાઇન અરજી દાખલ કરવાની રહેશે.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકૉર્ડ ઘટાડો

ઇમેજ સ્રોત, JUNG YEON-JE
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી એકવાર ઘટાડો થયો છે. 21 ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં તે 3.84 અબજ ડૉલર ઘટીને 524.52 અબજ ડૉલર થયો હતો.
વિદેશી મુદ્રા ભંડારનું જુલાઈ 2020 પછીનું આ સૌથી નીચું સ્તર છે. આના કારણે ગયા સપ્તાહમાં કુલ વિદેશી મુદ્રા ભંડાર 4.50 અબજ ડૉલર ઘટીને 528.37 અબજ ડૉલર થયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા સંપત્તિમાં ઘટાડો છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારમાં પણ ઘટાડો થયો છે.
ઑક્ટોબર 2021માં, દેશનો વિદેશી હૂંડિયામણ અનામત 645 અબજ ડૉલરને પાર પહોંચી ગયું હતું.

હેટસ્પીચના કેસમાં આઝમ ખાનનું ધારાસભ્યપદ રદ, ત્રણ વર્ષની સજા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનનું ધારાસભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયથી પ્રકાશિત નિવેદનમાં આ વાતની માહિતી આપવામાં આવી છે.
2019ની લોકસભાની ચૂંટણી દરમિયાનના હેટસ્પીચ સંબંધિત કેસમાં આઝમ ખાનને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સજાના એક દિવસ બાદ તેમની વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. 2013માં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદને ફોજદારી કેસમાં બે વર્ષથી વધુની જેલની સજા થાય તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવું.
આઝમ ખાન 2019માં રામપુર લોકસભા સીટથી જીત્યા હતા પરંતુ 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેમણે સીટ છોડી દીધી હતી. સીતાપુર જેલમાં રહીને આઝમ ખાને રામપુર વિધાનસભા સીટ જીતી હતી.
ગુરુવારે, આઝમ ખાન અને અન્ય બેને હેટસ્પીચ કેસમાં ત્રણ વર્ષની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો


























