You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્પુતનિક લાઇટ : ભારતે કોરોનાની રશિયાની સિંગલ ડોઝની રસીને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી એ કેવી રીતે કામ કરે છે?
ભારતે રશિયાની સિંગલ ડોઝ કોરોના રસી સ્પુતનિક લાઇટને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનુસખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
હવે ભારત પાસે કોરોના વાઇરસ સામે લડવા કુલ નવ રસીઓ થઈ ગઈ છે, જેમાંથી ત્રણ રસીઓ ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે.
ભારતમાં અત્યાર સુધી અંદાજે 170 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં રસી મેળવવા પાત્ર 76 ટકા લોકોએ બન્ને ડોઝ લઈ લીધા છે. જ્યારે 99 ટકા લોકોએ એક ડોઝ મેળવી લીધો છે.
આ વર્ષે 10 જાન્યુઆરીથી ભારતમાં ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60થી વધુ વય ધરાવતા કો-મૉર્બિડ દર્દીઓને બૂસ્ટર ડોઝ આપવાના શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ડિસેમ્બર 2021થી ભારતમાં 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એક મહિના જેટલા સમયમાં 66 ટકા કિશોરોએ પ્રથમ ડોઝ મેળવી લીધો છે.
ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે આવેલી લહેર હાલમાં ઘટી ગઈ છે. 20મી જાન્યુઆરીએ ભારતમાં 3,47,000 કોરોના કેસ નોંધાયા હતા. હાલમાં સરેરાશ એક લાખ કેસ નોંધાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવી રસી કઈ રીતે કામ કરે છે?
સ્પુતનિક લાઇટ એ રશિયામાં બનેલી સ્પુતનિક વી રસીનો જ એક ભાગ છે, જેને ગત વર્ષે ભારતે મંજૂરી આપી હતી.
સ્પુતનિક વી રસી મૉસ્કોની ગમાલેયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં આ રસીને લઈને કેટલાક વિવાદ પણ થયા હતા.
આ રસીમાં નુકસાન ન કરે તેવા વાઇરસ વડે ખૂબ જ નજીવા પ્રમાણમાં કોરોના વાઇરસને માણસના શરીરમાં પ્રવેશ કરાય છે.
રસી લીધા બાદ શરીર ઍન્ટીબૉડી પેદા કરવાનું શરૂ કરે છે જે કોરોના વાઇરસને નાબૂદ કરવા સક્ષમ હોય છે.
સ્પુતનિક લાઇટમાં સ્પુતનિક વીમાં વપરાયેલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેને એક સારી બૂસ્ટર વૅક્સિન તરીકે માનવામાં આવી રહી છે.
અત્યાર સુધી ભારતે કઈ-કઈ રસીને મંજૂરી આપી
અત્યાર સુધી ભારતે સાત રસીઓને મંજૂરી આપી છે.
ભારતમાં રસીકરણ માટે માત્ર ત્રણ રસીઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક વીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી ભારતમાં અપાયેલી તમામ રસીના ડોઝ પૈકી 85 ટકા ડોઝ કોવિશિલ્ડનાં લગાવવામાં આવ્યા છે.
ભારતમાં ડિસેમ્બર મહિનામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવૅક્સ અને બાયોલૉજિકલ ઈની કૉર્બેવૅક્સ રસીને મંજૂરી આપવામાં આવી હતી.
આ સિવાય ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી ઝાયકોવડીને પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે, તે હજુ સુધી માર્કેટમાં ઉપલબ્ધ નથી.
કેન્દ્ર સરકારે જૉન્સન ઍન્ડ જૉન્સનની સિંગલ ડોઝ વૅક્સિનને પણ મંજૂરી આપી છે અને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાને મૉડર્નાની રસી આયાત કરવા માટે મંજૂરી આપી છે.
જોકે, હજુ સુધી એ ચોક્કસ નથી થયું કે ક્યાં સુધીમાં આ રસીઓ માર્કેટમાં જોવા મળશે.
આ રસીઓ વિશે આપણે શું જાણીએ છીએ?
ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝૅન્કા વૅક્સિન જેને ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે ચિમ્પાન્ઝીમાંથી નબળા પાડી દેવાયેલ સામાન્ય શરદીના વાઇરસ (ઍડીનોવાઇરસ) માંથી તૈયાર કરવામાં આવે છે. તે વધુમાં વધુ કોરોના વાઇરસની જેમ તૈયાર કરાય છે. જોકે, રસી લીધા બાદ લેનારને બીમાર કરતી નથી.
ભારત બાયોટૅક દ્વારા તૈયાર કરાયેલી કોવૅક્સિન એ મારી નંખાયેલા કોરોના વાઇરસમાંથી તૈયાર કરવામાં આવે છે. વાઇરસને માર્યા બાદ તે શરીરમાં ઇન્જેક્ટ કરવા માટે સુરક્ષિત રહે છે.
આ રસી વિવાદમાં ઘેરાઈ હતી. જ્યારે ક્લિનિકલ ટ્રાયલ ચાલુ હોવા છતા ગત વર્ષે જાન્યુઆરીમાં તેને મંજૂરી આપવામાં આવી હતી.
રસીના ઉત્પાદક ભારત બાયોટૅક દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, આ રસી 78 ટકા અસર દર્શાવતી હતી.
ભારતીય ફાર્મા કંપની બાયોલૉજિકલ ઈ દ્વારા તૈયાર કરાયેલી કૉર્બેવૅક્સ અમેરિકાની ડાયનાવૅક્સ કંપની અને બૅયલર કૉલેજ ઑફ મેડિસિન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ રસી કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીનમાંથી તૈયાર કરવામાં આવી છે. સ્પાઇક પ્રોટિન એ વાઇરસનો એ ભાગ છે. જ્યાંથી તે માણસના કોષમાં પ્રવેશે છે.
કોવોવૅક્સ એ નોવાવૅક્સ રસીનું લોકલ વર્ઝન છે. જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ રસી અમેરિકામાં થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક હોવાનું સામે આવ્યું છે.
ભારતની પ્રથમ સોય વગરની અને ડીએનએ આધારિત રસી ઝાયકોવ ડી ભારતની ફાર્મા કંપની ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
અગાઉની ડીએનએ આધારિત રસી પ્રાણીઓ પર સારી રીતે કામ કરી છે, પરંતુ માણસો પર સારી રીતે કામ કરી નથી.
શું હજુ બીજી રસીઓ આવશે?
હજુ પણ ભારતમાં ટ્રાયલના વિવિધ તબક્કાઓમાં હોય તેવી કેટલીક રસીઓ છે. જેમાં પુણેસ્થિત જીનોવા અને અમેરિકાની એચડીટી બાયોટૅક કૉર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલી એચજીસીઓ19 નામક રસીનો સમાવેશ થાય છે.
આ સિવાય ભારત બાયોટૅક દ્વારા તૈયાર કરાયેલી નેઝલ વૅક્સિન (નાકમાંથી લેવાની રસી) પણ હાલમાં ટ્રાયલ હેઠળ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો