You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાને રસાકસીભરી મૅચમાં ભારતને હરાવ્યું : કયા ખેલાડીએ નાખ્યો જીતનો પાયો?
દુબઈ ખાતે યોજાયેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપના સુપર ફૉરના મુકાબલામાં પાકિસ્તાની ટીમે ભારતીય ટીમને રસાકસીભરેલ મૅચમાં હરાવી.
પાકિસ્તાનની જીતના હિરો રહ્યા હતા, મોહમ્મદ નવાઝ જેમણે 42 રન, (20 બૉલ) અને મોહમ્મદ રિઝવાન, જેમણે 71 રન (51 બૉલ) કર્યા હતા. બંને વચ્ચે 73 રનની ઝડપી ભાગીદારી નોંધાઈ હતી. ત્યાર બાદ બૅટિંગમાં આવેલા આસિફ અલીએ આઠ બૉલમાં મહત્ત્વના 16 રન નોંધાવ્યા હતા અને ખુશદિલ શાહે 11 બૉલમાં અણનમ 14 રન નોંધાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી ક્રીઝ પર સેટ થઈ ગયેલા બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન એશિયા કપની સુપર ફૉરની મૅચમાં ભારતીય ટીમ અને જીત વચ્ચે દીવાલની જેમ ઊભા રહી ગયેલ.
તેઓ આક્રમક બૅટિંગ કરીને 51 બૉલમાં 71 રનની બાજી પલટવાની ક્ષમતા ધરાવતી ઇનિંગ રમવામાં સફળ રહ્યા હતા.
જોકે, અંત સુધી રમવા તેઓ સફળ રહ્યા ન હતા અને હાર્દિક પંડ્યાના બૉલ પર સૂર્યકુમાર યાદવે તેમનો કૅચ પકડ્યો હતો.
પાકિસ્તાનની જીતમાં તેમણે ચાવીરૂપ યોગદાન આપ્યું હતું. આ સિવાય મોહમ્મદ નવાઝની આક્રમક ઇનિંગે પાકિસ્તાની વિજયનો સ્ટેજ સેટ કરી દીધો હતો. જેને અંતે પાર પાડવાની જવાબદારી ખુશદિલ શાહ અને આસિફ અલીએ પાર પાડી.
ભારતીય બૉલરોનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહેવા પામ્યું ન હતું.
રિઝવાન, નવાઝ, ખુશદિલ અને આસિફે આક્રમક અંદાજમાં કરેલ બૅટિંગ સામે ભારતીય બૉલરો દબાણમાં દેખાઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ ઘૂંટણની ઈજાને કારણે સીરિઝમાંથી ડ્રોપ કરાયેલ રવીન્દ્ર જાડેજાની પણ ખોટ બૉલિંગ ઍટેકમાં જોવા મળી હતી.
મોહમ્મદ નવાઝની પાકિસ્તાનની જીતના યોગદાન અંગે વાત કરીએ તો તેમણે જ્યારે પાકિસ્તાનની ટીમ અત્યંત દબાણમાં હતી તેવા સમયે ટીમ માટે માત્ર 20 બૉલમાં 42 રનની ધમાકેદાર ઇનિંગ રમીને તેમની ટીમને મજબૂત સ્થિતિમાં લાવીને ખડી કરી દીધી હતી.
આ સિવાય આસિફ અલીએ પણ છેલ્લે-છેલ્લે સારું પ્રદર્શન કર્યું હતું અને જરૂરિયાતના સમયે માત્ર આઠ બૉલમાં પાકિસ્તાન માટે 16 રન કર્ય હતા. જેનાથી તેમની જીત સુનિશ્ચિત થઈ શકી હતી.
જોકે, છેલ્લી ઓવરમાં તેમની વિકેટ પડ્યા બાદ મૅચ લગભગ છેલ્લા બૉલ સુધી ખેંચાઈ હતી.
ખુશદિલ શાહ અને ઇફ્તિખાર અહેમદ અનુક્રમે 14 અને બે રન બનાવી ટીમને જીત સુધી દોરી ગયા હતા.
એ ક્ષણ જ્યારે કોહલી પાક.ની જીત માટે બની ગયા સૌથી મોટો પડકાર
એશિયા કપમાં સુપર ફૉર ભારત વિરુદ્ધ મૅચ જીતવા માટે પાકિસ્તાનને 20 ઓવરમાં 182 રન કરવાના હતા. ભારતે પ્રથમ બૅટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટ પર 181 રન બનાવ્યા હતા.
કે. એલ. રાહુલ અને રોહિત શર્મા પોતાના રંગમાં હોય ત્યારે મેદાનમાં કેવી ધમાલ થઈ શકે છે, તેની ઝલક ફરી એક વાર એશિયા કપના સુપર ફૉર મુકાબલામાં જોવા મળી હતી.
પરંતુ આ બંનેના આઉટ થયા બાદ કોહલીએ બાજી સંભાળી હતી.
તેઓ પોતાના જૂના રંગમાં દેખાયા અને તેમણે એક તરફથી ભારતીય ટીમને આધાર આપી 181નો વિશાળ સ્કોર ખડો કરી દીધો.
એક છેડેથી ધડાધડ પડી રહેલ વિકેટો છતાં તેમણે મનોબળ ઢીલું ન પડવા દીધું. અને એક તરફથી ઇનિંગને સંભાળી. હૉંગકૉંગ વિરુદ્ધ અર્ધ સદી નોંધાવ્યા બાદ તેઓ ફોર્મની તલાશમાં હોય તેવું જણાઈ રહ્યું હતું. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ આ મુકાબલામાં તેઓ પોતાના જૂના રંગમાં દેખાયા.
કોહલીએ એક પછી એક પડી રહેલ વિકેટો છતાં ટીમની ઇનિંગને આગળ વધારવાની જવાબદારી બખૂબી ઉઠાવી.
તેમણે પોતાની ઇનિંગના 34મા બૉલે છગ્ગાની મદદથી બહેતરીને અર્ધ સદી નોંધાવી.
તેમને દીપક હુડ્ડાનો થોડો સાથ મળ્યો. પરંતુ તેઓ પણ જલદી જ આઉટ થઈ ગયા. પરંતુ કોહલી લગભગ અંત સુધી ટકેલા રહ્યા અને 44 બૉલમાં 60 રન બનાવી રનાઉટ થયા.
આમ, તેમણે ભારતને પાકિસ્તાન સામેની મહત્ત્વપૂર્ણ મૅચમાં લડાયક સ્કોર ખડો કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો