અગ્નિપથ યોજના : મોદી સરકાર ભારતીય સૈન્યમાં જે યોજના લાવી રહી છે એની ટીકા કેમ થઈ રહી છે?
ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી છે, જે મુજબ માત્ર ચાર વર્ષ માટે કોઈપણ યુવાન સશસ્ત્ર બળમાં જોડાઈને તાલીમ લઈ શકે છે. સંરક્ષણમંત્રાલય પરથી પેન્શન અને પગારનું ભારણ ઓછું કરવાના પ્રયાસ તરીકે તેને જોવામાં આવે છે.
સરકારની આ યોજના સામે બિહારના મુજ્જફરપુર તથા બક્સરમાં યુવાનોએ રસ્તા ઉપર ઊતરીને વિરોધ નોંધાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી અને દાવો કર્યો હતો કે સંરક્ષણ અંગેની કૅબિનેટ સમિતિએ 'ઐતિહાસિક નિર્ણય' લીધો છે.
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 18 મહિનામાં કેન્દ્ર સરકારમાં દસ લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી અને આ યોજનાને તેની સાથે જોડીને જોવામાં આવે છે.

અગ્નિવીર યોજનાની ટીકા કેમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સેવાનિવૃત્ત લેફટનન્ટ જનરલ વિનોદ ભાટિયાએ આ યોજના વિશે લખ્યું, "સશસ્ત્રબળો માટે ચેતવણીની ઘંટડી સમાન છે. પાઇલટ પ્રોજેક્ટ વગર આ યોજનાને લાગુ કરી દેવામાં આવી છે. સમાજમાં સૈન્યકરણનું જોખમ વધી જશે. દર વર્ષે 40 હજાર યુવાનો બેરોજગાર થશે. આ અગ્નિવીરો હથિયાર ચલાવવામાં પૂરતા તાલીમબદ્ધ નહીં હોય. આ સારો વિચાર નથી. તેનાથી કોઈને પણ લાભ નહીં થાય."
સેવાનિવૃત્ત મેજર જનરલ બીએસ ધનોઆએ ટ્વિટર પર લખ્યું, "પ્રોફેશનલ સેનાઓ સામાન્ય રીતે યોજનાઓ ઉપર કામ ન કરે, માત્ર કહી રહ્યો છું."
સામાન્ય સૈનિકોની જેમ જ અગ્નિવીરોને દેશભરમાં કોઈપણ મોરચે તહેનાત કરવામાં આવશે. આને કારણે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના કારણે સેનામાં 'નવશિખાઉ' સૈનિકોની સંખ્યા વધી જશે. જે દુશ્મન દેશોનો સામનો કરવા માટે સક્ષમ નહીં હોય.
અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટર ઑફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરમાં એસ. રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનિત મુખરજીએ બીબીસીને કહ્યું, "જો પ્રૉફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે."
સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફેલો સુશાંતસિંહ આ પ્રસ્તાવને લઈને અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.
સુશાંત કહે છે, "શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો?"
"આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફોજ ન તૈયાર થઈ જાય."
આ સિવાય એક ચિંતા સેનામાં પ્રવર્તમાન સદીઓ પુરાણી રેજિમૅન્ટલ વ્યવસ્થા વિશેની પણ છે, જેમાં અવરોધ ઊભા થશે.
હાલના સમયમાં એક સક્ષમ સૈનિક 10થી 15 વર્ષ સુધી સેનામાં સેવા આપે છે.

સંક્ષિપ્તમાં સમજો : અગ્નિપથ યોજના છે શું?

- ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
- ભરતી ચાર વર્ષ માટે થશે
- ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
- ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે.
- પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
- ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે


અગ્નિપથ યોજના શું છે?

ઇમેજ સ્રોત, PIB
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.
સંરક્ષણમંત્રીએ યુવાનોને અગ્નિવીર બનવા અપીલ કરી હતી. ચાર વર્ષની સેવા બાદ રાખવામાં આવેલા 25 ટકા સૈનિકો અગ્નિવીર કહેવાશે.
આ દરમિયાન નૅવી ચીફ એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45,000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સેનાના અગ્નિવીરોમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે.
અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ જાળવી રાખવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.
તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે. આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.
અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે. નવા અગ્નિવીરોની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે.

ઇમેજ સ્રોત, PIB
સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે, "'અગ્નિપથ' એ આર્મી, ઍરફોર્સ અને નૅવીમાં ભરતી માટે સમગ્ર ભારતમાં મેરિટ આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોને સશસ્ત્ર દળોની નિયમિત કૅડરમાં સેવા કરવાની તક પૂરી પાડશે."
"અગ્નિવીરોની તાલીમ અવધિ સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે સારા નાણાકીય પૅકેજ સાથે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ પછી, કેન્દ્રીય અને પારદર્શક સિસ્ટમના આધારે 25 ટકા જેટલા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે."
"100 ટકા ઉમેદવારો નિયમિત કૅડરમાં ભરતી માટે સ્વયંસેવક તરીકે અરજી કરી શકે છે."
સંરક્ષણમંત્રાલયના જણાવ્યા અનુસાર, "અગ્નિપથ યોજના તમામ અગ્નિવીરોને દર મહિને 30,000 રૂપિયા અને ચોથા વર્ષમાં 40,000 રૂપિયા સુધીનું આકર્ષક માસિક પૅકેજ આપવામાં આવશે. ચાર વર્ષ પૂરાં થવા પર તમામ ઉમેદવારો માટે વ્યાપક નાણાકીય પૅકેજ 'સેવા નિધિ'ની પણ જોગવાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
વાઇસ ચીફ ઑફ સ્ટાફ બીએસ રાજુના કહેવા પ્રમાણે, "90 દિવસની અંદર પહેલી રેલી યોજાશે, 180 દિવસની અંદર પસંદ થયેલા યુવાનો સૈન્ય તાલીમકેન્દ્ર પહોંચશે અને એક વર્ષમાં પહેલી ટુકડી ભરતી થઈ જશે."
આઈટીઆઈ તથા ડિપ્લોમા સંસ્થાઓમાંથી પણ ભરતી કરવામાં આવશે, જેથી કરીને ટેકનિકલ જ્ઞાનવાળાંકામો માટે જરૂરી માનવબળ મળી રહે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ






















