પંજાબમાં પતિએ સાસરે જઈને પત્ની, બે બાળકો તથા સાસુ-સસરાને જીવતાં સળગાવી દીધાં

ઇમેજ સ્રોત, PRADEEP PANDIT/BBC
- લેેખક, જસબીર શેતરા, પ્રદીપ પંડિત
- પદ, જલંધરથી બીબીસી માટે
- પ્રકાશિત
(ચેતવણી- આ અહેવાલની વિગત કેટલાક વાચકોને વિચલિત કરી શકે)

- જલંધરમાં એક જ પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી દેવાયા
- પોલીસનું કહેવું છે કે પતિએ ઘરે આવીને પત્ની, બાળકો તથા સાસરિયાંઓને આગ ચાંપી હતી
- બહુ ખરાબ રીતે દાઝી ગયેલા પરિવારના એક સભ્યે મરતાં પહેલાં આપી ઘટનાની સંપૂર્ણ માહિતી
- આ પરમજિતકોરનાં બીજાં લગ્ન હતાં અને પહેલા પતિથી તેમને બે સંતાન થયાં હતાં
- ગ્રામજનોના જણાવ્યા મુજબ, પેટ્રોલ છાંટીને ઘરમાં આગ લગાવવામાં આવી હતી

પંજાબના જલંધરમાં એક જ પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી દેવાયાની ઘટના બની છે. આ ઘટના જગરાંવ-જલંધર માર્ગ પર સતલજ નદી પુલની બાજુમાં આવેલા બિટલા ગામની છે.
પોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પિયર આવેલાં તેમનાં પત્ની, બે બાળકો અને સાસુ-સસરાને જીવતા સળગાવી દીધાં હતાં.
મૃતકોમાં 28 વર્ષનાં પરમજિતકોર, તેમની સાત વર્ષની દીકરી અર્શદીપકોર, પાંચ વર્ષના પુત્ર અનમોલસિંહ અને શ્વસુર સુરજનસિંહ તથા સાસુ જોગીંદર બાઈનો સમાવેશ થાય છે.

બધાને ઓરડામાં પૂરીને પેટ્રોલ છાંટ્યું
પોલીસના જણાવ્યા મુજબ, આ પાંચેય લોકોને એક ઓરડામાં પૂરી દઈને, પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી હતી. આરોપી આગ લગાવ્યા બાદ ઓરડાના દરવાજા બંધ કરીને નાસી છૂટ્યો હતો. બહુ ખરાબ રીતે દાઝી ગયેલા પરિવાર એક સભ્યે મૃત્યુ પહેલાં આ ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી.
બિટલા ગામનાં પરમજિતકોરનાં લગ્ન ખુરસૈદપુરા ગામના કુલદીપસિંહ કાલી સાથે થયાં હતાં. આ પરમજિતકોરનાં બીજા લગ્ન હતાં અને પહેલા પતિથી તેમને બે સંતાન થયાં હતાં.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઘરમાં રોજ થતા ઝઘડાથી કંટાળીને પરમજિતકોર થોડા દિવસ પહેલાં પિયર આવ્યાં હતાં. ગત રાતે તેમના પતિ કુલદીપસિંહ કાલી પણ સાસરે આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને તમામ મૃતદેહોને નકોદર હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એફઆઈઆર નોંધવામાં આવી

ઇમેજ સ્રોત, PRADEEP PANDIT/BBC
જલંધર ગ્રામીણના પોલીસવડા (ડી) સરબજિતસિંહ બહિયાએ કહ્યું હતું કે "પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં છે. ત્રણ તો હૉસ્પિટલે પહોંચ્યા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બેનું મૃત્યુ હૉસ્પિટલમાં થયું હતું. પોલીસે કુલદીપસિંહ કાલી અને કેટલાક અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અમે તેમને ઝડપથી પકડી પાડીશું."
તેમણે ઉમેર્યું હતું કે "આ ઘટના લગ્ન પછીની સતામણીથી પણ વધારે બાબતોની છે. જમાઈ તેમના કેટલાક સાથીઓ જોડે સસરાને ઘરમાં દાખલ થયા હતા. તેમણે ઊંઘી રહેલા આખા પરિવાર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. એ પછી ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો."
સળગી રહેલા લોકોની ચીસો સાંભળીને મૃતક પરમજિતકોરના કાકાએ આવીને ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં સુધીમાં જાનમાલને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું.
પરમજિતકોરનાં ભાભી જસવિંદરકોરે કહ્યું હતું કે "પરમજિતકોરનાં લગ્ન એક વર્ષ પહેલાં કુલદીપસિંહ સાથે થયાં હતાં. તેઓ બે-ત્રણ મહિના સાસરે ગયાં હતાં. એ પછી તેઓ ક્યારેય પિયર આવતાં અને ક્યારેક સાસરે જતાં હતાં. કુલદીપસિંહ સાસરે આવીને તેમને બળજબરીથી લઈ જતો હતો."
જસપાલસિંહ નામના એક પાડોશીએ જણાવ્યું હતું કે આ ઘટના રાતે લગભગ બે વાગ્યે બની હતી. કુલદીપસિંહ તેમને બહુ હેરાન કરતો હતો.
કુલદીપસિંહ કાલી પર ગંભીર આક્ષેપ કરતાં તેમણે બીબીસીને કહ્યું હતું કે "કુલદીપસિંહ પરમજિતકોરને બહુ માર મારતો હતો. તેમનાં કપડાં ફાડી નાખતો હતો. બાળકોને પણ વીજળીના આંચકા આપતો હતો. ક્યારેક તે અહીં આવીને કહેતો કે હું બાળકોને સળગાવી નાખીશ. તારા આખા પરિવારને સળગાવી નાખીશ."

ઇમેજ સ્રોત, PRADEEP PANDIR/BBC
પરિવારજનોએ જણાવ્યું હતું કે પરમજિતકોર એવા ઝઘડાથી કંટાળીને સાસરામાં રહેવાને બદલે પિયર આવી ગયાં હતાં.
પરિવારને એક સભ્યે કહ્યું હતું કે "કુલદીપસિંહ એક સ્પે પમ્પમાં ભરીને પેટ્રોલ લાવ્યો હતો. તેની પાસે બે ખંજર પણ હતાં."
પાડોશી જસપાલ સિંહે બીબીસીને કહ્યું હતું કે "કોઈ મને બોલાવ્યો હતો. મેં ઘટનાસ્થળે જઈને જોયું તો સુરજનસિંહનું ઘર આગની જ્વાળાઓમાં ઘેરાયેલું હતું. અમે દરવાજો ખોલીને તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનું શરીર બહુ ખરાબ રીતે સળગી ગયું હતું. બે જણ તો અંદર જ મૃત્યુ પામ્યા હતા. બાકીના લોકોને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલે લઈ જવાયા હતા."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો


























