સંપૂર્ણ વંદે માતરમ્ વગાડાતાં કૉંગ્રેસ મુખ્યાલયમાં નેતાઓ 'અસહજ' દેખાયા? જયરામ રમેશે આપ્યો આ જવાબ

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા ખાતે યોજાયેલા સમારોહમાં હાજર રહ્યા નહોતા.
ગયા વર્ષે પણ બંને નેતાઓ આ સમારોહમાં સામેલ થયા નહોતા. ભાજપે તેને સ્વતંત્રતા દિવસનું અપમાન ગણાવ્યું છે.
તેના જવાબમાં કૉંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, "તેમને દરેક વાતમાં અપમાન દેખાય છે. જેમણે આઝાદીની લડાઈ અથવા સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો નહોતો, તેમને આ વાત ખરાબ લાગે છે."
આ દરમિયાન દિલ્હીમાં આવેલા કૉંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'નું સંપૂર્ણ સંસ્કરણ વગાડવામાં આવ્યું. આ દરમિયાન થોડા વિરામ પછી કૉંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ "અસહજ" દેખાતા હોવાનો ભાજપ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો.
હકીકતમાં, અત્યાર સુધી વંદે માતરમની માત્ર બે જ પંક્તિ ગવાતી હતી, પરંતુ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકારે વંદે માતરમના સંપૂર્ણ સંસ્કરણને રાષ્ટ્રગાન જેટલું જ કાયદાકીય સંરક્ષણ આપ્યું છે.
1937માં જ્યારે જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસે વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવા અંગે રવીન્દ્રનાથ ટાગોરની સલાહ લીધી હતી, ત્યારે ટાગોરે કહ્યું હતું કે એકેશ્વરવાદમાં માનતા લોકો, જેમ કે મુસ્લિમો અને બ્રહ્મ સમાજના અનુયાયીઓ, તેના પછીની પંક્તિ અંગે વાંધો ઉઠાવી શકે છે, કારણ કે તેમાં 'દેવી દુર્ગાનું આહ્વાન' કરવામાં આવ્યું છે.
ટાગોરે નહેરુને સલાહ આપી હતી કે રાષ્ટ્રીય ગીત તરીકે માત્ર પહેલા બે પદો જ રાખવામાં આવે, કારણ કે તેમાં માતૃભૂમિના સૌંદર્યનું વર્ણન છે.
અત્યાર સુધી કૉંગ્રેસ પણ આ જ નીતિનું પાલન કરતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષે કૉંગ્રેસ મુખ્યાલયમાં સંપૂર્ણ વંદે માતરમ્ વગાડવામાં આવતું હોય તેવા વીડિયોને શૅર કરીને લખ્યું, "માતા-પુત્ર અને રાષ્ટ્રીય અધ્યક્ષ, લાગે છે કે વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ વગાડવાથી પરેશાન છે. કેટલીક માનસિકતા ક્યારેય બદલાતી નથી."
આ મુદ્દે પત્રકારોના સવાલોના જવાબમાં કૉંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, "ઑક્ટોબર 1937માં કલકત્તામાં થયેલા કૉંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી સહિત તમામ મુખ્ય નેતાઓએ નક્કી કર્યું હતું કે કૉંગ્રેસના કાર્યક્રમોમાં વંદે માતરમ્ ગવાશે. આ રાષ્ટ્રીય ગીત છે."
પરંતુ વંદે માતરમના માત્ર બે જ પદોને આ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યાં હતાં.
કૉંગ્રેસ મુખ્યાલયમાં શું થયું?

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલા ધ્વજારોહણ કાર્યક્રમમાં કૉંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓ હાજર હતાં.
જ્યારે રાષ્ટ્રગીત વંદે માતરમ્ વાગી રહ્યું હતું ત્યારે થોડા સમય પછી કૉંગ્રેસના નેતાઓમાં અસહજતા જોવા મળી હોવાનું કહેવામાં આવ્યું. વંદે માતરમના બે પદો સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ તે પછી અસહજતા સ્પષ્ટ દેખાતી હોવાનું જણાવાયું.
કૉંગ્રેસના નેતાઓ શરૂઆતની આશરે 55 સેકન્ડ સુધી રાષ્ટ્રગીત સાથે ગાતા જોવા મળ્યા હતા. પરંતુ ત્યાર બાદ પણ ગીત વગાડાતું રહ્યું ત્યારે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી અસહજ દેખાતાં હોવાનું કહેવામાં આવ્યું. ગીત ચાલુ રહ્યું, પરંતુ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મૌન રહ્યા.
કાર્યક્રમના વીડિયોમાં મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી વચ્ચે વાતચીત થતી જોવા મળે છે.
સોનિયા ગાંધી થોડા અસહજ દેખાયાં અને તેમની મલ્લિકાર્જુન ખડગે સાથે કેટલીક વાતચીત થઈ. ત્યાર બાદ બંને નેતાઓએ એક કૉંગ્રેસ કાર્યકરને બોલાવીને કંઈક કહ્યું.
આ દરમિયાન સોનિયા ગાંધી માથું હલાવતાં પણ દેખાયાં. રાષ્ટ્રગીત આશરે ત્રણ મિનિટ સુધી ચાલ્યું, ત્યાર બાદ ધ્વજ ફરકાવવામાં આવ્યો અને પછી ધ્વજગીત 'વિજયી વિશ્વ તિરંગા પ્યારા' ગવાયું.
વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતાં આ વખતે લાલ કિલ્લા ખાતેના સત્તાવાર સમારોહમાં 80 વર્ષની પરંપરામાં પહેલી વાર નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગાન 'જન ગણ મન' પહેલાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ગવાયું.
વંદે માતમ્ વિવાદ અંગે જયરામ રમેશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @kharge
અખિલ ભારતીય કૉંગ્રેસ મુખ્યાલયમાં સંપૂર્ણ વંદે માતરમ્ ગવાતું હોય ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની કથિત અસહજતા અંગે પત્રકારોએ કૉંગ્રેસના નેતા જયરામ રમેશને પ્રશ્ન પૂછ્યો.
તેના જવાબમાં જયરામ રમેશેએ કહ્યું, "સંપૂર્ણ વંદે માતરમ્ ગવાયું. તેમાં કોઈ વિવાદનો પ્રશ્ન ઊભો થતો નથી. તેને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. લાંબા સમયથી કૉંગ્રેસ અધ્યક્ષ (મલ્લિકાર્જુન ખડગે) ઊભા હતા, તેથી સોનિયાજીએ કહ્યું હતું કે તેમના માટે ખુરશી લાવી આપો. બસ એટલું જ."
જ્યારે પત્રકારોએ પૂછ્યું કે કેરળમાં આ ગીત ગવાતું નથી, ત્યારે તેમણે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.
80મા સ્વતંત્રતા દિવસના અવસરે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં આ સંપૂર્ણ ગીત ગવાયું.
સમારોહમાં વંદે માતરમને લઈને સ્પષ્ટતા ન હોવાનો આભાસ થયો. બીજી તરફ, જયરામ રમેશ કહે છે કે તેને સંપૂર્ણ ગાવવામાં કોઈ વાંધો નથી. તેથી આ મુદ્દે કૉંગ્રેસનું વાસ્તવિક વલણ શું છે, તે અંગે પણ સવાલ ઊભા થયા છે.
આ ઘટના પાર્ટીના અગાઉ જાહેર કરાયેલા વલણથી અલગ જણાય છે. અગાઉ કૉંગ્રેસ સતત કહેતી આવી છે કે માત્ર પહેલા બે પદો જ ગવાવાં જોઈએ. સંસદમાં પણ કૉંગ્રેસનું આ જ વલણ રહ્યું છે. આ ઘટના પાર્ટી માટે થોડી અસહજ પરિસ્થિતિ ઊભી કરી શકે છે.
કેરળમાં વંદે માતરમ્ ગાવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યની શાળાઓને 15 ઑગસ્ટે સ્વતંત્રતાદિનના સમારોહ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અને 'જન ગણ મન' ગાવા માટે કહેવામાં આવ્યું હતું.
પરંતુ સામાન્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની માર્ગદર્શિકાઓમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
જાહેર શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશો અનુસાર, સંસ્થાના વડાઓએ 15 ઑગસ્ટે સવારે 9 વાગ્યે અથવા ત્યાર બાદ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો રહેશે અને ત્યાર બાદ રાષ્ટ્રગાન ગવાશે. માર્ગદર્શિકામાં માત્ર જન ગણ મનનો ઉલ્લેખ છે અને શાળાઓને વંદે માતરમ્ ગાવા માટે કહેવામાં આવ્યું નહોતું.
આ સૂચનાઓ પ્રોટોકૉલ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રના આધારે આપવામાં આવી હતી.
આ નિર્દેશ એવા સમયે આવ્યો હતો જ્યારે વંદે માતરમના સંપૂર્ણ સંસ્કરણના ગાન અંગે કેન્દ્ર સરકારના નિર્દેશોને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















