You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતનાં નિખત ઝરીને લાઇટવેઇટ બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો - પ્રેસ રિવ્યૂ
ભારતીય બૉક્સર નિખત ઝરીને કૉમનવેલ્થ ગેમ્સમાં નૉર્ધન આયરલૅન્ડનાં કાર્લી મૅકનૉલને હરાવીને મહિલા બૉક્સિંગમાં 48-50 કિલો ભારવર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેમણે લાઇટ ફ્લાયવેટ ઇવેન્ટ 5-0થી જીતી હતી.
શનિવારે તેમણે સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડનાં સ્ટબલ અલ્ફિયા સવાનાહને 5-0થી હરાવ્યાં હતાં.
કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીને લઈને કઈ ગૅરંટીઓની જાહેરાત કરી?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અમુક ગૅરંટી જાહેર કરી હતી.
ચૂંટણીને ધ્યાને રાખીને કેજરીવાલે ગૅરંટીઓ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 24 કલાક વીજળી, શૂન્ય વીજળી બિલ અને જૂના વીજબીલો માફ કરવાની ગૅરંટી આપી છે."
તેમજ બેરોજગારીની સમસ્યા અંગે વાત કરતાં તેમણે બેરોજગારીને ડામવા માટેની ગૅરંટી જણાવી હતી. જે અનુસાર, "ગુજરાતના તમામ નોકરીવાંછુ યુવાનને નોકરી આપવામાં આવશે અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા પ્રતિ માસનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે."
આ સિવાય તેમણે ત્રીજી ગૅરંટી વિશે વાત કરતાં રાજ્યમાં દસ લાખ સરકારી નોકરીઓ આપવાની વાત કરી હતી.
ચોથી ગૅરંટી વિશે વાત કરતાં કેજરીવાલે સરકારી પરીક્ષાઓનાં પેપરો લીક થવાની સમસ્યા બાબતે એક કડક કાયદો લાવીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચમી ગૅરંટીમાં ગુજરાતના સહકારી સૅક્ટરમાં પારદર્શકપણે નોકરીઓ આપવાની શરૂઆત કરાશે, તેવી જાહેરાત કરાઈ હતી.
આ સિવાય અરવિંદ કેજરીવાલે સમાજના અન્ય વર્ગોની સમસ્યાઓને ધ્યાને રાખતાં વેપારીઓ અને આદિવાસી-વંચિત સમાજના લોકો માટે પણ મફત સ્વાસ્થ્ય, પારદર્શી વહીવટી તંત્રની સ્થાપના વગેરેની ગૅરંટી જાહેર કરી હતી.
નોંધનીય છે કે આગામી અમુક સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાની પ્રવૃત્તિઓ તેજ બનાવી દીધી છે. તેમજ પક્ષના નેતૃત્વે એવો પણ દાવો કર્યો છે કે ગુજરાતમાં આગામી ચૂંટણી ભાજપ અને આપ વચ્ચે થવા જઈ રહી છે. અને આપની જાહેરાતો અને તેને મળી રહેલ જનસમર્થનથી ભાજપ ચિંતાતુર છે.
આ પહેલાં શનિવારે જામનગર ખાતે વેપારીઓની એક સભા દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે તેઓ વેપારીઓ અને દુકાનદારો વિરુદ્ધ 'દરોડારાજ'નો અંત લાવશે.
નોંધનીય છે કે તેઓ બે દિવસની ગુજરાતની મુલાકાતે હતા, જે દરમિયાન તેમણે આ વાત કરી હતી.
આ સિવાય તેમણે સત્તાધારી ભાજપ 27 વર્ષના શાસન બાદ ઘમંડી થઈ ગયો હોવાની પણ વાત કરી.
ગુજરાતમાં આગામી આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્યમાં આપનું ટોચનું નેતૃત્વ અને કાર્યકર્તાએ સંપૂર્ણ જોર લગાવીને કામ કરવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાતમાં તમાકુનાં ઉત્પાદનો પર ત્રાટક્યા લૂંટારા
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાતના સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસીના એક ગોડાઉનમાં 10.44 લાખ રૂપિયાની કિંમતનાં તમાકુનાં ઉત્પાદનોની લૂંટ ચલાવવાઈ હોવાનો બનાવ બન્યો છે.
પોલીસે કહ્યું કે લૂંટારાંએ સિક્યૉરિટી ગાર્ડને પણ બંધક બનાવ્યા હતા.
પોલીસ પ્રમાણે, "ત્રણ યુવાનો ટેમ્પો સાથે ગોડાઉન પર આવીને લૂંટ ચલાવી હતી. તેમણે સિક્યૉરિટી ગાર્ડને માર મારી અને પોતાનો લૂંટનો ઇરાદો પાર પાડ્યો હતો."
પોલીસને આ સમગ્ર મામલે કોઈ જાણકારનો હાથ હોવાની શંકા છે. એકમના માલિક અવારનવાર પાનના ગલ્લાવાળાને ગોડાઉન માલ લેવા માટે મોકલતા રહેતા હતા. જે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
CWGમાં ભારત છવાયું, વિનેશ, રવિ અને નવીનને કુસ્તીમાં ગોલ્ડ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર બર્મિંઘમ ખાતે યોજયેલ કૉમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીજ વિનેશ ફોગાટ, રવિ દહીયા અને નવીન કુશ્તીબાજીમાં શાનદાર પ્રદર્શન બાદ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ રહ્યાં છે.
કુસ્તીબાજ વિનેશ ફોગાટે શ્રીલંકાનાં ચોમાદ્યા કેશાની મધુરવલગેને હરાવી ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.
આ સિવાય ટોક્ય ઑલિમ્પિક્સના સિલ્વર મેડાલિસ્ટ રવિ દહીયાએ નાઇજીરિયાના સ્પર્ધકને હરાવી ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી.
તેમજ નવીને પાકિસ્તાનના તાહિર મુહમ્મદ શરીફને 9-0થી હરાવી ગોલ્ડ મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો