You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના નૈનીતાલના ઘરમાં તોડફોડ અને આગચંપી - TOP NEWS
નૈનીતાલમાં કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘરે તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી છે.
તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાના ઘરનાં અમુક તસવીરો અને વીડિયો શૅર કરીને આની જાણકારી આપી છે.
આ તસવીરો અને વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેમના ઘરનો દરવાજો બળેલો છે, બારીઓ તૂટેલી છે અને આગ લાગેલી છે.
સલમાન ખુર્શીદે આ તસવીરો શૅર કરતા લખ્યું કે, "મને આશા હતી કે હું પોતાના એ મિત્રો માટે એ દરવાજા ખોલીશ જેમણે આ નિશાનીઓ છોડી છે. શું મારું એ કહેવું હજુ પણ ખોટું છે કે આ હિંદુ ધર્મ નથી."
"તો હવે આ આ પ્રકારનો વિવાદ છે. શરમજનક જેવા શબ્દ બેમતલબ થઈ ગયા છે. આ સિવાય મને હવે એ વાતની આશા છે કે આપણે એક દિવસ સાથે મળીને વિચાર કરી શકીએ છીએ અને વધુ કાંઈ નહીં તો અસંમત થવા માટે સંમત થઈ શકીએ છીએ."
સલમાન ખુર્શીદના નવા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'માં હિંદુત્વ અંગે લખેલી વાતને લઈને પાછલા અમુક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.
તેમનું આ પુસ્તક અયોધ્યાવિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે.
વિવાદ પુસ્તકના એક પાના પર હિંદુત્વ સાથે જોડાયેલી એક લાઇન પર છે. ભાજપ અને વીએચપી સાથે જોડાયેલા કેટલાક નેતાઓનો આરોપ છે કે પુસ્તકમાં હિંદુત્વના તાજા વર્ઝનની તુલના ચરમપંથી સમૂહ આઈએસઆઈએસ અને બોકો હરામ સાથે કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ સલમાન ખુર્શીદનો દાવો છે કે તેમણે પુસ્તકમાં 'હિંદુ ધર્મ'ને નહીં 'હિંદુત્વ'ને આઈએસઆઈએસ અને બોકો હરમ સાથે જોડ્યું છે. તેમને બંનેમાં સમાનતાઓની વાત કરી છે ના કે બંનેને એકસમાન ગણાવ્યાં છે. પુસ્તકમાં હિંદુ ધર્મ વિશે ઘણું સારું લખાયું છે. લોકોએ પુસ્તક આખું વાંચવાની જરૂર છે.
આ પુસ્તક આવ્યા પછીથી આ અંગે વિવાદ ચાલી રહ્યો છે. સલમાન ખુર્શીદ પર હિંદુઓની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
કોરોનામાં સ્વજનો ગુમાવનાર લોકોનો સહાયનાં ફૉર્મ માટે કલેક્ટર કચેરીએ ધસારો
કોરોનાના મૃતકોના સ્વજનોને પચાસ હજારની સહાય આપવામાં આવશે, એવા સમાચાર કેટલાંક માધ્યમો અને સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.
આથી અમદાવાદ કલેક્ટર કચેરીએ વહેલી સવારથી જ કોરોનામાં જીવ ગુમાવનારાઓના સ્વજનો પહોંચ્યા હતા. જોકે, તેમને ત્યાંથી ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું.
અમદાવાદ કલેક્ટરે સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, "જે સમાચાર વહેતા થયા હતા એનું ખંડન કરીએ છીએ. એ સમાચારને પગલે ગેરસમજણ ઊભી થઈ છે. સરકારમાંથી આ બાબતે કોઈ પણ સૂચના કે માર્ગદર્શન હજી સુધી આવ્યાં નથી. જ્યારે પણ સરકાર તરફથી અમને માહિતી મળશે ત્યારે કાર્ય થશે. હાલ એવી કોઈ સૂચના નથી."
અમદાવાદ કલેક્ટર કચેરીએ જે લોકો સહાયનાં ફૉર્મ મેળવવા આવતા હતા તેમને આપત્તિ વ્યવસ્થાપનનાં કાર્યાલયે મોકલવામાં આવતા હતા. ત્યાંના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "બપોર સુધીમાં અઢીસો - ત્રણસો લોકોને અમારે પાછા વાળવા પડ્યા છે."
રાહુલ ભાલેરાવ નામના એક યુવકે બીબીસીને જણાવ્યું કે, "મારા બા કોરોનામાં મૃત્યુ પામ્યાં હતાં. તેમની સહાયનું ફૉર્મ મેળવવા મેં મારી કંપનીમાં એક દિવસની રજા મૂકી હતી. હું એકાઉન્ટન્ટ તરીકે અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરું છું. મારે તો કલેક્ટર કચેરીનો ધક્કો થયો અને ખાલી હાથે પાછા ફરવું પડ્યું."
ફૉર્મ લેવા આવનારી કેટલીક વ્યક્તિએ એવું પણ કહ્યું હતું કે અમને આપત્તિ વ્યવસ્થાપનની કચેરી પરથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને કોવિડ-19 મૃત્યુ વિષયક ખાતરી સમિતિ પાસેથી એવું પ્રમાણપત્ર લઈને આવો કે સ્વજનનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે.
સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની દિલ્હી સરકારે કહ્યું, સંપૂર્ણ લૉકડાઉન માટે તૈયાર
દિલ્હીની કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે તેઓ રાજધાનીમાં સંપૂર્ણ લૉકડાઉન લાદવા માટે તૈયાર છે.
તેમણે સુપ્રીમ કોર્ટને એવું પણ કહ્યું છે કે લૉકડાઉનનો અર્થ તો જ રહેશે જો સંપૂર્ણ એનસીઆર એટલે કે નૅશનલ કૅપિટલ રિજનમાં લાદવામાં આવે.
એટલે કે આ માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણાની હદમાં આવતા નોઇડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં પણ લૉકડાઉન લાદવાની અરજ સરકાર દ્વારા કરાઈ છે.
વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે તેઓ કેન્દ્ર અને એનસીઆરનાં સંબંધિત રાજ્યોને નિર્દેશ આપે છે કે તેઓ આ સ્થિતિને પહોંચી વળવા માટે કેટલાક સમય માટે વર્ક ફ્રૉમ હોમને અપનાવે.
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાને મંગળવારે એક આપાતકાલીન બેઠક બોલાવવા કહ્યું છે.
આ મામલે આગામી સુનાવણી બુધવારે થશે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પડોશી રાજ્યોમાં પરાળ બાળવાથી દિલ્હી એનસીઆરમાં માત્ર 10 ટકા પ્રદૂષણ થાય છે, 75 ટકા પ્રદૂષણ ઉદ્યોગો, ધૂળ, વાહનો કે શહેરના પરિવહનથી થાય છે.
રાજકોટ, વડોદરામાંથી નૉન-વેજની લારીઓ હઠાવવા સામે 17 લાખ ફેરિયાઓની આંદોલનની ચીમકી
ગુજરાતમાં નૉન-વેજ, ઈંડાં અને ફાસ્ટ ફૂટની લારીઓ ચલાવતા 17 લાખ જેટલા ફેરિયાઓએ વડોદરા, રાજકોટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ ફેરિયાઓએ કહ્યું છે કે જો વડોદરા, રાજકોટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન લારીઓને હઠાવવાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલન કરશે.
ભાજપશાસિત મ્યુનિસિપલ કૉર્પોરેશન્સે રસ્તા પર ઈંડાંની અને નૉન-વેજ વાનગીઓ વેચતા ફેરિયાઓને હઠાવવાની ઝુંબેશ શરૂ કરી હતી.
અહેવાલ મુજબ સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશન પોતાના નિર્ણયને પાછો ખેંચે એવું લાગતું નથી, અને રેવન્યુ અને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
તો બીજી તરફ પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે આ નિર્ણય કૉર્પોરેશનના અધિકારીઓનું હોવાનું જણાવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય ભાજપનો નથી.
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે ફ્રી પ્રેસ જર્નલને જણાવ્યું, "હાલ રાજ્યકક્ષાએ આ નિર્ણય અમલમાં નથી લેવાયો. આ સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેટર્સના અંગત વિચારો હશે અને રાજ્યના સ્તરે ભાજપની આવી કોઈ યોજના નથી."
મહારાષ્ટ્રના અમરાવતીમાં લઘુમતી કોમની દુકાનોને નિશાન બનાવાઈ?
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના અમરાવતીમાં ભાજપ દ્વારા અપાયેલા બંધના એલાન બાદ આગચંપી અને તોડફોડમાં મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી.
કોતવાલી વિસ્તારમાં થયેલી હિંસા સંદર્ભે પોલીસ અધિકારીઓ કહ્યું હતું કે પોલીસકર્મીઓ કરતાં ભાજપ, બજરંગદળ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોની સંખ્યા ઘણી વધારે હતી.
તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, રાજકમલ ચોક પર એ લોકો ભેગા થયા હતા. ભીડમાંથી અમુક લોકો હિંસક થઈ ગયા, બે દુકાનો સળગાવી અને અન્ય કેટલીક દુકાનોને નુકસાન પહોંચાડ્યું, વાહનોને પણ આગ ચાંપી હતી.
તેમનું કહેવું છે કે આગચંપી અને તોડફોડના લગભગ બધા પીડિતો લઘુમતી સમુદાયના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો