'મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ', ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો આક્ષેપ - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભાજપના રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી તાજેતરમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને મળ્યા હતા.

જે બાદ તેમણે નિવેદન આપ્યું છે કે અર્થતંત્ર, સીમાસુરક્ષા સહિત લગભગ તમામ મોરચે મોદી સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે બુધવારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે મુલાકાત થઈ હતી.

આ મુલાકાત બાદ ગુરુવારે સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

તેમણે ટ્વીટ કર્યું કે મોદી સરકાર અર્થતંત્ર અને સીમાસુરક્ષાના મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે.

તેમણે અફઘાનિસ્તાનના મુદ્દાને સંભાળવાની બાબતને 'ફિયાસ્કો' ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે પેગાસસ જાસૂસીકાંડ મામલે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.

આ ઉપરાંત તેમણે દેશની આંતરિક સુરક્ષા મામલે કાશ્મીરની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્નો કર્યા છે.

EWS અનામતનાં ધોરણોમાં થઈ શકે છે ફેરફાર

કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ આર્થિક દૃષ્ટિએ પછાત વર્ગ EWS અંતર્ગત વધારે લોકોને ફાયદો મળે, તે માટે EWSનાં ધારાધોરણો અંગે પુનઃ વિચારણા કરશે.

EWS વર્ગ માટે રૂપિયા આઠ લાખની વાર્ષિક આવકની મર્યાદા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આ વાત કહી હતી.

કેન્દ્રએ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ચાર અઠવાડિયાંનો સમય માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે, ત્યાં સુધી નીટનું કાઉન્સેલિંગ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે.

નીટના ઓલ ઇન્ડિયા ક્વૉટામાં ઓબીસીને 27 ટકા અને EWSના ઉમેદવારોને 10 ટકા અનામત આપવાની અધિસૂચનાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આર્થિક રીતે પછાત વર્ગ માટેની વાર્ષિક આવકમર્યાદાની તર્કસંગતતા અંગે સવાલ ઊભો કર્યો હતો.

જેના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને કેન્દ્ર સરકારના કાયદા વિભાગના અધિકારીઓએ 4 અઠવાડિયાંમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની બાંયધરી આપી હતી.

મેઘાલયમાં એવું તો શું થયું કે કૉંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો TMCમાં જોડાઈ ગયા?

મેઘાલય કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ સંગમા અન્ય 11 ધારાસભ્યો સાથે તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. પાર્ટીના ધારાસભ્યોએ બુધવારે મોડી રાત્રે રાજ્યની વિધાનસભાના સ્પીકરને આ મતલબનો પત્ર સોંપ્યો હતો.

'ધ હિંદુ' ના અહેવાલ મુજબ, તાજેતરના ઘટનાક્રમ બાદ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એક પણ બેઠક જીતી નહીં શકનારી ટીએમસી રાજ્યમાં મુખ્ય વિપક્ષ બની જશે. જ્યારે કૉંગ્રેસ પાસે માત્ર પાંચ ધારાસભ્ય રહેવા પામશે.

એકસાથે બે-તૃતીયાંશ કરતાં વધુ ધારાસભ્ય પાર્ટી છોડી રહ્યાં હોવાથી તેમની ઉપર પક્ષાંતરવિરોધી કાયદો પણ લાગુ નહીં પડે.

ઑગસ્ટ મહિનામાં વિન્સેન્ટ પાલાને મેઘાલય કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, તે પછી મુકુલ સંગમા અને તેમની વચ્ચે ગતિરોધ ચાલુ હતો. સંગમાનું કહેવું હતું કે પાલાની નિમણૂક પહેલાં તેમની સાથે મસલત કરવામાં આવી ન હતી.

એ પછી ઑક્ટોબર મહિનામાં સંગમાએ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી તથા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી, જેથી તેમની નારાજગીને દૂર કરી શકાય. અમુક અંશે નારાજગી દૂર પણ થઈ હતી અને પેટાચૂંટણી દરમિયાન સંગમાએ કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ મમતા બેનરજીએ પાર્ટીનો વ્યાપ વધારવા કવાયત હાથ ધરી છે. તેમણે ભાજપને અટકાવવા માટે તમામ દળોના નેતાઓને ટીએમસીમાં આવકાર્યા હતા.

તાજેતરમાં કૉંગ્રેસના નેતા કીર્તિ આઝાદ અને તેમનાં પત્ની પૂનમ, હરિયાણા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર તથા જેડીયુના પવન વર્મા પાર્ટીમાં જોડાયા હતા.

2002 રમખાણોમાં મોદીની કાર્યવાહી મામલેની SIT તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં સવાલ

સુપ્રીમ કોર્ટમાં ગુજરાતનાં 2002નાં રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદી અને 63 આરોપીઓને SIT દ્વારા ક્લીનચિટ અપાયાના નિર્ણય વિરુદ્ધ ઝકીયા જાફરીના મામલાની સુનાવણીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તોફાનોને નિયંત્રણમાં લેવા માટે સમયસર સૈન્ય ખડક્યું હતું.

2002 રમખાણોમાં મોદીની કાર્યવાહી મામલેની SIT તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ઝકિયા જાફરીના વકીલે સવાલ સર્જ્યા છે.

હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ફાટી નીકળેલ તોફાનોને નિયંત્રણમાં લેવા એ જ દિવસે સૈન્ય તહેનાત કરી દેવાયું હતું.

SITની કામગીરીને પૂર્વાગ્રહયુક્ત ગણાવવું યોગ્ય ન હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ હતી કે SIT દ્વારા કરાયેલ તપાસના કારણે જ રાજ્યનાં તત્કાલીન મંત્રી માયા કોડનાણી સામે કાર્યવાહી કરાઈ હતી. તેમજ અન્ય પણ ઘણા લોકો જેમની ભૂમિકાની ગુજરાત પોલીસ દ્વારા તપાસ નહોતી કરાઈ તેમનાં નામ પણ સામેલ કરાયાં હતાં.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે જાફરીની ફરિયાદની તપાસ SITને સોંપાઈ હતી. જેમાં SITએ 8 ફેબ્રુઆરી, 2012ના રોજ પોતાના ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું હતું કે મોટા કાવતરાની ફરિયાદ ટકવાપાત્ર નથી.

મૅજિસ્ટ્રેટે SITના રિપોર્ટને પડકારતી ઝકીયાની અરજી ફગાવી દીદી હતી અને વર્ષ 2017માં ગુજરાત હાઇકોર્ટે પણ આ મામલે ઝકીયા જાફરીની અપીલ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

જે બાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જો હાલ જસ્ટિસ એ. એમ. ખાનવીલકરની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ ચલાવાઈ રહ્યો છે.

CSR ફંડ મેળવવાની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ઔદ્યોગિક અને વિકસિત રાજ્યની છાપ ધરાવતું ગુજરાતમાં માત્ર ઉદ્યોગક્ષેત્રે જ નહીં પરંતુ ઉદ્યોગો દ્વારા સામાજિક જવાબદારી માટે અપાતા ફાળા માટે એટેલે કે કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ મેળવવા બાબતે પણ ટોચનાં કેટલાંક રાજ્યોમાં સામેલ છે.

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતમાં CSR ફંડ તરીકે 676 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

આ યાદીમાં ગુજરાત મહારાષ્ટ્ર કરતાં પાછળ હતું. જ્યાં આ સમયગાળા દરમિયાન 1,272 કરોડ રૂપિયા CSR ફંડ તરીકે ખર્ચવામાં આવ્યા હતા.

અમદાવાદસ્થિત CSR રિસર્ચ અને સલાહકારી સંસ્થા CSR બૉક્સે તૈયાર કરાયેલ CSR આઉટલૂક રિપોર્ટ 2021 પરથી આ તમામ વિગતો સામે આવી છે.

નોંધનીય છે કે આ સંસ્થા ભારતનાં વિવિધ સ્ટૉક ઍક્સચેન્જમાં નોંધાયેલ ટોચની ખાનગી અને જાહેરક્ષેત્રની 201 કંપનીઓના વિશ્લેષણના આધારે આ પરિણામ મેળવ્યાં છે.

કાશ્મીરમાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ ઉગ્રવાદીઓનાં મૃત્યુ

શ્રીનગરના રામબાગ વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો સાથે થયેલ અથડામણમાં ત્રણ ઉગ્રવાદીનાં મૃત્યુ થયાં છે. પોલીસે એ નિવેદન જારી કરીને કહ્યું છે કે મૃત્યુ પામેલ ઉગ્રવાદીઓમાંથી એક લશ્કરે-એ-તૈયબા ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર પણ હતા.

પોલીસ રેકર્ડ અનુસાર મૃત્યુ પામેલા ત્રણ શખ્સ ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (TRF) સાથે જોડાયેલા હતા અને સુરક્ષાદળ અને સામાન્ય નાગરિકો પર કરાયેલા હુમલામાં સામેલ હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, “શ્રીનગરના રામબાગ વિસ્તારમાં અમને આતંકવાદીઓની પ્રવૃત્તિઓ અંગેની માહિતી મળી હતી. પોલીસની એક નાની ટુકડીએ એક સેન્ટ્રો કારને રોકવાની કોશિશ કરી પરંતુ અંદરથી ભારે ગોળીબાર થવા લાગ્યો. એ લોકો નાસી છૂટવાની કોશિશમાં હતા પરંતુ સામી કાર્યવાહી કરાઈ અને તેમાં ત્રણ આતંકવાદીઓનાં મૃત્યુ થયાં.”

પોલીસ રેકર્ડ અનુસાર મૃત્યુ પામેલ ઉગ્રવાદીઓમાંથી એક, મેહરાન યાસીનના અપરાધોનો ઇતિહાસ લાંબો રહી ચૂક્યો છે, તેમણે ઘણી ઉગ્રવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે.

તેઓ આ વર્ષે 7 ઑક્ટોબરના રોજ સરકારી સ્કૂલનાં પ્રાધ્યાપક સુપિન્દરકોર અને શિક્ષક દીપકચંદની હત્યા માટે જવાબદાર હતા. તેમણે 26 જૂન, 2021ના રોજ શ્રીનગરના બારબારશાહ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો જેમાં એક નાગરિક મુદાસિર અહમદ બટ્ટનું મૃત્યુ થયું હતું અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસ પ્રમાણે આ સિવાય, વધુ એક મૃત્યુ પામેલ ઉગ્રવાદી અરાફાત અહમદ ઉપર 16 ઑક્ટોબર, 2021ના રોજ પુલવામાં એક મજૂરની હત્યા સહિત ઘણી ઉગ્રવાદી પ્રવૃત્તિઓને અંજામ દીધાનો આરોપ છે.

પોલીસે કહ્યું કે ગાડીમાંથી ઘણાં હથિયાર અને આપત્તિજનક સામગ્રી મળી આવી હતી.

સ્વીડનમાં પ્રથમ વખત મહિલા વડાં પ્રધાને ગણતરીના કલાકોમાં રાજીનામું કેમ આપી દીધું?

સ્વીડનની સંસદે પ્રથમ મહિલા વડાં પ્રધાન મેગડેલિના ઍન્ડરસનના નામ ઉપર મંજૂરીની મહોર મારી દીધી હતી. તેમણે સ્ટિફન લૉફવેનનું સ્થાન લીધું હતું. પણ ગઠબંધન પક્ષે ટેકો પાછો લઈ લેતા તેમનું બજેટ પણ પાસ ન થઈ શક્યું અને તેને પગલે તેમણે રાજીનામું આપી દીધું.

સાત વર્ષથી નાણાં પ્રધાન એવા ઍન્ડરસન બુધવારના મતદાન દરમિયાન જીત્યા ન હતા, પરંતુ સ્વીડનના કાયદાની જોગવાઈને કારણે તેમનો વિજય થયો હતો. જે મુજબ મોટાભાગના સંસદસભ્યોએ તેમની વિરુદ્ધ મતદાન કરવાનું થતું હતું.

349 સભ્યોવાળી રિક્સડેક(સંસદમાં) તેમના 174 મત તેમની વિરુદ્ધ પડ્યા હતા, જ્યારે 57 ગેરહાજર રહ્યા હતા. 117 સંસદસભ્યોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું, આમ માત્ર એક મતથી તેમનો વિજય થયો હતો.

54 વર્ષીય ઍન્ડરસને વર્ષ 1996માં તત્કાલીન વડા પ્રધાન ગોરન પર્સનનાં સલાહકાર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. સ્વીડનમાં 100 વર્ષ અગાઉ મહિલાઓને મતાધિકાર મળ્યો હતો, પરંતુ પ્રથમ વખત કોઈ મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં.

જોકે સંસદનાં અરધોઅરધ સભ્યો મહિલા છે, તથા હાલમાં સંસદમાં સ્થાન ધરાવતી આઠ મુખ્ય પાર્ટીઓમાંથી છનાં વડાં મહિલા છે.

આવતાં મહિને સ્વીડનમાં કોરોનાના કેસ વધી શકે છે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે. વડાં પ્રધાન પદ માટે ઍન્ડરસનનું સમર્થન કરનારી મધ્યમમાર્ગી પાર્ટીએ તેમના બજેટને "વધુ પડતું ડાબેરી" ગણાવીને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી સત્તાનો તાજ ઍન્ડરસન માટે સુંવાળો નહીં હોય, એવું કેટલાક નિષ્ણાતો પહેલાથી જ માનતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો