મણિપુરમાં સેનાના કાફલા પર હુમલો, કર્નલ અને તેમના બાળક સહિત સાતનાં મૃત્યુ - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મણિપુરના ચુરચંદપુરમાં શનિવારે આસામ રાઇફલ્સના કાફલા પર થયેલા હુમલામાં એક કર્નલ, તેમનાં પત્ની અને આઠ વર્ષના પુત્ર ઉપરાંત આસામ રાઇફલ્સના ચાર જવાનોનાં મૃત્યુ થયાં છે.

આ હુમલામાં જેમણે જીવ ગુમાવ્યો તે કર્નલ વિપ્લવ ત્રિપાઠી 46 આસામ રાઇફલ્સના કમાન્ડિંગ ઑફિસર હતા.

અધિકારીઓએ જણાવ્યું છે કે આ હુમલો દિહેંગ વિસ્તારથી ત્રણ કિલોમીટર દૂર થયો છે, જેમાં અન્ય ચાર જવાનને ઈજા પણ થઈ છે.

મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનોના કાફલા પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનોના કાફલા પર હુમલો

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે આ એક કાયરતાપૂર્ણ હુમલો છે.

તેમણે કહ્યું કે, "મણિપુરના ચુરચંદપુરમાં આસામ રાઇફલ્સના કાફલા પર થયેલો હુમલો કાયરતાપૂર્ણ છે."

"દેશે પાંચ જવાનો ગુમાવ્યા છે, જેમાં કમાન્ડિંગ ઑફિસરના પરિવારનાં સભ્યોનાં પણ મૃત્યુ થયાં છે."

line

મહારાષ્ટ્રના અમરાવતીમાં બંધ હિંસક બન્યો

અમરાવતીમાં હિંસા

ઇમેજ સ્રોત, NITESH RAUT/BBC

ઇમેજ કૅપ્શન, હિંસા બાદ જિલ્લા પ્રશાસને સાવચેતીના પગલે આગલા આદેશ સુધી અમરાવતી શહેરમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં શુક્રવારે થયેલી તોડફોડના વિરોધમાં ભાજપ અને હિંદુ સંગઠનોએ શનિવારના બંધનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન શહેરમાં તણાવનો માહોલ રહ્યો હતો.

શનિવારે સવારે અમરાવતીમાં કેટલાક લોકોએ કથિત રીતે ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા બંધ દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું.

પ્રદર્શનકારીઓએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી અને બંધ હિંસક થઈ ગયો હતો.

આ દરમિયાન ભાજપ અને હિંદુ સમર્થક સંગઠનોએ પાકિસ્તાનવિરોધી નારા લગાવ્યા. જિલ્લાના તંત્ર દ્વારા સાવચેતી માટે આગામી આદેશ સુધી અમરાવતીમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે.

અમરાવતી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અમરાવતીના રાજકમલ ચોક પર સેંકડો લોકો હાથમાં ભગવા ઝંડા લઈને નારા લગાવતા દેખાયા હતા.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ સંયમ રાખવાની અપીલ કરતાં કહ્યું કે રાજ્ય સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે.

તેમણે કહ્યું કે નાગરિકોએ કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ, આ મામલે દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

line

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટે લૉકડાઉનનો વિકલ્પ આપ્યો

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણમાં વધારો થયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણમાં વધારો થયો છે

દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણ મામલે સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું છે કે, "સ્થિતિ એટલી ખરાબ છે કે અમારાં ઘરોમાં પણ અમારે માસ્ક પહેરવું પડી રહ્યું છે."

દિલ્હી અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાઢ અને દમ ઘૂંટે તેવું ધુમ્મસ છવાયેલું છે.

સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે કેન્દ્ર સરકારને એક આપાતકાલીન યોજના સાથે હાજર રહેવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટ કહ્યું કે જો આવશ્યક હોય તો વાહનો, ફટાકડા અને કારખાનાં અને ધૂળના કારણે થનારા પ્રદૂષણને ઘટાડવા માટે બે દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારને શહેરમાં વાયુ ગુણવત્તામાં સુધારા માટે આપાતકાલીન યોજના ઘડવા માટે કહ્યું છે. પોતાના આદેશમાં કોર્ટમાં કહ્યું કે અમને જણાવો કે તમે શું આપાતકાલીન ઉપાય કરશો?

કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં કહેવાયું કે પરાળ બાળવાથી રોકવા માટે પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ પાછલા પાંચ-છ દિવસમાં જે રીતે પ્રદૂષણ વધ્યું છે તેની પાછળ પંજાબમાં બાળેલી પરાળ મુખ્ય કારણ છે.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના સંદર્ભમાં કહ્યું કે પંજાબ સરકારે આ મુદ્દે કમર કસીને તૈયાર થવાની જરૂર છે. પંજાબમાં લોકો હજુ પણ ખેતરોમાં પરાળ બાળી રહ્યા છે.

કેન્દ્ર સરકારના આ જવાબ પર ચીફ જસ્ટિસે કહ્યું કે, "તમે પ્રદૂષણ માટે વધારાનું કારણ ખેડૂતો છે તેવું કેમ જણાવી રહ્યા છો? આ કુલ પ્રદૂષણનો ઘણો નાનો ભાગ છે. બાકીના પ્રદૂષણનું શું? દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તમે શું કરી રહ્યા છો? અમને રાજ્ય સરકાર કે કેન્દ્રથી કોઈ લેવાદેવા નથી, તમે અમને જણાવો કે તમારી તમારી પાસે શું નક્કર યોજના છે. બે-ત્રણ દિવસો વિશે નહીં."

જોકે આ દરમિયાન મોજૂદ રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે અમારું કહેવું એવું નથી કે પ્રદૂષણ માત્ર ખેડૂતોના કારણે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વાયુપ્રદૂષણના પડકારનો સામનો કરવા માટે આપાતકાલીન બેઠક બોલાવી છે.

આ બેઠકમાં મુખ્ય મંત્રી સહિત દિલ્હીના ડેપ્યુટી મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા, સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન, પર્યાવરણમંત્રી ગોપાલ રાય પણ સામેલ છે.

line

ફૂટપાથનો લારી-ગલ્લા માટે ઉપયોગ એ લૅન્ડ-ગ્રૅબિંગ સમાન ગુનો : રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતના મહેસૂલમંત્રીએ ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ પરની કાર્યવાહી વાજબી ગણાવી

ઇમેજ સ્રોત, Rajendra Trivedi/Facebook

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મહેસૂલમંત્રીએ ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ પરની કાર્યવાહી વાજબી ગણાવી

તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને રસ્તા પરથી નૉન-વેજ ફૂડની લારીઓ દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરી હતી.

જે બાદ કેટલાક ઉદારમતવાદીઓએ કૉર્પોરેશનના આ નિર્ણયની ટીકા કરી હતી.

હવે વડોદરામાં પણ સ્થાનિક તંત્ર દ્વારા રોડ-રસ્તા પર લારી ચલાવનાર લોકોને તેમની ફૂડ આઇટમને ઢાંકીને રાખવાના નિર્દેશ અપાયા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ આ કાર્યવાહીને વાજબી ઠેરવતાં ગુજરાતના કૅબિનેટકક્ષાના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, "ફૂટપાથ લોકોના ચાલવા માટે છે. તેના પર કોઈ લારી ચલાવવી, ભલે પછી તે નૉન-વેજ હોય કે વેજ તે લૅન્ડ-ગ્રૅબિંગ સમાન ગુનો છે."

ત્રિવેદીએ આગળ કહ્યું હતું કે, "નૉન-વેજ અને વેજિટેરિયન ફૂડના કારણે રસ્તા પર ઊડતો ધુમાડો રાહદારીઓની આંખમાં જાય છે. તેમણે રાજકોટ અને વડોદરાના મેયરોને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યાં હતાં."

હવે અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણાં શહેરોમાં હૉકર ઝોન માટે અલાયદી પૂરતી જગ્યાઓનો અભાવ છે, બેરોજગારીની સમસ્યા વ્યાપક છે ત્યારે કઈ દરેક વ્યક્તિ દુકાનમાં પોતાનો વ્યવસાય ચલાવવા માટે ખરેખર સક્ષમ છે.

line

મહિલાની કથિત જાતીય સતામણીના કેસમાં આરોપી નાયબ કલેક્ટર સસ્પેન્ડ

મહિલા અધિકારીની કથિત જાતીય સતામણીના કેસમાં અરવલ્લીના ડેપ્યુટી કલેક્ટર ફરજમોકૂફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા અધિકારીની કથિત જાતીય સતામણીના કેસમાં અરવલ્લીના ડેપ્યુટી કલેક્ટર ફરજમોકૂફ- પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મહિલા અધિકારીની કથિત જાતીય સતામણીના કેસમાં અરવલ્લીના નાયબ કલેક્ટર મયંક પટેલને શુક્રવારે ફરજમોકૂફ કરાયા હતા.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા પટેલને તેમની વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ અને બાદ થયેલી ધરપકડને પગલે અચોક્કસ મુદ્દત માટે ફરજમોકૂફ કરાયા છે.

નોંધનીય છે કે મંગળવારે અમદાવાદના સાઇબર ક્રાઇમ સેલ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.

તેમના પર એક મહિલા અધિકારી દ્વારા જાતીય સતામણી અને બદનક્ષીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે તેમની ધરપકડ બાદ હાલ તેઓ જામીન પર બહાર છે.

line

ચીન ભારતની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો : જનરલ બિપિન રાવત

જનરલ બિપિન રાવતે ચીનને ગણાવ્યો ભારત માટે સૌથી મોટો ખતરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જનરલ બિપિન રાવતે ચીનને ગણાવ્યો ભારત માટે સૌથી મોટો ખતરો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ગુરુવારે સાંજે યોજાયેલી ટાઇમ્સ નાઉ સમિટમાં જણાવ્યું હતું કે, "ચીન ભારતની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે અને આ ખતરો પાકિસ્તાનની સરખામણીમાં ઘણો મોટો છે."

આ સિવાય તેમણે આગળ કહ્યું હતું કે આપણો દેશ તેમની કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો જવાબ આપવા માટે સક્ષમ છે.

જનર બિપિન રાવતે આગળ કહ્યું કે, "જો ગલવાન જેવી ઘટના ફરી સર્જાશે તો તેમને પહેલાં આપ્યો હતો તેવો જ સજ્જડ જવાબ ફરી આપવામાં આવશે."

નોંધનીય છે કે ગત વર્ષે 15 જૂનના રોજ ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીન વચ્ચે હિંસાત્મક કાર્યવાહીની ઘટના નોંધાઈ હતી.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો