કોરોના વાઇરસ : ગુજરાતમાં એક જ દિવસમાં 1300થી વધુ લોકો કોરોનામુક્ત, 24 કલાકમાં નવા 5,677 કેસ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ ચિંતા ઉપજાવે તેવા છે, પરંતુ આ ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 1,359 કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.

ગુજરાત સરકારના આરોગ્યવિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ અનુસાર, રાજ્યમાં શનિવારે કોરોનાનાં કુલ 5,677 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,359 દર્દીઓ સ્વસ્થ થયા છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્યમાં શનિવારે કોરોનાનાં કુલ 5,677 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,359 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ અનુસાર, શનિવારે રાજ્યમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા 32 કેસ નોંધાયા છે. જેની સાથે રાજ્યમાં ઓમિક્રૉનના કુલ કેસોની સંખ્યા 236 પર પહોંચી છે. આ 236 દર્દીઓ પૈકી 136 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 100 દર્દીઓ રાજ્યની જુદી-જુદી હૉસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે.

વર્ષ 2022ની શરૂઆત જ કોરોનાના વધતા કેસો વચ્ચે થઈ છે. વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં કોરોનાનાં 1,069 નવા કેસ નોંધાયા હતા અને 107 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

જ્યારે વર્ષના આઠમાં દિવસે એટલે કે આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 5,677 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 1,359 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આ આઠ દિવસમાં આંકડાઓમાં થયેલા ફેરફાર પરથી કહી શકાય કે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન દૈનિક કોરોના કેસોની સંખ્યામાં અંદાજે પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. જોકે, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા અંદાજે 13 ગણી વધી છે.

line

રાજ્યમાં ઍક્ટિવ કેસ ચિંતાનો વિષય

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં એક જ દિવસમાં 1300થી વધુ લોકો કોરોનામુક્ત, 24 કલાકમાં નવા 5,677 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 5,677 નવા કેસ બાદ રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસનો આંકડો 20 હજારને આંબી ગયો છે. રાજ્યમાં હાલ 22,901 ઍક્ટિવ કેસ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સાત જાન્યુઆરીએ રાજ્યમાં 19 દર્દીઓ વૅન્ટિલેટર પર હતા. જ્યારે આઠમી જાન્યુઆરીએ વધુ 6 દર્દીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવતા કુલ 25 દર્દીઓ વૅન્ટિલેટર પર હોવાનું સામે આવ્યું છે.

જોકે, વિશેષજ્ઞો પ્રમાણે રાજ્યમાં ઍક્ટિવ કેસ એ ચિંતાજનક બાબત છે. રાજ્યના આરોગ્ય વિભાગ પ્રમાણે એક જાન્યુઆરીએ ગુજરાતમાં માત્ર 3,927 ઍક્ટિવ કેસ હતા. જે આઠ દિવસમાં વધીને 22 હજારને પાર પહોંચી ગયા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, હાલમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ શહેરમાં માત્ર નવ દિવસમાં એક્ટિવ કેસ 200થી વધીને 2 હજાર સુધી પહોંચી ગયા હતા. હાલમાં 8,754 કેસ સાથે એક્ટિવ કેસમાં અમદાવાદ જ મોખરે છે.

line

રાજ્યમાં આઠ દિવસમાં ઓમિક્રૉનનાં 100 નવા કેસ

વીડિયો કૅપ્શન, ઓમિક્રૉનના વધતાં કેસ વચ્ચે ઑસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રતિબંધો હળવા કર્યા

ગુજરાતમાં પહેલી જાન્યુઆરીએ ઓમિક્રૉન વૅરિયન્ટનો માત્ર એક કેસ નોંધાયો હતો. આ કેસ સાથે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટનાં કુલ કેસની સંખ્યા વધીને 136 પર પહોંચી હતી.

ત્યાર બાદ શનિવારે રાજ્યમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 32 કેસ નોંધાયા છે. જેની સાથે આ વૅરિયન્ટના કુલ કેસની સંખ્યા વધીને 236 પર પહોંચી છે.

જોકે, પહેલી જાન્યુઆરી સુધીમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 136 દર્દીઓમાંથી 65 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા હતા. જ્યારે એકથી આઠ જાન્યુઆરી દરમિયાન વધુ 102 દર્દીઓ સ્વસ્થ સાજા થયેલા ઓમિક્રૉનના દર્દીઓની સંખ્યા 167 થઈ છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો