You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત વિ. પાક. : મૅચ રસપ્રદ વળાંકે, આક્રમક બૅટિંગ કરી પાક.ના નવાઝને ભુવનેશ્વરે આઉટ કર્યા
પાકિસ્તાન તરફથી ક્રીઝ પર સેટ થઈ ગયેલા અને ભારતીય ટીમ અને જીત વચ્ચે દીવાલની જેમ ઊભા રહી ગયેલ આક્રમક બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન પણ અંત સુધી રમી શક્યા ન હતા. પરંતુ 51 બૉલમાં 71 રનની બાજી પલટવાની ક્ષમતા ધરાવતી ઇનિંગ રમવામાં સફળ રહ્યા હતા. હાર્દિક પંડ્યાના બૉલ પર સૂર્યકુમાર યાદવે તેમનો કૅચ પકડ્યો હતો.
16મી ઓવરના ત્રીજા બૉલ પર ભારતીય ફાસ્ટ બૉલર ભુવનેશ્વરકુમારે આક્રમક બૅટિંગ કરી રહેલા મોહમ્મદ નવાઝને પેવેલિયન પાછા મોકલ્યા હતા. દીપક હુડ્ડાએ બાઉન્ડ્રી પર તેમનો કૅચ પકડ્યો હતો.
15 ઓવરના અંતે પાકિસ્તાને 135 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ રિઝવાને 44 બૉલમાં 62 રને રમી રહ્યા હતા જ્યારે મોહમ્મદ નવાજ 18 બૉલમાં 42 રને રમી રહ્યા હતા. બંને બૅટ્સમેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 બૉલમાં 72 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી. એ ક્ષણ સુધી મૅચમાં પાકિસ્તાનનું પલ્લું ભારે દેખાતું હતું.
દસ ઓવરના અંતે પાકિસ્તાનના બે વિકેટે 76 રન થયા હતા. રિઝવાન 27 બૉલમાં 35 રન પર અને મોહમ્મદ નવાઝ પાંચ બૉલમાં 11 રન પર રમી રહ્યા હતા.
વિકેટો હાથમાં હોવાથી પાકિસ્તાની ટીમની મૅચ જીતવાની આશા જીવંત રહેવા પામી હતી.
8.4 ઓવરના અંતે 63 રન પર પાકિસ્તાનની બીજી વિકેટ પડી હતી. ફખર જમાલ 18 બૉલમાં 15 રન બનાવીને યુજવેન્દ્ર ચહલના બૉલ પર કૅચ આઉટ થયા હતા.
ભારતીય ટીમ તરફથી 182 રનનું લક્ષ્ય મળ્યા બાદ પાકિસ્તાનની ટીમ તરફથી મોહમ્મદ રિઝવાન અને પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમ ક્રીઝ પર ઊતર્યા હતા.
પાકિસ્તાની ઇનિંગની ચોથી ઓવરમાં બાબર આઝમ રવિ બિશ્નોઈના બૉલ પર 14 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા. તેઓ ભારતીય કપ્તાન રોહિત શર્માના હાથમાં કૅચ આપી બેઠા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ, શરૂઆતના ફટકા બાદ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાયેલી જોવા મળી હતી.
કોહલીની લડાયક અર્ધ સદી
ભારતની ટીમને ઓપનર કે. એલ. રાહુલ અને રોહિત શર્માએ આમ તો સારી શરૂઆત અપાવી હતી. તેમ છતાં અમુક ઓવર બાદ એક પછી એક વિકેટે ગુમાવતાં ભારતની ટીમ દબાણમાં આવી ગઈ હતી.
પરંતુ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાની બૅટિંગ અને સૂઝબૂઝથી એ સુનિશ્ચિત કર્યું કે ભારતીય ટીમ આ મહત્ત્વપૂર્ણ મૅચમાં એક સન્માનજનક સ્કોર સુધી પહોંચે.
એક છેડેથી ફટાફટ પડી રહેલ વિકેટ છતાં તેમણે મનોબળ ગુમાવ્યા વગર 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતનો સ્કોર સાત વિકેટે 181 રન સુધી પહોંચાડ્યો હતો.
નોંધનીય છે કે તેઓ પાછલા ઘણા સમયથી સારા ફોર્મમાં નહોતા અને એશિયા કપમાં ટીમમાં પરત ફર્યા બાદ તેઓ સતત સારો સ્કોર કરવામાં સફળ રહી રહ્યા છે.
બીજે છેડેથી પણ વિરાટ કોહલી સામે બૅટ્સમૅનો પ્રમાણસર સારો સ્કોર ઝડપથી કરવામાં સફળ રહ્યા હતા.
પરંતુ એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ ન કહેવાય કે એક છેડેથી વિરાટની નીડર બૅટિંગ ભારતને એક લડાયક સ્કોર સુધી લઈ જવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.
મૅચ દરમિયાન બીજું શું શું બન્યું?
દીપક બાદ અંતિમ ઓવરમાં ત્રીજા નંબરે બૅટિંગ કરવા આવેલ વિરાટ કોહલીએ 60 રનના વ્યક્તિગત સ્કોરે પોતાની વિકેટ ગુમાી દીધી હતી. તેમને આસિફ અલીએ રન આઉટ કર્યા હતા.
કોહલીનો એક તરફથી સાથ નિભાવતા દેખાઈ રહેલા બૅટ્સમૅન દીપક હુડ્ડા પણ છગ્ગો મારવાના પ્રયાસમાં 14 બૉલ પર 16 રન બનાવી આઉટ થઈ ગયા હતા. આમ કોહલીની અર્ધ સદી છતાં ભારતીય ટીમ છ વિકેટ ગુમાવી મુશ્કેલીમાં દેખાઈ રહી હતી.
એક તરફથી ફટાફટ પડતી વિકેટો છતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી આ સ્પર્ધામાં અર્ધ સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.
નોંધનીય છે કે તેઓ આ ટુર્નામેન્ટમાં વાપસી કરી રહ્યા છે. અને તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં સારું ફોર્મ જાળવી રાખ્યું છે.
આ મૅચમાં પણ તેઓ 36 બૉલમાં ઝડપી અર્ધ સદી નોંધાવવામાં સફળ રહ્યા હતા.
15 ઓવરના અંતે ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 40 રન પર અને દીપક હુડા શૂન્ય પર મેદાનમાં હતા.
ઋષભ પંતની વિકેટ બાદ ક્રીઝ પર આવેલા હાર્દિક પંડ્યા પોતાનું ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. તેઓ મુહમ્મદ હસનૈનના બૉલ પર મોહમ્મદ નવાઝને કૅચ આપી બેઠા હતા. આમ, ભારતની ટીમ સળંગ બે વિકેટ ગુમાવી દબાણમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.
ઋષભ પંતના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી હતી. ઋષભ પંત 12 બૉલમાં 14 રન બનાવીને આસિફ અલીના બૉલ પર આઉટ થયા હતા. ચોથી વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર 13.5 ઓવરમાં 126 રન હતો. નવા બૅટ્સમૅન હાર્દિક પંડ્યા મેદાનમાં ઊતર્યા છે.
દસ ઓવરના અંતે ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. આ તબક્કે વિરાટ કોહલી 13 બૉલમાં 18 રન પર રમી રહ્યા છે અને સૂર્યકુમાર યાદવના સ્થાને ઋષભ પંત મેદાનમાં ઊતર્યા છે.
કે. એલ. રાહુલના આઉટ થયા બાદ ભારતની ત્રીજી વિકેટ પણ સૂર્યકુમાર યાદવ સ્વરૂપે જલદી જ પડી ગઈ હતી. તેઓ 13 રનના વ્યક્તિગત સ્કોર પર મોહમ્મદ નવાજના બૉલ પર આઉટ થઈ ગયા હતા. આ તબક્કા સુધી ભારતીય ટીમ ત્રણ વિકેટે 91 રન બનાવી શકી હતી.
સૂર્યકુમાર યાદવ બાદ
ઓપનર કે. એલ. રાહુલ પણ કપ્તાન રોહિત શર્મા બાદ જલદી જ આઉટ થઈ ગયા હતા. તેઓ પણ 20 બૉલે 28ના વ્યક્તિગત સ્કોરે શાદાબ ખાનને પોતાની વિકેટ આપી બેઠા હતા.
ભારતીય ટીમને રાહુલ અને રોહિતની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ છઠી ઓવરના પ્રથમ બૉલે કપ્તાન રોહિત શર્મા 16 બૉલમાં 28 રન કરીને હૅરિસ રઉફના બૉલ પર ખુશદિલ શાહને કૅચ આપી બેઠા હતા.
આ સમયે ભારતીય ટીમે 54 રન બનાવી લીધા હતા.
પાંચ ઓવરના અંતે ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 54 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માના 15 બૉલમાં 28 રન અને કે. એલ. રાહુલના 15 બૉલમાં 26 રનનો સમાવેશ થાય છે.
રોહિત અને રાહુલે પહેલી પાંચ ઓવરમાં બંનેએ બબ્બે સિક્સર ફટકારી હતી.
રવિવારે ફરી એક વાર એશિયા કપ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાઈ રહી છે.
દુબઈમાં યોજાઈ રહેલ આ મૅચમાં પાકિસ્તાને ટૉસ જીતી પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
હાલ રોહિત શર્મા અને કે. એલ. રાહુલ ક્રીઝ પર છે.
ગત રવિવારે બંને દેશો માટે એશિયા કપની પ્રથમ મૅચમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી હતી.
હવે ફરી વાર એશિયા કપના સુપર ફોર મુકાબલામાં બંને ટીમો સામસામે છે.
ગઈ વખતની હાર બાદ ભારતની ટીમ જુસ્સામાં દેખાઈ રહી છે તો બીજી તરફ બાબર આઝમની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમ માટે ભારતીય ટીમને હરાવવી એ પહેલાં કરતાં વધુ જરૂરી બની ગયું છે.
નોંધનીય છે કે પાછલી મૅચમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાતના રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
હવે બધાની નજર ગત મૅચમાં સારું પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા પર રહેવાની છે.
હિસાબ બરાબર કરવાનો ઇરાદો
ગયા રવિવારે ભારત અને પાકિસ્તાનની મૅચ દરમિયાન દબાણ ભારતીય ટીમ પર હતું. 20 વર્લ્ડકપ, 2021માં પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલી હારનો બદલો લેવાનો એને પડકાર પણ હતો.
પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં ફાઇનલ-ફોરમાં સ્થાન બનાવી શકી ન હતી પરંતુ એશિયા કપની પ્રથમ મૅચ જીત્યા બાદ બીજી મૅચમાં દબાણ પાકિસ્તાનની ટીમ પર છે.
રોહિત શર્મા અને ટીમના અન્ય ખેલાડીઓનું મનોબળ એટલે પણ વધ્યું છે કારણ કે ટી-20 ક્રિકેટમાં ભારતનો પક્ષ પાકિસ્તાન સામે ભારે રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી દસ ટી-20 મૅચો રમાઈ છે. જેમાંથી આઠમાં ભારતનો વિજય થયો છે.
ભારત માટે સૌથી મોટી રાહત તો એ જ છે કે પાકિસ્તાનના સૌથી ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રીદી અનફિટ થઈને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ પ્રમાણે તેઓ ફિટનેસ જાળવવા માટે યુકે જતા રહ્યા છે જેથી ટી-20 વર્લ્ડ કપ પૂરો થતાં પહેલા સંપૂર્ણપણે ફીટ થઈને પાછા આવી શકે.
બીજી તરફ ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ અનફિટ થઈ ગયા છે પરંતુ તેમની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
જાડેજા ટી-20 વર્લ્ડકપ સુધી સંપૂર્ણપણે ફીટ થઈ જશે કે કેમ તેને લઈને પણ ચિંતાજનક સ્થિતિ છે કારણ કે આ વર્ષે માર્ચથી જૂન સુધી તેઓ ઘૂંટણમાં ઇજાને કારણે મેદાનની બહાર રહ્યા હતા.
જાડેજાની ગેરહાજરીથી એશિયા કપમાં પણ ભારતીય ટીમની મુશ્કિલો વધી ગઈ છે કારણ કે જાડેજાએ બૅટ અને બૉલ બંનેથી સારુ એવું યોગદાન આપનાર ઑલરાઉન્ડર તરીકે ઘણી વખત પોતાની પ્રતિભા રજૂ કરી છે.
ટીમમાં તેમની હાજરી એક પ્રકારે સંતુલન બનાવે છે અને સામેની ટીમો પર દબાણ પણ ઊભું કરે છે.
જોકે, પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન દર્શાવ્યું હતું અને લાગી રહ્યું છે કે તેઓ કોઈ પણ પડકારને કાળજીપૂર્વક ઝીલવા માટે તૈયાર છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની જોડી ઋષભ પંતને આ મૅચમાં તક આપે છે કે કેમ?
પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં પંતના સ્થાને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ હૉંગકોંગ સામે પંતને તક મળી હતી.
હાલમાં ઋષભ પંત ભારતના સૌથી મોટા મૅચ વિનર ખેલાડી તરીકે સામે આવ્યા છે. એવામાં પાકિસ્તાન સામે ગઈ મૅચમાં તેમને ન સામેલ કરવાના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.
આ સિવાય ભારતીય બૅટર સૂર્યકુમાર યાદવ પર પણ નજર ટકેલી રહેશે. તેમણે હૉંગકોંગ સામે 26 બૉલમાં નોટઆઉટ 68 રન ફટકાર્યા હતા.
તેમણે અત્યાર સુધી ભારત માટે માત્ર 25 ટી-20 મૅચો રમી છે પરંતુ તેમાં તેમણે એક સદી અને છ અર્ધસદી ફટકારી છે. તેમનો સ્ટ્રાઇક રેટ 177થી વધુ છે. તેમને વર્લ્ડ ટી-20 દૃષ્ટિએ પણ ભારતના સર્વશ્રેષ્ઠ બૅટર માનવામાં આવે છે.
ઘણા વિશ્લેષકો તેમને વિરાટ કોહલીના સ્થાને નંબર ત્રણ પર મોકલવાની માગ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે ટીમની જરૂરિયાત પ્રમાણે પેસ અને સ્પિન બૉલિંગ પર એક સમાન રીતે રન મારનાર અન્ય બૅટર ટીમમાં જોવા મળતો નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો