એ ઐતિહાસિક ઠરાવ, જેણે ચીનમાં જિનપિંગને શાસક તરીકે મજબૂત બનાવી દીધા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ એક "ઐતિહાસિક પ્રસ્તાવ" પસાર કરીને દેશના રાજકીય ઇતિહાસમાં શી જિનપિંગના દરજ્જાને એકદમ મજબૂત બનાવ્યો છે.

પક્ષનાં 100 વર્ષના ઇતિહાસનો સારાંશ ધરાવતા આ પ્રસ્તાવમાં તેમની મહત્ત્વની સિદ્ધિઓ તથા ભાવિ લક્ષ્યાંકોનો આલેખ છે.

પક્ષની સ્થાપના પછી આ પ્રકારનો આ ત્રીજો દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો છે. આવો પહેલો દસ્તાવેજ માઓ ઝેદોંગે 1945માં, જ્યારે બીજો દસ્તાવેજ દેંગ ઝિયાઓપિંગે 1981માં બહાર પાડ્યો હતો.

શી જિનપિંગ આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરનારા પક્ષના ત્રીજા નેતા બન્યા છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરનારા પક્ષના ત્રીજા નેતા બન્યા છે

ત્રીજો પ્રસ્તાવ, ચીનની સૌથી મહત્ત્વની રાજકીય બેઠકો પૈકીની એક ગણાતા પક્ષના છઠ્ઠા સંપૂર્ણ અધિવેશનમાં ગુરુવારે પસાર કરવામાં આવ્યો હતો.

શી જિનપિંગ આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરનારા પક્ષના ત્રીજા નેતા બન્યા છે. આ પગલાનો હેતુ શી જિનપિંગને પક્ષના સ્થાપકો માઓ અને તેમના અનુગામી દેંગના સમકક્ષ નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.

કેટલાક નિરીક્ષકો આ પ્રસ્તાવને ચીની નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી દાયકાઓ જૂની વિકેન્દ્રીકરણની પ્રક્રિયાને અટકાવવાનો શીનો નવીનતમ પ્રયાસ ગણી રહ્યા છે.

વિકેન્દ્રીકરણની પ્રક્રિયા દેંગના કાર્યકાળમાં શરૂ થઈ હતી અને જિયાંગ ઝેમિન જેવા અન્ય નેતાઓએ આગળ ધપાવી હતી.

તાજેતરનો પ્રસ્તાવને ચીન વ્યક્તિ આધારિત નેતાગીરીના યુગમાં પાછું ફરી રહ્યાનો સંભવિત સંકેત પણ માનવામાં આવે છે.

બંધ બારણે યોજાયેલી ચાર દિવસની આ બેઠકમાં પક્ષની કેન્દ્રીય સમિતિના 370થી વધુ કાયમી તથા હંગામી સભ્યોએ હાજરી આપી હતી.

આવતા વર્ષના રાષ્ટ્રીયસ્તરના અધિવેશન પહેલાં પક્ષના નેતાઓની આ છેલ્લી મહત્ત્વની બેઠક હતી. આગામી વર્ષના અધિવેશનમાં પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત તરીકે ચૂંટાવાની શીની મહેચ્છા છે.

રાષ્ટ્રપ્રમુખપદ પર મહત્તમ બે મુદ્દતની મર્યાદાના નિયમને ચીને 2018માં રદ કર્યો હતો. એ સાથે શી જિનપિંગને આજીવન સત્તા પર રહેવાની છૂટ મળી હતી.

line

આ પ્રસ્તાવ મહત્ત્વનો શા માટે?

શી જિનપિંગનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે ચીન એક વૈશ્વિક શક્તિ બની ગયું છે, જેની થોડા દાયકાઓ પહેલાં માત્ર કલ્પના જ કરી શકાતી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે ચીન એક વૈશ્વિક શક્તિ બની ગયું છે, જેની થોડા દાયકાઓ પહેલાં માત્ર કલ્પના જ કરી શકાતી હતી.

નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ સત્તા પરની શીની પકડને નિશ્ચિત રીતે જ મજબૂત બનાવે છે.

ચીનના વર્તમાન પ્રવાહો વિશેની સમાચારપત્રિકા ચાઇના નીકનના તંત્રી આદમ નીએ કહ્યું હતું કે "શી ખુદને ચીનની રાષ્ટ્રીયયાત્રાના મહાકાવ્યના હીરો તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે."

આદમ નીએ ઉમેર્યું હતું કે "પોતાને પક્ષ તથા આધુનિક ચીનની ભવ્ય કથાના કેન્દ્રમાં મૂકતાં ઐતિહાસિક પ્રસ્તાવને આગળ ધપાવીને શી તેમની પહોંચ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રસ્તાવ તેમના માટે સત્તા જાળવી રાખવાનું એક સાધન પણ છે."

સિંગાપુરની નેશનલ યુનિવર્સિટીના ડૉ. ચોંગ જા ઇયાને જણાવ્યું હતું કે નવીનતમ પગલું શીને ચીનના અન્ય પુરોગામી નેતાઓથી અલગ સ્થાને સ્થાપિત કરે છે.

ડૉ. ચોંગે કહ્યું હતું કે "હું જિન્તાઓ અને જિયાંગ ઝેમીન જેવા અગાઉના નેતાઓ પાસે શી જેટલી વ્યાપક સત્તા ક્યારેય ન હતી. અલબત્ત, આવું કરવાની તક મળી હોત તો એ બન્ને નેતાઓએ આમ કર્યું હોત કે નહીં તે સ્પષ્ટ નથી."

ડૉ. ચોંગે ઉમેર્યું હતું કે "વર્તમાનમાં એક વ્યક્તિ તરીકે શી જિનપિંગને ઔપચારિક રીતે સંસ્થાગત બની જાય એટલી હદે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે."

line

ચીનનો ભૂતકાળ

કેટલાક નિરીક્ષકો આ પ્રસ્તાવને, ચીની નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી દાયકાઓ જૂની વિકેન્દ્રીકરણની પ્રક્રિયાને અટકાવવાનો શીનો નવીનતમ પ્રયાસ ગણી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક નિરીક્ષકો આ પ્રસ્તાવને, ચીની નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી દાયકાઓ જૂની વિકેન્દ્રીકરણની પ્રક્રિયાને અટકાવવાનો શીનો નવીનતમ પ્રયાસ ગણી રહ્યા છે

અગાઉ આ પ્રકારના પ્રસ્તાવ જેમણે પસાર કરાવ્યા હતા તે દેંગ અને માઓ બન્નેએ, તેનો ઉપયોગ અતીતને પાછળ છોડવાના સાધન તરીકે કર્યો હતો.

1945માં પક્ષના અધિવેશનમાં સ્વીકારવામાં આવેલા પ્રથમ પ્રસ્તાવે માઓને તેમનું નેતૃત્વ મજબૂત બનાવવામાં મદદ કરી હતી, જેથી તેઓ સંપૂર્ણ અધિકાર સાથે 1949માં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના નિર્માણની જાહેરાત કરી શકે.

1978માં નેતૃત્વ સંભાળ્યા પછી દેંગે 1981માં બીજો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ પ્રસ્તાવમાં તેમણે 1966થી 1976 સુધીની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાનની માઓની "ભૂલો"ની ટીકા કરી હતી.

એ "ભૂલો"ને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યાં હતાં. દેંગે ચીનમાં આર્થિક સુધારાનો પાયો પણ નાખ્યો હતો.

આદમ નીના જણાવ્યા મુજબ, અગાઉના પ્રસ્તાવોથી વિપરીત, શી જિનપિંગ તેમના સંકલ્પોના સાતત્ય પર ભાર મૂકી રહ્યા છે.

વીડિયો કૅપ્શન, ચીનના કરજાના ચક્કરમાં કઈ રીતે બીજા દેશો ફસાઈ રહ્યા છે?

શી જિનપિંગનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે ચીન એક વૈશ્વિક શક્તિ બની ગયું છે, જેની થોડા દાયકાઓ પહેલાં માત્ર કલ્પના જ કરી શકાતી હતી.

ડૉ. ચોંગે કહ્યું હતું કે "દેશ અત્યારે એક એવા બિંદુ પર પહોંચી ગયો છે કે જ્યાંથી તે પોતાના અર્થતંત્ર, સૈન્ય તથા મહત્ત્વની એક શક્તિ તરીકેના પોતાના દરજ્જાનું મૂલ્યાંકન કરી શકે છે. એ બધાની સાથે ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી અને તેનું નેતૃત્વ ગાઢ રીતે સંકળાયેલું છે."

તેમણે ઉમેર્યું હતું કે "ચોક્કસ સંદર્ભમાં વિચારીએ તો શી જિનપિંગના નેતૃત્વ હેઠળની ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી પક્ષ તથા ચીન માટે સિદ્ધિના શિખરે પહોંચી ગઈ છે."

તેમ છતાં રાજકારણ "આશ્ચર્ય" સર્જી શકે છે, એવું નિષ્ણાતો માને છે અને શી જિનપિંગ લાંબા સમય સુધી દેશનું નેતૃત્વ સંભાળતા રહેશે તેના બધા પુરાવા હોવા છતાં કંઈ પણ થઈ શકે છે.

આદમ નીએ કહ્યું હતું કે "ચીનનું કુલીન રાજકારણ અપારદર્શી છે. તેમાં એવું ઘણું છે, જે આપણે જાણતા નથી."

(બીબીસીના યિપ વૈયીના અહેવાલના આધારે)

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો