Gujarat Election : ડાંગ વિધાનસભા બેઠકમાં ખ્રિસ્તી મતદારોની શું માગ છે?
ટીમ બીબીસી ગુજરાતીનવી દિલ્હી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL

ગુજરાતનો સૌથી નાના જિલ્લો અને માત્ર એક વિધાનસભા બેઠક ધરાવતા ડાંગમાં આ વખતની ચૂંટણી ત્રિપાંખીયો જંગ રહેવાની છે. ભાજપ અને કૉંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. આપ દ્વારા તો ઉમેદવારની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
જંગલ-જમીન હકક, પાર-તાપી યોજના, રોજગારી, શિક્ષણ, સિંચાઈની સુવિધા સહિતના મુદ્દાઓ આ વખતે ચૂંટણી જોવા મળે એવી શક્યતા છે. મુદ્દાઓ સાથેસાથે જાતિગત સમીકરણો પર રહેવાના.
પરંતુ આ બધા વચ્ચે એક મહત્ત્વનું પરિબળ પણ હશે જે છે ખ્રિસ્તી ધર્મ પાળનાર આદિવાસી મતદારો. ત્રણેય પક્ષો ખ્રિસ્તી મતદારોને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહયા છે, જેમાં આમ આદમી પાર્ટી એક ડગલું આગળ નિકળી ગઈ છે.

ખ્રિસ્તી મતો કેમ જરૂરી?

ઇમેજ સ્રોત, @TRTI.GUJARAT.GOV.IN
2020માં યોજાયલ પેટા-ચૂંટણીમાં ભાજપ ભલે ઐતિહાસિક જીત મેળવી હોય પરંતુ જો ગત ત્રણ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જોઈએ તો ડાંગ બેઠકમાં વિનિંગ માર્જિન (હાર અને જીત વચ્ચેનો તફાવત) 6.7 ટકાથી ઘટીને સીધું 0.62 ટકા પર આવી ગયું છે.
આ સંજોગોમાં આપ, કૉંગ્રેસ અને ભાજપ માટે દરેક મત કિંમતી છે. કોઈ ઉમેદવારે ચૂંટણી જીતવી હોય તો ખ્રિસ્તી સમુદાયના મતો મેળવવા પડે એમ છે.
આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરીને આ વાત પર મહોર પણ મારી દીધી છે. ડાંગ બેઠક માટે પાર્ટી દ્વારા વ્યવસાયે વકીલ એવા સુનિલ ચંદુભાઈ ગામીતની જાહેરાત કરી છે. સુનિલ ગામીત ખ્રિસ્તી ધર્મ પાળે છે.
ડાંગના સ્થાનિક પત્રકાર જાઇંદ પવાર કહે છે, "ડાંગ જિલ્લાના ઘણાં ગામમાં ખ્રિસ્તી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. તેઓ ચૂંટણી પરિણામ બદલી શકે છે. સુબીર તાલુકામાં સૌથી વધુ ખ્રિસ્તી મતદારો છે. જે પક્ષને તેમના મત મળશે, તેની જીત લગભગ નક્કી હોય છે. અહીં સુનિલ ગામીતને લાભ થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ડાંગના ખ્રિસ્તીઓની શું માગ છે?
જિલ્લાના ખ્રિસ્તી મતદારોની મુખ્ય બે માગ છે. પ્રથમ કે હિન્દુવાદી સંગઠનો દ્વારા જે રીતે આંદોલન ચલાવવામાં આવે છે, તેના પર અંકુશ મૂકવામાં આવે અને બીજી કે તેમની સામે દુષ્પ્રચાર ન કરવામાં આવે.
વિનેશ લસ્કરીયા ડાંગના ગૌરીયા ગામમાં પાસ્ટર તરીકે સેવા આપે છે. તેઓ કહે છે કે વર્ષ 1998માં બાદ જિલ્લામાં ચર્ચ વિરુદ્ધ કોઈ મોટી અઘટિત ઘટના બની નથી અને એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે. અમને કોઈ પણ સમાજ સામે કોઈ પ્રશ્ન નથી. અમે માત્ર શાંતિથી ભગવાનની ભક્તિ કરવા માગીએ છીએ.
''નાતાલમાં પોલીસ દ્વારા ચાંપતો બંધોબસ્ત ગોઠવવામાં આવે છે અને તંત્ર દ્વારા તકેદારી પણ રાખાવમાં આવે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ડાંગમાં હિન્દુવાદી સંગઠનોની સક્રિયા વધી ગઈ છે, જે થોડી ચિંતાજનક તો છે. આ સંગઠનો સતત ખ્રિસ્તીઓ અને ચર્ચ સામે નાના-મોટા આંદોલનો કરતાં રહે છે''
''હિન્દુવાદી સંગઠનો કહે છે કે ખ્રિસ્તી ધર્મ પાળતાં આદિવાસીઓને અનામતનો લાભ ન મળવો જોઈએ. જે એક પ્રકારે ખોટું છે અને દુષ્પ્રચાર છે. ધર્મ બદલી લીધો એટલે એનો અર્થ એ નથી કે અમે આદિવાસી નથી. અમે આદિવાસી જ રહીશું. પોતાની જાતિ થોડી બદલી નાખીશું.''
તેમણે વધુમાં જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મ પાળતા કેટલાક આદિવાસીઓ ભાજપને પણ મત આપે છે. હવે મતદારો ઉમેદવાર જોઈને મત આપે છે નહીં કે પક્ષને જોઈને. 2020ની પેટા-ચૂંટણીમાં ભાજપે રૅકર્ડ માર્જીનથી જીત હાંસલ કરી હતી, જેમાં ખ્રિસ્તી મતદારોનો પણ ફાળો છે.
સ્થાનિક ખ્રિસ્તી સમુદાય પ્રમાણે હિન્દુવાદી સંગઠનો જિલ્લામાં નાના-મોટા કાર્યક્રમો કરતા રહે છે અને ધર્માતરણનો પ્રશ્ન ઉઠાવતાં રહે છે. તેના કારણે ઘણી વખત ખ્રિસ્તી પરિવારો પોતાની જાતને અસુરક્ષીત અનુભવે છે. ખાસ કરીને એવા ગામ જ્યાં ખ્રિસ્તી પરિવારોની સંખ્યા જૂજ છે.
પાસ્ટર તરીકે સેવા આપનાર ડાંગના લવચાલી ગામના ચેતન ભોયે કહે છે, ''જો ગામમાં 4-5 ખ્રિસ્તી પરિવારો હોય તો તેમના માટે સ્થિતિ કપરી થઈ જાય છે. તેઓ વિરોધ કરી શકતા નથી અને મદદ માટે અમારી પાસે આવે છે. અમે આ પરિવારોને બનતી બધી મદદ કરીએ છીએ.''
''ખાસ કરીને દિવાળી અને હોળી દરમિયાન હિન્દુવાદી સંગઠનો ગામમાં ફેરી કાઢે છે અને ઘરે-ઘરે જઈને પૈસા માગે છે. જો ખ્રિસ્તી પરિવારો પૈસા આપવાની ના પાડે તો ઘણી વખત ધમકાવે પણ છે. આવી સ્થિતિમાં પરિવારો ગભરાઈ જાય છે.''

ડાંગમાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ પત્રિકાઓ વહેચવામાં આવી હતી

કેટલાક સમય પહેલાં જિલ્લામાં એક પત્રિકા ફરતી થઈ હતી કે જે આદિવાસી પરિવારોએ ધર્મ પરિવર્તન કરી લીધું છે એમને અનામતના લાભ ન મળવા જોઈએ.
આ પત્રિકા જિલ્લાના ઘણાં ગામમાં જોવા મળી હતી, જે બાદ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર આદિવાસીઓ ગભરાઈ ગયા હતા. વિવાદ થયો તો પાત્રિકા ગાયબ થઈ ગઈ પરંતુ હજુ પણ અમારા મનમાં એક ડર તો છે.
ચેતન ભોયે કહે છે, ''આ પત્રિકા સામે અમે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રને જાણ પણ કરી હતી. વિરોધ બાદ પત્રિકા તો દેખાતી બંધ થઈ ગઈ પરંતુ આ મુદ્દો ગમે ત્યારે ફરીથી ઊભો કરવામાં આવી શકે છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર આદિવાસી જ છે.''
બીબીસી ગુજરાતીને ડાંગમાં વહેંચવામાં આવેલ પત્રિકાની કોપી મળી છે. આ પત્રિકા અમદાવાદ સ્થિત જનજાતિ સુરક્ષા મંચ દ્વારા બહાર પાડવામાં આવી હતી.
પત્રિકા મુજબ જે આપણા દેવ અને દેવીને, સંસ્કૃતિ અને પરંપરાને માનતા નથી તે આદિવાસી નથી. જે આદિવાસી જનજાતિ પરંપરા છોડીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની ગયા છે તેઓ આદિવાસી નથી. આવા લોકો વર્ષોથી અનામતનો ખોટો અને બેવડો લાભ લઈ રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ જનજાતિ સુરક્ષા મંચના સભ્ય બળવંતભાઈ રાવત સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

આપ દ્વારા ખ્રિસ્તી મત અંકે કરવા પ્રયાસ

આમ આદમી પાર્ટીએ આવનારી વિધાનસભાની ચૂંટણી માટે 20 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા. ડાંગ બેઠક માટે પાર્ટી દ્વારા વ્યવસાયે વકીલ એવા સુનિલ ચંદુભાઈ ગામીતની જાહેરાત કરી. હજી સુધી ભાજપ અથવા કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
જો સુનિલ ગામીતની વાત કરીએ તો તેઓ મૂળ તાપી જિલ્લાના છે અને ઘણા વર્ષોથી તેમણે ડાંગને પોતાની કર્મભૂમિ બનાવી છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ અને જંગલ-જમીન હક્ક માટે કાર્યરત સુનિલ ગામીત ખ્રિસ્તી ધર્મ પાળે છે. સુનિલભાઈની પંસદગીને ડાંગ બેઠકના 40 હજારથી વધુ ખ્રિસ્તી મતદારોને આપ તરફ આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ડાંગના પત્રકાર જાઇંદ પવાર કહે છે, ''2011ની વસતી ગણતરી પ્રમાણે ડાંગમાં 40000 મતદારો એવા છે જેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે સ્વાભાવિક છે કે દરેક રાજકીય પક્ષ માટે આ મતો મહત્ત્વનાં છે. આમ આદમી પાર્ટીએ ગણતરીપૂર્વક પોતાના ઉમેદવારની પસંદગી કરી છે. સામાજિક કાર્યકર્તા સાથે ખ્રિસ્તી હોવાના કારણે સુનિલ ગામીતને ચૂંટણીમાં લાભ થઈ શકે છે.''
પણ શું આપના ઉમેદવારના કારણે કૉંગ્રેસના મતમાં ગાબડું પડી શકે છે?
બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ કહ્યું, ''ડાંગમાં ચૂંટણી જંગ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ છે એટલે આમ આદમી પાર્ટીના આવવાથી કૉંગ્રેસને મતોનું નુકસાન થઈ શકે છે. માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત પણ ભાજપમાં આવી જતા પક્ષની સ્થિતિ મજબૂત છે જ્યારે સામે પક્ષે કૉંગ્રેસની અંદર હજુ પણ સમસ્યાઓ છે.''
તેઓ વધુમાં જણાવે છે કે, ''સુનિલ ગામીતને ટિકિટ આપ્યા બાદ આમ આદમી પાર્ટીની ડાંગ વિખવાદ ઊભો થયો છે, જે પણ ચૂંટણીમાં પક્ષને અસર કરી શકે છે. ઘણા કાર્યકર્તાઓ પક્ષના આ નિર્ણયથી નારાજ છે.''

મુખ્ય મુદ્દાઓ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ સ્થાનિકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ડાંગમાં સૌથી મોટો મુદ્દો જંગલ-જમીનનો છે. હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા 3500થી પણ વધુ દાવાઓ સ્વીકારવામાં આવ્યાં નથી.
આપના ઉમેદવાર સુનિલ ગામીત પોતાના પ્રચારમાં આ મુદ્દાને સતત ઉઠાવી રહયા છે. તેઓ કહે છે કે રાજ્ય સરકાર વિવિધ બહાનાં આગળ ધરીને અરજીઓ સ્વીકારતી નથી. આદિવાસીઓને સતત તેમના હક્કથી વંચિત રાખવામાં આવી રહયો છે.
બીજો સૌથી મોટો મુદ્દો શિક્ષણનો છે. જિલ્લામાં ધોરણ-12 પછી આગળ ભણવા માટે જોઈએ એવી સુવિધા નથી. જો વિદ્યાથીઓને આગળ ભણવું હોય તો બીજા જિલ્લામાં જવું પડે છે.
રોજગારી એ ત્રીજો સૌથી મોટો મુદ્દો છે કારણકે આશરે 30000 કરતા પણ વધુ લોકો હજુ પણ મજૂર તરીકે કામ કરવા માટે વાપી, સુરત સહિત બીજા શહેરોમાં જાય છે.

ડાંગનો રાજકીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, UMESH GAVIT
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલો ડાંગ જિલ્લો 1766 ચોરસ કિલોમીટરમાં ફેલાયલો છે અને તે ગુજરાતનો સૌથી નાના જિલ્લો છે.
ડાંગ વિધાનસભા બેઠક 1975 -2002 સુધી કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસ નેતા માધુભાઈ ભોયે 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. 2007માં ભાજપ ઉમેદવાર વિજય પટેલે માધુભાઈ ભોયેને 7883 વોટથી હરાવી દીધા હતા.
2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વખત ડાંગ બેઠક કબજે કરી હતી.
તો 2012માં કૉંગ્રેસના મંગળ ગાવિતે 2422 મતથી વિજય પટેલને માત આપી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 768 મતથી ફરી ચૂંટાઈ આવ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી પહેલા મંગળભાઈ ગાવિત ભાજપમાં જોડાઈ જતા નવેમ્બર 2020માં ડાંગની વિધાનસભાની પેટા-ચૂંટણી યોજાઈ હતી. ભાજપે મંગળભાઈ ગાવિતના બદલે વિજયભાઈ પટેલની ટિકિટ આપી હતી. પેટા-ચૂંટણીમાં ભાજપના વિજયભાઈને 59504 વોટથી જીત મળી હતી.

ડાંગ બેઠક વિશે
બેઠકમાં સામેલ ગામઃ 311
કૂલ મતદારોઃ 174670 (2019 લોકસભા ચૂંટણી પ્રમાણે)
પુરુષ મતદારોઃ 87643
સ્ત્રી મતદારોઃ 87025

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























