You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : હાર્દિક પટેલનો યુપી ચૂંટણીના કૉંગ્રેસના સ્ટારપ્રચારકોની યાદીમાં સમાવેશ - પ્રેસ રિવ્યૂ
કૉંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 30 સ્ટારપ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કૉંગ્રેસનાં સર્વેસર્વા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સ્થાન આપવામાં આવ્યું છે.
આ સિવાય નારાજ નેતાઓમાં સમાવિષ્ટ ગુલામ નબી આઝાદ તથા સલમાન ખુરશીદને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
અપેક્ષા મુજબ જ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત, રાજસ્થાનના નાયબ મુખ્ય મંત્રી સચીન પાઇલટ, છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલને સ્થાન આપવામાં આવ્યું છે. હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તથા દીપેન્દરસિંહ હુડ્ડાને સ્થાન આપવામાં આવ્યું છે.
તો ગુજરાતમાંથી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે લોકપ્રતિનિધિત્વ ધારા -1951ની જોગવાઈઓ મુજબ રાજકીયપક્ષોએ ચૂંટણીપંચને સ્ટારપ્રચારકોની યાદી આપવાની હોય છે. ખર્ચ અને સુરક્ષાસંબંધિત જોગવાઈઓને કારણે આમ કરવામાં આવે છે.
ભારતમાં ઓમિક્રૉન કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનાં તબક્કામાં પહોંચ્યો
ઇન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમ કન્સોર્શિયમ (INSACOG) અનુસાર, ભારતમાં કોરોનાનો વૅરિયન્ટ ઓમિક્રૉન હવે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનાં તબક્કામાં પહોંચી ગયો છે.
જેના કારણે હવે કોરોનાનાં દર્દીઓની સંખ્યા હૉસ્પિટલોમાં વધી રહી છે અને તેમને આઈસીયુ બેડની પણ જરૂર પડી રહી છે. જોકે, ઓમિક્રૉનનાં મોટા ભાગના કેસો હળવાં તેમજ નહિવત્ લક્ષણો ધરાવે છે.
જીનોમ કન્સોર્શિયમ અનુસાર, "ઓમિક્રૉન મહાનગરોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. ઓમિક્રૉનનાં ભયમાં હજુ સુધી કોઈ પરિવર્તન આવ્યું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમાચારને અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' અને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ પહેલા પાને જગ્યા આપી છે.
કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો અર્થ થાય છે કે એક સંક્રમિત વ્યક્તિને ખબર નથી હોતી કે તે કોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઈ છે. અર્થાત કોરોના વાઇરસ સમુદાયો અને શહેરો વચ્ચે હયાત છે. એવામાં સંક્રમણની ચેનને તોડવી મુશ્કેલ થઈ જાય છે અને સંક્રમણ ઝડપથી વધે છે.
જોકે, 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ટર્મનો ઉપયોગ કર્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીની બીજી લહેર વખતે પણ તેનો ઉલ્લેખ કર્યો નહોતો.
કોરોનાનો નવો વૅરિયન્ટ B.1.640.2
કોરોના સંક્રમણના કેસોનું જિનોમ સિક્વન્સિંગ કરનારી ભારતની 39 લૅબોરેટરીનાં સંગઠન INSACOG એ જારી કરેલા બુલેટિનમાં કહ્યું છે કે સંક્રમણમાં આવેલી તેજીનાં કારણે હૉસ્પિટલો અને આઈસીયુમાં દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.
જિનોમ કન્સોર્શિયમનું કહેવું છે કે કોરોનાના નવા વૅરિયન્ટ B.1.640.2 પર પણ તેમની નજર છે.
આ વૅરિયન્ટ હાલ કેટલાક દેશોમાં જોવા મળ્યો છે. INSACOG એ એમ પણ કહ્યું છે કે, આ વૅરિયન્ટ ઝડપી પ્રસરતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ઇમ્યૂન કવચથી બચ્યા બાદ પણ B.1.640.2ને 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન'ની યાદીમાં મૂકાયો નથી. હજુ સુધી ભારતમાં તેનો કોઈ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં ભારે પવન સાથે કોલ્ડ વેવની આગાહી
ગુજરાતમાં રવિવારે એકાએક તાપમાનમાં નોંધાયેલા ઘટાડા બાદ હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે કોલ્ડ વેવની આગાહી કરી છે.
ધ ઈન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ દિવસો દરમિયાન હવામાનનો પારો 9 ડિગ્રી સુધી ગગડી શકે છે.
રવિવારે એકાએક ઠંડી વધતાં સૌથી ઓછું તાપમાન 7.8 ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. ત્યાર બાદ ડીસામાં 11, કંડલા ઍરપૉર્ટ ખાતે 12, ગાંધીનગર અને રાજકોટમાં 12.7 અને અમદાવાદમાં 13.6 ડિગ્રી નોંધાયું હતું.
અન્ય એક અહેવાલ પ્રમાણે, હવામાનમાં પલટા સાથે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જેને પગલે માછીમારોને 26 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો